ઉપરવાસ (કથાત્રયી)

January, 2004

ઉપરવાસ (કથાત્રયી) (1975) : સાહિત્ય અકાદમી, દિલ્હીના પારિતોષિકની વિજેતા કૃતિ. ગુજરાતી નવલકથાકાર રઘુવીર ચૌધરી(જન્મ 1938)ની આ નવલત્રયીના ત્રણ ભાગનાં નામ છે ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’. આ બૃહત્ નવલ છે. તેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ગ્રામજીવનની અઢી-ત્રણ દાયકાની વિકાસગાથાનું આલેખન છે.

સાબરમતીના ઉપરવાસથી નજીકના પોતાના વતનપ્રદેશને લેખકે આ કથાત્રયીની જીવંત પશ્ચાદભૂ તરીકે રજૂ કર્યો છે. એ સમગ્ર ગ્રામીણ ઇલાકાના લોકજીવનને કેન્દ્રમાં રાખીને એક કુટુંબની ત્રણ પેઢીઓની કથા નિરૂપી છે. પિથુ ભગતની આથમતી પેઢી અને એમના દીકરા નરસંગની વર્તમાન પેઢીની કથા ‘ઉપરવાસ’થી આરંભાય છે. નરસંગની દીકરી હેતીને રમણલાલ જોડે પરણાવી છે. આઝાદી પછી કૉંગ્રેસના સક્રિય રાજકારણના પડઘા ગામડાં સુધી પડે છે અને રમણલાલ ચૂંટણી લડે છે. આમ શહેરી જીવન સાથે બદલાતો ગ્રામસમાજ કથાત્રયીમાં પ્રવેશ કરે છે. 1947થી 1972 સુધીના સંક્રાન્તિકાળમાં એક પ્રદેશવિશેષની બદલાતી આવતી તાસીરો ઉપસાવતી આ કથાત્રયીને લેખકે ‘વતનની આત્મકથા’ કહેવાનું પસંદ કર્યું છે.

આંજણા કોમના સામાજિક તથા કૌટુંબિક વ્યવહારો, રીતરિવાજો, ધંધા અને ધર્મની ગતિવિધિઓ, જૂની-નવી પેઢીના સંબંધો અને સંઘર્ષો, સારી રીતે જીવવા મથતાં કુટુંબોને વાંકાબોલા અને ભ્રષ્ટ લોકો સાથે કરવી પડતી માથાઝીંકો વગેરે કથાત્રયીનો મોટોભાગ રોકે છે. આ ઉપરાંત પ્રદેશજીવનનું સમગ્ર ચિત્ર એના તળપદા સ્વરૂપે તેમાં ઊપસી આવ્યું છે.

સ્વતંત્રતા પછીની ચૂંટણીઓના કાવાદાવાએ એકત્વથી જીવતાં ગામડાંને છિન્નભિન્ન કરી મૂક્યાં. ગ્રામવિકાસની યોજનાઓ, સહકારી પ્રવૃત્તિઓ, પ્રૌઢશિક્ષણ, પંચાયતની ચૂંટણીઓ વગેરેએ ગામડાંનો ચહેરો બદલી નાખ્યો. વાહનવ્યવહાર વધતાં ગામડાંમાં શહેરો પેસે છે. આનાથી વ્યક્તિજીવન બદલાય છે. યંત્રઉદ્યોગો, યાંત્રિક ઓજારો તથા વીજળી અને રાસાયણિક ખાતરોએ ખેતીને  પણ બદલી નાખી. પિથુ ભગતની ત્રીજી પેઢી આ પરિવર્તનોની સાક્ષી બને છે અને છેવટે એ પેઢીના પગમાં જ નવો યુગ ઊભેલો દેખાય છે. એની સારીનરસી બાબતો અને બળતરાઓ વગેરે સામગ્રીનો વિનિયોગ કરીને રઘુવીર ચૌધરીએ કરવટ બદલતા ગ્રામીણ ઇલાકાનું યથાર્થવાદી ચિત્ર આપ્યું છે. લેખકે ગોઠવણોથી કામ પાડ્યું છે. સર્જકતા પાસેથી ઝાઝી મદદ લીધી નથી. તળભાષાને થોડી મઠારી છે ને કથક તરીકે એમણે માન્ય ભાષાને વાપરી છે.

નવલકથાના ત્રીજા ભાગ ‘અંતરવાસ’માં લવજીનું પાત્ર ધ્યાન ખેંચે છે. એ ભણીગણીને શહેરમાં જઈ વસે છે. પરદેશ ગયો છે ને પાછો આવવાનો હોય છે. ગામડું છોડી શહેરમાં વસતા અને તોય ગામડાને ભૂલી ન શકતા, શહેરના વિસંવાદી વાતાવરણમાં ગોઠવાઈ ન શકતા બુદ્ધિમાન છતાં સંવેદનપટુ યુવાનની એકલતા તે લવજીની એકલતા છે. વતનનું કરુણગર્ભ કાવ્ય એની સંવેદનામાંથી આથમતું નથી. એ સતત જીવે છે પેલી સંબંધવિચ્છેદની લાગણીથી. ક્યારેક લેખક-પાત્ર વચ્ચેનું તાટસ્થ્ય જોખમાતું જણાય છે.

કૃતિ પાત્રપ્રધાન નથી. પ્રસંગો પણ ઘણા છે. કેટલીક વિગતો સામગ્રી રૂપે જ રહી જાય છે, તેમ કેટલુંક અપ્રસ્તુત પણ વધારે જગા રોકે છે. આવી મર્યાદાઓ છતાં ‘ઉપરવાસ’ કથાત્રયી અનુભવમૂલક પ્રમાણભૂતતા, નિરૂપણની પ્રત્યક્ષતા તથા માનવવ્યવહારોની પરખ આદિથી સંતર્પક બની છે. 2001માં આ નવલત્રયીની નવી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે.

મણિલાલ હ. પટેલ