ઉપદંશ (syphilis) : લિંગીય (sexual) સંસર્ગથી ફેલાતો ચેપી રોગ. તેને ચાંદીનો રોગ, ફિરંગ-રોગ તથા ટાંકી પણ કહે છે. તે ટ્રીપોનેમા પેલિડમ (Treponema Pallidum) નામના કુંતલાણુ (spirochetes) તરીકે ઓળખાતા સૂક્ષ્મ સર્પાકાર સજીવોથી ઉત્પન્ન થાય છે. લિંગીય સંસર્ગ સિવાય પણ તે ફેલાય છે, જેમ કે ચુંબન દ્વારા અથવા તો ઉપદંશના દર્દીનું લોહી અન્ય કોઈને આપવામાં આવે તોપણ તે થાય છે. સગર્ભા સ્ત્રીના ગર્ભમાં પણ તે પ્રસરે છે. આમ ઉપદંશ જન્મજાત (congenital) અથવા તો જીવનમાં પાછળથી લિંગીય સંસર્ગથી મેળવેલો ઉપાર્જિત રોગ છે. તે વિવિધ તબક્કાઓમાં જુદા જુદા સ્વરૂપે દેખા દે છે. તેનાં ચિહનો અને લક્ષણો પરથી તેનો તબક્કો અને પ્રકાર સમજવા માટે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે.

સારણી 1 : ઉપદંશના પ્રકાર/તબક્કાઓનું વર્ગીકરણ

(ક) ઉપાર્જિત (acquired) અથવા જીવન દરમિયાન ચેપ દ્વારા પ્રાપ્ત
(1) શરૂઆતના તબક્કાઓ
(i) પ્રથમ તબક્કો
(ii) દ્વિતીય તબક્કો
(2) મોડેથી દેખાતા તબક્કાઓ
(i) સુષુપ્તાવસ્થા
(ii) સામાન્ય તૃતીય તબક્કો
(iii) હૃદય અને રુધિરવાહિનીઓનો ઉપદંશ
(iv) મગજનો ઉપદંશ
(ખ) જન્મજાત અથવા ગર્ભાશયમાંના જીવનકાળ દરમિયાન પ્રાપ્ત
(1) શરૂઆતના તબક્કા
(2) મોડેથી દેખાતા તબક્કા

ઉપદંશની વ્યાપકતાનો ઇતિહાસ અગાઉના સમયના મૃતદેહોનાં હાડકાંના અભ્યાસથી તથા તે સમયનાં તબીબી પુસ્તકો પરથી જાણી શકાય છે. પ્રાચીન ઇજિપ્તમાં અસ્તિત્વમાં ન હતો અથવા તો તેની તે સમયે જાણકારી ન હતી. સોળમી સદીમાં તે યુરોપ, અમેરિકા અને ચીનમાં વ્યાપકપણે જોવા મળ્યો હતો. ચીનમાં તે યુરોપથી કેન્ટોન બંદરે વહાણના મુસાફરો દ્વારા પ્રવેશ્યો. ચીની તબીબીશાસ્ત્રમાં તેના બધા પ્રકારો અને તબક્કાઓની જાણકારી ઉપલબ્ધ છે. કોલંબસના વહાણવટીઓ તેનો ચેપ અમેરિકાથી લાવ્યા, ત્યાં લઈ ગયા કે પછી તેની મુસાફરી પહેલાં બંને ખંડોમાં તે ઓછા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતો હતો તે વિશે નિષ્ણાતોમાં મતભેદ છે. જોકે પછી તેનો વાવર રૂપે સમગ્ર યુરોપમાં ફેલાવો થયો હતો. તેનું કારણ તે સમયની યુદ્ધસમયની સૈનિકોની હેરફેર હોઈ શકે. ત્યારે તેને નીપોલિટન રોગ કે મોર્બસ્ ગેલિકસ(morbus-gallicus)ના નામથી ઓળખવામાં આવતો. જોકે તેનું સૌપ્રથમ વર્ણન 1497માં વૅનિસના લિયોનિસેનસે કર્યું હતું. તે સમયે ફેલાયેલા વાવર(epidemic)માં જોવા મળેલાં ચિહનો પરથી અને તે સમયે કરેલા શબપરીક્ષણ (autopsy) દ્વારા તેણે માહિતી મેળવી હતી. 1546માં ગેરોલેમો ફ્રેકાસ્ટોરો(Gerolamo Fracastoro)એ એક કવિતા રૂપે તેનું પૂર્ણ વર્ણન કર્યું હતું. પુનરુત્થાનકાળના ગાળામાં આ રોગના નિદાન અને સારવારની પૂર્ણ જાણકારી હતી. જ્હૉન હંટરે (1728-93) ઉપદંશને પરમિયો (gonorrhoea) નામનો રોગ સમજીને પોતાના શરીરમાં તેનાં સૂક્ષ્મજંતુઓ દાખલ કર્યાં અને તેનાં ચિહનો અને લક્ષણો વર્ણવ્યાં. તેણે મોડેથી લીધેલી સારવારને કારણે તેને રોગથી થતી તકલીફ સહેવી પડી હતી. ફિલિપ રીકૉર્ડે (1799-1889) પરમિયો અને ઉપદંશ અલગ રોગો છે તેવું દર્શાવ્યું. 1905માં એફ. આર. સૌદિન (Schaudinn) અને હૉફમને (Hoffman) તેનાં સૂક્ષ્મજંતુઓને ઓળખી બતાવ્યાં હતાં.

(અ) જ્હૉન હંટર, (આ) સૌદ્દિન, (ઇ) લોહીમાં કુંતલાણુ, (ઉ) ઉપદંશનું ચાંદું.

સંસર્ગના 10થી 90 દિવસ પછી ઉપદંશ થાય છે. પ્રથમ તબક્કામાં સંસર્ગસ્થાને ચાંદું (chancre) પડે છે. સંસર્ગના સ્થાન પ્રમાણે આ ચાંદું જાતીય અંગો ઉપર, મોઢામાં, સ્તન ઉપર, આંગળી ઉપર, મળદ્વાર આગળ વગેરે સ્થાને થાય છે. ચાંદું એક હોય છે અને પીડારહિત હોય છે. ચાંદામાંથી સામાન્ય તરલસ્રાવ (serous discharge) થાય છે. ચાંદાનો નીચેનો ભાગ સખત હોય છે. કેટલાક દરદીઓને ચાંદાને અડીને આવેલી બીજી ચામડી ઉપર પણ ચાંદું પડે છે. ચાંદું થયા પછી 7થી 10 દિવસમાં તે ભાગની લસિકાગ્રંથિનો સોજો આવે છે. શોથગ્રસ્ત લસિકાગ્રંથિઓ છૂટી છૂટી રબર જેવી હોય છે અને તેમાં દુખાવો થતો નથી. ચાંદાની સારવાર કરવામાં ન આવે તોપણ ચાંદું મોટેભાગે 3થી 8 સપ્તાહમાં રુઝાઈ જાય છે અને ત્યાં નિશાન (scar) રહી જાય છે.

જો પ્રથમ તબક્કામાં યોગ્ય સારવાર ન કરાય તો દર્દીને બીજા તબક્કાનો ઉપદંશ થાય છે. દ્વિતીય તબક્કો પ્રથમ તબક્કા પછી બે મહિનાથી નવ મહિનામાં થાય છે. આ તબક્કામાં દર્દીને માથાનો દુખાવો, થોડો તાવ, નબળાઈની ફરિયાદ હોય છે. દર્દીના આખા શરીરે લાલ રંગનાં ચકામાં થાય છે. દર્દીને શરીરે શીળસ કે અળાઈ જેવા લાલ ડાઘ પણ થાય છે. આવા ડાઘમાં દુખાવો કે ખૂજલી થતી નથી. દર્દીને હથેળીમાં તથા પગના તળિયે કાળા ડાઘ પડે છે. દર્દીના ગુપ્તભાગોમાં ભીનાશવાળી ચામડીના રંગની વિકૃતિઓ (condyloma lata) થઈ આવે છે. કેટલીક વખત આવી વિકૃતિઓ ગુદાદ્વારની આસપાસ, સ્તન નીચે, બગલમાં, પેઢામાં વગેરે સ્થાને પણ થાય છે. દર્દીનાં મોંમાં ચાંદાં પડે છે. તેના શરીરની બધી લસિકાગ્રંથિઓ ફૂલી જાય છે. ખાસ કરીને કોણી આગળની તથા બોચીની લસિકાગ્રંથિઓ ફૂલેલી હોય છે. દર્દીને આંખમાં લાલાશ, સાંધાનો દુખાવો, યકૃતનો સોજો, મૂત્રપિંડનો સોજો, માથાના વાળ ઓછા થઈ જવા વગેરે પણ થઈ શકે છે. દ્વિતીય તબક્કાની તકલીફોની સારવાર ન કરવામાં આવે તોપણ તે તબક્કો શમી જાય છે. આવા દર્દીઓમાં ઉપર જણાવેલી તકલીફો વારે વારે નવ માસ સુધી થઈ શકે છે.

મોડેથી થતો ઉપદંશ, રોગનાં 3થી 10 વર્ષ પછી થાય છે. આ તબક્કામાં મુખ્યત્વે ગાંઠો (gumma) થાય છે. આ ગાંઠો મોટેભાગે ચામડી, મોં અને નાકની શ્લેષ્મા તથા હાડકામાં થાય છે. આવી ગાંઠો હોજરી, યકૃત, આંતરડાં, સ્નાયુઓ, સાંધા વગેરે સ્થાનોમાં થઈ શકે છે. ચામડી ઉપરની ગાંઠો લાલાશ પડતી હોય છે અને એકસાથે જથ્થામાં હોય છે. આવી ગાંઠો એકબીજીને મળીને બંગડી આકાર બનાવે છે. આવી ગાંઠોમાં ચાંદાં પણ પડી શકે છે.

ઉપદંશના ત્રીજા તબક્કામાં દર્દીને રોગથી શરીરના અંદરના જે અવયવોને અસર થઈ હોય તે પ્રમાણે હૃદયનો રોગ, અંધાપો, બહેરાશ, ગાંડપણ, લકવો, વાંઝિયાપણું, વીર્યહીનતા વગેરે પણ થઈ શકે છે.

જો બાળકને ગર્ભાશયમાંના જીવન દરમિયાન આ રોગનો ચેપ લાગ્યો હોય તો તેનામાં રોગનાં લક્ષણો જન્મસમયે કે જન્મ પછી તુરત દેખાય છે. તેને જન્મજાત ઉપદંશ કહે છે. અહીં બાળકને આખા શરીરે ફોલ્લા, શીળસ જેવાં ચાઠાં કે ચકામાં થઈ શકે છે. આવા બાળકનો જન્મ અધૂરા મહિને થાય કે તે નબળું હોય તેવું પણ બની શકે. તેના નાક તથા મોંમાં અંદરની દીવાલમાં ચાંદાં પડે તથા બધી લસિકાગ્રંથિઓ ફૂલી પણ જાય. ક્યારેક બાળકમાં રોગનાં લક્ષણ જન્મ પછી બે વરસે દેખાય છે. આવા બાળકને બહેરાશ, આગળના દાંતમાં વિકૃતિ, સ્વચ્છાશોથ (keratitis), શરીરે ગાંઠો નીકળવી તથા હાડકાં અને સાંધાની વિકૃતિ વગેરે થાય છે.

ઉપદંશનું નિદાન બે રીતે થાય છે : (1) દર્દીના રોગવાળા ભાગમાંથી નીકળતા તરલસ્રાવની સૂક્ષ્મદર્શક વડે તપાસ કરતાં આ રોગમાં સર્પાકાર કુંતલાણુ દેખાય છે. (2) દર્દીના લોહીમાં પ્રતિદ્રવ્યો(antibodies)ની હાજરી માટે તપાસ કરવાથી દર્દીના શરીરમાં બે પ્રકારનાં પ્રતિદ્રવ્યો જોવા મળે છે. રિયેજિન નામના પ્રોટીન સામેનું પ્રતિદ્રવ્ય અને ખાસ ટ્રીયેનોમા સામેનું પ્રતિદ્રવ્ય. રિયેજિન પ્રતિદ્રવ્યની હાજરી વી.ડી.આર.એલ. કસોટી, કહાનની કસોટી તથા વૉશરમૅનની પ્રતિક્રિયા વગેરેથી તપાસાય છે. આવી તપાસ ઘણી વખત મલેરિયા, ક્ષય, ન્યુમોનિયા અને કોલેજન રોગોમાં પણ વિધેયાત્મક (positive) હોય છે. આવા દર્દીઓને ઉપદંશથી પીડાય છે એવું ખોટી રીતે નિદાન ન થઈ જાય તે સાચવવું જરૂરી બને છે.

પ્રતિદ્રવ્યની હાજરીની તપાસને ટ્રીપોનેમલ ટેસ્ટ કહે છે. ટ્રીપોનેમલ ટેસ્ટ ઉપદંશ તથા તેના જેવા યોઝ, પિન્ટા, બેજલ જેવા પણ ટ્રીપોનેમામાંથી થતા બીજા રોગોમાં વિધેયાત્મક પરિણામ આપે છે. આવી તપાસ માટે ટી.પી.આઇ., ટી.પી.એચ.એ. અને એફ.ટી.એ. કસોટીઓ ઉપલબ્ધ છે.

દર્દીને મગજમાં રોગની અસર થઈ હોય તો મગજ અને કરોડરજ્જુ ફરતે આવેલા પ્રવાહી(મેરુરજ્જુ –
મસ્તિષ્ક – તરલ, CSF)ની તપાસથી અને હાડકામાં અસર થઈ હોય તો ઍક્સ-રે ચિત્રણની તપાસથી નિદાન કરી શકાય છે.

રોગના પ્રથમ તબક્કાના પહેલા ત્રણ સપ્તાહ સુધી દર્દીના લોહીની તપાસનાં પરિણામો નકારાત્મક આવી શકે છે.

આ રોગની સારવારમાં પેનિસિલિન મુખ્ય દવા છે. દર્દીને પેનિસિલિનની ઍલર્જી નથી તે ચકાસી લેવું જરૂરી છે. દર્દીને મોટેભાગે બેથી ત્રણ સપ્તાહ જેટલા લાંબા સમય સુધી અસર કરતું પેનિસિલિન અપાય છે. ઉપદંશના શરૂઆતના તબક્કાઓમાં બેન્ઝેથાઇન પેનિસિલિનનું 24 લાખ યુનિટનું એક ઇન્જેક્શન અપાય છે, જ્યારે ઉપદંશના પાછળના તબક્કાની સારવારમાં બેન્ઝેથાઇન પેનિસિલિનના 24 લાખ યુનિટનું એક એવાં ત્રણ ઇન્જેક્શન એક એક અઠવાડિયાના અંતરે અપાય છે. આ સિવાય પી.પી.એફ. તથા પેનિસિલન-જી પણ આપી શકાય છે. જો દર્દીને પેનિસિલિનની ઍલર્જી હોય તો તેને 15 દિવસ સુધી ટેટ્રાસાઇક્લિન અથવા ઍરિથ્રૉમાયસિન નામની એન્ટિબાયૉટિક દવા અપાય છે. જો સગર્ભા સ્ત્રીની યોગ્ય સારવાર કરાય તો ગર્ભાવસ્થાનો ઉપદંશ તેનાં બાળકોમાં થતો અટકાવી શકાય છે. દર્દીની સારવાર સાથે સાથે તેના જીવનસાથી તથા જાતીય સંસર્ગમાં આવેલી કે આવતી બીજી વ્યક્તિઓની પણ યોગ્ય તપાસ કરી જરૂર પડ્યે સારવાર કરવામાં આવે છે.

અનુગ્રહ એ. પરીખ