ઉન્નીનિલિસદેશમ્

January, 2004

ઉન્નીનિલિસદેશમ્ : આશરે ચૌદમી સદીમાં લખાયેલું મલયાળમ ભાષાનું પ્રથમ સંદેશકાવ્ય. કાલિદાસના ‘મેઘદૂત’ના અનેક અનુકરણ થયાં તેમાં આ સર્વપ્રથમ છે. ઉન્નીનિલ એ સંદેશવાહક નહિ, પણ નાયિકા પોતે જ છે.

કોઈક અનિષ્ટ તત્વ (યક્ષી) રાતે નાયિકાની પથારીમાંથી નાયકને ઉઠાવી જઈ 100 માઈલ દૂરના સ્થળે મૂકી આવે છે. નાયિકા વૈકોમ ખાતે છે અને નાયકને તિરુવનંતપુરમ્ ખાતે એક મંદિરના પ્રાંગણમાં લઈ જવાયો હોય છે. લગભગ સવાર પડવા આવી છે અને મંદિરમાંથી પ્રાર્થના વગેરે સંભળાવા લાગે છે. નાયકને જાગતાંવેંત નવાઈ લાગે છે કે નાયિકાની પથારીમાંથી તે આટલે દૂર અહીં કેવી રીતે આવ્યો. મંદિરમાં નિત્યકર્મ પ્રમાણે દર્શન કરવા આવેલા આદિત્ય વર્માને તે જુએ છે અને વૈકોમ ખાતે રહેલી નાયિકાને પોતાનો સંદેશો લઈ જવા વીનવે છે. કાવ્યના પ્રથમ ભાગમાં મંદિરથી વૈકોમ સુધીના માર્ગનું વર્ણન છે.

કાવ્યના બીજા ભાગમાં સંદેશાનું તથા નાયિકાનાં ગ્લાનિ તથા કારુણ્યનું વર્ણન છે. બંને ભાગમાં થઈને 250 શ્લોક છે. પ્રાકૃતિક સ્થળો તથા વ્યક્તિઓનાં વર્ણન મનોહર અને કાવ્યમય છે.

પૂર્વકાલીન મણિપ્રવાલ કૃતિઓ(1300-1600)ની જેમ આ સંદેશકાવ્ય પણ કેરળમાં ત્યારે પ્રવર્તતી દેવદાસી-પ્રથાની પશ્ચાદ્ ભૂમિકામાં આલેખાયું છે. રાજવીઓ, ઉમરાવો, કવિઓ વગેરે દેવદાસીઓ તથા વારાંગનાઓ પ્રત્યે ત્યારે કેવાં રસિકતા અને શૃંગારભાવ દાખવતા હતા તેનું તાર્દશ-સરસ ચિત્ર કાવ્યમાં ઝિલાયું છે.

લગભગ બધા જ શ્લોકો મંદાક્રાંતામાં રચાયા છે. કથાવસ્તુ માન્યામાં ન આવે તેવું છે, પરંતુ તેમાં નિરૂપાયેલાં ભાવ, ઊર્મિ તથા લાગણીઓ મણિપ્રવાલ કૃતિઓ સાથે સુસંગત છે.

આ કૃતિ કર્તૃત્વ તથા રચના સાલ વગેરે વિગતની ર્દષ્ટિએ વિદ્વાનો માટે સમસ્યારૂપ બની રહી છે. કાવ્યમાંના ઐતિહાસિક તથા ખગોળશાસ્ત્રીય સંદર્ભો લક્ષમાં લેતાં આ કૃતિ ઈ. સ. 1350 અને 1365ના વચગાળામાં લખાઈ હોવાનું અનુમાન થયું છે.

અક્કવુર નારાયણન્