ઉધમસિંઘનગર : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 29o 00′ ઉ. અ. અને 79o 25′ પૂ. રે.ની આજુબાજુનો 2,027 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર બંદૂકને આબેહૂબ મળતો આવે છે. તેની ઉત્તર તરફ નૈનીતાલ જિલ્લો અને પિથોરાગઢ જિલ્લાનો કેટલોક ભાગ, પશ્ચિમ તરફ બિજનોર જિલ્લો, નૈર્ઋત્ય તરફ મોરાદાબાદ જિલ્લો તથા દક્ષિણ તરફ રામપુર જિલ્લો આવેલા છે. પૂર્વ તરફ તે નેપાળ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ રચે છે, જ્યાં શારદા નદી તેની વિભાજક રેખા બની રહેલી છે. આ જિલ્લાનું વડું મથક રુદ્રપુર ખાતે આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લાની ભૂમિનો સામાન્ય દેખાવ અગ્નિ દિશા તરફ ઢળતા મેદાન જેવો છે. અહીં જંગલોનું પ્રમાણ સારું છે. વનપ્રદેશ ઘાસનાં બીડ અને છોડવાથી આચ્છાદિત છે. અહીં પડતા ભારે વરસાદને કારણે ઘણો ભૂમિભાગ ભીનાશવાળો તથા પંકવાળો બની રહેલો છે. સરેરાશ વાર્ષિક વરસાદ વર્ષભેદે 1,372થી 1,626 મિમી. જેટલો પડે છે.

આ વિસ્તારની જમીનો અત્યંત ફળદ્રૂપ છે. તરાઈ પ્રદેશના ઉપરવાસની જમીનો આછી રેતાળ ગોરાડુ પ્રકારની છે. દક્ષિણ ભાગની જમીનો ફટકડીયુક્ત ઓછા સિલિકાદ્રવ્યવાળી છે, જેમાં જમીનનું નીચલું પડ સખત માટીનું બનેલું છે. જ્યાં જ્યાં થાળાં આવેલાં છે ત્યાં માટીનું સખત પડ અચૂક મળે છે. તરાઈના પશ્ચિમ ભાગમાં જમીન ઠીક ઠીક પ્રમાણમાં ઘેરી ગોરાડુ પ્રકારની છે, પરંતુ પૂર્વ ભાગમાંની જમીનો આછા રંગવાળી અને ચૂર્ણશીલ છે. જિલ્લામાં ઓછી વત્તી સિંચાઈસુવિધા મેળવતા ભાગો એકબીજાથી અલગ પડી જાય છે. સ્થાનિક લોકો તેને ભિન્ન ભિન્ન નામોથી ઓળખે છે.

ઉધમસિંઘનગર

જિલ્લામાં જોવા મળતા ભૂપૃષ્ઠની જુદી જુદી ઊંચાઈ તેમજ આબોહવાના તફાવતને કારણે અહીં પ્રાણીવૈવિધ્ય નજરે પડે છે. શારદા અને ગંગા નદીના વચ્ચેના ભાગમાં ઘણી સંખ્યામાં વન્ય હાથીઓ ફરતા દેખાય છે. તરાઈના મેદાની ઢોળાવોથી માંડીને ઊંચા ભાગમાં બધે જ વાઘ જોવા મળે છે. તરાઈમાં વસતા વાઘની લંબાઈ 3 મીટર જેટલી હોય છે. અન્ય પ્રાણીઓમાં હિમ-દીપડા, હિમાલયનાં કાળાં રીંછ, સાબર તથા પહાડી બકરાંનો સમાવેશ થાય છે.

જળપરિવાહ : જિલ્લાની પૂર્વ સીમા શારદા નદીથી બનેલી છે. પશ્ચિમ તરફ ઉત્તરથી દક્ષિણ તરફ વહેતી કોસી નદી પસાર થાય છે. અન્ય નદીઓમાં ફિકા, ગોલા, દેવહા અને કલોનાનો સમાવેશ થાય છે.

ખેતી : જિલ્લાના મોટાભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ઘઉં અહીંનો મુખ્ય કૃષિપાક છે. ડાંગર, મકાઈ, જવ, જુવાર અને બાજરી પણ થાય છે મસૂર, ચણા અને અડદ જેવા કઠોળ કેટલાંક સ્થળોમાં થોડા પ્રમાણમાં ઉગાડાય છે. શેરડી અને બટાટા અહીંના રોકડિયા પાકો ગણાય છે. જિલ્લાના કુલ વિસ્તારના 80 % ભૂમિભાગમાં ખેતી થાય છે. કાશીપુર, કિછા, સિતારગંજ અને ખતિમા તાલુકાઓમાં સિંચાઈનો લાભ મળે છે. જિલ્લામાં નહેરો અને ટ્યૂબવેલ મારફતે સિંચાઈની સગવડો પૂરી પાડવામાં આવે છે. કિછામાં ધૌરા, સિતારગંજમાં બેગુલ અને નાનકસાગર ખાતે તથા કાશીપુરમાં તુમારિયાનાં જળાશયોમાંથી નહેરોને પાણીનો પુરવઠો અપાય છે.

ગાય, ભેંસ અને ઘેટાં અહીંનાં મુખ્ય પશુઓ છે. પશુઓ માટે દવાખાનાં, ચિકિત્સાલયો અને કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો આવેલાં છે. આ કેન્દ્રો પશુઓના સ્વાસ્થ્યની કાળજી રાખે છે.

ઉદ્યોગો : અહીં મુખ્યત્વે ખેતી-આધારિત ઉદ્યોગો વિકસ્યા છે. જિલ્લામાં ઉગાડાતી શેરડી બાઝપુર, કાશીપુર અને કિછા ખાતેનાં ખાંડનાં કારખાનાંમાં ઉપયોગમાં લેવાય છે. સિતારગંજ અને ગદરપુર ખાતે નવાં કારખાનાં નંખાયાં છે. યુ. પી. ટેક્સટાઇલ કૉર્પોરેશન તરફથી કાશીપુર અને જશપુર ખાતે સ્પિનિંગ મિલ સ્થાપી છે. કાશીપુર ખાતે હિન્દુસ્તાન પેપર કૉર્પોરેશન તથા સૉલ્વન્ટ ઍક્સ્ટ્રેક્શન એકમ ઊભા કરવામાં આવ્યા છે. આ રીતે કાશીપુર જિલ્લો ઔદ્યોગિક મથક તરીકે ઊભરી આવ્યો છે. જિલ્લાના મહત્વના ગણાતા ઔદ્યોગિક એકમોમાં દોલત ઇલેક્ટ્રૉનિક્સ લિ., ઇસ્ટર ઇન્ડસ્ટ્રીઝ લિ., ઇન્ડિયા ગ્યાકોલ્સ લિ., ખૈતાન હોસ્તોમ્બની સ્પાઇનેલ્સ લિ., પૉલિપ્લેક્સ કૉર્પોરેશન લિ., પ્રકાશ પાઇપ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિ. તથા શ્રીરામ હૉન્ડા પાવર ઇક્વિપમેન્ટ લિ.નો સમાવેશ કરી શકાય.

વેપાર : બાઝપુર, ગરદપુર, જશપુર, કાશીપુર, ખતિમા, કિછા, રુદ્રપુર, સિતારગંજ, સુલતાનપુર અને તનાકપુર અહીંનાં નગરો છે, જ્યાંથી માલની હેરફેર જિલ્લામાં તેમજ જિલ્લા બહાર થાય છે. જિલ્લામાં ખાંડ, ડાંગર, ગોળ, છાપેલી રજાઈઓ, સ્ટ્રૉબૉર્ડ, આટો, સૉલ્વન્ટ તેલ, ટ્રૅક્ટરો, ટ્રૉલી, કૃષિ-ઓજારો, આઇસક્રીમ, મૅન્થૉલ વગેરેનું ઉત્પાદન લેવાય છે. નિકાસી માલમાં ખાંડ, ડાંગર, ચોખા, ઘઉં, શેરડી, મરચાં, લસણ, કોથમીર, પથ્થર, વનસ્પતિ ઔષધિ, હાથસાળનું કાપડ, લાકડું, તેલીબિયાં, ટ્રૅક્ટર, ટ્રૉલી, સૉલ્વન્ટ તેલ તથા આયાતી ચીજવસ્તુઓમાં મીઠું, ખાદ્યતેલ, સાબુ, દવાઓ, મસાલા, કઠોળ, ચામડાં, યાર્ન, કાપડ, ખાતર, શાકભાજી, ફળો, માછલી તેમજ લોખંડનો સમાવેશ થાય છે.

પરિવહન : આ જિલ્લામાં ત્રણ મીટરગેજ રેલમાર્ગોની સુવિધા છે : (i) મોરાદાબાદ-કાશીપુર-રામનગર, (ii) બરેલી-કિછા-હલદ્વાની-કાઠગોદામ, (iii) પિલિભીત-ખતિમા-તનાકપુર. બીજો એક મીટરગેજ રેલમાર્ગ કાશીપુર-સુલતાનપુર-બાઝપુર-લાલકુવા વચ્ચે ચાલે છે. આ જિલ્લામાંથી પશ્ચિમથી પૂર્વ તરફનો રાજ્ય ધોરી માર્ગ નં. 12 પસાર થાય છે, જે જિલ્લાના મોટાભાગના તાલુકાઓને તથા સમાજ વિકાસ ઘટકો તેમજ કેટલાંક નગરોને આવરી લે છે. આ ઉપરાંત બીજો એક રાજ્ય ધોરી માર્ગ નં. 41 કાશીપુરમાંથી પસાર થાય છે અને નૈર્ઋત્યથી ઉત્તર તરફના માર્ગે ઠાકુરદ્વારા(મોરાદાબાદ)ને સાંકળે છે. આ રીતે જોતાં જિલ્લામાં રેલમાર્ગો-સડકમાર્ગોની સગવડ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

પ્રવાસન : જિલ્લા ખાતે આવેલો કૉર્બેટ ઉદ્યાન – ‘વાઘ વિસ્તાર’ નામથી જાણીતો છે. વન્યજીવન-ચાહકો માટે આ સ્થળ ભારતભરમાં લોકપ્રિય થઈ પડ્યું છે. આ વન્યજીવન અભયારણ્ય કુમાઉં તળેટી-ટેકરીઓના 125 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. અહીં વાઘ, દીપડા, કાળાં રીંછ, હાથી, વિશાળ કદના નદી-કાચબા તેમજ બીજાં ઘણાં પ્રાણીઓ જોવા મળે છે. જંગલોમાં વિચરતાં હરણો નિહાળવા અહીં પ્રવાસીઓ માટે માંચડાઓ(watch towers)ની સુવિધા ઊભી કરવામાં આવેલી છે. અહીંનો વનવિસ્તાર લીલી વનસ્પતિથી સમૃદ્ધ છે. જાત જાતનાં પશુઓ પણ અહીં નિર્ભયપણે હરીફરી શકે છે. પ્રવેશ-દર, ભોમિયા-ખર્ચ, અવરજવર-ખર્ચ, આરામદાયક દસ કુટિરોની સુવિધા સહિત ધિકુલા મારફતે પ્રવાસી બસોનું આયોજન કરેલું છે. કુમાઉંનાં જંગલોના અત્યંત પ્રેમી અને શિકારસાહિત્યના લેખક બ્રિટિશ પ્રકૃતિવિદ જિમ કૉર્બેટની યાદમાં આ અભયારણ્યને નામ અપાયેલું છે. પ્રકૃતિવિદો માટે અહીંનાં જંગલો જોવાલાયક છે.

જિલ્લાનાં જુદાં જુદાં સ્થળો પર વારતહેવારે મેળાઓનું તેમજ ઉત્સવોનું આયોજન થાય છે.

વસ્તીલોકો : જિલ્લાની કુલ વસ્તી 16,48,902 (2011) જેટલી છે. હિન્દી અહીંની મુખ્ય ભાષા છે. બાઝપુર, ગરદપુર, જશપુર, કાશીપુર, ખતિમા, કિછા, રુદ્રપુર, સિતારગંજ, સુલતાનપુર અને તનાકપુર ખાતે પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ છે. કાશીપુર, રુદ્રપુર અને તનાકપુર ખાતે ઉચ્ચ શિક્ષણ માટે વિનયન, વિજ્ઞાન, વાણિજ્ય કૉલેજો, પૉલિટેકનિકની સગવડો મળી રહે છે. જિલ્લાનાં ઉપર્યુક્ત મુખ્ય નગરોમાં હૉસ્પિટલો-ચિકિત્સાલયો, ક્ષય-નિવારણ-કેન્દ્રો, પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો અને બાળકલ્યાણ-કેન્દ્રોની સુવિધા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લો ચાર તાલુકાઓમાં, સાત સમાજવિકાસ-ઘટકોમાં અને પંદર નગરોમાં વહેંચાયેલો છે. જિલ્લામાં આશરે 845 જેટલાં ગામડાં આવેલાં છે. બાઝપુર, ગદરપુર, જશપુર, કાશીપુર, ખતિમા, કિછા, રુદ્રપુર, સિતારગંજ, સુલતાનપુર, તનાકપુર, નાગલા, મહુઆ, ખેરાગંજ, બાંસબાડા, કેલા ખેરા, દાબડા-હિરાપુરા નગરોની વસ્તી એક લાખથી ઓછી છે.

ઇતિહાસ : 1995માં નૈનીતાલ જિલ્લાનું વિભાજન કરીને ઉધમસિંહનગર જિલ્લાની રચના કરવામાં આવેલી છે. માતૃજિલ્લાના કાશીપુર, કિછા, સિતારગંજ અને ખતિમા તાલુકાઓને છૂટા પાડીને નવો જિલ્લો બનાવાયો છે. અહીંનાં તરાઈનાં જંગલો અને મેદાની વિસ્તાર જૂના સમયથી જાણીતાં છે. તે ઉત્તર ભારતનાં સમર્થ સામ્રાજ્યો સાથે સંકળાયેલાં હતાં. મુઘલકાળ વખતે કુમાઉં અને રોહિલખંડના શાસકો વચ્ચે કિછા, સિતારગંજ અને ખતિમાના વિસ્તારોના શાસન અંગે ગજગ્રાહ ચાલ્યા કરતો હતો. આઈને અકબરીમાં કુમાઉંની સરકાર વિશે ઉલ્લેખ મળે છે કે રુદ્રચાંદે 1639માં તે વસાવેલું. બાઝબહાદુરચાંદે (મૃત્યુવર્ષ : 1698) શાહજહાંની દરમિયાનગીરીથી તરાઈનો પ્રદેશ પાછો મેળવેલો. કલ્યાણચાંદે રોહિલ્લાઓ સાથેની લડાઈઓ તેમજ અવધના નવાબના તેના પરના આક્રમણ બાદ 1730માં રુદ્રપુર અને કાશીપુરને પોતાને હસ્તક રાખ્યાં. ઉધમસિંહનગર જિલ્લાનો માતૃજિલ્લો નૈનીતાલ 1981ના ઑક્ટોબરની 15મીએ રચાયેલો.

ગિરીશભાઈ પંડ્યા