ઉદરરોગ (આયુર્વેદવિજ્ઞાન)

January, 2004

ઉદરરોગ (આયુર્વેદવિજ્ઞાન)  : મનુષ્યના પેટમાં આવેલ જુદાં જુદાં અંગોની રક્ષા કરનાર ઉદરાવરણના રોગો.

ઉદરરોગના બે મુખ્ય પ્રકારો છે. દોષોદર અને દુષ્યોદર. દોષોદરમાં – વાતોદર, પિત્તોદર, કફોદર અને સન્નિપાતોદર, – એ ચાર રોગોનો સમાવેશ થાય છે. દુષ્યોદરમાં – પ્લીહોદર, બદ્ધ ગુદોદર, પરિસ્રાવ્યુદર અને જલોદર એ ચાર રોગોનો સમાવેશ થાય છે. શરીરના વાત, પિત્ત અને કફ જેવા દોષોથી થયેલ પેટના રોગને ‘દોષોદર’ કહે છે. જ્યારે પેટની અંદર રહેલાં પ્લીહા (બરોળ), યકૃત (લિવર), આંતરડાં, મળ, અન્નરસ અને જળ જેવા પદાર્થોથી દૂષિત થવાથી થયેલ પેટનાં દર્દોને દુષ્યોદર કહે છે. યકૃત(લિવર)ને કારણે થયેલ યકૃદ્દાલ્યુદર રોગને પ્લીહોદર સાથે સાંકળી લીધો છે.

રોગનાં લક્ષણો : દોષોદર : (1) વાતોદર : શરીર સુકાય, કાળું પડે, પેટ ફાટી જાય તેવી પીડા થાય, પેટ ઘડીમાં મોટું થાય (ફૂલે), ઘડીમાં બેસી જાય, નખ, મળ, મૂત્ર અને ચામડી કાળા રંગનાં થાય. (2) પિત્તોદર : તાવ, બળતરા, તરસ, ઝાડા, ચક્કર આવવાં, મુખસ્વાદ તીખો જણાય. તથા નખ, આંખ, મુખ, ચામડી અને મળ-મૂત્ર પીળા કે લીલા રંગનાં થાય. (3) કફોદર : પેટ ભારે, ઠંડું અને કઠણ લાગે, પેટ ઉપર સફેદ રેખાઓ દેખાય, પેટ બહુ જ ભારે લાગે તથા નખ, નેત્ર, મળ-મૂત્ર અને ત્વચા સફેદ રંગનાં દેખાય. (4) સન્નિપાતોદર : વાયુ-પિત્ત અને કફ ત્રણેય દોષોનાં મિશ્ર લક્ષણો આ પ્રકારમાં જોવા મળે છે. દુષ્યોદર : (1) પ્લીહોદર : પેટના ડાબા પડખે (છાતીની છેલ્લી પાંસળી નીચે) રહેલ પ્લીહા (સ્પ્લીન/બરોળ)માં ગાંઠ થઈ તેનું કદ વધે છે. ઉદરાવરણમાં પાક-સોજો થાય છે. પ્લીહા કાચબાની પીઠ જેવી મોટી ને કઠણ થાય ને પાછળથી (અંદર) વધીને આખા પેટમાં ફેલાઈ જાય છે. તેથી દર્દીને મંદ તાવ, મંદાગ્નિ ખાસ થાય છે. રોગી નિર્બળ અને પીળા રંગનો થાય છે. યકૃદ્દાલ્યુદર : પેટના જમણા પડખે (છાતીની છેલ્લી પાંસળી નીચે) યકૃત (લિવર) અંગ કદમાં વધે છે. તે સ્પર્શમાં કઠણ અને મોટું જણાય છે. યકૃત વધવાથી દર્દીને વારંવાર શીત (મલેરિયા) તાવ અને મંદાગ્નિ રહે છે. મંદાગ્નિથી દર્દીને ઝાડા કે કબજિયાત થઈ શકે છે. (2) બદ્ધ ગુદોદર : આ રોગમાં દર્દીના મોટા આંતરડામાં મળ, અપચિત અન્ન – કચરો વગેરે ભરાઈ જવાથી, માર્ગમાં તે એકત્રિત થઈ, ગુદા દ્વારા ખૂબ મુશ્કેલીથી થોડો થોડો બહાર આવે છે. તેથી પેટ પર હૃદય અને નાભિની વચ્ચે ગાયના પૂંછડાની જેમ ભાગ ફૂલી જાય છે. અપાન વાયુ અને મળની પ્રવૃત્તિ બંધ જેવી થાય છે અને પેટ પર લાલાશ પડતો સોજો, અવરુદ્ધ સ્થાન નીચેનો ભાગ સાંકડો, પીળો અને કઠણ થાય છે. કદીક ઉદરાવરણ પડદામાં સોજો થાય છે. દર્દીને કદીક ઊલટી તથા પેટમાં-નાભિપ્રદેશમાં-શૂળ-પીડા થાય છે. (3) પરિસ્રાવ્યુદર (ક્ષતોદર : છિદ્રોદર) : અતિ કઠણ ખોરાક અને અપાચ્ય પદાર્થો (દા.ત., માંસાહારીઓમાં હાડકાના ટુકડા, શાકાહારીઓમાં ઘાસ તથા કાષ્ઠમય પદાર્થો કે કાંકરા) પેટના આંતરડામાં શલ્ય (પીડા) બની આંતરડાની દીવાલને ભેદીને તેમાં છિદ્ર પાડી દે છે. એ છિદ્ર વાટે પેટમાં જળ જેવા પ્રવાહીનો સ્રાવ ફેલાય છે અને તે ગુદા માર્ગેથી બહાર આવે છે. આ રોગથી નાભિની નીચેના ભાગમં પેટ ફૂલી જાય છે. પેટમાં સોય ભોંકાવા જેવી તથા કાપવા જેવી પીડા થાય છે. દોષાનુસાર દર્દીને લાલ, વાદળી, પીળા, ચીકણા, દુર્ગંધવાળા કાચા ઝાડા તથા હેડકી પણ થાય છે. (4) જળોદર (દકોદર : ascitis) : જળોદરને પેટના બધા રોગોનું અંતિમ પરિણામ ગણેલ છે. આયુર્વેદની પંચકર્મ પ્રક્રિયાઓ : સ્નેહપાન, અનુવાસન, બસ્તિ, વમન, વિરેચન કે નિરુહ થયા બાદ દર્દી જો તરત ઠંડા જળનું પાન કરે કે મંદાગ્નિમાં કાયમ ભારે-ચીકણા પદાર્થોનું સેવન કરે તો દર્દીની ઉદરાવરણકલા(પડદા)માં પાણીનો સંચય થવાથી પેટ ગાગર જેવું મોટું અને તંગ થાય અને ત્યારે તેને ‘જળોદર’ કહે છે. આ રોગમાં પેટ ચીકણું, કદમાં મોટું-ફૂલેલું અને પાણી ભરેલી મશકમાં જેમ પાણીના તરંગો ઊઠે છે તેમ પેટના એક પડખે આંગળી ટપારીએ તો બીજી બાજુ જળનો તરંગ ઊઠે છે. નાભિ બહાર નીકળે છે. દર્દીને ભોજન પ્રત્યે અરુચિ, ભૂખ ન લાગવી, તૃષા, પેટમાં શૂળ-ભાર, ચાલી ન શકાવું; પેટ ફૂલવું, ખાંસી, શ્વાસકષ્ટ, સર્વાંગ સોજા, પેટ હલાવતાં અંદરથી પાણીનો અવાજ ઊઠવો અને પેટની બહાર વાદળી રંગની શિરાઓ ઊપસી આવવી જેવાં લક્ષણો થાય છે.

સાધ્યાસાધ્યતા : ઉદરરોગોમાં વાયુ કરતાં પિત્તથી થયેલ, પિત્ત કરતાં કફથી થયેલ અને કફજ કરતાં પ્લીહા કે યકૃતથી થયેલ, અને યકૃત-પ્લીહોદર કરતાં ત્રિદોષજ (સન્નિપાતજ) અને તેનાથી થયેલ જલોદરનું દર્દ અનુક્રમે મટાડવાં વધુ મુશ્કેલ હોય છે. બદ્ધ ગુદોદર 15 દિનમાં ન મટે તો તે અસાધ્ય થાય છે. જલોદર તથા પરિસ્રાવી ઉદર પણ પ્રાય: અસાધ્ય ગણાય છે.

ચિકિત્સાસિદ્ધાંત : વાતોદર રોગી બળવાન હોય તો તેને સ્નેહપાન કરાવી, શેક કરીને એરંડિયા જેવા દ્રવ્યથી રેચ અપાય છે. સાથે પેટ ઉપર પાટો બંધાય છે. પિત્તોદરમાં દર્દીને ઘી-દૂધ જેવાં ઔષધો આપ્યા પછી વિરેચન (ઝાડા) કરાવાય છે. નબળા રોગીને દૂધની બસ્તિ (એનિમા) અપાય છે. કફોદરમાં તેલપાન, શેક પછી ઊલટીઓ, વિરેચન અને ગોમૂત્રપાન કરાવાય છે. બળવાન રોગીને રેચ અને બસ્તિ (એનિમા) અપાય છે અને તેના હાથની નસમાંથી લોહી કઢાય છે. અથવા ગોળ અને હરડે દરરોજ અપાય છે. જળોદરમાં પેટમાં પાણી બહુ ભરાયું હોય તો પેટમાં છિદ્ર કરી, પાણી બહાર કાઢી નંખાય છે તેમજ પાણી મૂત્રમાર્ગે બહાર નીકળે માટે શિલાજિત્, સાટોડી, ચંદ્રપ્રભા જેવાં ઔષધો અપાય છે. જળોદરમાં રેચક દવા ખાસ અપાય છે. જેથી સંચિત જળ ગુદામાર્ગેથી બહાર આવે છે. બદ્ધ ગુદોદરમાં પ્રથમ તીવ્ર રેચ અપાય છે, પણ તેથી ન મટે તો પછી શસ્ત્રકર્મ (સર્જરી) કરાવાય છે. છિદ્રોદરમાં શસ્ત્રકર્મ (સર્જરી) જ શ્રેષ્ઠ ઉપાય છે.

ઔષધચિકિત્સા : તમામ ઉદરરોગોમાં અનુભવી વૈદ્યો કુમાર્યાસવ તથા આરોગ્યવર્ધિનીરસ આ બે દવાઓ અચૂક વાપરે છે. કેમ કે તેના પ્રયોગથી બધી જાતના ઉદરરોગોમાં ખાસ લાભ થાય છે. પેટનાં દર્દોમાં રોગના કારણભૂત દોષને લક્ષમાં લઈ આ પ્રમાણે ચિકિત્સા થાય છે : (1) વાતોદરમાં કુમાર્યાસવ તથા દશમૂલારિષ્ટ, પુનર્નવારિષ્ટ, અભયારિષ્ટ કે પિપ્પલ્સાસવ. આફરામાં પ્રવાલપંચામૃત, શંખદ્રાવ, વડવાનલક્ષાર કે શિવાક્ષાર પાચન ચૂર્ણ અપાય છે. (2) પિત્તોદરમાં અભયાદિ ક્વાથ, અભયારિષ્ટ, રૌપ્ય ભસ્મ, પ્રવાલપિષ્ટિ, કુષ્માંડાવલેહ, અગસ્ત્ય હરીતકી અવલેહ, અશ્વકંચુકીરસ, ત્રિફલારિષ્ટ અને ત્રિફલાચૂર્ણ ઇત્યાદિ અપાય છે. (3) કફોદરમાં તામ્રભસ્મ, અગ્નિતુંડી, દશમૂળ ક્વાથ, દશમૂલારિષ્ટ + કુમાર્યાસવ, આરોગ્યવર્ધિનીરસ, હરડે ચૂર્ણ, દીનદયાળ ચૂર્ણ, ત્રિકટુ અગ્નિતુંડીવટી અને પિપ્પલ્યાસવ વગેરે અપાય છે. (4) યકૃતપ્લીહા વૃદ્ધિમાં કુમાર્યાસવ, રોહિતમરિષ્ટ, પુનર્નવાસવ કે પુનર્નવાદિ ક્વાથ, નીંબુ-દ્રાવ, શંખદ્રાવ, ક્રવ્યાદ-રસ, અશ્વકંચુકીરસ, અભયારિષ્ટ, યકૃતપ્લીહારિ લોહ, કાસીસાદ્યવટી અને શંખભસ્મ વગેરે અપાય છે. (5) જલોદરમાં કુમાર્યાસવ, પુનર્નવાસવ, દશમૂલારિષ્ટ, ઉદરારિ રસ, આરોગ્ય- વર્ધિનીરસ, જલોદરારિરસ, લક્ષ્મીવિલાસરસ, દશમૂળ ક્વાથ, વિશ્વતાપહરણરસ, હૃદ્ય ચૂર્ણ, તામ્રભસ્મ, તાલસિંદૂર, દશમૂળ ક્વાથ, નારાયણ ચૂર્ણ, ઇચ્છાભેદી રસ, અભયાદિ મોદક વગેરે અપાય છે. જળોદરનું દર્દ અસાધ્ય કક્ષાનું ગણાય છે. આ રોગનો દર્દી જો પાણી સાવ બંધ કરીને ઊંટડીના તાજા દૂધ ઉપર જ કાયમ રહે, તો આ પ્રયોગથી તેનું દર્દ મટી શકે છે. આ પ્રયોગની સાથે ‘સ્નુહી દુગ્ધવટી’ નામની ગોળી બનાવી રોજ સવાર-સાંજ 2-2 ગોળી લેવાથી પરિણામ સારું આવે છે. આ ગોળી બનાવવાની રીત : થોરનું દૂધ 100 ગ્રામ લેવાય છે. તેમાં લીંડીપીપરનું ચૂર્ણ 50 ગ્રામ ખરલમાં નાંખી ખૂબ ઘૂંટીને તેની ચણા જેવડી ગોળીઓ બનાવી દર્દીને કાયમ ઊંટડીના તાજા દૂધ સાથે અપાય છે. ઊંટડીનું દૂધ ન મળે તો ગાયનું (તર વિનાનું) દૂધ લઈ શકાય છે. જળોદર માટેનો આ એક અનુભૂત પ્રયોગ છે.

માલદાન હરિદાન બારોટ

બળદેવપ્રસાદ પનારા