ઉત્તમ આસન જેઠાનંદ (1923)

January, 2004

ઉત્તમ આસન જેઠાનંદ (1923) : આધુનિક સિંધી લેખક. જન્મસ્થળ હૈદરાબાદ (સિંધ). તેઓ જાતે જ સિંધી સાહિત્યની જંગમ સંસ્થા જેવા છે. સિંધીમાં પ્રગતિવાદી ધારાના પ્રવર્તક છે. 1965 અને 1970માં તેમને સોવિયેત લૅન્ડ નહેરુ શાંતિ પારિતોષિકો એનાયત થયાં હતાં. નિબંધ, વિવેચન, સંશોધન અને નવલિકાના ક્ષેત્રે તેમનું ઉલ્લેખનીય પ્રદાન છે. તેમની વિચારપ્રધાન વાર્તા ‘રાજા’માં રાજા સારું જીવન વિતાવવા ઇચ્છે છે, પરંતુ નોકરશાહીના નિર્જીવ અને નિર્મમ નિયમો તેના માર્ગમાં અવરોધ ઊભા કરીને તેને ભાંગી નાખે છે. તેમણે ઉત્તમ અનુવાદો પણ કર્યા છે. ‘નઈ દુનિયા’ માસિકના તેઓ સંપાદક છે. તેમના નવલિકા, વિવેચન તથા સંશોધનલેખોના સંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે.

એમની મુખ્ય મૌલિક રચનાઓમાં ‘સરહદનો ગાંધી’ (1945), ‘સોવિયેત સર્ગ’ (1954), ‘ભારત-રૂસ દોસ્તી’ (1965) છે. મુંબઈથી પ્રગટ થતા ‘સિંધ સમાચાર’ દૈનિકના એ સહસંપાદક છે. તેમના આલોચનાત્મક નિબંધો ‘સિંધી સાહિત્ય’ નામે પ્રગટ થયેલા છે. નવોદિત લેખકોને તે સારું પ્રોત્સાહન આપે છે. ભારત અને પાકિસ્તાનના સિંધી સાહિત્ય વચ્ચે સેતુ બાંધવાનો તેમણે પ્રશંસનીય પ્રયાસ કર્યો છે.

જયંત રેલવાણી