ઉટાંટિયું

January, 2004

ઉટાંટિયું (whooping cough pertussis) : શિશુઓ અને બાળકોમાં બૉર્ડેટેલા પર્ટુસિસ (bordetella pertussis) નામના જીવાણુના ઉગ્ર ચેપથી થતો શ્વસનમાર્ગનો અતિશય ઉધરસ કરતો રોગ. ક્યારેક (5 % – 10 %) બૉર્ડેટેલા જાતિના પેરાપર્ટુસિસ અને બ્રોન્કીસેપ્ટિકા જીવાણુઓ પણ આ જ પ્રકારનો વિકાર સર્જે છે. બિ. પર્ટુસિસ કવચધારી, 0.5થી 1.0 m લંબાઈના હલનચલન ન કરતાં ગ્રામ-અનભિરંજિત દંડગોલાણુ (gram-negative coccobacilli) છે.

તેને 1906માં પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના ટી. બૉર્ડેટ અને ઓ. ગેન્ગો(Gengou)એ ઓળખી બતાવ્યાં હતાં. તેનો ચેપ, ઉધરસ અને છીંકથી ફેંકાતાં બિંદુઓથી ફેલાય છે. ચેપ લાગ્યા પછી 7થી 16 દિવસમાં રોગનાં લક્ષણો દેખાવા લાગે છે. શરૂઆતમાં છીંકો આવવી, આંખ લાલ થઈ જવી, રાત્રે ખાંસી આવવી તથા થોડો તાવ ભરાવો – જેવાં સામાન્ય શરદી જેવાં લક્ષણો ઉદભવે છે. એક-બે અઠવાડિયાંમાં ધીમે ધીમે ઉધરસનું પ્રમાણ વધે છે, તે દિવસ-રાત આવ્યા કરે છે અને એકસામટી 15-20 ઉધરસના લઘુ હુમલા (paroxysms) થઈ આવે છે.

(1) શ્વેતકોષ, (2) બિ. પર્ટુસિસના જીવાણુ

ઉધરસના દરેક લઘુ હુમલામાં ઉધરસની તીવ્રતા વધતી જાય છે. અને લઘુ હુમલાને અંતે દર્દીને એક ઊંડો શ્વાસ લેવો પડે છે, ત્યારે ચીકણો ગળફો નીકળી આવે છે અને ઊલટી પણ થઈ જાય છે. લઘુ હુમલા દર અર્ધા કલાકે થતા રહે છે. લઘુ હુમલા સમયે છાતીમાં દબાણ વધવાને કારણે શિરાઓમાં લોહીનું દબાણ વધે છે, ગળા અને ચહેરા પરની નસો ફૂલે છે, આંખો લાલ થઈ જાય છે, આંખની આસપાસ સોજો થઈ આવે છે, કપાળ પર રુધિરસ્રાવી સ્ફોટ (petechial haemorrhage) થાય છે, ક્યારેક નસકોરી પણ ફૂટે છે તથા બાળક ભૂરું પડી જાય છે (નીલિમા, cyanosis), ઊંડા શ્વાસ લીધા પછી ભૂરાશ ઘટે છે. બે લઘુ હુમલાની વચ્ચે બાળક સામાન્ય છતાં આશંકિત (apprehensive) રહે છે. લઘુ હુમલા 2થી 4 અઠવાડિયાં અને ક્યારેક 4થી 6 અઠવાડિયાં સુધી ચાલે છે. ઉધરસના લઘુ હુમલાઓ દ્વારા ઉટાંટિયાનું નિદાન સ્પષ્ટ બને છે. દર્દીની તકલીફના પ્રમાણમાં શ્વસનતંત્રની તપાસ દરમિયાન બહુ ઓછાં ચિહનો જોવા મળે છે. એક્સ-રે ચિત્રણમાં ફેફસાંદ્વાર(hilar)ની તથા મધ્યવક્ષીય લસિકાગ્રંથિઓ (mediastinal lymphnodes) મોટી થયેલી જણાય છે. અન્ય જીવાણુથી ફેફસાંમાં ચેપ લાગે તો તાવ આવવા માંડે છે. બીજાં 4થી 12 અઠવાડિયાંમાં ધીમે ધીમે લઘુ હુમલાનાં તીવ્રતા અને પ્રમાણ ઘટે છે અને ઊલટી બંધ થાય છે. જોકે ઘણા મહિનાઓ સુધી સામાન્ય પ્રકારના અન્ય ચેપમાં પણ ઉધરસના લઘુ હુમલાઓ થઈ આવે છે. ઘણાં નાનાં શિશુઓમાં ઉધરસના લઘુ હુમલાઓને સ્થાને ગૂંગળામણ કરતા હુમલાઓ કે થોડા સમય માટે શ્વસન-સ્તંભન (apnoea) થઈ જાય છે. પહેલાં પ્રતિરોધક રસી આપવામાં આવેલી હોય તો દર્દીને શ્વસનમાર્ગના સામાન્ય ચેપ જેવી સૌમ્ય બીમારી થાય છે. જો લાંબા સમય માટે અતિશય ઊલટી થતી રહે તો ચયાપચયી આલ્કલિતા તથા કુપોષણ થાય છે. લાંબા સમય સુધી લોહીમાં પ્રાણવાયુનું પ્રમાણ ઘટતું રહે તો મગજમાં વિકાર ઉદભવે છે. ક્યારેક ફેફસાંમાંના વાયુપોટા ફાટવાથી વાતસ્ફિતિ (emphysema) કે વાતવક્ષ (pneumothorax) થાય છે. ક્યારેક આનુષંગિક ન્યૂમોનિયા કે બ્રોન્કોન્યૂમોનિયા થાય તો તે મૃત્યુ નિપજાવે છે. ક્વચિત્ મધ્યકર્ણમાં જીવાણુજન્ય ચેપ લાગે છે. સમગ્ર મૃત્યુદર 3/1000 જેટલો ઓછો છે, જેમાં મોટાભાગનાં 6 માસથી નાનાં શિશુઓ હોય છે.

શ્વસનમાર્ગના અન્ય ચેપ પણ ક્યારેક આવી તકલીફો સર્જતા હોવાથી ચોક્કસ નિદાન જરૂરી છે. ઉધરસના લાક્ષણિક લઘુ હુમલાઓ, તેના પછી થતી ઊલટી તથા તે સમયે લોહીના નાના લસિકાકોષો(lymphocytes)નું વધેલું પ્રમાણ (80 %) નિદાનસૂચક છે. લસિકાકોષોની સંખ્યાવૃદ્ધિના કારણે લોહીના શ્વેતકોષોનું પ્રમાણ વધીને 15,000-30,000 ઘ.મિમી. થઈ જાય છે. જો તટસ્થ શ્વેતકોષોનું પ્રમાણ વધે તો તે ઉટાંટિયાની સાથે આનુષંગિક જીવાણુચેપ પણ થયો છે એમ દર્શાવે છે. નિદાનાર્થે જીવાણુનું સંવર્ધન (culture) અને તેની સામેના પ્રતિદ્રવ્ય(anti-body)નું નિદર્શન પણ કરી શકાય છે.

મંદ તીવ્રતાવાળા રોગમાં રાહત રહે એવી સારવાર ઉપયોગી રહે છે. એરિથ્રોમાઇસીન, ઑક્સિટેટ્રાસાઇક્લીન વગેરે ઍન્ટિબાયૉટિક ઔષધો બહિર્દેહી (in-vitro) પરીક્ષણોમાં અને ઉધરસના લઘુ હુમલાઓના ઉપચારમાં સફળ થયાં છે. પરંતુ તેમનાથી બીમારીના સમયગાળા અને વિકાસ પર ખાસ પ્રભાવ પડતો નથી. ઍન્ટિબાયૉટિક ઔષધો 14થી 21 દિવસ માટે અપાય છે. શિશુઓમાં પહેલાં અતિપ્રતિરક્ષાશીલ (hyperimmune) માનવગામાગ્લૉબ્યુલિન વપરાતું હતું. પરંતુ તેની અસરકારકતા મર્યાદિત છે. સહાયરૂપ સારવાર દ્વારા પાણી અને ક્ષારનું સંતુલન, પોષણ તથા શ્વસનક્રિયા જાળવી રખાય છે. ઊલટી થઈ ગયા પછી તરત ખોરાક આપવાથી ફરીથી ઊલટી થતી નથી, તેથી તે રીતે ખોરાક આપવાથી પોષણ જાળવી શકાય છે. ઉટાંટિયાનો રોગ થતો અટકાવવા માટે બીજા અથવા ત્રીજા મહિનાના શિશુને દર 4-6 અઠવાડિયાંના અંતરે ત્રિગુણી રસીની ત્રણ માત્રા આપવામાં આવે છે. તેનાથી ધનુર્વા અને ડિપ્થેરિયા ઉપરાંત ઉટાંટિયા સામે રક્ષણ મળી રહે છે. નવજાત શિશુમાં માતા તરફથી ઉટાંટિયા સામેની સહજ પ્રતિરક્ષા (passive immunity) મળતી ન હોવાથી રસી દ્વારા સક્રિય પ્રતિરક્ષા પ્રાપ્ત ન કરી હોય તેવા દરેક બાળકને ઉટાંટિયાના દર્દીથી દૂર રાખવાની સલાહ અપાય છે.

આબિદા મોમીન

શિલીન નં. શુક્લ