ઈ.આર.ટી.એસ. (E.R.T.S. – Earth Resource Techno-logical Satellite) : ભૂ-સંપત્તિ સર્વેક્ષણ માટેનો કૃત્રિમ ઉપગ્રહ. આ પ્રકારના ઉપગ્રહોમાં અમેરિકાના ‘લૅન્ડસેટ’ શ્રેણીના લૅન્ડસેટ-1 અને લૅન્ડસેટ-2 દ્વારા ઘણી અગત્યની માહિતી મળી શકી છે.

લૅન્ડસેટ-1નું પ્રયાણ 23 જુલાઈ, 1972માં; લૅન્ડસેટ-2નું 1 ઑગસ્ટ, 1972માં. પૃથ્વીની સપાટીથી 920 કિમી. ઊંચાઈએ વર્તુલાકારી ધ્રુવીય અને સૌર-સમકાલિક (polar & sun synchronous) ભ્રમણકક્ષા 99o નમનકોણે; વજન 953 કિગ્રા.; ઊંચાઈ 3 મી., વ્યાસ 1.5 મી., ઊર્ધ્વ અક્ષને તથા ગતિની દિશાને અનુલક્ષીને કોણ 0.7o મર્યાદામાં અંકુશિત, તાત્ક્ષણિક (instantaneous) કોણીય ફેરફાર 0.04o/સેકન્ડ; હંમેશાં સવારના 10-00 કલાકે 82o અક્ષાંશ સુધીના દરેક સ્થળનું નિરીક્ષણ; નિરીક્ષક સાધનના ક્રમવીક્ષણ (scanning) અરીસાનું દોલન 2.89o કરવાથી બધાં ઉપકરણો વડે પૃથ્વી પરના 185 કિમી. વિસ્તારનું એકીસાથે નિરીક્ષણ થતું; દરેક રેખાંશે પુન: નિરીક્ષણ 18 દિવસના અંતરે; બંને લૅન્ડસેટ વડે દર 9 દિવસે વિદ્યુતપુરવઠા માટેના સૌર કોષોની 4 મી. લાંબી ચકતીઓ હંમેશાં સૂર્ય સામે રહીને આશરે 500 વૉટ જેટલી વિદ્યુત-ઊર્જા પૂરી પાડતી.

લૅન્ડસેટ-1 અને 2 વડે 1974ના એપ્રિલની 2 તારીખ સુધીમાં આશરે 1,10,000 જેટલી સ્પષ્ટ છબીઓ પૃથ્વી પર ઝીલવામાં આવી હતી. આ ઉપગ્રહો દ્વારા હવામાનને લગતી માહિતી (વરસાદનું પ્રમાણ, સૂર્યતાપ, હવામાં રહેલા ભેજનું પ્રમાણ વગેરે), હવામાનના ફેરફાર અને તે અંગેની આગાહી, ભૂમિ પરના જળવિસ્તારોમાં પાણીના જથ્થા વિશે અંદાજ, જળાશયોની ઊંડાઈ તેમજ લંબાઈ, પર્વતો પરનો બરફ ઓગળવાથી સંબંધિત જળાશયોની સપાટીમાં થતો વધારો, ભૂગર્ભના જળભંડાર વિશે માહિતી (જે કૂવા ખોદવા માટેના સ્થળની પસંદગી માટે ચોકસાઈપૂર્વક સ્થાન નક્કી કરી શકે છે.), સમુદ્રી બરફના ખડકો (glaciers) અને તેમનાં સરકણ, ભૂસ્તરીય તેમજ ભૌગોલિક પૃથક્કરણ; દરિયાકિનારાના પ્રદેશોની ભૂમિમાં થતાં પરિવર્તનો જાણી ભૌગોલિક નકશાઓની ચોકસાઈપૂર્વકની પુનર્રચના; બાહ્ય ભૂસ્તરીય લક્ષણો ઉપરથી ખનિજ અને પેટ્રોલિયમ અંગેની મોજણી, વનરાજિ અને વનવૃક્ષછેદન વગેરે બાબતોની ઝીણવટભરી માહિતી પ્રાપ્ત થઈ શકી હતી.

કાંતિલાલ મોતીલાલ કોટડિયા