ઈસ્ટર ટાપુ : પૅસિફિક મહાસાગરના અગ્નિ ખૂણે આવેલો નવાશ્મયુગીન અવશેષો ધરાવતો પુરાતત્વની ર્દષ્ટિએ મહત્વનો ટાપુ. તે રાપાનુઈ તથા સ્પૅનિશ પાસ્કા નામથી પણ ઓળખાય છે. 18 કિમી. લંબાઈ તથા 24 કિમી. પહોળાઈ ધરાવતો અને લાવાનો બનેલો આ ત્રિકોણાકાર ટાપુ ચિલીની પશ્ચિમે 3,700 કિમી. અંતરે આવેલો છે. તે ત્રણ નિષ્ક્રિય જ્વાળામુખીઓ તથા અગાઉના વિસ્ફોટથી થયેલા પોલાણનો બનેલો છે. ઘાસિયા જમીનથી ઢંકાયેલા તેના કેટલાક વિસ્તારોની ફળદ્રૂપ જમીનમાં થતી વનસ્પતિ પર ઘેટાં તથા ઢોર ઉછેરવામાં આવે છે. ઈ. સ.ની શરૂઆતમાં ત્યાં માનવવસવાટ થયો હોય તેવો સંભવ છે. બહારથી આવીને ત્યાં વસેલી અને મુખ્યત્વે પૉલિનીસિયાના વંશજો ગણાતી પ્રજાએ ચોથા શતકમાં આ ટાપુ પર તટબંધી, ઊંડી ખાઈ તથા ધક્કા બનાવ્યા હોય તેવા પુરાવા સાંપડે છે. ટાપુનો કુલ વિસ્તાર 118 ચોકિમી. તથા તેની વસ્તી 7,750 (2017) જેટલી છે. આ વસ્તી પશ્ચિમ કિનારા પર આવેલા હાંગો-રોઆ ગામડામાં રહે છે. ખેતીમાં મકાઈ, બટાકા, શકરિયાં, કેળાં તથા અંજીરનું ઉત્પાદન થાય છે. ઊન એ ત્યાંની એકમાત્ર નિકાસ છે.

ડચ ઍડમિરલ જેકબ રાગ્વાંએ 1722માં માત્ર એક દિવસ માટે આ ટાપુની મુલાકાત લીધી હતી. તેઓ ઈસ્ટર સન્ડેના રોજ પહોંચ્યા હોવાથી તેની ઉજવણીના પ્રતીકરૂપે ડચ લોકોએ આ ટાપુને પાસીલા (Paaseila) નામ આપ્યું હતું. તે આજે ઈસ્ટર ટાપુ તરીકે ઓળખાય છે. 1744માં બ્રિટિશ સંશોધક જેમ્સ કુક તેમના દરિયાઈ પ્રવાસ દરમિયાન ત્યાં રોકાયા હતા. 1888માં ચિલીએ આ ટાપુનો કબજો લીધો ત્યારથી તે ચિલીનો પ્રાંત ગણાય છે. 1954માં ચિલીના નૌકાદળે ઘેટાં-ઉછેરવાળા તેના મેદાની વિસ્તારો પોતાના વહીવટ હેઠળ લીધા હતા. હવે આ ટાપુનો વહીવટ નાગરિક પ્રશાસક (civilian governor) દ્વારા કરવામાં આવે છે. ત્યાંની મુખ્ય ભાષા સ્પૅનિશ છે. ત્યાં પર્યટકો માટે એક હોટેલ, નિશાળ, ચિકિત્સાલય તથા કુષ્ઠનિવારણ સારવાર કેન્દ્ર છે. પ્રવાસન વ્યવસાયનું મહત્વ હવે ત્યાં વધી રહ્યું છે. ઉપોષ્ણ આબોહવા ધરાવતા આ ટાપુ પર સરેરાશ વાર્ષિક વરસાદ 1,015 મિમી. જેટલો થાય છે. મહાન્ગ-રોઆ આ ટાપુની મુખ્ય વસાહત છે.

નવાશ્મયુગીન અવશેષો ધરાવતો આ ટાપુ પુરાતત્વની ર્દષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. ત્યાં રોંગોરોંગો ચિત્રલિપિના નમૂના તથા એકશૈલ મૂર્તિઓ અને પૂતળાંઓના પ્રાચીન અવશેષો છે. આમાંનાં મોટા ભાગનાં માનવઆકારનાં છે. ઈ.સ. 1000-1600ના અરસામાં તે કંડારવામાં આવ્યાં હોય તેમ મનાય છે. આશરે 600 જેટલી સંખ્યા ધરાવતાં આ શિલ્પો 3થી 12 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. તેમાંનાં કેટલાંક 45થી 50 મેટ્રિક ટન જેટલા વજનનાં છે. તેની નિર્મિતિ અંગે ઘણી દંતકથાઓ તથા આખ્યાયિકાઓ છે. પુરાતત્વસંશોધન દ્વારા જાણવા મળે છે કે મડદાંને જમીનમાં દાટ્યા પછી તેના પર ચોતરા બાંધવામાં આવતા. સ્થાનિક ભાષામાં તેને ‘અહું’ કહેતા. આવા ચોતરા પર મૂર્તિઓ અને પૂતળાં ગોઠવી દેવામાં આવતાં હતાં. ચિલીએ આ આખા ટાપુને ઐતિહાસિક સ્મારક તરીકે જાહેર કરેલ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે