ઈરાની, અરદેશર (જ. 10 ડિસેમ્બર 1885, પુણે; અ. 14 ઑક્ટોબર 1969) : પ્રથમ ભારતીય બોલપટ ‘આલમઆરા’ના નિર્માતા અને દિગ્દર્શક. પૂરું નામ અરદેશર મારવાન ઈરાની. ભારતીય ચલચિત્ર-ઉદ્યોગમાં પાયાનું પ્રદાન કરનારા અરદેશર ઈરાનીએ સ્થાપેલી ‘ઇમ્પીરિયલ ફિલ્મ કંપની’એ અનેક યાદગાર ચિત્રોનું સર્જન કર્યું હતું. શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા અરદેશર ઈરાનીએ જાતજાતની નોકરીઓ કર્યા પછી ગ્રામોફોન રેકર્ડનો ધંધો કર્યો. આ ધંધો તેમને ચલચિત્ર-ઉદ્યોગની નજીક ખેંચી ગયો. તેના કારણે તેઓ મુંબઈ આવ્યા. પ્રારંભે વિદેશી ચિત્રોનું વિતરણ શરૂ કર્યું. પછી હોલિવૂડની એક કંપની ‘યુનિવર્સલ પિક્ચર્સ’ના ભારત ખાતેના પ્રતિનિધિ બની ગયા. 1921માં ગીરગામ ખાતે મૅજેસ્ટિક સિનેમાની સ્થાપના કર્યા બાદ 1922માં ક્રૉફર્ડ માર્કેટમાં ઍલેક્ઝાન્ડ્રા સિનેમા શરૂ કર્યું. આ ક્ષેત્રે વધુ કમાણી તો ચિત્રનિર્માણમાં જ છે એવું સમજાતાં ભોગીલાલ દવે સાથે ‘સ્ટાર સ્ટુડિયો’ની સ્થાપના કરીને ચિત્રનિર્માણ શરૂ કર્યું. તેના નેજા હેઠળ પ્રથમ ચિત્ર ‘વીર અભિમન્યુ’ બનાવ્યું. એ જ વર્ષે બીજા ચિત્ર ‘ચાંપરાજ હાડા’નું નિર્માણ કર્યું.

1924માં ઈરાનીએ સ્ટાર કંપની છોડી દીધી. પછી તેમણે નવલ ગાંધી સાથે મળીને ‘મૅજેસ્ટિક ફિલ્મ કંપની’ની સ્થાપના કરી. તેના નેજા હેઠળ ‘વીર દુર્ગાદાસ’, ‘શાહજહાં’, ‘રઝિયા બેગમ’ જેવાં કથાચિત્રો ઉપરાંત ‘મહાત્મા એટ જુહૂ’ નામનું સમાચાર-ચિત્ર પણ બનાવ્યું. ઈરાનીને વધુ ખ્યાતિ ‘મુંબઈની શેઠાણી’ ચિત્રે અપાવી. મુંબઈના એક શ્રીમંત પરિવારમાં બનેલી ઘટના પરથી બનાવેલા આ ચિત્રનું વાસ્તવિક ઘટના સાથે એટલું સામ્ય હતું કે તેમના પર માનહાનિનો દાવો પણ થયો હતો.

ભારતીય ચલચિત્ર-ઉદ્યોગના ઇતિહાસમાં ઈરાનીને અમર બનાવી દેનાર ‘ઇમ્પીરિયલ ફિલ્મ કંપની’ની સ્થાપના 1926માં થઈ. આ કંપનીના નેજા હેઠળ ખૂબ ટૂંકા ગાળામાં તેમણે 40 જેટલાં મૂક ચિત્રોનું નિર્માણ કર્યું. તેમાં ‘માધુરી’, ‘અનારકલી’, ‘પંજાબ મેલ’, ‘મેવાડ કા સિંહ’, ‘ફાધર ઇન્ડિયા’, ‘સિનેમા ગર્લ’, ‘ખ્વાબ એ હસ્તી’, ‘ઇન્દિરા, એમ.એ.’, ‘હીરરાંઝા’, ‘ચિરાગે અલાદીન’, ‘અલીબાબા ચાલીસ ચોર’, ‘દો ધારી તલવાર’, ‘રાજરમણી’, ‘રેડ સિગ્નલ’, ‘વસ્લ કી રાત’, ‘કુલ્ફી મલાઈ’, ‘નૂરેઆલમ’, ‘મેવાડ કા મોતી’, ‘શીરીં ફરહાદ’, ‘સચ હૈ’, ‘ગોરી બલા’, ‘તૂફાન’, ‘નૂરાની મોતી’, ‘બમ્બઈ કી બિલ્લી’, ‘જાદુઈ બાંસુરી’, ‘ધરતી માતા’ અને ‘લાહોર કી બેટી’ નોંધપાત્ર છે.

‘ઇમ્પીરિયલ ફિલ્મ કંપની’નો પોતાનો સ્ટુડિયો અને લૅબોરેટરી હતાં. ચિત્રનિર્માણની દરેક બાબત પર ઈરાની પોતે જ ધ્યાન આપતા. દરમિયાનમાં ત્રીજા દાયકાના ઉત્તરાર્ધમાં હોલિવૂડમાં બોલપટનું નિર્માણ થવા માંડ્યું હતું. ઈરાનીએ 1929માં ‘શો બોટ’ નામનું એક બોલપટ જોયું. એ જોયા પછી તેમણે પણ બોલપટ બનાવવાનો નિર્ણય કરી લીધો. એ સમયે હોલિવૂડનાં ઘણાં બોલપટ આંશિક જ સવાક રહેતાં, પણ ઈરાનીએ સંપૂર્ણ બોલપટ બનાવવાનો ઇરાદો રાખ્યો હતો. એ માટે તેમણે રેકૉર્ડિંગ મશીન સહિતનાં ઉપકરણો વિદેશથી મંગાવી લીધાં. રેકૉર્ડિગ મશીનનું સંચાલન કરવા એક માણસ પણ વિદેશથી બોલાવાયો હતો, જેને એ જમાનામાં રોજના સો રૂપિયા ચૂકવવા પડતા હતા. જોકે સમય જતાં આ સંચાલન ઈરાનીએ પોતે જ શીખી લીધું.

પ્રથમ બોલપટ ‘આલમઆરા’ના નિર્માણ અને દિગ્દર્શન ઉપરાંત છબિકલા અને રેકર્ડિંગની જવાબદારી પણ ઈરાનીએ જ સંભાળી હતી. પ્રથમ બોલપટ માટે ‘આલમઆરા’ની વાર્તા તેમણે પસંદ કરી, તેનું કારણ એ હતું કે તેના પરથી બનેલું એક પારસી નાટક ખૂબ લોકપ્રિય થયું હતું. 1931ની 14મી માર્ચે પ્રદર્શિત થયેલા ‘આલમઆરા’ ચિત્રને ખૂબ સફળતા મળી. કમનસીબે આ ચિત્રની પ્રિન્ટ સાચવી શકાઈ નથી.

પોતાની કારકિર્દી દરમિયાન ઈરાનીએ ઘણા કલાકારો અને કસબીઓને તક આપી હતી. ‘ઇમ્પીરિયલ’ કંપનીના અન્ય ત્રણ ભાગીદારો અબ્દુલગની યૂસુફઅલી, મોહંમદ અલી રંગવાલા અને અબુહસન સાથે 1938માં મતભેદો થતાં આ ખ્યાતનામ કંપનીને કાયમ માટે તાળાં લાગી ગયાં.

‘ઇમ્પીરિયલ’ બંધ થતાં અરદેશર ઈરાનીએ ‘જ્યોતિ સ્ટુડિયો’નો પ્રારંભ કર્યો. ચિત્ર-ઉદ્યોગની સેવા કરવા બદલ 1933માં તેમને ‘ખાન બહાદુર’નો ખિતાબ આપવામાં આવ્યો. ઈરાનીએ હિંદી ઉપરાંત અંગ્રેજી અને ફારસી ભાષામાં પણ ચિત્રો બનાવ્યાં. ભારતનું પ્રથમ રંગીન ચિત્ર બનાવવાનું શ્રેય પણ ઈરાનીને મળેલું છે. 1937માં ‘કિસાનકન્યા’ રંગીન ચિત્ર તેમણે બનાવ્યું હતું. જીવનનાં પાછલાં વર્ષો તેમણે લગભગ ગુમનામીમાં ગાળ્યાં.

હરસુખ થાનકી