ઈથિયોપિયન સાહિત્ય

January, 2002

ઈથિયોપિયન સાહિત્ય : પ્રાચીન શિષ્ટ ગીઝ (Ge’ez) ભાષા અને અર્વાચીન સત્તાવાર એમહરિક (Amharic) ભાષામાં લખાયેલું સાહિત્ય. એબિસિનિયાના જૂના નામે ઓળખાતા અને આફ્રિકામાં આવેલા ઈથિયોપિયામાં પ્રાચીન ગીઝ એટલે કે ઈથિયોપિક ભાષા પ્રચાલિત હતી. તે સમયે ગ્રીક સાહિત્યનો સવિશેષ પ્રભાવ હતો તેથી પ્રારંભકાળમાં મુખ્યત્વે ગ્રીક ભાષાના અનુવાદો જોવા મળે છે અને ગ્રીક કવિઓની શૈલી તથા વાક્યરચનાનો પ્રભાવ પણ ઝિલાયો છે. પાંચમી સદીમાં સીરિયાના 9 સાધુઓએ ધર્મગ્રંથોના ગીઝ ભાષામાં અનુવાદ કરવાની પ્રવૃત્તિ ચલાવ્યાનું કહેવાય છે. સાતમીથી તેરમી સદી સુધીના લાંબા સમયગાળા દરમિયાન રાજકીય અશાંતિ તથા અસ્થિરતા રહેવાથી કોઈ નવી સાહિત્યિક પ્રવૃત્તિ માટે અવકાશ રહ્યો ન હતો; પરંતુ 1270માં સોલોમન વંશની સ્થાપના થતાં, ગીઝ સાહિત્યનો સૌથી પ્રવૃત્તિમય યુગ આરંભાયો. જોકે આ સાહિત્યિક કૃતિઓમાં અગાઉની જેમ અનુવાદપ્રવૃત્તિ જ અગ્રેસર હતી. ફેર એટલો કે આ ગાળામાં ગ્રીકને બદલે અરબી ભાષાની કૃતિઓના અનુવાદ થયા છે. અલબત્ત, એ અરબી કૃતિઓની મૂળ રચનાઓ કોપ્ટિક, સીરિયેક અથવા ગ્રીક ભાષાની હોય એવું બને છે ખરું. આ અનુવાદોનું પ્રધાન વસ્તુ ધર્મોપદેશનું છે અથવા તેનો મુખ્ય સૂર ધાર્મિક વિચારસરણીથી રંગાયેલો છે. આરંભકાળની સૌથી રસપ્રદ કૃતિ તે ‘ગ્લૉરી ઑવ્ ધ કિંગ્ઝ’ (Kebra Negast). એમાં દંતકથામિશ્રિત ઇતિહાસ, ર્દષ્ટાંતકથા તથા ઈશ્વરજ્ઞાનનો સમન્વય છે. રાણી શીબા ને સોલોમનના મિલનથી મેનેલિક નામના પુત્રનો જન્મ થાય છે એ કેન્દ્રવર્તી વિષયનું આમાં નિરૂપણ છે. આ મેનિલિક ભવિષ્યમાં ઈથિયોપિયન વંશનો સ્થાપક બને છે.

1350માં અબ્બા સલમા નામના ઇજિપ્શિયન લેખકના પ્રયાસોને પરિણામે બાઇબલના પાઠમાં સુધારણા થવા પામી; એટલું જ નહિ, ઈથિયોપિયાના શ્રદ્ધાળુ સમુદાયમાં લોકપ્રિય બનેલી અનેક કૃતિઓનાં તેમણે ભાષાંતર કર્યાં અને કરાવડાવ્યાં. અકુસુમના ઈથિયોપિયન અનુયાયીઓને આમજનતાના ઉપયોગ માટે અરબી ધર્મપુસ્તકોના સંક્ષેપ તૈયાર કર્યા. આ ગાળામાં ‘સિનડોસ’ (Sindos) તથા ‘ડિડેસ્કેલિયા’ (Didescallia) નોંધપાત્ર કૃતિઓ છે. ઈસુ ખ્રિસ્ત વિશે મહત્વની માહિતી આપતો ‘ઈસનડોસ’ ગ્રંથ ‘ન્યૂ ટેસ્ટામેન્ટ’નું આમુખ ગણાય છે.

લગભગ પંદરમી સદીના પ્રારંભે અનેક સંતો તથા શહીદોની જીવનકથાઓ લખાવા માંડી અને ‘અરેબિક સિનેકસેરિયમ’નું ભાષાંતર હાથ ધરાયું. એમાં રોજની એક કે એકથી વધુ પ્રેરકકથા લેખે આખા વર્ષ માટેનાં સંતજીવનચરિત્ર આલેખાયાં છે. આ સદીનાં પ્રારંભનાં વર્ષો દરમિયાન, ઈશ્વરી સાક્ષાત્કાર તથા જ્ઞાનબોધને લગતાં પુસ્તકોનાં ભાષાંતર પણ હાથ ધરાયાં. એ નિમિત્તે બે મૌલિક કૃતિઓ સાંપડી તે ‘ઇલ્યૂસિડેશન ઑવ્ જિસસ’ અને ‘મિસ્ટરી ઑવ્ હેવન ઍન્ડ અર્થ’. આ સમયગાળાની અન્ય મૌલિક કૃતિ ‘બુક ઑવ્ મિસ્ટરી’માં અનેક લોકવાયકાઓના વહેમોનું ખંડન કરવામાં આવ્યું છે. આ સિવાય ‘બુક ઑવ્ અવર્સ’, ‘સ્વૉર્ડ ઑવ્ ટ્રિનિટી’ તથા ‘પ્રેઇઝ ઑવ્ મૅરી’ પણ ઉલ્લેખનીય છે. ‘ફિલકેઇસસ’માં મઠમાં રહેનારા તાલીમાર્થીઓની આચારસંહિતા આલેખાઈ છે. ‘ગાદલા હબારયત’માં ધર્મરક્ષા માટે કુરબાની આપનાર યુવાનોને અંજલિ આપવામાં આવી છે. આ પ્રકારનું સાહિત્ય વિપુલ છે.

‘દેગ્ગુઆ’, ‘મવાસેત’ અને ‘મેરાફ’ જેવા મોટા પ્રાર્થનાસંગ્રહો તથા સમૂહગાન-રચનાના સંગ્રહો પણ આ જ ગાળાની કૃતિઓ છે. પંદરમી સદીમાં રચાયેલી બીજી ધાર્મિક કાવ્યરચનાઓની વિશેષતા એ છે કે તેમાં 5-5 પંક્તિની 50 પ્રાસબદ્ધ કડીઓ હોય છે અને એ પ્રત્યેક રચના જુદા જુદા ગુણોના પ્રતીકરૂપ સંતોને સંબોધીને લખાયેલી હોય છે. ધાર્મિક સાહિત્યના ‘સુવર્ણયુગ’ના છેલ્લા ર્દષ્ટાંત તરીકે ‘મિરેકલ્સ ઑવ્ મૅરી’ નામે અરબીમાંથી કરાયેલા અનુવાદનો ઉલ્લેખ કરવો જોઈએ, કારણ કે તે કૃતિ બેહદ લોકપ્રિય નીવડી હતી અને મૂળ ગ્રંથમાં અનેક સંશોધનલક્ષી ફેરફાર અને સુધારા કરાયા હતા.

1527માં અહેમદ ગ્રેનની ઉશ્કેરણીથી મુસ્લિમોએ આક્રમણ કર્યું અને 1527થી 1543 દરમિયાનના આ આક્રમણના પરિણામે ઈથિયોપિયાની સાહિત્યિક પ્રવૃત્તિ અસ્તવ્યસ્ત અને સ્થગિત બની ગઈ. અનેક મૂલ્યવાન હસ્તપ્રતો નાશ પામી તથા બુદ્ધિજીવીઓને પણ ખતમ કરી નાખ્યા. એ દરમિયાન ઇસ્લામીકરણ એટલું વ્યાપક થયું કે આક્રમણખોરોના પાછા હઠ્યા પછી પણ ઈથિયોપિયા પોતાની સાહિત્યિક સ્વસ્થતા પૂર્વવત્ મેળવી શક્યું નહિ. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર મુસ્લિમ વેપારીએ પોતાના ધર્માંતરના સમર્થનમાં ‘ગેઇટ ઑવ્ ફેઈથ’ (Angasa amin) લખ્યું. એ પછી, ખ્રિસ્તી સંપ્રદાયના મૉનોફિસાઇટ પંથની માન્યતાના સમર્થન રૂપે ઘણા ગ્રંથો લખાયા અને છપાયા.

1600ની આસપાસ ગીઝ ભાષામાં કેટલીક ગણનાપાત્ર કૃતિઓ રચાયેલી જોવા મળે છે. આમાં ધર્મશાસ્ત્રને લગતો વિસ્તૃત સર્વસંગ્રહ (‘હાવી’), આરબોની ઇજિપ્ત પરની જીતનો ઐતિહાસિક વૃત્તાંત (‘હિસ્ટરી ઑવ્ જ્હોનીઝ મડાબાર’), એ સમયના બુદ્ધિજીવીઓ માટેનો ઉપયોગી ગ્રંથ (‘ધ વાઇઝ બુક ઑવ્ ફિલૉસૉફર્સ’), રાજાપ્રજાના સુમેળ માટેની આચારસંહિતાનો સંચય (‘જસ્ટિસ ઑવ્ ધ કિંગ્ઝ’) જેવા ગ્રંથો ઉલ્લેખનીય છે. ગીઝ કવિતા ખાસ કરીને અઢારમી સદીમાં વિશેષ પાંગરી અને ઉત્તરોત્તર અનેક મઠોમાં આ લેખનપ્રવૃત્તિને ખૂબ સમર્થન મળ્યું. 1921માં અલાક તય્યાની કેટલીક કવિતાઓ અસ્મેરામાં પ્રગટ થઈ. હિરુય બાલ્દા સેલાસી દ્વારા સંપાદિત કાવ્યસંચય 1926માં અદિસ અબાબામાં પ્રગટ થયો.

મુખ્યત્વે તાના સરોવરની ઉત્તરે આવેલા પ્રદેશોમાં વસતા ફલાશા નામના યહૂદી સમુદાય હજુ પણ ગીઝનો પવિત્ર અને દૈવી ભાષા તરીકે ઉપયોગ કરે છે. ‘બુક ઑવ્ જ્યુબિલિઝ’ સહિતના ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’ ઉપરાંત આ રચનાઓમાં ‘ઑર્ડિનન્સ ઑવ્ ધ સેબાથ’ જેવી કેટલીક લાક્ષણિક કૃતિઓ જોવા મળે છે. 1951માં ‘ફલાશા ઍન્થૉલૉજી’ નામે કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયો છે.

જોકે આ બધાં વર્ષો દરમિયાન ગીઝ ભાષાનું જોમ લુપ્ત થવા માંડ્યું હતું અને તે બહુધા ધર્મસંપ્રદાયની પ્રવૃત્તિઓ પૂરતી સીમિત બની ગઈ હતી. વળી બહુ ઓછા લોકોને એ ભાષાની જાણકારી રહી હતી. સાથોસાથ સોળમી સદી દરમિયાન, મુખ્ય બોલાતી ભાષા તરીકે એમહરિક ભાષાનો સાહિત્યિક પ્રયોજનો માટે ઉપયોગ થવા લાગ્યો. રાજવી કુટુંબોનાં ઇતિહાસવૃત્તાંત તથા વંશાવળીમાં પણ આ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો.

એમહરિક ભાષામાં સૌપહેલાં લખાયેલી રચનાઓ તરીકે અમદા સેયાં(Amda Tseyon; 1314-1344)ની જીતના વિજયોત્સવને લગતાં ગીતો છે. સોળમી સદીથી ધાર્મિક કૃતિઓ તૈયાર થવા લાગી. ઓગણીસમી સદીના પ્રારંભે બાઇબલનું ભાષાંતર કૅરોમાં પ્રગટ થયું. એમાંની એમહરિક ભાષાની લાક્ષણિકતા તથા ગુણવત્તા જોતાં લાગે છે કે ઈથિયોપિયાની કોઈ વ્યક્તિએ એ ભાષાંતર નહિ કર્યું હોય. ‘ન્યૂ ટૅસ્ટામેન્ટ’નું વિદ્વત્તાપૂર્ણ રૂપાંતર 1955માં અદિસ અબાબામાં પ્રગટ થયું અને તેના પગલે 1961માં ‘ઓલ્ડ ટેસ્ટામેન્ટ’નું પ્રકાશન થયું. 1892માં જ્હૉન બનયનના ‘પિલગ્રિમ્સ પ્રોગ્રેસ’નો અનુવાદ પ્રગટ થવાની સાથે, ધર્મલક્ષી અભિગમ સાથે અંશત: કવિતામાં લખાયેલી રૂપકાત્મક બોધકથાના લોકપ્રિય સાહિત્યપ્રકારની નવી દિશા ખૂલી. તેના પ્રથમ ર્દષ્ટાંત રૂપે ‘ઇમેજિનેટિવ સ્ટોરી’ (Libb wallad farik) 1908માં પ્રગટ થઈ. પાછળથી જે સમ્રાટ હેલ સેલાસી બન્યા તે રાસ તફારી(1916-1920)ના શાસન દરમિયાન, હિરુય વાલ્દા સેલાસી (અ. 1938) એમહરિક ભાષાના અગ્રગણ્ય લેખક ગણાયા. એમની કૃતિઓમાં ‘માઇ હાર્ટ માઇ ફ્રેન્ડ’ જેવી રૂપકલક્ષી રચનાઓ વિશેષ ઉલ્લેખનીય છે.

1936થી 1941 સુધીના ઇટાલીના આધિપત્ય પછી ઈથિયોપિયાને સ્વાતંત્ર્ય મળ્યેથી એમહરિક સાહિત્યપ્રવૃત્તિને ખૂબ વેગ સાંપડ્યો. જુદા જુદા વિષયોની તથા પ્રકારોની  ખાસ કરીને નૈતિક તથા રાષ્ટ્રપ્રેમને લગતા વિષયોની કૃતિઓ રચવા સમ્રાટે લેખકોને પ્રોત્સાહન આપ્યું. ગણનાપાત્ર સર્જકોમાં મૅકોનેન એન્ડાલકેરયુ (રૂપકાત્મક નવલકથા તથા નાટકો), કેબેદે માઇકેલ (કાવ્યનાટક, ઇતિહાસ તથા જીવનચરિત્ર) અને ટેકલે સોદિક મકુરિયા(ઇતિહાસ)નો સમાવેશ થાય છે.

સુરેશ શુક્લ