ઇસ્લામી તિથિપત્ર

January, 2002

ઇસ્લામી તિથિપત્ર : ઇસ્લામનું ચાન્દ્રમાસી પંચાંગ. એના રચનાકાળથી આજ સુધી ઇસ્લામી પંચાંગ બાર ચાંદ્રમાસના વર્ષવાળું પંચાંગ રહ્યું છે. ઇસ્લામી પંચાંગનું વર્ષ હિજરી સાલ કહેવાય છે. હિજરી માસની શરૂઆત અમાસ પછીના પ્રત્યક્ષ ચંદ્રદર્શનના દિવસથી થાય છે અને એ કારણે માસનો આરંભ કઈ તારીખે (યા દિવસે) થશે એ અગાઉથી નિશ્ચિત કરી શકાતું નથી. ચંદ્રદર્શન સુદિ પડવાને દિવસે થાય તો સુદિ બીજનો, પણ સુદિ બીજને દિવસે થાય તો સુદિ ત્રીજનો દિવસ ઇસ્લામી માસનો પહેલો દિવસ ગણાય છે. હિજરી રોજની અવધિ એક સાંજથી બીજી સાંજ સુધીની છે.

29.5 દિવસની ચાંદ્રમાસની લંબાઈના હિસાબે 354 દિવસવાળું હિજરી વર્ષ ઋતુ-વર્ષ કરતાં લગભગ 11 દિવસ ટૂકું છે. આ કારણે હિજરી વર્ષના તહેવારો, કાયમ માટે, અમુક ચોક્કસ ઋતુમાં આવતા નથી. તે દર 33 મહિને એક માસ વહેલા આવે છે.

પ્રત્યક્ષ ચંદ્રદર્શનમાં, સ્થાન પરત્વે, ક્યારેક પડતા એક દિવસના ફરકને ટાળવા ગાણિતિક ચંદ્રદર્શનથી માસારંભ દાખવતા ‘મિસરી’ પંચાંગનો ઉદભવ થયો છે, પરંતુ પ્રત્યક્ષ દર્શનની ધાર્મિક લાગણીને કારણે તે વિશેષ પ્રચલિત બની શક્યું નથી.

છોટુભાઈ સુથાર