ઇસ્લામાબાદ : પાકિસ્તાનનું પાટનગર. ભૌગોલિક સ્થાન. : 33o 42´ ઉ. અ., 73o 10´ પૂ. રે.. 1974માં પાકિસ્તાનની સ્થાપના સાથે કરાંચી પાટનગર બન્યું. પછી કામચલાઉ ધોરણે પાટનગરને રાવલપિંડી ખાતે ખસેડવામાં આવ્યું (1959-67). કાયમી પાટનગર તરીકે રાવલપિંડીથી 14 કિમી. દૂર આવેલ સ્થળની પસંદગી 1959માં થઈ. 1961માં તેનું બાંધકામ શરૂ થયું. ‘ઇસ્લામાબાદ’ (‘શાંતિનું શહેર’) નામ 1962માં અપાયું. 1967માં તે તૈયાર થતાં સરકારી કચેરીઓ રાવલપિંડીથી ત્યાં ખસેડવામાં આવી.

65 ચોકિમી.નો વિસ્તાર ધરાવતા આ પાટનગરની રચના પરંપરાગત ઇસ્લામી સ્થાપત્ય તથા આધુનિક સ્થાપત્યના સંગમનો સુંદર નમૂનો છે. તેના આયોજનમાં એડવર્ડ ડુરેલ સ્ટોન, કૉન્સ્ટેન્ટિનોઝ ડૉક્સિઍડ્ઝ તથા જિયો પૉન્ટી જેવા વિશ્વના સુવિખ્યાત સ્થપતિઓએ માર્ગદર્શન આપેલું. શહેર વસાવવામાં આશરે 150 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. પાકિસ્તાનના ઉત્તરપૂર્વમાં હિમાલયના ઢોળાવ પર, રાવલપિંડીથી 14 કિમી.ના અંતરે 450-600 મી.ની ઊંચાઈ ધરાવતા શહેરના 8 મુખ્ય વિભાગો છે. શહેરની આસપાસના વિસ્તારમાં ડુંગરો પર નૈસર્ગિક ઊંચાણવાળા વિસ્તારો (terraces) તથા ગોચર જમીન છે અને ઉત્તર તથા ઉત્તરપૂર્વમાં મારગાલા ડુંગરોની હારમાળા (900-1500 મી. ઊંચાઈ) છે. તેની આબોહવા ગરમ છે. ત્યાં સરેરાશ 915 કિમી. વરસાદ પડે છે. સમગ્ર પાટનગરની વસ્તી 11,51,868 (2011) છે.

ત્યાં 1965માં ઇસ્લામાબાદ યુનિવર્સિટીની તથા 1974માં અલ્લામા ઇકબાલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ છે. શહેરમાં કેટલાક લઘુ ઉદ્યોગો તથા યંત્રો વડે ઉત્પાદન કરતા એકમો સ્થપાયા છે.

સહેલાણીઓ માટે ત્યાં મોગલ ઉદ્યાનો, ઑલિમ્પિક વિલેજ, નૅશનલ પાર્ક વિસ્તાર, સરકારી કચેરીઓની ઇમારતો, સંસદ ભવન, અણુસંશોધન સંસ્થા, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કેન્દ્ર, હોટેલ શહરજાદ, વિદેશી દૂતાવાસોનો વિસ્તાર તથા કુરંગ નદી પર આવેલ રાવલ બંધ (7.5 ચોકિમી.) ઉલ્લેખનીય છે. શહેરની નજીકમાં આવેલું મરી સુવિખ્યાત વિહારધામ છે.

શહેરની પશ્ચિમમાં તક્ષશિલા છે, જે ઈ. પૂ. 3000 વર્ષની પ્રાચીન સંસ્કૃતિ તથા સભ્યતાનું મહત્વનું મથક હતું.

એપ્રિલ, 1988માં ઇસ્લામાબાદ ખાતેના પાકિસ્તાનના શસ્ત્રાગારમાં મોટો વિસ્ફોટ થયો હતો. ઓઝરી શસ્ત્રાગારમાં થયેલો આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે 40 મિનિટમાં 100 ઉપરાંત માણસો માર્યા ગયા હતા, 5000 મકાનો જમીનદોસ્ત થયાં હતાં અને સેંકડો માણસો અપંગ બન્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે