ઇલ્મેનાઇટ

2002-01-28 00:10:00

ઇલ્મેનાઇટ (Ilmenite) : ટાઇટેનિયમ ધાતુ માટેનું મુખ્ય ખનિજ. યુરલ પર્વતમાળાના ઇલ્મેન પર્વતમાં મિઆસ્ક પાસે તે સર્વપ્રથમ મળેલ હોવાથી તેનું ‘ઇલ્મેનાઇટ’ નામ પડ્યું છે. ઇંગ્લૅન્ડના કૉર્નવૉલમાં મિનાક્કન પાસે રેતીના દાણા-સ્વરૂપે મળતું હોવાથી એનું બીજું નામ ‘મિનાક્કાનાઇટ’ (menaccanite) પડેલું છે. ઇલ્મેનાઇટનું રાસાયણિક બંધારણ : FeO-TiO2 અથવા Fe TiO3 છે. એમાં ઑક્સિજન 31.6 %, ટાઇટેનિયમ 31.6 % અને લોહ 36.8 % છે. ક્યારેક તે (Fe, Ti)2O3 મુજબ લખાતું હોવા છતાં તેને લોહ-ટિટેનેટ તરીકે જ સમજવાનું છે. ક્યારેક તે મૅગ્નેશિયમ પણ ધરાવતું હોવાનું માલૂમ પડેલું છે (પિક્રોટિટેનાઇટ), જેમાં મૅગ્નેશિયમ FeIIને વિસ્થાપિત કરે છે; તેથી તેનું સૂત્ર (Fe, Mg) O TiO2 થાય છે. બંધારણની ભિન્નતા દર્શાવતું હોવાથી તે ક્વચિત્ હેમેટાઇટ કે મૅગ્નેટાઇટનાં પડનો નિયમિત આંતરવિકાસ પણ દર્શાવે છે, જે ફેલ્સ્પારના પર્થાઇટ આંતરવિકાસની સાથે સામ્ય ધરાવે છે.

સ્ફટિકવર્ગ : હેક્ઝાગોનલ-રહોમ્બોહેડ્રલ. તે ટ્રાયરહોમ્બોહેડ્રલ સમતા પ્રકારમાં મુકાય છે અને તેનું અણુમાળખું કોરન્ડમને લગભગ મળતું આવે છે. સ્વરૂપ : ઇલ્મેનાઇટના સ્ફટિકો મહદ્અંશે જાડા, મેજ આકારના અને ક્યારેક લઘુકોણીય રહોમ્બોહેડ્રલ પ્રકારના પણ હોય છે. ક્યારેક પાતળી તકતીઓ કે પડ રૂપે પણ મળે છે. વળી તે દળદાર, ઘનિષ્ઠ રૂપમાં કે રેતીના જેવા છૂટા દાણાઓના સ્વરૂપમાં પણ મળી આવે છે. ચળકાટ : ઉપધાત્વિક; ભંગસપાટી : વલયાકાર; કઠિનતા : 5-6 મ્હો; વિશિષ્ટ ઘનતા : 4.5-5; રંગ : લોહસમ કાળો; દેખાવ : અપારદર્શક; ચૂર્ણરંગ : ઉપધાત્વિક ચળકાટ સહિત કાળાથી કથ્થાઈ લાલ; ઇલ્મેનાઇટ મંદ પ્રમાણમાં ચુંબકત્વ પણ ધરાવે છે.

બ્યુકોકસીન તરીકે ઓળખાતો મંદશ્વેત, અપારદર્શક ખનિજીય પદાર્થ એ દળદાર ખડકોમાંના ટિટેનિક લોહની વિસ્તૃત પરિવર્તનપેદાશ છે.

પ્રાપ્તિસ્થાન : સામાન્યપણે મૅગ્માજન્ય સ્વભેદન કે વિભાગીય સ્ફટિકીકરણ દ્વારા મૅગ્માની પ્રારંભિક સ્ફટિકીકરણ પેદાશ. ઇલ્મેનાઇટ-મૅગ્નેટાઇટ આ ઉત્પત્તિસ્થિતિ મુજબ સહખનિજો તરીકે મળે છે. ખાસ કરીને ગ્રેબ્રો કે ડાયોરાઇટ જેવા બેઝિક અગ્નિકૃત-અંત:કૃત ખડકોમાં અનુષંગી ખનિજ તરીકે; ધાતુશિરાઓમાં, કણજન્ય-ભૌતિક સંકેન્દ્રણોમાં દાણા-સ્વરૂપે, તો ક્યારેક વિકૃત ખડકોમાં ઇલ્મેનાઇટ જોવા મળે છે. દુનિયાનું 50 %થી 60 % ઇલ્મેનાઇટ ઉત્પાદન, વજનમાં ભારે અને ખવાણક્રિયા સામે પ્રતિકારક્ષમતા ધરાવતું હોવાથી, ભૌતિક સંકેન્દ્રણો સ્વરૂપે મળી રહે છે; જેમાં સહખનિજો મોનેઝાઇટ, રુટાઇલ અને ઝિરકોન હોય છે. ધાતુશિરાઓમાં કણશ: વિસ્થાપન દ્વારા તે રુટાઇલ સાથે મોટે ભાગે મળે છે.

ઉત્પાદક દેશો : કૅનેડા(ક્વિબેકમાં એલાર્ડ સરોવર નજીક)માં દુનિયાભરનો મહત્તમ જથ્થો એનૉર્થોસાઇટ પ્રકારના બેઝિક ખડકમાં ઇલ્મેનાઇટ-હેમેટાઇટ મિશ્ર ખનિજોની જડાયેલી સ્થિતિમાં રહેલો છે. યુ.એસ.માં પણ તે સારા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત તે નૉર્વે, રશિયા, ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડમાં પણ મળે છે. ભારત, બ્રાઝિલ, મલાયા, ઑસ્ટ્રેલિયાનાં ન્યૂ સાઉથ વેલ્સ અને કવીન્સલૅન્ડ તથા જાપાનના હોન્શુમાં તે મુખ્યત્વે દરિયાઈ ભૌતિક સંકેન્દ્રણોના સ્વરૂપમાં મળે છે. તે ચુંબકીય અલગનપદ્ધતિ દ્વારા મેળવાય છે.

ઇલ્મેનાઇટની સંપત્તિ અને ઉત્પાદનના સંદર્ભમાં ભારત મોખરાનું સ્થાન ધરાવતો દેશ ગણી શકાય. તે બિહાર અને રાજસ્થાનના ચાર્નોકાઇટ લક્ષણવાળા તેમજ અન્ય નાઇસ ખડકોમાં બહોળા પ્રમાણમાં વિતરણ પામેલું છે. કેરળ અને તમિલનાડુના સમુદ્રકિનારાની રેતીમાં તે વિપુલ પ્રમાણમાં મળી રહે છે. અહીં ભારે ખનિજકણોના સંકેન્દ્રણનું કદ અને પ્રમાણ અન્ય કોઈ પણ જગા કરતાં વધુ છે. કન્યાકુમારી-ક્વિલોન વચ્ચેની સમુદ્રતટની રેતીમાં મોનેઝાઇટ-ઝિરકોન-ગાર્નેટ સહિત ઇલ્મેનાઇટના વિપુલ નિક્ષેપો રહેલા છે. રત્નાગિરિથી ઉત્તર તરફ મલબાર કિનારે તથા પૂર્વકિનારે તુતીકોરિન, વૉલ્ટેર અને ગંજામમાં પણ તે મળે છે. ઇલ્મેનાઇટ રેતીનો વિશાળ જથ્થો બિહારના હઝારીબાગના ઉચ્ચસપાટ પ્રદેશમાં જમીન આવરણ હેઠળ કાંપમય ભૌતિક સંકેન્દ્રણ નિક્ષેપ રૂપે મળે છે.

ઇલ્મેનાઇટ TiO2થી સમૃદ્ધ (સરેરાશ પ્રમાણ 54 %થી 62 % સુધી ચલિત) છે. સમુદ્રતટની રેતીમાંથી / ભૌતિક સંકેન્દ્રણમાંથી ચુંબકીય અલગીકરણ દ્વારા મેળવવામાં આવતી ઇલ્મેનાઇટની કુલ સંપત્તિ 25 કરોડ ટનથી પણ વધુ અંદાજવામાં આવેલી છે. ઇલ્મેનાઇટ રેતી સાથે આર્થિક ઉપયોગિતાવાળાં અન્ય ખનિજો (મોનેઝાઇટ, મૅગ્નેટાઇટ, રુટાઇલ, ઝિરકોન, ગાર્નેટ, સિલિમેનાઇટ, કોલંબાઇટ-ટેન્ટેલાઇટ) પણ સંકળાયેલાં છે. આ ઉપરાંત સિંગભૂમ-મયૂરભંજમાં વિશાળ જથ્થામાં તેમજ અન્ય પ્રદેશોમાં પણ પેગ્મેટાઇટ ખડકોમાં અમુક પ્રમાણમાં ટાઇટેનિયમયુક્ત મૅગ્નેટાઇટ રૂપે તે મળી આવે છે.

ઉપયોગો : ટાઇટેનિયમ ઑક્સાઇડની અપારદર્શકતા અને આવરણક્ષમતા ઘણી ઊંચી હોવાથી ઇલ્મેનાઇટનો મુખ્ય ઉપયોગ સફેદ વર્ણકોની બનાવટમાં થાય છે. તે ટાઇટેનિયમ ધાતુની બનાવટ માટે વધુ ઉપયોગમાં લેવાય છે. કેટલાક વિશિષ્ટ ગુણધર્મોને કારણે હવાઈ અને રાસાયણિક ઇજનેરી ઉદ્યોગોમાં તેનું મહત્વનું સ્થાન છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા