ઇલીનોય : અમેરિકામાં પ્રેરીના મેદાનના મધ્ય વિસ્તારમાં 37oથી 42o-05´ ઉ. અ. અને 87o-30´ થી 91o-30´ પશ્ચિમ. રે. વચ્ચે આવેલું રાજ્ય. તેનો ઉત્તર તરફનો પૂર્વ ભાગ મિશિગન સરોવર સાથે જોડાયેલો છે. રાજ્યનો કુલ વિસ્તાર 1,45,934 ચોકિમી. અને વસ્તી 1,28,30,632 છે (2010). તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 612 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 338 કિમી. છે. તેના ભૂપૃષ્ઠની સરેરાશ ઊંચાઈ 183 મીટર છે, જ્યારે દક્ષિણ છેડે આવેલી સૌથી ઊંચી ટેકરી 378 મીટર છે.

વાયવ્ય તરફના ટેકરીવાળા વિસ્તારને બાદ કરતાં સમગ્ર વિસ્તાર સપાટ છે. 500 જેટલી નદીઓ અને ઝરણાં પૈકી ત્રણેક નદીઓ મોટી છે. સૌથી મોટી નદી ઇલીનૉય ઈશાનથી નૈર્ઋત્ય તરફ રાજ્યની વચ્ચે થઈને વહે છે. તેનું સ્રાવક્ષેત્ર 490 કિમી. લાંબું અને 160 કિમી. પહોળું છે.

ઇલીનૉય રાજ્યનો એક સ્ટેટ પાર્ક

‘ઇલિયડ’ મહાકાવ્યના રચયિતા કવિ હોમર

ઉનાળાનું સરેરાશ તાપમાન 25o સે. છે, જ્યારે શિયાળામાં તેનું તાપમાન -2.2o સે. રહે છે. ઉત્તરમાં આ તાપમાન ક્યારેક -29o સે. જેટલું નીચું જાય છે. દક્ષિણ ભાગમાં કપાસ ઊગે તેટલું તાપમાન રહે છે. 155-210 દિવસોમાં જુદા જુદા પાક તૈયાર થાય છે. 885થી 1,150 મિમી. વરસાદ પડે છે. બરફ પીગળવાથી ભેજ જળવાઈ રહે છે.

પ્રેરીના મેદાનમાં 2 મીટર કે તેથી વધારે ઊંચું ઘાસ ઊગે છે. આ ઉપરાંત ઓક, વૉલનટ, એલ્મ, સફેદ પાઇન, મેપલ, સ્કાયમોર, હીકોરી વગેરે સખત લાકડાવાળાં અને કૉનિફરસ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. જંગલી ભેંસ, એલ્ક અને રીંછની વસ્તી તદ્દન ઘટી ગઈ છે, જ્યારે ગાય, બળદ, ભૂંડ અને હૉગ પાળેલાં પ્રાણીઓ છે. સફેદ પૂંછડીવાળાં હરણો તથા નદીઓમાં માછલીઓ જોવા મળે છે. કુલ વિસ્તારના 10 % ભાગમાં જંગલો છે. ઘઉં, મકાઈ, સોયાબીન, ઓટ વગેરે મોટા પ્રમાણમાં થાય છે અને ઘઉં અને સોયાબીનની શિકાગોમાંથી નિકાસ થાય છે. કોલસા, ખનિજતેલ, કુદરતી વાયુ, સીસું, ફ્લોરસ્પાર, લોખંડ, જસત, માટી, રેતી, પથ્થર વગેરે તેની ખનિજો છે. દેશના કોલસાના અનામત જથ્થાનો 1/5 ભાગ ઇલીનૉયમાં છે.

ઇલીનૉય રાજ્યનું સૌથી મોટું શહેર શિકાગો છે. તે ઔદ્યોગિક ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવે છે. શિકાગોમાં લોખંડ અને પોલાદનાં તથા મોટરો બનાવવાનાં કારખાનાં છે. ઇલેક્ટ્રિક સાધનો, પ્લાસ્ટિકની વસ્તુઓ, રેડિયો, ઘરવપરાશનાં સાધનો, ટેલિફોન, સાબુ, યંત્રો, કસરતનાં સાધનો વગેરે શિકાગોમાં બને છે. ઇલીનૉયમાં ઍટમિક પ્લાન્ટ છે. પ્રેરીના મેદાનમાં ઘણાં ડુક્કરો અને ઢોર ઉછેરવામાં આવે છે. શિકાગોમાં દુનિયાનું સૌથી મોટું કતલખાનું છે. ત્યાંથી માંસ પૅક કરીને નિકાસ થાય છે. સેંટ લૉરેન્સ નદી મિશિગન અને બીજાં સરોવરોને જોડતો જળમાર્ગ છે. મિસિસિપી નદીનો પણ જળમાર્ગ છે. તે મિડવેસ્ટ પ્રદેશની ખેતીની પેદાશનું બજાર છે અને તેની આયાત-નિકાસ શિકાગોના મોટા બંદર દ્વારા થાય છે. શિકાગોમાં અશ્વેત લોકોની વસ્તી ત્રીજા ભાગ જેટલી છે. અહીં ભારતીયોની વસ્તી પણ છે. તે યુનાઇટેડ સ્ટેટ્સનું ન્યૂયૉર્ક પછીનું બીજા નંબરનું શહેર છે.

સ્પ્રિંગફીલ્ડ ઇલીનૉયની રાજધાની છે. ઇલીનૉયમાં વકીલ તરીકે કામ કરતા અબ્રાહમ લિંકનને પ્રતિષ્ઠા અને વ્હાઇટ હાઉસમાં પ્રવેશ મળ્યાં હતાં. તેની કબર સ્પ્રિંગફીલ્ડમાં છે.

ઇલીનૉયમાં 1853થી દર વરસે ઑગસ્ટ માસમાં પશુમેળો ભરાય છે. દસેક લાખ લોકો તેમાં ભાગ લે છે. ડુક્કર, ઘેટાં અને ઢોરની ઉત્તમ ઓલાદ અહીં જોવા મળે છે અને સોયાબીન, ઓટ, મકાઈના વાવેતર અંગે થયેલાં સંશોધનની માહિતીની લોકો આપલે કરે છે. ખેતી તથા ઔદ્યોગિક ક્ષેત્રે ઇલીનૉયનું મહત્વનું સ્થાન છે.

ફ્રેન્ચ સંશોધકોએ ઇલીનૉયની 1673માં મુલાકાત લીધી હતી. 1763 સુધી તે ફ્રેન્ચ સંસ્થાન હતું. સપ્તવાર્ષિક વિગ્રહ પછી તે બ્રિટિશ સંસ્થાન બન્યું અને અમેરિકન આંતરવિગ્રહ બાદ 1783માં તે અમેરિકાનો અંતર્ગત ભાગ બન્યું હતું. 1818માં તે અમેરિકાનું એકવીસમું રાજ્ય બન્યું હતું.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ