ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ

January, 2002

ઇલસ્ટ્રેટેડ વીકલી, ધ (1880) : ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની પ્રકાશનસંસ્થા બેનેટ કૉલમૅન ઍન્ડ કંપની દ્વારા પ્રગટ થયેલું સચિત્ર અંગ્રેજી સાપ્તાહિક. ભારતનાં સૌથી જૂનાં અંગ્રેજી સાપ્તાહિકોમાં તેનો સમાવેશ થાય છે. એનો પ્રારંભ 1880માં થયો. 1923માં તેનું નામ ‘ધ ઇલસ્ટ્રેટેડ વીકલી ઑવ્ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું. દીર્ઘ કારકિર્દીમાં આ સાપ્તાહિકે અનેક વાર કાયાપલટ કરી. ફોટોગ્રાફી, ચિત્રકળા, શિલ્પ, ભારતીય શાસ્ત્રીય નૃત્યો વગેરે પ્રકારની ગંભીર સામગ્રીને કારણે શિક્ષિત વર્ગમાં તે પ્રિય થઈ પડ્યું. પછી એને સામાન્ય વાચકને પણ રસ પડે તેવું બનાવવાના પ્રયાસો થયા. એ. એસ. રમણ, ખુશવંતસિંહ, એમ. વી. કામથ અને પ્રીતીશ નાંદીએ તેનાં સંપાદક તરીકે કામગીરી કરી. જોકે જાણીતા પત્રકાર ખુશવંતસિંહના તંત્રીપદે આ સાપ્તાહિકની લોકપ્રિયતામાં વધારો થયો. પ્રીતીશ નાન્દીએ કેટલાક ચર્ચાસ્પદ વિષયો કે વ્યક્તિઓ વિશે લેખો અને મુલાકાતો પ્રગટ કર્યાં. પાછલાં વર્ષોમાં અંગ્રેજી તથા પ્રાદેશિક ભાષાઓનાં સામયિકોની ભારે સ્પર્ધાનો તેણે સામનો કરવો પડ્યો હતો. આર. કે. લક્ષ્મણ અને મારીઓ મિરાન્ડાનાં કાર્ટૂન તેમાં પ્રકાશિત થતાં. 1993ની 13મી નવેમ્બરે આ સાપ્તાહિકનું પ્રકાશન બંધ થયું.

મહેશ ઠાકર