ઇર્શાદ હુસેન મહંમદ

January, 2002

ઇર્શાદ હુસેન મહંમદ (જ. 1 ફેબ્રુઆરી 1930, બ્રિટિશ શાસન દરમિયાન કૂચ બિહારના દિનહારા ખાતે) : બાંગ્લાદેશના લશ્કરી શાસક તથા પ્રમુખ. હાલનો બાંગ્લાદેશ 1971 સુધી પૂર્વ પાકિસ્તાનના નામે ઓળખાતો હતો તે અરસામાં 1950માં  ઢાકા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઇર્શાદ પાકિસ્તાનના લશ્કરમાં અધિકારી તરીકે જોડાયા હતા. નિયમાનુસાર લશ્કરમાં બઢતી મેળવતા રહ્યા, પરંતુ 1978માં તે વખતના બાંગ્લાદેશના પ્રમુખ ઝિયા-ઉર-રહેમાને તેમને લશ્કરના વડા (Chief of the Army Staff) તરીકે નીમ્યા હતા. દેશમાં લશ્કરી શાસન (martial law) દાખલ થતાં તેઓ લશ્કરી શાસનના પ્રમુખ પ્રશાસક (Chief Martial Law Administrator) નિમાયા હતા. લશ્કરે દેશના વહીવટી સંચાલનમાં સક્રિય ભાગ ભજવવો જોઈએ તેમ તેઓ માને છે. 1982માં રક્તહીન લશ્કરી બળવા મારફત તેઓ દેશના સર્વોચ્ચ પ્રશાસક બન્યા. શાસક તરીકેની તેમની કારકિર્દીનાં લગભગ 6 વર્ષ સુધી દેશમાં રાજકીય પક્ષો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને મોટાભાગના રાજકીય નેતાઓને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. 1987માં તેઓએ પક્ષપ્રેરિત સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી તથા પોતાના રાજકીય પક્ષની સ્થાપના કરી. માર્ચ, 1988માં દેશમાં થયેલી ચૂંટણીમાં વ્યાપક ગેરરીતિઓ  અજમાવવામાં આવી હતી તેવો તેમના વિરોધીઓનો દાવો છે. ઘણા રાજકીય પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. દેશના કુલ મતદાતાઓમાંથી 5 ટકા કરતાં પણ ઓછા મતદાતાઓએ આ ચૂંટણીમાં મતદાન કર્યું હતું; છતાં તે ચૂંટણીનાં પરિણામોને આધારે ઇર્શાદે પોતાને દેશના પ્રમુખ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.

વર્ષ 2009માં ઇર્શાદે બાંગ્લાદેશ નૅશનૅલિસ્ટ પાર્ટી સામે ‘ગ્રૅન્ડ અલાયન્સ’ની સ્થાપના કરી હતી જેણે દેશની સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો જેને કારણે ઇર્શાદ ફરી એક વાર સંસદના સભ્ય બન્યા હતા.

પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશે નોંધપાત્ર આર્થિક વિકાસ કર્યો હતો તથા દેશના લશ્કરમાં સ્થિરતા દાખલ કરી હતી. હાલ તેઓ સાંસદ હોવા ઉપરાંત તેમના જાતીય પાર્ટીના ચૅરમૅન પદે તેઓ કાર્યરત છે.

1971ના બાંગ્લાદેશના સ્વાધીનતા યુદ્ધ દરમિયાન તેમને પાકિસ્તાની લશ્કરે અટકાયતમાં લીધા હતા અને ‘યુદ્ધ કેદી’ (POW) તરીકે પશ્ચિમ પાકિસ્તાનની જેલમાં પૂરી રાખવામાં આવ્યા હતા. 1973માં સિમલા કરાર મુજબ તેમને મુક્ત કરી સ્વતંત્ર બાંગ્લાદેશમાં મોકલવામાં આવ્યા હતા. 1975માં તેમને બાંગ્લાદેશના લશ્કરના ડેપ્યુટી ચીફ ઑવ્ આર્મી સ્ટાફનો હોદ્દો એનાયત કરવામાં આવ્યો હતો તથા સમયાંતરે તેમને લશ્કરના વડા(Chief of the Army Staff)નો હોદ્દો આપવામાં આવ્યો હતો. 1983માં તેઓ બાંગ્લાદેશના પ્રમુખ બન્યા હતા.

1985માં ઢાકા ખાતે યોજવામાં આવેલ ‘સાર્ક’(SAARC)ના અધિવેશનને સફળ બનાવવામાં અને ભારત-પાકિસ્તાનને એક મંચ પર લાવવામાં તેમણે ભારે જેહમત ઉઠાવી હતી.

પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશને ‘ઇસ્લામી’ રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા તે જ ગાળા દરમિયાન રાષ્ટ્રસંઘે તેમનું બે વાર સન્માન કર્યું હતું (United Nations Lauriate).

તેમનું સર્વસામાન્ય રાજકીય વલણ ભારત તરફી હોય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે