ઇમ્યૂનોગ્લોબ્યુલિન (Ig) : હાનિકારક બાહ્ય પદાર્થો એટલે કે પ્રતિજનો(antigens)નો સંપર્ક થતાં તેના પ્રતિકાર રૂપે શરીરમાં ઉત્પન્ન થતા ગ્લૉબિનના અણુઓ. ઇમ્યૂનોગ્લૉબ્યુલિનમાં બે હળવી અને બે ભારે – એમ પ્રોટીનોની કુલ ચાર શૃંખલાઓ હોય છે. ભારે શૃંખલાના પાંચ પ્રકાર છે : આલ્ફા (α), ડેલ્ટા (δ), એપ્સિલોન (∑), ગેમા (γ) અને મ્યુ (μ). તેથી Igને પણ પાંચ પ્રકારમાં વહેંચવામાં આવે છે : IgA, IgD, IgE, IgG અને IgM. રુધિરરસમાં તેમજ શરીરપ્રવાહીમાં વહેતાં આ ઇમ્યૂનોગ્લૉબ્યુલિનો નીચે મુજબ પ્રતિજનોનો સામનો કરે છે :

IgA : શ્વસનાંગો અને આંતરડાંમાં પ્રવેશેલા જંતુઓની સામે રક્ષણ આપે છે. IgD : તેની ઉપયોગિતા વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. IgE : પરાગરજ અને ધૂલિકણો જેવા પદાર્થોના સંપર્કથી ઍલર્જી અને દમના જેવી પ્રક્રિયાઓને ઉત્તેજે છે. IgG : શરીરમાં સવિશેષ ફેલાયેલા આ ગ્લૉબિનો બૅક્ટેરિયા, વાઇરસ અને ફૂગ જેવાં પ્રતિજનો સામે શરીરનું રક્ષણ કરે છે. IgM : બૅક્ટેરિયા અને તેના જેવા જંતુઓનાં શરીરમાં છિદ્ર પાડીને તેમનો સંહાર કરે છે.

અરવિંદ દરજી