ઇમ્પેશિયન્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બાલ્સમિનેસી કુળની એક ખૂબ મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ શાકીય, ભાગ્યે જ ક્ષુપ કે પરરોહી (epiphytic) અને વધતે-ઓછે અંશે રસાળ (succulent) જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય એશિયા કે આફ્રિકાના પહાડી પ્રદેશોની મૂલનિવાસી છે, છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશો અને દક્ષિણ આફ્રિકામાં થાય છે. ભારતમાં તેની લગભગ 150 જેટલી જાતિઓ થાય છે, પરંતુ મોટાભાગની જાતિઓ સ્થાનિક (endemic) છે અને તેમનું વિતરણ માત્ર નિશ્ચિત પ્રદેશોમાં જ થયેલું હોય છે. Impatiens balsmina Linn. (હિં. ગુલમેંદી, બં. દુપાતી, મ. તેરાડા, ગુ. ગુલમેંદી, તનમનિયાં, પાનતંબોલ; અં. ગાર્ડન બાલ્સમ) સમગ્ર ભારતમાં થાય છે. ગુજરાતમાં તેની ત્રણ જાતિઓ નોંધાઈ છે. ધરમપુર, ડાંગ, વ્યારા અને રાજપીપળાનાં જંગલોમાં I. kleinii W. & A., સૌરાષ્ટ્ર અને પાવાગઢમાં I. rosea L. અને I. balsmina L. var. coccinea Hk. બધે જ ઊગે છે.

ઇમ્પેશિયન્સની ઘણી જાતિઓ પહાડી પ્રદેશના પ્રાકૃતિક સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે અને ઉદ્યાનોમાં અને હરિતગૃહો(green houses)માં તેમનાં સુંદર પુષ્પોને કારણે શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. ઉદ્યાનોમાં ક્યારીઓમાં કે તેની સીમાઓ બનાવવા ઉછેરાય છે. સંકરણ અને પસંદગી દ્વારા તેની દ્વિગુણિત (double) પુષ્પો કે ટપકાં અથવા પટ્ટિત (stripped) પુષ્પો ધરાવતી જાતો મેળવવામાં આવી છે.

ઇમ્પેશિયન્સની જાતિઓ ફળદ્રૂપ, ભભરું (friable) સારી નિતારવાળી મૃદામાં અને ખુલ્લા પ્રકાશમાં થાય છે. તેને વૃદ્ધિ દરમિયાન પાણી મુક્તપણે મળવું આવશ્યક છે. ઉત્તર ભારતનાં મેદાનોમાં તેનું વાવેતર વર્ષા ઋતુના પ્રારંભ(જૂન-જુલાઈ)માં થાય છે, જ્યારે પહાડી પ્રદેશોમાં માર્ચના અંતે ઉગાડવામાં આવે છે. દક્ષિણ ભારતમાં લગભગ આખા વર્ષ દરમિયાન તે વાવવામાં આવે છે. બીજ સરળતાથી અંકુરિત થતાં હોવાથી તેના રોપા ક્યારીઓમાં તૈયાર કરાય છે. દ્વિવર્ષાયુ કે બહુવર્ષાયુ સ્વરૂપોનું પ્રસર્જન કટકારોપણ દ્વારા થઈ શકે છે. સારાં પરિણામો મેળવવા તેની પાર્શ્વશાખાઓ કાપી નાખવામાં આવે છે, જેથી મુખ્ય પ્રકાંડ ઉપર પુષ્પોના મોટા ગુચ્છ ઉત્પન્ન થાય છે.

તનમનિયાં (I. balsmina) એક ટટ્ટાર, શાખિત, એકવર્ષાયુ અને રસાળ શાકીય જાતિ છે. તેનાં પર્ણો અદંડી કે ટૂંકા દંડવાળાં, એકાંતરિક, ભાલાકાર (lanceolate) અને દંતુર (serrate) હોય છે. પુષ્પો એકાકી કે ગુચ્છિત (fascicled), જાંબલી, ગુલાબી કે લગભગ સફેદ રંગનાં હોય છે. વજ્ર ત્રણ વજ્રપત્રોનું બનેલું હોય છે. નીચેનું વજ્રપત્ર લાંબા, નલિકાકાર, પાતળા, અંતર્વક્રિત (incurved) દલપુટ(spur)માં રૂપાંતર પામેલું હોય છે. દલપુંજ પાંચ દલપત્રો ધરાવે છે. પુંકેસરચક્ર પાંચ પુંકેસરોનું અને સ્ત્રીકેસરચક્ર પંચખંડીય બીજાશયનું બનેલું હોય છે. બીજાશયમાં અસંખ્ય બીજ હોય છે. ફળ પ્રાવરીય (capsular) અને રોમિલ હોય છે. તે પરિપક્વ થતાં હાથના સ્પર્શથી કે ગરમીથી ‘ફટ’ અવાજ સાથે ફાટે છે અને તેમાંનું બીજ દૂર દૂર સુધી ફેંકાય છે. બીજ ગોળાકાર હોય છે અને લગભગ 0.5 સેમી. વ્યાસ ધરાવે છે.

આ જાતિ ભારતના ઉષ્ણ અને ઉપોષ્ણ ભાગોમાં બધે જ થાય છે અને જંગલોમાં ઊંચાં વૃક્ષો નીચે પુષ્કળ પ્રમાણમાં ઊગે છે. તે અત્યંત પરિવર્તી (variable) જાતિ છે અને ઘણાં સ્વરૂપો ધરાવે છે અને ઘણી વાર તેમને જાતો (varieties) તરીકે વર્ગીકૃત કરાય છે, અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

તનમનિયાંનાં બીજ ખાદ્ય હોય છે અને લીલા રંગનું ઘટ્ટ તેલ ધરાવે છે. અપાયસીકૃત (unsaponifiable) દ્રવ્યમાં β-ઍમાયરિન, α-સ્પિનેસ્ટૅરોલ અને બાલ્સમિનેસ્ટૅરોલ હોય છે. તેલમાં રહેલા વિવિધ ફૅટી ઍસિડનું રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પામિટિક 4.68 %, સ્ટિયરિક 5.76 %, ઍરેકિડિક 2.80 %, ઓલિક 18.30 %, લિનોલિક 9.17 %, લિનોલેનિક 30.15 % અને પેરિનેરિક 29.14 %. પેરિનેરિક ઍસિડ ટેટ્રા-ઇથેનૉઇડ C18 ઍસિડ છે અને તેની હાજરીને કારણે આ તેલ અન્ય ચરબીયુક્ત તેલોથી જુદું પડે છે. આ તેલ રાંધવામાં અને દીવા સળગાવવામાં ઉપયોગી છે. તે સપાટી-વિલેપન(surface-coating)ના કામમાં ઉપયોગમાં લઈ શકાય છે.

પુષ્પોના આલ્કોહૉલીય નિષ્કર્ષ Sclerotomia fructicola, Colletotrichum lindemuthianum અને અન્ય રોગજન્ય ફૂગ તેમજ બૅક્ટેરિયા સામે પ્રતિજૈવિક સક્રિયતા દાખવે છે. તેમાં રહેલો સક્રિય ઘટક 2-મિથૉક્સિ, 4-નૅપ્થોક્વિનોન છે.

ઘેરા લાલ રંગનાં પુષ્પો મૉનોગ્લાયકૉસિડિક ઍન્થોસાયનિન ધરાવે છે, જ્યારે મૂળ અને પ્રકાંડમાં સાયનિડિન મૉનોગ્લાયકોસાઇડ હોય છે.

પર્ણો ખાદ્ય છે અને પુષ્પો તેમજ પર્ણો મહેંદી(Lawsonia inermis Linn.)ની અવેજીમાં નખ રંગવા માટે વપરાય છે.

તેના ઔષધીય ગુણધર્મો અમેરિકા અને યુરોપમાં મળી આવતી I. pallida Nutt. અને I. nolitangere Linn. જાતિઓ સાથે સામ્ય દર્શાવે છે. તેનો કડવો રસ વમનકારી (emetic), વિરેચક (cathartic) અને મૂત્રલ (diuretic) ગણાય છે. તેનાં પર્ણો પોટીસ બનાવવામાં વપરાય છે. પુષ્પો શ્લેષ્મી અને શીતળ હોય છે અને કટિશૂલ (lumbago) અને અંતરાપર્શુક તંત્રિબંધ (intercostal neuralgia) માટે ઉપયોગી છે. તે રુધિરાભિસરણમાં સુધારો કરે છે અને રુધિર-અટકાવ(stasis)માં રાહત આપે છે. બીજના ચૂર્ણની મુશ્કેલીભરી પ્રસૂતિમાં ભલામણ કરવામાં આવે છે.

I. chinensis Linn. રસાળ શાકીય જાતિ છે અને પ્રકાંડ અરોમિલ (glabrous) અને કોણીય હોય છે. તે 1,500 મી.ની ઊંચાઈએ ભૂતાન, ખાસીની ટેકરીઓ, આકા અને લુશાઈની ટેકરીઓ, મણિપુર, ઓરિસાની ટેકરીઓ, પૂર્વ અને પશ્ર્ચિમઘાટ,
કોંકણની દક્ષિણે અને નીલગિરિમાં થાય છે. તે દાઝ્યા ઉપર લગાડવામાં આવે છે અને પરમિયા(gonorrhoea)માં દૂધ સાથે લેવામાં આવે છે.

I. glandulifera Royle, non Arn. syn. I roylei Walp. (હિમાલયી બાલ્સમ) 1.2 મી.થી 3.0 મી. ઊંચી સુંદર ક્ષુપજાતિ છે અને 2,850 મી. સુધીની ઊંચાઈએ કાશ્મીરથી નેપાળ સુધી હિમાલયમાં થાય છે. I. holstii Engl. & Warb. I. walleriana Hook f. (હિલ બાલ્સમ) રસાળ શાકીય કે ઉપક્ષુપ 60 સેમી.થી 90 સેમી. ઊંચી જાતિ છે. તેનાં પુષ્પો ચમકીલાં લાલ રંગનાં હોય છે અને તે આફ્રિકાથી લાવવામાં આવી છે અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તે I. sultani Hook f. સાથે સામ્ય દર્શાવે છે. આ બંને જાતિના સંકરણથી ઉદભવતી જાતિ I. holstanii તરીકે જાણીતી છે.

તેનાં પુષ્પોમાં મોનાર્ડેઇન સાથે સામ્ય ધરાવતું પેલાર્ગોનિડિન સંકુલ 3 : 5 ડાઇમૉનોસાઇડ હોય છે. તેની વાદળી-ગુલાબી જાતમાં પિયોનિડિન સંકુલ 3 : 5 ડાઇમૉનોસાઇડ હોય છે.

I. sulcata Wall. syn. I. gigantea Edgew. (ગ્રૂવ્ડ બાલ્સમ) 1.2 મી.થી 3.0 મી. ઊંચી, મજબૂત અને ખાંચાઓવાળું પ્રકાંડ ધરાવતી જાતિ છે અને હિમાલયમાં કાશ્મીરથી સિક્કિમ સુધી 3,600 મી.ની ઊંચાઈએ થાય છે. તેનાં પુષ્પો ગુલાબી, જાંબલી કે ઘેરા કિરમજી રંગનાં હોય છે.

હિમાલયમાં થતી તેની અન્ય જાતિઓમાં I. tingens Edgew. syn. I. racemosa Hook. f., I. tripetala Roxb. syn. I. multiflora Wall., I. amphorata Edgew., I. amplexicaule Edgew., I. scabrida DC. અને I. parviflora DC. નો સમાવેશ થાય છે. I. parvifloraનાં પર્ણોમાં પ્રજીવક ‘સી’ (લગભગ 25 મિગ્રા./100 ગ્રા.) હોય છે અને તેનો કચુંબર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

મીનુ પરબિયા

બળદેવભાઈ પટેલ