ઇમ્પીરિયલ લાઇબ્રેરી, કૉલકાતા :  ગ્રંથાલયની સ્થાપના 1891માં બ્રિટિશ સરકારે કરી હતી. એ સમયે કૉલકાતા ભારતની રાજધાની હતી. ભારતના વાઇસરૉય લૉર્ડ કર્ઝન આ ગ્રંથાલયના સ્થાપક હતા. અંગ્રેજીમાં લખાયેલા ઉત્તમ યુરોપિયન વિચારોને સંગ્રહસ્થ કરવાની કલ્પના સાથે આ ગ્રંથાલયનો આવિર્ભાવ થયો હતો. ગૅઝેટિયર ઑવ્ ઇન્ડિયામાં આ ગ્રંથાલયના હેતુઓની નોંધ લેવામાં આવી હતી. એ મુજબ આ ગ્રંથાલયને બ્રિટિશ મ્યુઝિયમ અને બોદેલિયન ગ્રંથાલયોને નજર સમક્ષ રાખીને વિકસાવવાનો હેતુ હતો. જેમાં વાચનખંડો હોય, સંદર્ભ ગ્રંથાલય હોય, વિદ્યાર્થીઓ ત્યાં બેસીને અભ્યાસ કરી શકે, તેમજ ભારતના ભવિષ્યના ઇતિહાસકારો માટેની સામગ્રીનો ભંડાર હોય, જે કોઈ પણ સમયે જોઈ શકાય અને વાંચી શકાય.

ઇમ્પીરિયલ લાઇબ્રેરી

આ ગ્રંથાલયમાં સચિવાલયનાં અનેક ગ્રંથાલયોને તેમજ કૉલકાતા પબ્લિક લાઇબ્રેરીને ભેળવી દેવામાં આવ્યાં હતાં. બીજું, અગત્યની બાબત તે ગૃહવિભાગનું ગ્રંથાલય હતું. આથી તેમાં અનેક અપ્રાપ્ય ગ્રંથો હતા. તેમાં ફોર્ટ વિલિયમ કૉલેજ, ઈસ્ટ ઇન્ડિયા કૉલેજ અને ઈસ્ટ ઇન્ડિયા બોર્ડ, લંડનના દુર્લભ ગ્રંથો હતા. જોકે આ ગ્રંથાલયનો ઉપયોગ માત્ર સરકારી ઉચ્ચ અધિકારીઓ જ કરી શકતા. 1910માં સર આશુતોષ મુખરજી ઇમ્પીરિયલ લાઇબ્રેરી કાઉન્સિલના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. તેમણે તેમનો 80,000 ગ્રંથોનો સંગ્રહ આ ગ્રંથાલયને દાનમાં આપેલો.

1902માં ધ ઇમ્પીરિયલ લાઇબ્રેરી ઍક્ટ પસાર થયો અને 30 જાન્યુઆરી, 1903ના રોજ ઇમ્પીરિયલ લાઇબ્રેરી મેટકાફ હૉલ ખાતે પ્રજા માટે ખુલ્લી મૂકવામાં આવી. બંગાળ સરકારે પ્રેસ ઍન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ ઍક્ટ, 1867માં પસાર કર્યો હતો. એ નિમિત્તે વિનામૂલ્યે આ ગ્રંથાલયને પુસ્તકોની પ્રાપ્તિ શરૂ થઈ. સંગ્રહ વિકસિત થયો. આ ઉપરાંત પરદેશની સંસ્થાઓ સાથે પુસ્તક વિનિમય શરૂ થયો. એ રીતે 1907માં આ ગ્રંથાલયને 2,333 ગ્રંથો લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ તરફથી પ્રાપ્ત થયા હતા. એપ્રિલ 1947માં આ ગ્રંથાલયમાં 3,50,000 ગ્રંથોનો સંગ્રહ હતો.

ભારત આઝાદ થતાં ‘ઇમ્પીરિયલ ઍક્ટ’ દ્વારા 1948માં આ ઇમ્પીરિયલ લાઇબ્રેરીનું નામકરણ નૅશનલ લાઇબ્રેરી થયું. ભારતના બંધારણ અનુસાર તેને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા તરીકેનું વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું. એ સમગ્ર સંગ્રહને હાલના બૅલ્વેડૅર એસ્ટેટ, કૉલકાતા, પશ્ચિમ બંગાળમાં લાવવામાં આવ્યો. મૌલાના અબ્દુલ કલામ આઝાદે આ ગ્રંથાલયને 1 ફેબ્રુઆરી, 1953ના રોજ પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું.

ઊર્મિલા ઠાકર