ઇમેન્યુઅલ વિક્ટર : ઇટાલીનો શાણો અને વ્યવહારુ રાજવી. તે પ્રથમ ઇટાલીના એક આગેવાન રાજ્ય પિડમોન્ડનો શાસક હતો. ઇટાલીના રાષ્ટ્રવાદના પયગંબર મેઝીની તથા તેની ‘યુવા ઇટાલી’ નામે સંસ્થાને તેણે ઇટાલીના એકીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં સક્રિય સાથ આપ્યો. પિડમોન્ડના વડાપ્રધાન, પ્રખર દેશભક્ત તથા મહામુત્સદ્દી કાવૂરને ઑસ્ટ્રિયા હસ્તકનું ઇટાલીનું વેનિશિયા તથા ઉત્કૃષ્ટ દેશભક્ત ગેરિબાલ્ડીને દક્ષિણ ઇટાલીના સિસીલી તથા નેપલ્સ જીતી લેવામાં પણ તેણે સક્રિય સહાય કરી. આમ તેના શાણપણથી 1861 સુધીમાં રોમ અને વેનિશિયા સિવાયનાં ઇટાલીનાં તમામ રાજ્યો તેના શાસન તળે આવી ગયાં. આ રીતે ઇમેન્યુઅલ વિક્ટરે તથા કાવૂરે કુનેહપૂર્વક આંતરિક કલહોને દૂર રાખીને પરદેશી સત્તાઓ સામે લડીને ઇટાલીનું મહદ્અંશે એકીકરણ સાધ્યું.

ઑસ્ટ્રિયા પ્રશિયા સામેના 1866માં લડાયેલ સેડોવાના યુદ્ધમાં પરાજિત થતાં ઇમેન્યુઅલ વિક્ટરે વેનિશિયાને ઇટાલીના રાજ્યમાં સમાવી લીધું. તે જ રીતે પ્રશિયા સામે સેડાનના યુદ્ધમાં 1870માં ફ્રાન્સનો પરાજય થતાં તેને રોમમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચી લેવાની ફરજ પડી. ઇમેન્યુઅલ વિક્ટરની પ્રેરણા અને આદેશથી ગેરિબાલ્ડીએ પોતાના લાલ ખમીસધારી સૈનિકોની સહાયથી રોમ પણ કબજે કર્યું (1870). આમ મુક્ત અને સંયુક્ત ઇટાલીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં શાસક તરીકે પણ તેનો નોંધપાત્ર ફાળો હતો.

રમણલાલ ક. ધારૈયા