ઇમામ સૈયદ હસન (જ. 31 ઑગસ્ટ 1871, નેવરા, જિ. પટણા; અ. 19 એપ્રિલ 1933) : પ્રખર રાષ્ટ્રવાદી, બંધારણના હિમાયતી અને સમાજસુધારક. અગ્રણી મધ્યમવર્ગીય શિક્ષિત કુટુંબમાં જન્મેલા ઇમામે પ્રારંભિક શિક્ષણ લીધા પછી 1889માં ઇંગ્લૅન્ડ જવાનું નક્કી કર્યું. ત્યાં કાયદાના અભ્યાસની સાથોસાથ જાહેર પ્રવૃત્તિનો પણ આરંભ થયો. 1892માં ત્યાંના ‘બાર’માં પ્રવેશ મળ્યો. એ જ વર્ષે ભારત આવી કૉલકાતા હાઈકૉર્ટમાં વકીલાત શરૂ કરી. 1892થી 1908 દરમિયાન આ વ્યવસાયમાં તે પુષ્કળ ધન અને યશ કમાયા. પછીનાં 4 વર્ષ રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો. 1909માં બિહાર કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અને બિહાર વિદ્યાર્થી પરિષદના ચોથા અધિવેશનના અધ્યક્ષ બન્યા. 1916માં જજ તરીકે રાજીનામું આપી, રાજકીય પ્રવૃત્તિ વેગીલી બનાવી ‘હોમરૂલ’ ચળવળમાં જોડાયા. 1917માં ભારત માટેના સેક્રેટરી ઑવ્ સ્ટેટ મૉન્ટેગ્યુને મળનારા ભારતીય પ્રતિનિધિમંડળમાં તેઓ હતા. 1918માં મુંબઈ ખાતે મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારા યોજનાની વિચારણા કરવા મળેલ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ખાસ અધિવેશનના તેઓ અધ્યક્ષ હતા.

તે મુખ્યત્વે બંધારણીય પદ્ધતિના હિમાયતી હતા તેથી અસહકારની લડતના વિરોધી બન્યા. અસહકારની લડતથી નિરક્ષર જનસમુદાયની લાગણીઓ ઉશ્કેરાવાથી હિંસા અને વિનાશ ફેલાશે એમ તેઓ માનતા. લવાદી અદાલતો પાસે પોતાના આદેશોનો અમલ કરાવવાની સત્તા ન હોવાથી તેની રચના સામે પણ તેમનો વિરોધ હતો; પરંતુ પાછળથી તેમની વિચારસરણીમાં નવો વળાંક આવ્યો. 1930માં સવિનય કાનૂનભંગની લડતમાં તેઓ જોડાયા અને પટણાની સ્વદેશી લીગના મંત્રી ચૂંટાયા. વિદેશી માલનો બહિષ્કાર તથા ખાદીનો ઉપયોગ કરવા માટે તેમણે સક્રિય ઝુંબેશ આદરી.

સામાજિક સુધારાના પણ તેઓ ભારે હિમાયતી હતા. ખાસ કરીને સ્ત્રીઓ તથા દલિત વર્ગોની સ્થિતિ સુધારવા પ્રત્યે તેમણે વિશેષ ધ્યાન આપ્યું. શિક્ષણની જરૂરિયાત અને ખાસ તો કન્યાકેળવણી પર તેમણે અવારનવાર ભાર મૂક્યો હતો. વધુ અભ્યાસ માટે પરદેશ જવા વિશે પ્રવર્તતા નિષેધોની તેમણે આકરી ટીકા કરી હતી. વિદેશી શાસન દરમિયાન, દેશના આર્થિક શોષણ સામે તેમણે આક્રોશ ઠાલવ્યો હતો અને બિહારના રોહતક વિસ્તારના ઔદ્યોગિક વિકાસ માટે કેટલીક પ્રારંભિક કામગીરી બજાવી હતી. ‘બિહારી’ નામના અંગ્રેજી દૈનિકના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ તથા ‘સર્ચલાઇટ’ નામના દૈનિકના સ્થાપક તરીકે તેમણે મૂલ્યવાન સેવા આપી હતી. તેમણે પશ્ચિમી પોશાક અને રહેણીકરણી અપનાવ્યાં હતાં, છતાં જીવનની ઉત્તરાવસ્થામાં તેમણે સાદી અને સંયમબદ્ધ જીવનરીતિ અપનાવીને ખાદીનો સ્વીકાર કર્યો હતો.

યતીન્દ્ર દીક્ષિત