ઇન મેમોરિયમ એ. એચ. એચ. (1833-1850) : કરુણપ્રશસ્તિ. અંગ્રેજ કવિ લૉર્ડ ટેનિસનનો ખાસ મિત્ર આર્થર હેન્રી હેલામ બાવીસ વર્ષની વયે 1833માં વિયેનામાં એકાએક અવસાન પામ્યો. મિત્રના મૃત્યુના આઘાતે કવિને ક્ષુબ્ધ કર્યા. તેને પરિણામે ‘ઇન મેમોરિયમ’ દીર્ઘ કાવ્યની શરૂઆત કરી અને સત્તર વર્ષે તેને પૂરું કરી પ્રગટ કર્યું (1850). આ કાવ્યને મિલ્ટનના ‘લીસિડસ’ સાથે અને શેલીના ‘એડોનૈસ’ સાથે મૂકવામાં આવે છે. આ કાવ્ય 132 વિભાગોમાં વહેંચાયેલું છે. એ કેવળ નિરાશા કે હતાશાનું કાવ્ય નથી, પણ તેમાં કવિનું ધાર્મિક ચિંતન પણ ગૂંથાયેલું છે. મિત્રની સ્મૃતિમાં જુદે જુદે વખતે વિભિન્ન મન:સ્થિતિમાં લખાયેલી આ કાવ્યમાલામાં કવિની પલટાતા કાળ વિશે ચિંતા, તેમનું ઉત્ક્રાંતિ વિશેનું મનન અને અમરતા વિશેનું ચિંતન નિરૂપેલ છે. આ કાવ્ય પ્રથમ પ્રગટ થયું ત્યારે કવિએ કર્તા તરીકે તેમાં પોતાનું નામ આપ્યું ન હતું. શોકાંજલિ ઉપરાંત આ કાવ્ય કવિની ધર્મ અને પ્રભુ પ્રત્યે ડગી ગયેલી આસ્થાને ફરી સ્થાપિત કરવાની મથામણ દર્શાવે છે. ઉપસંહારમાં કવિ ટેનિસનની બીજી બહેન સેસિલિયાના એડવર્ડ લુશિંગ્ટન સાથેના લગ્નનું ગીત છે. આ કાવ્યમાં ટેનિસનની ઊર્મિ અને ચિંતનની શ્રેષ્ઠ અભિવ્યક્તિ જોવા મળે છે. ગુજરાતી કવિ નરસિંહરાવ દિવેટિયાની ‘સ્મરણસંહિતા’ અને અ. ફ. ખબરદારની ‘દર્શનિકા’ આ પ્રકારની કૃતિઓ છે. બંને પર ટેનિસનની આ કૃતિનો પ્રભાવ પણ છે.

કૃષ્ણવદન જેટલી