‘ઇન્સ્પેક્ટર જનરલ’ (1836) : રૂસી નાટ્યકાર નિકોલાઇ વસિલ્યેવિચ ગોગૉલ(1804-1852)નું જગવિખ્યાત પ્રહસન. મૂળ રૂસી નામ ‘રિવિઝોર’. નાટકની સાથે જ એક ઉક્તિ છપાયેલી હતી : ‘પ્રતિબિંબ વિકૃત હોય તો દર્પણનો દોષ ના કાઢશો.’ આ પ્રહસનમાં દરેક પ્રેક્ષક પોતાનું પ્રતિબિંબ જોઈ ગોગૉલનો દોષ કાઢતો; પરંતુ ‘ઇન્સ્પેક્ટર જનરલ’ નાટકમાં અધિકારીવર્ગ પરના કટાક્ષને બદલે સર્જકને મન તો ધર્માંધતા પર ચાબખો વીંઝવાની નેમ હતી, એ એના જીવનકાળ દરમિયાન થયેલા નિર્માણ કે મૂલ્યાંકનમાં કોઈએ ચીંધી બતાવ્યું નહિ એનો ગોગૉલને બહુ રંજ હતો. રૂસી મહાકવિ પુશ્કિને ગોગૉલને આ નાટ્યવસ્તુ સૂચવેલું. સીધોસાદો સામાન્ય સરકારી અધિકારી ખ્લેસ્તાકફ નાના તાલુકાનગરમાં ખાલી ખિસ્સે જઈ પહોંચે છે, પણ ભારે ભપકાથી ત્યાંની હોટલમાં ઊતરે છે. ગામમાં વાયરે વાત પહોંચે છે કે કોઈ મોટો ઇન્સ્પેક્ટર જનરલ ત્યાંના અધિકારીઓનાં કૂડાં કર્મની તપાસ અર્થે પાટનગર પિટર્સબર્ગથી ફતવો લઈને આવ્યો છે. નગરપતિ, ચૅરિટી કમિશનર ફિલોપોવિચ, જર્મન ડૉક્ટર, ન્યાયાધીશ ફ્યૉદરોવિચ વગેરે ભ્રષ્ટાચારી, દંભી, સ્વાર્થી અને આસનપ્રેમી મઠાધીશો બનીને નિર્દોષ પ્રજાજનોનું લોહી ચૂસતા હતા એ બધામાં ફફડાટ પેસે છે અને નાટકનો ઇન્સ્પેક્ટર વેશધારી નાયક પોતે જ તરખાટ મચાવીને ભ્રષ્ટતાનો ઉત્તમ નમૂનો પેશ કરે છે. શઠ અધિકારીઓ સામે શાઠ્યનો પ્રયોગ કરીને એમને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકીને નાટકનો આ નાયક એમના મહોરાં વગરના ચહેરાઓને પ્રેક્ષકો સમક્ષ ખુલ્લા કરે છે. નાટ્યધર્મી રજૂઆત માટે અનેક દિગ્દર્શકો અને નટોને સૈકાઓથી આકર્ષતા આ નાટકને અંતે રહસ્ય ખૂલે છે કે ખ્લેસ્તાકફ ખુદ વેશધારી છે અને સાચો ઇન્સ્પેક્ટર તો હજી હવે આવવાનો છે ! જોકે ત્યાં સુધીમાં વેશધારી ઇન્સ્પેક્ટર તો રફુચક્કર થઈ જાય છે. 1836ની એની રજૂઆત વખતે રશિયાનો રાજા ઝાર ખુદ પ્રેક્ષાગારમાં હતો એથી સેન્સરની લગામ આ રૂસી જીવનના વાસ્તવદર્શી દર્પણ પર ખેંચી ન શકાઈ એ ગોગૉલ અને રૂસી નાટ્યકલાનું સદભાગ્ય ગણાયું છે. વિશ્વની અનેક ભાષાઓમાં અને કલામાધ્યમોમાં આ નાટક અનેક રૂપે રંગે અવતાર પામ્યું છે.

હસમુખ બારાડી