ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ : રાષ્ટ્રીય સલામતીનાં વિવિધ પાસાં, સંરક્ષણની નીતિ અંગેના પ્રશ્નો તથા વ્યૂહરચનાના બદલાતા સંદર્ભનો અભ્યાસ, તેની ચર્ચાવિચારણા તથા તેનાં તારણો વગેરેને વખતોવખત પ્રસિદ્ધિ આપતી ભારતની બિનસરકારી સંસ્થા. આ સંસ્થા 11 નવેમ્બર, 1965ના રોજ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી હતી. ઝડપી પરિવર્તનના આજના સમયમાં સંરક્ષણ અને સલામતીના પ્રશ્નોનું ભારતની ર્દષ્ટિએ મૂલ્યાંકન કરવાનું જરૂરી અને પ્રશસ્ય કાર્ય આ સંસ્થા કરી રહી છે.

આ પ્રકારના અભ્યાસ હાથ ધરવામાં આ સંસ્થાએ પહેલ કરી છે અને સંરક્ષણ અંગેની વ્યવસ્થિત જાણકારીનું વિતરણ કરવામાં મોટો ફાળો આપ્યો છે. આ સંસ્થા તરફથી ત્રિમાસિક ‘જર્નલ’ અને ‘સ્ટ્રેટિજિક ડાઇજેસ્ટ’ તથા ‘સ્ટ્રેટિજિક ઍનાલિસિસ’ જેવાં માસિકો તથા દુનિયાના વિવિધ પ્રદેશોને અનુલક્ષીને તૈયાર કરવામાં આવતાં ‘ન્યૂઝ રિવ્યૂ’ બહાર પાડવામાં આવે છે.

આ સંસ્થાના પ્રથમ અધ્યક્ષ તરીકે કે. સુબ્રહ્મણ્યમે આ વિષયના તલસ્પર્શી અભ્યાસી અને લેખક તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેમની નિવૃત્તિ પછી અધ્યક્ષ તરીકે ઍર-કૉમોડોર જસજિતસિંહ, ઉપાધ્યક્ષ તરીકે ગ્રૂપકૅપ્ટન મોહિન્દર પૉલ તથા મુખ્ય સંશોધક તરીકે ભરત વરિયાવવાળા કામ કરી રહ્યા છે.

સંરક્ષણના વિષયમાં વિશેષજ્ઞો તૈયાર કરવાનું તથા સંશોધનને પ્રોત્સાહિત કરવાનું કાર્ય પણ આ સંસ્થા કરે છે. તે માટે નવી દિલ્હીમાં સપ્રુ હાઉસમાં ચાલતી આ સંસ્થાનું સમૃદ્ધ પુસ્તકાલય પણ છે.

દેવવ્રત પાઠક