ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઇક્રોબિયલ ટેક્નોલોજી (IMTECH) : સૂક્ષ્મ જૈવિક (microbial) અને આનુવંશિક (genetic) ઇજનેરીનાં અગ્રિમ ક્ષેત્રોમાં સંશોધનકાર્ય માટે ચંડીગઢમાં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ તરફથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના : 1984. આ સંસ્થાના ઉદ્દેશો નીચે દર્શાવ્યા છે : (i) સૂક્ષ્મજૈવિક ટૅક્નૉલૉજી માટેનાં સંકલિત સંશોધન, વિકાસ અને આયોજનયુક્ત પાયાની રચના, (ii) આનુવંશિક ઇજનેરી સહિત બાયૉટૅક્નૉલૉજી ક્ષેત્રનાં પ્રસ્થાપિત અને નવાં ઉદભવ પામતાં ક્ષેત્રો અંગેનું શુદ્ધ અને પ્રયુક્ત સંશોધન, (iii) દેશમાં પ્રાપ્ત અને ઉપયોગમાં લેવાતી સૂક્ષ્મજૈવિક પ્રવિધિઓનું ઇષ્ટતમીકરણ, (iv) સૂક્ષ્મજીવસંવર્ધન જનીનસંચયસ્રોત (gene pool resource) અને આનુવંશિક જથ્થાનો સંગ્રહ, (v) જીવરસાયણ ઇજનેરી માટેની સગવડ, યોગ્ય ઉપકરણોનો વિકાસ અને વિવિધ પ્રવિધિઓના પ્રાચલો (parameters) અંગેના ગાણિતિક મૉડલની રચના, (vi) સૂક્ષ્મજૈવિક ટૅક્નૉલૉજી અને જીવરસાયણ ઇજનેરી સાથે સંકળાયેલ કાર્યકરો અને ઇજનેરોને તાલીમ, (vii) પ્રવિધિ ઉપકરણો, બાયૉ-રિઍક્ટરો વગેરેની ડિઝાઇન તૈયાર કરવી, (viii) માહિતીનો સંગ્રહ અને તેનું વિતરણ, (ix) શિક્ષણ અને ઉદ્યોગો સાથે ગાઢ સંપર્ક, (x) જૈવ ટૅક્નૉલૉજી ક્ષેત્રમાં પુરસ્કૃત (sponsored) સંશોધન હાથ ધરવું અને આ ક્ષેત્રનાં ઔદ્યોગિક સંયંત્રો(plants)ની ડિઝાઇન અને તેની ઇજનેરી અંગેની જાણકારી વિકસાવવી. હાલમાં આ સંસ્થામાં આલ્કોહૉલ અને રિફામાયસીનનું આથવણથી ઉત્પાદન કરવા અંગેનું સંશોધન તથા તેલ-અન્વેષણ માટે સૂક્ષ્મ વનસ્પતિનો આનુવંશિક અને ઇમ્યુનૉલૉજિકલ ર્દષ્ટિએ ઉપયોગ વગેરે બાબતો હાથ પર લેવામાં આવી છે.

સંસ્થાના સૌજન્યથી