ઇન્દ્રવરણાં (ઇન્દ્રવારણાં) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrullus colocynthis (Linn.) Schrad syn. C. vulgaris Schrad. (સં. ઇન્દ્રવારુણી, ચિત્રફલ, મહેન્દ્રવારુણી, એંદ્રી; હિં. લઘુ ઇન્દ્રાયણ, લઘુ ફરફેંદુ; મ. લઘુ ઇન્દ્રાવણું; ગુ. ઇન્દ્રવારણું, કડવી કોઠીંબી; બં. રાખાલશશા, રાખાલતાડુ; ક. હામેકકે; તે. એતિપુચ્છા; તા. પેયકામટ્ટી ટુમટ્ટી; અં. બીટર-ઍપલ, કોલોસિંથ) છે. તેના સહસભ્યોમાં પરવળ, પંડોળાં, કારેલાં, ગલકાં, તૂરિયાં, શિવલિંગી, ખડબૂચાં, ચણચીભડી અને પતકોળાનો સમાવેશ થાય છે. તેના વેલા પશ્ચિમ-ઉત્તર ભારતના ગરમ અને રેતાળ પ્રદેશમાં 1500 મી.ની ઊંચાઈ સુધી કોરોમાન્ડલ કિનારે અને ગુજરાતમાં દરિયાકાંઠે ઓખા દ્વારકામાં ઊગી નીકળે છે. રાજસ્થાનમાં તે બારમેર, બિકાનેર, જેસલમેર અને જોધપુર જિલ્લાઓમાં થાય છે. સીરિયા, ઇજિપ્ત, સાઇપ્રસ, સુદાન, સ્પેન, સિસિલી અને મોરોક્કોમાં પણ તે ઊગે છે. તે બહુવર્ષાયુ વેલા-સ્વરૂપે કે ભૂપ્રસારી (prostrate), રુક્ષ (scabrid) અને રોમિલ હોય છે. તેનાં પ્રકાંડ કોણીય (angular) હોય છે અને સાદા અશાખિત કે દ્વિશાખી પ્રતાનતંતુ (tendril) દ્વારા જમીન પર ફેલાય છે અથવા આરોહણ કરે છે. પર્ણો સાદાં અંડાકાર કે પંજાકાર; 3, 5 કે 7 ખંડીય અને પાણી જેવા રસથી ભરેલાં હોય છે. પ્રત્યેક ખંડ તરંગી (sinuately) દીર્ઘ પિચ્છાકાર (pinnatifid) હોય છે. પુષ્પો એકલિંગી, એકગૃહી (monoecious) નર અને માદા પુષ્પો એક જ છોડ ઉપર પીળાં, એકાકી (solitary) કક્ષીય હોય છે. પુંકેસર પાંચ 2 + 2 + 1 એમ જોડાઈને ત્રણ બને છે, પરાગાશય લહરદાર, જોડાઈને ‘ળ’ આકાર બનાવે છે. બીજાશય ત્રિયુક્ત સ્ત્રીકેસરી, અધ;સ્થ અને એકકોટરીય હોય છે અને તેમાં ચર્મવર્તી (parietal) જરાયુઓ ઉપર અંડકો ગોઠવાયેલાં હોય છે. વજ્રનલિકા બીજાશય સાથે જોડાયેલી હોય છે. ફળો સુંદર, લીલાં-સફેદ, ચટાપટાવાળાં, સૂક્ષ્મકાંટાયુક્ત 4 સેમી.થી 10 સેમી. વ્યાસ ધરાવતાં અને અતિશય કડવાં હોય છે. બીજ અસંખ્ય, સફેદ અથવા આછા બદામી રંગનાં હોય છે.

તે ઝડપી વૃદ્ધિ-ક્ષમતા (growing-capacity) ધરાવતી સહિષ્ણુ (hardy) અને શુષ્કતારોધી (drought-resistant) વનસ્પતિ છે અને શુષ્ક પ્રદેશોમાં રેતીના ઢૂવા (sand dunes) અને વનીકરણ(afforestation)ના સ્થાયીકરણ (stabilization) માટે યોગ્ય ગણાય છે, જ્યારે જંગલમાં અયોગ્ય; કારણ કે તેનાં બીજ રણના ઉંદરની જાતિને આકર્ષે છે અને વૃક્ષોને નુકસાન પહોંચાડે છે.

પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્દ્રવરણાં તેલ-ઉદ્યોગના વિસ્તારમાં ઊગી નીકળે છે. રાજસ્થાનમાં તેનું વાવેતર (1) તેલ-ઉદ્યોગમાં સાબુ બનાવવા માટે બીજનો સતત પુરવઠો પૂરો પાડવા; (2) ઊડતી રેતીના સ્થાયીકરણ માટે અને (3) વધારે પડતા ઉપયોગને કારણે તેને વિલુપ્ત થતી અટકાવવા માટે થાય છે.

ફળના મધ્યફલાવરણમાં 1.3 % જેટલો ગ્લુકોઝ અને અત્યંત અલ્પ પ્રમાણમાં α-સ્પિનેસ્ટૅરોલ હોય છે. પ્રક્રિયા કરેલ મધ્યફલાવરણ પૅક્ટિનનો સારો સ્રોત ગણાય છે. આલ્કોહૉલીય નિષ્કર્ષણ પછી મધ્યફલાવરણનું પૅક્ટિનીય ચૂર્ણ સારા પ્રમાણમાં શ્લેષ્મી (gelatinizing) ગુણધર્મ ધરાવે છે. ફળના રસમાં α-ઇલેટરિન, સાઇટ્રુલુઇન, સાઇટ્રુલુએન અને સાઇટ્રુલુઇક ઍસિડ હોય છે. ડાઇહાઇડ્રિક આલ્કોહૉલ, સાઇટ્રુલોલ અને પી-હાઇડ્રૉક્સિબૅન્ઝાઇલ મિથાઇલ ઈથર શુષ્ક ગર અને કાચાં ફળોમાંથી અનુક્રમે અલગ કરવામાં આવે છે. છાલરહિત પાકાં ફળોનો ગર પીળું, કડવું તેલ સાઇટ્બિટોલ ધરાવે છે.

ફળ કુકરબિટેસિન ‘બી’, તેનો ગ્લાયકોસાઇડ, કુકરબિટેસિન I, તેનો 2-O-β-D-ગ્લુકોપાયરેનોસાઇડ, કુકરબિટેસિન ‘એલ’, તેનો 2-O-β-D-ગ્લુકોપાયરેનોસાઇડ, ઇલેટરીડિન-હેક્ઝાનૉર કુકરબિટેસિન-l, 16-O-ઍસિટિલ હેક્ઝાનૉર કુકરબિટેસિન-I, અને 2-O-β-D-ગ્લુકોપાયરેનોસિલ-(22-27)-હેક્ઝાનૉર કુકરબિટેસિન-I ધરાવે છે. ફળના મિથેનોલીય નિષ્કર્ષના જલાપઘટન(hydrolysis)થી કુકરબિટેસિન ‘જે’ અને એક નવું કુકરબિટેસિન પ્રાપ્ત થયું છે. પ્રકાંડ, પર્ણ અને ફળ કુકરબિટેસિન ‘બી’, ‘I’ અને ‘એલ’ યુક્ત અને ગ્લાયકોસાઇડલ એમ બંને સ્વરૂપોમાં મળી આવે છે. ફળ, પર્ણો, પ્રકાંડ અને મૂળમાં કૉલાઇન અને ત્રણ આલ્કેલૉઇડ-I (C10H15NO3), II (C16H24NO7) અને III (C20H32NO10) હોય છે. મૂળ, પ્રરોહ અને ફળ લેનોસ્ટેરોલ અને β-સિટોસ્ટેરોલ ધરાવે છે.

બીજમાં આછા બદામી-પીળા રંગનું સ્થાયી તેલ હોય છે અને તે વિશિષ્ટ સુગંધ અને કડવો સ્વાદ ધરાવે છે. પેટ્રોલિયમ-ઈથરમાં તેના બીજનો નિષ્કર્ષ 16.7 % સ્વચ્છ, પીળું અને આંશિક-શુષ્કન (semi-drying) તેલ ઉત્પન્ન કરે છે.

તેનાં ફળ અને બીજ કેટલીક વાર આફ્રિકાના પ્રદેશોમાં ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. ખટાશ ચઢાવ્યા પછી ફળ સલામત રીતે ખાઈ શકાય છે. પાણીમાં તેમને ઉકાળવાથી તેની કડવાશ જતી રહે છે અને પરિરક્ષિત કરી શકાય છે. તેની છાલ કાઢી નાખ્યા બાદ તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. બકરીઓ તેનાં પ્રકાંડ અને પર્ણો ખાય છે.

બીજનો ખાવાના હેતુઓ માટે અને તેલ માટે ઉપયોગ થાય છે. કડવાશ દૂર કરવા બીજને મીઠાના પાણીમાં ધોવામાં આવે છે. ત્યારબાદ તેમને સૂકવીને દળવામાં આવે છે. તેનો લોટ બાજરી[Pennisetum typhoides (Burm. f.) Stapf & Hubbard]ના કે મઠ[Vigna aconitifolia (Jacq.) Marechal syn. Phaseolus aconitifolius Jacq.]ના લોટ સાથે મિશ્ર કરી રોટલા બનાવવામાં આવે છે. આફ્રિકામાં પણ બીજને શેકીને કે પાણીમાં ઉકાળીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બીજ તેલોત્પાદક (oleginous) અને પોષક (nutritious) છે. તેમનો મરઘાંના ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. તેનું તેલ તરબૂચ[Citrullus lanatus (Thunb.) Matsumura & Nakai syn. C. vulgaris Schrad.; Colocynthis citrullus (Linn.) Kuntze.]ના બીજના તેલ સાથે સામ્ય ધરાવે છે. તેનો ખાદ્યતેલ અને સાબુની બનાવટોમાં ઉપયોગ થાય છે. તે ચિત્રકામમાં પણ વપરાય છે અને વાળને ચમકીલા અને કાળા બનાવવા ઉપરાંત તેની વૃદ્ધિને પ્રેરે છે.

તેલના નિષ્કર્ષણ પછી રહેલ શેષ પદાર્થ પ્રોટીનનો સારો સ્રોત છે. બીજને આલ્કોહૉલીય ચિકિત્સા આપી તેલ કાઢી લીધા પછી શેષ પદાર્થ અવિષાક્ત (non-toxic) બને છે અને ઢોરોના ખોરાક માટે ઉપયોગમાં લેવાય છે. ફાર્મ યાર્ડ ખાતરની અવેજીમાં તે ઉપયોગી છે.

છાલ અને બીજરહિત પરિપક્વ ફળનો શુષ્ક ગર ‘કોલોસિંથ’ નામનું ઔષધ ઉત્પન્ન કરે છે. તેના શુષ્ક ગરનું ચૂર્ણ પીળાશ પડતા નારંગી કે પીળાશ પડતા ભૂખરા રંગનું સહેજ ગંધવાળું અને તીવ્ર કડવો સ્વાદ ધરાવે છે. તે નાક અને આંખના શ્લેષ્મી પટલ માટે અતિ પ્રકોપક (irritant) છે; તેથી તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. કેટલીક વાર જંગલી ઇન્દ્રાયણ [Cucumis callosus (Rottl.) Cogn. syn. C. trigonus Roxb.], C. pseudocolocynthis, કાકડી [C. sativus Linn. syn. C. hardwickii Royle], કાંટાળાં ઇન્દ્રવરણાં (C. prophetarum Linn.) અને લાલ ઇન્દ્રવરણાં(Trichosanthes palmata Roxb.)નાં ફળ ઇન્દ્રવરણાંની સાથે અપમિશ્રિત (adulterated) કરવામાં આવે છે.

ઇન્દ્રવરણાંમાં ભેદનગુણ છે. તેનાથી મરડો થતાં પાણી જેવા પાતળા ઝાડા થાય છે. તે મોટા પ્રમાણમાં આપવાથી આંતરડાં અને કમરમાં રહેલા અવયવોમાં દાહ (શોથ) થાય છે. મોટાં આંતરડાં અને યકૃત ઉપર તેની ઓળિયા જેવી ક્રિયા થાય છે. પેશાબનું પ્રમાણ વધે છે; છતાં મૂત્રલ ગુણ માટે તેનો ઉપયોગ થઈ શકતો નથી. તે સામાન્યત: અન્ય રેચક, વાતહર (carminative) અને સંકોચક (astringent) સાથે આપવામાં આવે છે. તેનો દીર્ઘકાલીન કબજિયાત અને જલશોફ(dropsy)માં ઉપયોગ થાય છે. તે ઋતુસ્રાવોત્તેજક (emmenagogue) અને કૃમિહર (vermifuge) છે. તેનો ગર સ્ફીત શિરાઓ (varicose veins) અને મસા (piles) માટે વપરાય છે. ઓછી માત્રામાં તે કફોત્સારક (expectorant) છે. તેનો ઉપયોગ કૅન્સર, કોથ (gangrene) અને વ્રણોમાં થાય છે. કોગળા કરવા, મોં ધોવા અને છાતીની શરદીમાં વિપરીત પ્રકોપક (counter-irritant) તરીકે ઉપયોગમાં લેવાય છે.

તેનો રેચક ગુણધર્મ α-ઇલેટેરિન 2-ડી-ગ્લુકોપાયરેનોસાઇડને લીધે હોય છે; જેનું ફળમાં મહત્તમ પ્રમાણ (0.22 %) હોય છે. શુષ્ક ગરનો નિષ્કર્ષ Salmonella paratyphi સામે અસરકારક પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે.

કોલોસિંથમાંથી તૈયાર કરેલું ‘લીવોલ’ નામનું ઔષધ યકૃતના રોગોની ચિકિત્સામાં અને ખેતરનાં ઢોરની વૃદ્ધિમાં ઉપયોગી થાય છે. લીવોલ 0.5 ગ્રા./દિવસ/પક્ષીને આપવાથી અંડપ્રવાસીઓમાં ઈંડાંનું ઉત્પાદન વધે છે.

તેનાં મૂળ કડવાં, કૃમિહર, જ્વરહર, વિરેચક અને શોથઘ્ન હોય છે. તે જલોદર(ascites)માં અને રુધિરના શુદ્ધીકરણમાં, નેત્રશોથ (ophthalmia), મસા, કમળો, મૂત્ર-રોગો અને વામાં ઉપયોગી છે. ‘રસાયન-ઇ-બાદાન’ નામના ઔષધનું તે એક ઘટક છે; જે જઠરાંત્રીય (gastrointestinal) રોગોમાં અત્યંત અસરકારક ગણાય છે. તે બાળકોને કફ અને દમમાં આપવામાં આવે છે. તેની પોટીસ વિવિધ પ્રકારના સોજાઓમાં લગાડવામાં આવે છે. પર્ણો આધાશીશી (migraine) અને જ્ઞાનતંતુના દર્દમાં વપરાય છે. ફળ અવગ્લુકોઝરક્ત (hypoglycaemic) પ્રક્રિયા દર્શાવે છે અને શક્તિશાળી પ્રતિસ્કંદક (anti-coagulant) હોવાનું જણાયું છે. તેમાંથી બનાવાતું એક ઔષધ ‘કાલા-આઝાર’માં અત્યંત ઉપયોગી સિદ્ધ થયું છે.

સમગ્ર વનસ્પતિ અત્યંત કડવી હોય છે અને તે કીટનાશી (insecticidal) અને કૃમિનાશક (nematicidal) ગુણધર્મો ધરાવે છે. તેનાં ફળ કેટલીક વાર માંકડ(Cimex lectularis Linn.)નો નાશ કરવામાં વપરાય છે. તેને પીસીને કાગળમાં વાળી કપડાં નીચે રાખવામાં આવે છે; જેથી કપડાંને કીટકોથી રક્ષણ મળે છે. અરેબિયામાં પણ ઊંટને જલીય માંકડથી રક્ષણ આપવા ફળના આસવનું આલેપન કરવામાં આવે છે.

તેના પ્રરોહનો જલીય નિષ્કર્ષ વનસ્પતિ-વિષાલુતા (phytotoxicity) દર્શાવે છે અને વિવિધ વનસ્પતિ-જાતિઓના અંકુરણ અને તરુણ રોપની વૃદ્ધિ ઉપર વિષાલુતા દાખવે છે. મૂળનો નિષ્કર્ષ બાજરી (Pennisetum typhoides) અને રજકો(Medicago sativa)ના અંકુરણને અને પ્રરોહનો નિષ્કર્ષ જુવારની જાતિ (Sorghum bicolor) અને સલાટની જાતિ(Lactuca sativa)ના અંકુરણને અવરોધે છે. કોહવાટ પામતા પ્રરોહનો નિષ્કર્ષ વધારે વિષાલુ હોય છે. પુષ્પ અને પર્ણના ઇથેનોલીય નિષ્કર્ષ ઘણાં ગ્રામ ધનાત્મક (+ ve) અને ગ્રામ ઋણાત્મક (- ve) બૅક્ટેરિયા સામે પ્રતિજીવાણુક સક્રિયતા દર્શાવે છે.

ગુજરાતમાં ઇન્દ્રવરણાંની બીજી બે જાતિઓ – (1) C. lanatus (Thunb.) Matsumura & Nakai syn. C. vulgaris Schrad. (તરબૂચ) અને (2) C. vulgaris var. fistulosus Duthie (દિલપસંદ) થાય છે.

આયુર્વેદ અનુસાર ઇન્દ્રવરણાંની જાતો આ પ્રમાણે છે : (1) મોટાં ગોળ ફળ ત્રુંસડું, મ. કડુ, વૃદાવન (Citrulus colocynthis); (2) કાંટાળાં ઇરાની ઇન્દ્રવરણાં (Ecballium elaterium); (3) કડવી કોઠીંબી, ગાયવસૂકણાં (Cucumis trigonus) અને (4) લાલ ઇન્દ્રવરણાં, મ. કવંડળ (Trichosanthes Palmata).

આકૃતિ : લાલ ઇન્દ્રવરણાંની પુષ્પ-ફળવાળી શાખાઓ

આકૃતિ : લાલ ઇન્દ્રવરણાંની પુષ્પ-ફળવાળી શાખાઓ

કાંટાળાં ઇન્દ્રવરણાં આંતરડામાં વધારે દાહ ઉત્પન્ન કરે છે. જલોદરમાં તેનો ઉપયોગ જુલાબ માટે કરવામાં આવે છે. હડકાયું કૂતરું કરડે તો તેનું ઝેર ચઢતું અટકાવવા તેનો રેચ અપાય છે. તેની માત્રા 0.03 ગ્રા.થી 0.06 ગ્રા. જેટલી હોય છે.

લાલ ઇન્દ્રવરણું ઓછા પ્રમાણમાં કફનિ:સારક છે. માત્રા વધારે થાય તો ઊલટી કરાવે છે. ફળનો ગર્ભ ભેદન છે. મૂળ ફળ કરતાં વધારે પ્રબળતાથી કાર્ય કરે છે. મૂળ શોથઘ્ન અને જ્વરહર છે. તે 0.06 ગ્રા.થી 0.12 ગ્રા.ની માત્રામાં દિવસમાં ત્રણ વાર અપાય છે. દમમાં કફ ન નીકળતો હોય અને કંઠની ગાંઠોના સોજાથી ગભરામણ થતી હોય તો તેનાં ફળ અથવા મૂળની છાલ ચલમમાં નાખી ધૂમ્રપાન કરાવાય છે. આ ધુમાડાથી ઊલટી થાય છે અને કફ નીકળી જાય છે. વ્રણશોથ પર તેનાં મૂળને ઠંડા પાણીમાં ઘસીને લેપ કરાય છે. આ લેપથી વેદના, જલન અને સોજો ઓછાં થઈ જાય છે.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

શોભન વસાણી

બકુલા શાહ