ઇન્ડિયન ઍસોસિયેશન : હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના પહેલાંની અખિલ ભારતીય સ્તરની રાષ્ટ્રવાદી સંસ્થા. તેની સ્થાપના કૉલકાતામાં 1876માં સુરેન્દ્રનાથ બેનરજી, લાલમોહન ઘોષ, કૃષ્ણદાસ પાલ વગેરેએ કરી હતી. તેનું મુખ્ય ધ્યેય (1) જવાબદાર શાસન માટે વ્યાપક પ્રમાણમાં પ્રજામત કેળવવાનું, (2) ભારતની વિવિધ જાતિઓમાં એકતા લાવવાનું, (3) હિન્દુ-મુસ્લિમ ઐક્ય સ્થાપિત કરવાનું તથા (4) સામાન્ય વર્ગને સરકાર સામેની બંધારણીય લડતમાં સામેલ કરવાનું હતું. ગવર્નર જનરલ લૉર્ડ લીટન(1876-1880)નાં કેટલાંક અન્યાયી પગલાંએ ઇન્ડિયન ઍસોસિયેશનને પોતાનું આ ધ્યેય સિદ્ધ કરવાની તક પૂરી પાડી.

સરકારે 1876ના કાયદાથી આઇ.સી.એસ. પરીક્ષામાં બેસનાર ઉમેદવારની વયમર્યાદા 21થી ઘટાડીને 19ની કરી. આની સામે સુરેન્દ્રનાથ બેનરજી અને અન્ય નેતાઓએ સભાઓ, સહીઓ, અખબારો વગેરે મારફત ભારે ઝુંબેશ ચલાવતાં સરકારને તે વયમર્યાદા ફરી 21ની કરવી પડી. લૉર્ડ લીટને દેશી ભાષાઓમાં પ્રસિદ્ધ થતાં વર્તમાનપત્રો પરના અંકુશોને લગતો કાયદો અમલમાં મૂકતાં તેની સામે પણ ઇન્ડિયન ઍસોસિયેશનના નેતાઓએ પ્રબળ બંધારણીય લડત કરતાં, સરકારને તેની કલમોમાં ફેરફાર કરવો પડ્યો. ભારતીય લોકોને હથિયારો રાખવા માટે ખાસ પરવાના લેવાની ફરજ પાડતા બ્રિટનના કાયદા સામે પણ સુરેન્દ્રનાથ અને અન્ય નેતાઓએ સફળ ઝુંબેશ ચલાવી હતી. આવી જ લડત ઇન્ડિયન ઍસોસિયેશને લીટનની ભેદભાવયુક્ત આર્થિક નીતિ, દુષ્કાળ-નીતિ તથા અફઘાન-નીતિ સામે પણ ચલાવી હતી. ન્યાયમાં અસમાનતા દૂર કરવા લૉર્ડ રિપને (1880-1884) રજૂ કરાવેલ ઇલ્બર્ટ બિલ સામે ભારતના યુરોપિયનોએ ચલાવેલી અન્યાયી ઝુંબેશ સામે પણ ઇન્ડિયન ઍસોસિયેશને ઉગ્ર બંધારણીય લડત ચલાવી હતી. આમ કૉંગ્રેસની સ્થાપના પહેલાં આ સંસ્થાએ લોકોમાં રાષ્ટ્રવાદને જાગ્રત કરવાની ઉપયોગી કામગીરી બજાવી હતી.

રમણલાલ ક. ધારૈયા