ઇન્ટરનેશનલ ક્વાએટ સન યર્સ (IQSY) : 1964 અને 1965 એ નિમ્નતમ સૂર્યકલંકનાં બે વર્ષો. ઇન્ટરનેશનલ જિયોફિઝિકલ યર(IGY)ના સમયગાળા દરમિયાન નોંધાયેલ સૌર પ્રવૃત્તિની ચરમસીમા પછીના નિમ્નતમ સૂર્યકલંક(minimum sun-spot)નાં આ બે વર્ષો હતાં. IQSYનો હેતુ એ હતો કે IGY દરમિયાન ભૂભૌતિક માપન કરવામાં આવેલું તેવું જ માપન IQSYના સમયગાળામાં કરવું અને પરિણામોની સરખામણી કરવી. અવકાશયાનોનો ઉપયોગ IQSY કાર્યક્રમનું મહત્વનું અંગ બન્યું હતું. IGYની જેમ 70 કરતાંય વધુ રાષ્ટ્રો સહકારપૂર્વક સૂર્યસંબંધી વિજ્ઞાનશાખાઓ અંગેના નિરીક્ષણ કાર્યક્રમમાં સક્રિય બન્યાં હતાં.

IQSY દરમિયાન સૂર્ય, ધરતીના વાતાવરણ પર સૌર વિકિરણોની અસર, આયનમંડલીય પ્રાચલો, ભૂચુંબકીય ઝંઝાવાતો, ઉચ્ચ અક્ષાંશ પર ધ્રુવીય જ્યોતિ, વાતદીપ્તિ, વાતાવરણના ઉચ્ચતર ભાગમાંનો ઓઝોન વગેરેનો અભ્યાસ હાથ ધરવામાં આવેલો. તે અભ્યાસસામગ્રી તથા તેનાં કેટલાંક પરિણામો ‘ઍનાલ્ઝ ઑવ્ ધ આઈ. ક્યૂ. એસ. વાય.’ના ગ્રંથોમાં પ્રસિદ્ધ થયાં છે.

ભૂચુંબકીય વિષુવવૃત્ત ભારતમાંથી પસાર થતું હોવાથી ભારત IQSYના કાર્યક્રમમાં સહભાગી બને એ અગત્યનું હતું. ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી, અમદાવાદના વૈજ્ઞાનિકોએ આ કાર્યમાં જે ભૂમિકા અદા કરી તેને વિશ્વના પરિવારે ખૂબ મહત્વની ગણી છે.

IGYના જેટલો જ કે તેથી વધુ મહત્વનો આ વૈજ્ઞાનિક પ્રયાસ હતો.

મોહનરાવ દેશપાંડે