ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સેમિઍરિડ ટ્રૉપિક્સ

January, 2002

ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સેમિઍરિડ ટ્રૉપિક્સ (ICRISAT) : ભારતના આંધ્રપ્રદેશમાં હૈદરાબાદ શહેરના પાટણચેરુમાં આવેલું વિષુવવૃત્તીય અર્ધ-સૂકા પ્રદેશોના પાકના ઉત્પાદન અને સુધારણા માટેનું 1972માં સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંશોધનકેન્દ્ર. આ સંસ્થા જુવાર, બાજરી, મગફળી, તુવેર અને ચણાના પાકની જાતો તથા સૂકી ખેતીની પદ્ધતિઓ પર સંશોધન કરે છે. તેનાં કાર્યો નીચે પ્રમાણે છે :

(1) આ સંસ્થા જુવાર, બાજરી, ચણા, તુવેર અને મગફળીના પાકોની જનીનિક સંપત્તિ(genetic wealth)ના સંગ્રહાલય તરીકેનું કાર્ય કરે છે. તેણે ધાન્ય પાકોની 23,000 અને ચણા તથા અન્ય કઠોળોની 12,000 કરતાં વધુ જાતો એકત્રિત કરી છે. (2) વિષુવવૃત્તીય અર્ધ-સૂકા પ્રદેશોમાં કુદરતી અને માનવીય સંપત્તિનો ઉપયોગ થાય, ખેત-ઉત્પાદન વધે, વધેલું ઉત્પાદન સ્થિર રહે અને આધુનિક ખેતીપદ્ધતિનો વિકાસ થાય એ માટેના પ્રયત્નોમાં તે મદદ કરે છે. (3) આ પ્રદેશોની ખેતીના વિકાસમાં નડતી સંભવિત આપત્તિઓને જાણી લઈ તકનીકી તેમજ ઔદ્યોગિક વિકાસ દ્વારા તેમના નિવારણનો પ્રયત્ન કરે છે. (4) આ સંસ્થા ખેડૂતોનો વિકાસ થાય અને તેઓ જૂની પદ્ધતિ છોડી નવી ટૅક્નૉલૉજી અપનાવે તે માટે રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક સંશોધન કાર્યક્રમ, વર્કશૉપ અને પરિષદનું આયોજન કરે છે, તાલીમ આપવાની જોગવાઈ કરે છે અને વિસ્તરણ-કાર્યક્રમો યોજે છે.

નટવરલાલ પુ. મહેતા

મગનભાઈ ઉ. કુકડિયા