ઇન્કા સંસ્કૃતિ : દક્ષિણ અમેરિકામાં પશ્ચિમ કિનારે વિકસેલી સંસ્કૃતિ. ઊંચા પહાડો, નીચાણમાંનાં જંગલો અને કાંઠાળ રણ ધરાવતા પ્રદેશમાં ઇન્કા સામ્રાજ્ય વિકસ્યું હતું. પુરાતત્ત્વવિદોને ઈ. સ. પૂ. 1200થી ઈ. સ. પૂ. 400 દરમિયાન ચવીન, ઈ. સ. પૂ. 400થી ઈ. સ. 400 દરમિયાન પોરાકાસ, ઈ. સ. પૂ. 272થી ઈ. સ. 1000 દરમિયાન મોચિકા, ઈ. સ. પૂ. 400થી ઈ. સ. 1000 દરમિયાન નાઝકા અને ઈ. સ. 800થી 1000 દરમિયાન ટીઆહુઆનાકો જેવી પ્રાગ્-ઇન્કા સંસ્કૃતિઓની ભાળ મળેલી છે. ઇન્કાનો આરંભ આશરે ઈ. સ. પૂ. 1100માં કુઝેકો નગરની સ્થાપનાથી અને અંત 1781માં ઇન્કા સામ્રાજ્યના અસ્તથી થાય છે.
ઇન્કા શાસક દૈવી પુરુષ હતો. પૃથ્વી પરની બધી બાબતોનો એ માલિક હતો. તે સાર્વભૌમ હતો. ઇન્કા રાજા અનેક પત્નીઓ તથા અનેક દાસીઓ રાખતો. શાસનરેખા વંશપરંપરાગત ન હતી, પણ મુખ્ય પટરાણીના કુંવરોમાંથી શક્તિશાળી કુંવરની વારસદાર તરીકે પસંદગી થતી હતી. રાજાના મૃતદેહને મમીમાં સાચવી રખાતો અને એનું સુવર્ણ-પૂતળું તૈયાર કરાતું. વૈભવ અને ઠાઠમાઠ ઇન્કા શાસકની લાક્ષણિકતા હતાં. ધર્મ એમના જીવનની ધોરી નસ હતી. જન્મથી મૃત્યુ સુધીનું પ્રત્યેક કાર્ય ધાર્મિક વિધિ સાથે જોડાયેલું હતું.
ઇન્કા કલા : ઇન્કા સંસ્કૃતિની કલામાં મુખ્યત્વે પથ્થરની ઇમારતો અને થોડા પ્રમાણમાં સોનાચાંદીનાં પૂતળાં અને મૂર્તિઓ ઉપલબ્ધ છે. આ સંસ્કૃતિની મોટા ભાગની કલા નાશ પામી છે. પથ્થરની ઇમારતોમાં વિસ્કોન્ગા નદી પરના વિલ્કાસ મેદાનમાં સુરક્ષિત સૂર્યમંદિર એકમાત્ર પ્રાપ્ત નમૂનો છે. હજારો સૂર્યમંદિરોમાંથી એક બચ્યું છે. ચૂનો, ખીલા અને લાકડાના ઉપયોગ વિના નાનામોટા પથ્થરોના ઉપયોગથી આ લોકો ઇમારતો બનાવતા હતા. એમનું નગર-આયોજન એકસરખું અને સોહામણું હતું. ઉત્સવ વખતે ઇન્કા રાજા પથ્થરની વિશાળ બેઠક ઉપર બેસતો. ખુલ્લાં ચોગાન એમના નગર-આયોજનની વિશેષતા ગણાય. મચુપિચ્છુનાં મંદિરો વિશેષ પ્રખ્યાત છે. આ લોકો સોનાનો મબલખ વિનિયોગ કરતા. પ્રત્યેક મૃત રાજાના પૂરા કદનાં સોનાનાં પૂતળાં તૈયાર થતાં. ખેડૂતોનાં ગ્રામીણ સાદાં ઘરોમાં વિકસેલું ઇન્કા સ્થાપત્ય ગ્રૅનાઇટના શાહી મહેલો, સૈનિકોની બૅરેકો, હલકા કબીલા વગેરે સુધી વિસ્તરેલું. આ બધી ઇમારતોનાં છાપરાં તો ઘાસનાં હતાં. ચમકદાર (polished) પથ્થરોમાંથી બનાવેલી વિશાળ દીવાલો ધ્યાનાકર્ષક ગણાય. દક્ષિણ ચિલીમાં મૌલે નદીની ઉત્તરે સ્થિત પુરુમૌકા કિલ્લો અને સૂર્યમંદિરથી માંડી ઉત્તરે કોલંબિયાની અંકોસમયો નદી સુધીના પાંચ હજાર કિલોમીટરના વિસ્તારમાં ઇન્કા સ્થાપત્ય વિસ્તરેલું હતું. ઉરુબંબા નદીકાંઠે ખડકના કાંગરાથી શોભતું પિઝાકનગર અહીંના સ્થાપત્યનું સરસ નિદર્શન ગણાય. આ સ્થાપત્યનું બધે જોવા મળતું લક્ષણ છે સમલંબ આકારનાં બારણાં, બારીઓ અને ગોખલા.
ઇન્કા સમાજ : પુરુષ અને સ્ત્રી બંને સીવેલાં અને સાદાં કપડાં પહેરતાં. વીસની ઉંમરે પસંદગીથી લગ્ન થતાં. લગ્નવય સુધી પસંદગી ન પામનાર છોકરા-છોકરીઓનાં લગ્ન ગોઠવાતાં. લગ્નવિધિમાં હસ્તમેળાપ થતો. નીચલા વર્ગમાં એકપતિત્વ-એકપત્નીત્વ અને અમીર-ઉમરાવોમાં બહુપતિત્વ-બહુપત્નીત્વ હતું. ઇન્કા રાજાને સેંકડો રખાત હતી. બહુપત્નીત્વ પ્રથામાં પ્રથમ સ્ત્રી મુખ્ય પત્ની અને બાકીની ગૌણ ગણાતી. ઉચ્ચ વર્ગનાં છોકરાં દાસીઓ પાસે ઊછરતાં અને લગ્નવય સુધી દાસીઓને રખાત ગણતા. બાળકને બેત્રણ વરસ સુધી સ્તનપાન કરાવાતું. જીવન જીવવાની તાલીમ બાળકને શરૂથી અપાતી. જન્મેલા બાળકને નજીકના ઝરણામાં સાફ કરાતું. પ્રથમ બે વર્ષ દરમિયાન બાળકનું નામકરણ થતું નહીં, પણ કૌટુંબિક ઉત્સવ સાથે વાળ ઉતારતા અને કામચલાઉ નામ પાડતા. પાકટ વયે કાયમી નામ અપાતું.
સૂર્યોદયથી રોજિંદું જીવન આરંભાતું. તેઓ આથેલા કેફી પીણાથી ભૂખ અને તરસ સંતોષતા, બપોરનું ભોજન પણ બધા સાથે લેતા. નાસ્તાની કોઈ પ્રથા નહોતી પણ આગલી સાંજનું વધેલું સવારે ઉપયોગમાં લેતા. સાંજનું ખાણું ચારથી પાંચ વાગ્યા દરમિયાન લેવાતું. પાથરણા ઉપર પુરુષો ટોળે વળીને પલાંઠી વાળી બેસતા. સ્ત્રીઓ એમની તરફ પીઠ કરીને બેસતી. બાફેલો ખોરાક ખાતા. મકાઈ મુખ્ય ખોરાક હતો. નાનાં સસલાં જેવાં પ્રાણી માંસ માટે ઉછેરતા. સૂર્યતાપે તૈયાર થતું માંસ ખાતા. અંગારામાં મકાઈનો રોટલો શેકતા.
ખેતી સિંચાઈથી કરતા. ઑગસ્ટથી ખેતીની શરૂઆત થતી. તેઓ ઊનનો ઉદ્યોગ કરતા. ઇન્કા વર્ષ બાર મહિનાનું હતું અને વર્ષારંભ ડિસેમ્બરથી થતો. વિશિષ્ટ ઉજવણીથી પ્રત્યેક મહિનો ઓળખાતો.
ચોરી, લૂંટફાટ, ખૂન, હિંસા વગેરે અસ્તિત્વ ધરાવતાં. તે માટે કડક શિક્ષા થતી. આળસુપણા માટે પણ શિક્ષા થતી. આમ આ સમાજની શિસ્ત ઊંચી હતી.
ઇન્કા સમાજવાદ : ઇન્કા લોકોની સમાજવ્યવસ્થામાં પાયાનો એકમ આયલ્લુ (Ayllu) હતો. પ્રત્યેક વ્યક્તિ આયલ્લુ સાથે જોડાયેલી હતી. મર્યાદિત વિસ્તારમાં વિશાળ કુટુંબો એકસાથે રહેતાં અને જમીન, પ્રાણીઓ તથા અનાજ સહિયારું ભોગવતા. આ ‘કમ્યૂન’ નાનાંમોટાં હતાં. અર્થાત્, ગામ, નગર કે મોટા શહેર સમાં રહેતાં. રાજધાની કુઝકો શક્તિશાળી આયલ્લુ હતી.
આયલ્લુને ચોક્કસ વિસ્તાર હતો. આમાં રહેતાં કુટુંબોને જરૂરિયાત મુજબ જમીન ધિરાતી. ચૂંટાયેલા નેતાથી આયલ્લુનું સંચાલન થતું હતું અને વૃદ્ધોની સમિતિ તેને માર્ગદર્શન આપતી. વિભિન્ન અને છૂટાંછવાયાં કમ્યૂન જિલ્લાનેતૃત્વ હેઠળ રહેતાં અને તેનો એક પ્રદેશ બનતો. અંતે તે સમગ્ર વિસ્તાર ઇન્કા રાજાના આધિપત્ય હેઠળ ગણાતો. આયલ્લુની રાજકીય અને આર્થિક પદ્ધતિ પિરામિડ પ્રકારની અને દશાંશ સ્વરૂપની હતી. તેના પાયામાં સશક્ત કામદાર હતો. દશ કામદાર એક સ્ટ્રો બૉસ હેઠળ, દશ સ્ટ્રો બૉસ એક ફોરમૅન હેઠળ અને દશ ફોરમૅન એક સુપરવાઇઝર હેઠળ કામ કરતા. સુપરવાઇઝર ગ્રામીણ હતો. આ સોપાનશ્રેણી આગળ વધીને કોમના વડા, પ્રાન્તના વડા અને ઇન્કા સામ્રાજ્યના શાસક સુધી વિસ્તરતી.
આયલ્લુની શોધ ઇન્કા લોકોની ન હતી, પણ ઍન્ડિયન સમાજની લાંબી પરંપરાના ભાગરૂપ હતી, જેને ઇન્કાએ વ્યવસ્થિત અને વિસ્તૃત બનાવી.
રસેશ જમીનદાર