ઇડિપસ ઍટ કૉલોનસ : ગ્રીક નાટક. નાટ્યકાર સોફૉક્લિસ (ઈ. સ. પૂ. 495-406)ની નાટ્યત્રયી (1) ‘ઇડિપસ રૅક્સ’ (2) ‘ઇડિપસ ઍટ કૉલોનસ’ અને (3) ‘ઍન્ટિગૉની’ – માંનું આ બીજું નાટક, પ્રથમ નાટક ‘ઇડિપસ રૅક્સ’ના અનુસંધાનમાં છે.

અજાણતાં પોતાના પિતાને મારી, પોતાની માતા સાથે લગ્ન કરી, તેનાથી ચાર સંતાનો (બે પુત્રો – એટિયોક્લિસ અને પૉલિનિસેસ તથા બે પુત્રીઓ – ઍન્ટિગૉન અને ઇસ્મેન)નો પિતા બન્યો છે. એ સત્ય જાણીને ઇડિપસ પોતાની આંખો ફોડીને અંધ બને છે તે વાતે પ્રથમ નાટકનો અંત આવે છે.

અંધ ઇડિપસને પોતાની ઇચ્છા વિરુદ્ધ વર્ષો સુધી થીબ્ઝમાં રહેવું પડે છે. તેની પુત્રીઓ તેની સંભાળ રાખે છે. તેના પુત્રો તેમની માતા જોકાસ્તાના ભાઈ એટલે મામા ક્રેયૉનને રાજગાદી સંભાળવાનું કહે છે. ક્રેયૉન રાજગાદી પર આવી છેવટે અંધ ઇડિપસને રાજ્યમાંથી હાંકી કાઢી રસ્તે રખડતો કરે છે.

અંધ ઇડિપસ ઍન્ટિગૉન સાથે ઍથેન્સ પાસેના કૉલોનસ ગામે આવે છે. ગામના લોકો (પ્રૌઢ નાગરિકોનું ગાયકવૃંદ, chorus) આ પવિત્ર ભૂમિ પરથી ઇડિપસને જતા રહેવા આગ્રહ કરે છે; પરંતુ ઇડિપસ ત્યાંના રાજા થેસિયસનો આશ્રય માગે છે. તેની વિનંતી રાજા સ્વીકારે છે. ત્યાં એકાએક ઇડિપસની બીજી પુત્રી ઇસ્મેન ખબર આપે છે કે તેના ભાઈઓ થીબ્ઝના રાજા થવા અંદરોઅંદર લડે છે અને ગાદીએ બેઠેલા મામા ક્રેયૉન ઇડિપસની શોધમાં છે, કારણ કે તે માને છે કે ઇડિપસની કબર તેના શહેર થીબ્ઝનું રક્ષણ કરશે. કૉલોનસ ગામના લોકો ઇડિપસને પ્રાયશ્ચિત્ત કરવા અને દેવની ક્ષમા માગવા કહે છે. ઇડિપસ આ કાર્ય પોતાની પુત્રીઓને સોંપે છે.

એકલા પડેલ ઇડિપસને રાજા થેસિયસ સાંત્વન આપે છે. ઇડિપસ તેની સમક્ષ પોતાનો દેહ થીબ્ઝમાં દફનાવાય એવી ઇચ્છા પ્રગટ કરે છે. રાજા થેસિયસ પોતાના આશ્રિતને રક્ષણ આપવાનું વચન આપે છે.

ઇડિપસને શોધતો ક્રેયૉન લશ્કર સાથે કૉલોનસ આવે છે અને ઇડિપસને થીબ્ઝ પાછા ફરવા કહે છે, પરંતુ તેની વાત પર વિશ્વાસ ન આવતાં ઇડિપસ થીબ્ઝ પાછા જવાની ના પાડે છે, ત્યારે ક્રેયૉન ઇડિપસની પુત્રીઓને બાનમાં પકડાવે છે અને ઇડિપસને પકડવા પ્રયત્ન કરે છે. તે વખતે કૉલોનસનો રાજા થેસિયસ આવી પહોંચે છે અને પોતાના લશ્કરની મદદથી ઇડિપસની પુત્રીઓને છોડાવે છે અને ક્રેયૉનને ઠપકો આપે છે. ક્રેયૉન થેસિયસ અને ઇડિપસનું અપમાન કરે છે. થેસિયસ ઇડિપસની પુત્રીઓને તેના પિતાને પાછી સોંપે છે. તે પછી થેસિયસ ઇડિપસને તેનો મોટો પુત્ર પૉલિનિસેસ મળવા આવ્યો છે એમ જણાવે છે. આ પુત્ર તેના ભાઈએ તેની સાથે કરેલ ગેરવર્તણૂકની વાત કરીને પિતાની માફી માગે છે, પરંતુ પિતા તેને માફ કરવાને બદલે શાપ આપે છે.

પૉલિનિસેસ પોતાનું કરુણ ભાવિ જાણીને થીબ્ઝ જતાં પહેલાં તેની બહેનોને પોતાની દફનવિધિ સારી રીતે થાય તેની વ્યવસ્થા કરવા વિનંતી કરે છે.

એકાએક ત્યાં કુદરતી તોફાન-આંધી આવે છે. ઇડિપસને મર્ક્યુરી દેવ અને રાતરાણી જ્યાં દોરી જાય છે ત્યાં તે રાજા થેસિયસ એને પોતાની પુત્રીઓને અનુસરવા કહે છે. થોડેક આગળ જતાં ઇડિપસ અર્દશ્ય થાય છે. લોકો (ગાયકવૃંદ) તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. ઇડિપસનો પ્રેતાત્મા જાણે સ્નાન કરી, શ્વેત ઝભ્ભામાં દેખાય છે અને પોતાની પુત્રીઓને ભેટવા જાય છે ત્યારે ભૂગર્ભમાંથી ગહન અવાજ તેને બોલાવે છે અને થેસિયસ સિવાય અન્યને આ જગ્યા છોડી જવા કહે છે.

થોડા સમય પછી એ જગ્યા પર જ્યારે બધાં પાછાં ફરે છે ત્યારે કેવળ રાજાને અલૌકિક શ્યથી અંજાઈ ગયેલી આંખો ચોળતો જુએ છે. અહીં ગહન અલૌકિક વાતાવરણમાં ઇડિપસના જીવનનો અંત આવે છે.

આ નાટકમાં કોરસનાં ગીતો મહત્વનો ભાગ ભજવે છે, જે વાતાવરણને કરુણ અને અદભુતનો સ્પર્શ આપે છે.

કૃષ્ણવદન જેટલી