ઇંધન-નિક્ષેપ : આંતરદહન એન્જિનના સિલિન્ડરમાં બાહ્ય પંપ દ્વારા ઇંધન દાખલ કરવાની ખાસ પ્રક્રિયા. ડીઝલ એંજિનમાં સ્ફુલિંગ પ્લગ હોતો નથી. સિલિંડરમાં દબાયેલી હવાથી ઉત્પન્ન થતી ગરમીની મદદથી ઇંધન પ્રજ્વળી ઊઠે છે. આ ઇંધનનો, સિલિંડરમાંની ગરમ હવામાં છંટકાવ કરવામાં આવે છે. સ્ફુલિંગ-દહન એંજિનમાં કેટલીક વાર ચીલાચાલુ કાર્બ્યુરેટરની જગાએ, ઇંધન-નિક્ષેપ પંપ વપરાય છે. સિલિંડરમાં, ઇંધન-નિક્ષેપ વડે ઇંધન અલગ અલગ સિલિંડરમાં યોગ્ય રીતે વહેંચાય છે. આથી, કાર્બ્યુરેટર પદ્ધતિની સરખામણીમાં વધુ શક્તિ ઉત્પન્ન કરી શકાય છે અને અનિષ્ટ ઉત્સર્જન(emission)માં ઘટાડો થાય છે. ગૅસ ટર્બાઇન અને પ્રવાહી ઇંધનથી પ્રજ્વલિત થતાં રૉકેટમાં સતત દહન થતું હોય છે, પણ તેમાં પંપિંગકાર્ય માટે પિસ્ટન હોતાં નથી એટલે તેમાં ઇંધનનિક્ષેપ પદ્ધતિ જરૂરી છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ