ઇંચ : બ્રિટિશ માપપદ્ધતિના લંબાઈના મૂળભૂત એકમ ફૂટનો બારમો (1/12) ભાગ અથવા વાર(yard)નો છત્રીસમો (1/36) ભાગ. લંડનની ‘સ્ટાન્ડડર્ઝ ઑફિસ ઑવ્ ધ બૉર્ડ ઑવ્ ટ્રેડ’માં 62oF તાપમાને રાખેલા પ્લેટિનમ-ઇરિડિયમ સળિયા પરના બે સમાંતર સોનાના ડટ્ટા (plugs) વચ્ચેના અંતરના ત્રીજા ભાગને પ્રમાણભૂત ફૂટ કહે છે. ઇંચનું લૅટિન નામ uncia છે. તેની વ્યુત્પત્તિ જૂની અંગ્રેજી ભાષાના શબ્દ unce પરથી થઈ છે. 1150ની આસપાસ સ્કૉટલૅન્ડના રાજા ડેવિડ પહેલાએ કોઈ પણ વ્યક્તિના નખવાળા અંગૂઠાના વેઢાના છેડાની લંબાઈને ઇંચ તરીકે વ્યાખ્યાયિત કરી હતી. વધારે ચોકસાઈ અને સાતત્ય ધરાવતા માપ માટે નાની, મોટી અને મધ્યમ વયની વ્યક્તિઓના ઉપર જણાવ્યા પ્રમાણેના અંગૂઠાના વેઢાની સરેરાશ પહોળાઈનું માપ લેવામાં આવતું. ચૌદમી સદીમાં રાજા એડ્વર્ડ બીજાના શાસનકાળ દરમિયાન ઇંચની લંબાઈ જવના ત્રણ સૂકા દાણાને તેમના છેડા એક પછી એક રહે ત્યારે મળતી લંબાઈ વડે વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. 1959 પછી 1 ઇંચનું માપ 2.54 સેમી. ગણાય છે.

જગન્નાથ ગિરધરલાલ સુથાર