આલ્મા જેસ્ટ : ગ્રીક ખગોળશાસ્ત્રી ક્લૉડિયસ ટોલેમીએ ઈ. સ. 140માં લખેલો ખગોલીય સિદ્ધાન્તોનો ગાણિતિક ગ્રંથ. તે વિષય-વૈશિષ્ટ્યને કારણે ‘મહાન ગણિતીય સંગ્રહ’, ‘મહાન ખગોળજ્ઞ’, ‘મહાન કોશ’ અને ‘સર્વશ્રેષ્ઠ’ (ગ્રીક ભાષામાં ‘મેજિસ્ટી’) વગેરે નામે ઓળખાતો હતો.

આરબ વિદ્વાનોએ 827માં ઉપર્યુક્ત ગ્રંથનો અરબી ભાષામાં અનુવાદ કર્યો અને અરબી નામકરણપદ્ધતિ અનુસાર એને અલ-મેજિસ્તી કહીને, આલ્મા જેસ્ટ નામ આપ્યું. આ નામ આજ પર્યંત ચાલુ રહ્યું છે. બારમી સદીની અધવચમાં ગ્રીક ભાષામાં ‘મેજિસ્ટી’ ગ્રંથ મળતો ન હોવાથી તેનું અરબીમાંથી ગ્રીક ભાષામાં ભાષાંતર કરાયું હતું.

આલ્મા જેસ્ટમાં 13 પુસ્તકખંડ છે, જેમાંના પ્રથમ ખંડમાં ભૂકેન્દ્રી વિશ્વ અને સૂર્યમંડળની વિગતો અપાઈ છે. આ વિગતોની વિસ્તૃત ચર્ચા પુસ્તકખંડ 9થી 13માં કરવામાં આવી છે. પુસ્તકખંડ 7 અને 8માં 1,022 તારાઓના આકાશી નિર્દેશાંકો (co-ordinates) અને વર્ગ (magnitudes) આપવામાં આવ્યા છે. બાકીના ખંડો ખગોલીય ગણિતને લગતા છે.

આલ્મા જેસ્ટ 17મી સદી પર્યંત ખગોળનો માર્ગદર્શક ગ્રંથ રહ્યો હતો.

છોટુભાઈ સુથાર