આલ્બેનિયન ભાષા અને સાહિત્ય

January, 2002

આલ્બેનિયન ભાષા અને સાહિત્ય : યુરોપમાં એડ્રિયાટિક સમુદ્રને કિનારે આવેલ આલ્બેનિયાની ભાષા અને તેનું સાહિત્ય. આલ્બેનિયન ભાષા એક ઇન્ડો-યુરોપિયન ભાષા છે અને તે બોલનારા 45 લાખ લોકો છે. આમાં 27 લાખ લોકો આલ્બેનિયામાં વસેલા છે અને અન્ય યુગોસ્લાવિયા, ગ્રીસ અને ઇટાલીમાં રહેનારા છે. આલ્બેનિયન ભાષા ઉચ્ચાર અને વ્યાકરણની દૃષ્ટિએ આર્મેનિયન બાલ્ટો-સ્લાવિક અને પશ્ચિમી ઈરાની ભાષા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તે હાલ રુમાનિયામાં બોલાતી ડેસિયન (Dasian) ભાષાની વંશજ છે. આલ્બેનિયા દેશ પર વારંવાર પરદેશીઓનાં આક્રમણ અને શાસન થવાથી હુમલો કરનારા લોકોની ભાષાઓનો તેના પર પ્રભાવ છે. આથી મૂળ ઇન્ડો-યુરોપિયન ભાષાના કેવળ 300 શબ્દો જ તેમાં રહ્યા છે. બીજા શબ્દો મુખ્યત્વે લૅટિન ભાષાના અને ઘણા શબ્દો ગ્રીક, સ્લાવિક અને તુર્કીના છે. આલ્બેનિયન ભાષામાં એકબીજાને સમજાય તેવી મુખ્ય બે બોલીઓ છે : ગેગ અને ટોસ્ક. શ્કુબિની નદીના ઉત્તર ભાગમાં ગેગ અને દક્ષિણ કિનારાના ભાગમાં ટોસ્ક બોલાય છે. સૌથી જૂના પંદરમી સદીના આલ્બેનિયન દસ્તાવેજમાં ટોસ્ક અને ગેગ બોલીમાં બાઇબલની એક સ્તુતિનું ભાષાંતર મળી આવેલું છે.

સાહિત્ય : આલ્બેનિયન સાહિત્યનો વિકાસ 19મી સદીમાં થયો. પરંતુ 14મી અને 15મી સદીમાં તે ભાષા વપરાતી હતી તેવા પુરાવા ‘નવા કરાર’ના કેટલાક ભાગના અનુવાદમાં મળે છે. કૅથલિક પાદરી બુઝુદુનું લખાણ 1555માં પ્રગટ થયેલ તે આલ્બેનિયન ભાષાનું સૌથી પુરાણું પુસ્તક ગણાય છે. 1800 પહેલાં આ ભાષાનો ઉપયોગ ધાર્મિક પુસ્તકોમાં અને ઇટાલીમાં પ્રગટ થયેલ શબ્દકોશોમાં જ હતો.

19મી સદીમાં રાષ્ટ્રવાદી આંદોલન યુરોપમાં વ્યાપ્યું ત્યારે આલ્બેનિયામાં તુર્કી શાસન હેઠળ શાળાઓ કે પુસ્તકોમાં આલ્બેનિયન ભાષા વાપરવા પર પ્રતિબંધ હતો અને તેની સાહિત્યિક પ્રવૃત્તિ પરદેશમાં થતી હતી. તુર્કી શાસન સમયે ઘણા આલ્બેનિયન લોકો ઇટાલીના કલાબ્રિયા અને સિસિલી પ્રદેશમાં જઈ વસ્યા હતા. આ લોકોમાં અનેક કવિઓ અને વિદ્વાનો થયા હતા. એમાં ગિરોલામો દે રાદા (1814-1903) અને દેમેત્રિઓ કમાર્દા (1821-1882) ખૂબ પ્રભાવશાળી અગ્રણી લેખકો હતા. દે રાદા રાષ્ટ્રવાદથી પ્રેરિત કવિ હતો અને કમાર્દા આલ્બેનિયન ભાષા અને લોકસાહિત્યનો વૈજ્ઞાનિક અભ્યાસી હતો. કૉન્સ્ટૅન્ટિનોપલ બીજું સાંસ્કૃતિક કેન્દ્ર હતું. આલ્બેનિયન રાષ્ટ્રવાદી આંદોલનનો સૌથી મહાન રોમૅંટિક કવિ નૈમ ફ્રશેરી (1846-1903) કૉન્સ્ટૅન્ટિનોપલમાં રહી કાર્ય કરતો હતો. મધ્યકાલીન આલ્બેનિયન નાયક વિશે તેનું કાવ્ય ‘સ્ટોરી ઑવ્ સ્કંદરબેગ’ દેશપ્રેમથી પ્રેરિત છે. તેનાં સુંદર ઊર્મિગીતો ‘સમર ફ્લાવર્સ’ નામના ગ્રંથમાં છે. છેલ્લાં દોઢ સો ઉપરાંત વર્ષોથી આલ્બેનિયન લેખકો રાષ્ટ્રવાદી આંદોલનનાં સહભાગી છે. આથી તેમની કેટલીક કૃતિઓ સાહિત્યિક કરતાં ઐતિહાસિક મૂલ્ય વધુ ધરાવે છે.

1912થી 1939ના સમય દરમિયાન સ્વાતંત્ર્ય-આંદોલનને બિરદાવનારા નવલકથાકારો ગ્રામેનો અને પોસ્તોલી હતા. ફાધર જ્યૉર્જ ફિસ્ટા(1871-1940)એ તેના પ્રખ્યાત મહાકાવ્ય ‘ધ લ્યૂટ ઑવ્ માઉન્ટેન્સ’માં તેનો સ્વાતંત્ર્યસંગ્રામ આલેખ્યો છે. આ કાવ્ય આલ્બેનિયાના લોકપ્રિય છંદમાં છે. ફિશ્ટાએ વ્યંગ અને કટાક્ષમાં લખેલ કાવ્યો ‘વાસ્પ્સ ઑન માઉન્ટ પારનેસસ’ અને ‘બાબાતાસીસ ડૉન્કી’ એનાં ઉદાહરણો છે.

ફ્રૈક કોનિત્ઝા (1875–1952) અને ફાન એસ. નોલી(1882–1965)ની સિદ્ધિઓ અને પ્રભાવ આલ્બેનિયન સાહિત્યમાં ગણનાપાત્ર છે. તે બંને અમેરિકામાં રહેતા હતા. નોલી વધુ કુશળ અને બહુશ્રુત લેખક, કવિ, અનુવાદક, ઇતિહાસકાર અને સંગીતકાર હતો. તેણે આલ્બેનિયન ભાષાને વિવિધ ભાષાંતરોથી સમૃદ્ધ કરી છે. કોનિત્ઝાએ લંડનમાં પ્રકાશિત કરેલ ‘આલ્બેનિયા’ આલ્બેનિયન ઉપરાંત અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષામાં પ્રગટ થયેલ અને તેણે રાષ્ટ્રીય આંદોલન અને સંસ્કૃતિને વેગ આપ્યો.

વીસમી સદીમાં ગદ્ય અને પદ્યમાં અનેક નવીન સ્વરો સંભળાવા લાગ્યા. તેમાં વસ્ગુશ પોરાદેચી(જ. 1899) અને અર્નેસ્ટ કોલીકી(જ. 1903)ને આધુનિક આલ્બેનિયન સાહિત્યના આદિ સર્જકો ગણી શકાય. પોરાદેચીનો કાવ્યસંગ્રહ ‘ડાન્સ ઑવ્ સ્ટાર્સ’ પ્રેમ અને પ્રકૃતિ વિશે સુંદર અને અત્યંત પ્રભાવશાળી કાવ્યો દ્વારા યુવાન કવિઓને પ્રેરણા પાનાર નીવડ્યો છે. કોલીકી કવિ ઉપરાંત સુંદર ગદ્યલેખક છે. તેણે બે વાર્તાસંગ્રહો આપ્યા છે. અને ઇટાલિયન કવિઓની કૃતિઓનાં સુંદર ભાષાંતરો કર્યાં છે.

વીસમી સદીનો ચોથો દાયકો આલ્બેનિયા માટે રાજકીય અને સામાજિક ક્ષોભનો સમય હતો. નબળા રાષ્ટ્રીય નેતૃત્વે લોકોમાં નિરાશા ફેલાવી હતી. આ સમયના માનસનું પ્રતિબિંબ દિમિતર શુતેરીકી અને પીટર માર્કોની કવિતામાં પડે છે. તેમણે ભાષા અને છંદોમાં નવીન ખેડાણ કર્યું. ‘ઇલ્લિરિયા’ અને ‘ધી આલ્બેનિયન એફર્ટ’ નામનાં બે સાહિત્યિક સામયિકોએ પણ ઘણો અગત્યનો ફાળો આ સમયે આપ્યો. 1939માં ઇટાલીએ આલ્બેનિયાનો કબજો લીધો. તેનાથી બધી સાહિત્યિક પ્રવૃત્તિ મંદ થઈ ગઈ અને કેટલાક સાહિત્યકારો જેલવાસી બન્યા.

20મી નવેમ્બર, 1944ને દિને આલ્બેનિયન ગેરીલાઓએ દુરાઝોને મુક્ત કર્યું. 1945ના નવેમ્બરમાં અનવર હોકઝાની કામચલાઉ સરકાર સ્થપાઈ. 1946ના જાન્યુઆરીમાં આલ્બેનિયા પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર થયું અને તેમાં સામ્યવાદી સરકાર સ્થપાઈ. દિમિતર શુતેરીકી (જ. 1915) કવિ હતો. તે અગ્રગણ્ય નવલકથાકાર તરીકે ઝળક્યો. તેની બે ભાગની નવલકથા ‘ધ લિબરેટર્સ’માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સામ્યવાદીઓએ નાઝીવાદ સાથે કરેલો સંઘર્ષ આલેખેલો છે. શુતેરીકીએ ઉત્તમ કાવ્યો અને ચોટદાર વાર્તાઓ પણ સર્જેલ છે.

ફાતમિર ગ્વાતા (જ. 1922) અને ઇસ્માઇલ કાદરે (જ. 1934) સમકાલીન આધુનિક આલ્બેનિયન સાહિત્યના અગ્રગણ્ય લેખકો છે. ગ્વાતાએ અનેક સફળ લોકપ્રિય નવલકથાઓ લખી છે. તેમાં ‘ધ માર્શ’ સૌથી વધુ જાણીતી છે. કાદરેની ‘ધ જનરલ ઑવ્ ધ ડેડ આર્મી’ એ નામની નવલકથામાં ઇટાલિયન સેનાનાયકની ઠેકડી ઉડાવેલી છે.

1953 પછી સ્ટાલિનના મૃત્યુ બાદ સાહિત્યપ્રવૃત્તિની નીતિ બદલાતાં સામ્યવાદી સમય પહેલાંના સાહિત્યકારોની કૃતિઓ પ્રગટ થવા લાગી, છતાં ફિશ્ટા અને કોલીકીની કૃતિઓ પર હજુ પ્રતિબંધ છે. છઠ્ઠા દાયકામાં સોવિયેત, અંગ્રેજ, અમેરિકન અને ફ્રેંચ લેખકોની કૃતિઓનાં ભાષાંતરો પ્રગટ થયાં. 1960માં ચીન સાથે આલ્બેનિયાનો સંબંધ થયા પછી માઓ ત્સે તુંગની વિચારધારા અપનાવાઈ એટલે સાહિત્યકારો પોતાની સ્થિતિ વિશે મૂંઝાવા લાગ્યા. આ પરિસ્થિતિમાં નવું મૌલિક સાહિત્યસર્જન અત્યંત મંદ પડે તે સ્વાભાવિક છે.

કૃષ્ણવદન જેટલી