આલ્પ્સ : દક્ષિણ મધ્ય યુરોપમાં કમાન આકારે આવેલું વિશાળ પર્વતસંકુલ. સ્થાન : આ પર્વતમાળા આશરે 430થી 480 ઉ. અ. અને 50થી 170 પૂ. રે. વચ્ચે આશરે 2,59,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આલ્પ્સની હારમાળાનો પ્રારંભ નૈર્ઋત્યે કોલ-દ્-અલ્ટારે(colle-d´-Altare)થી થાય છે. અને ઈશાને ગોલ્ફો-ડી-જિનોવા (Golfo-di-Genova) અને પૂર્વમાં ઑસ્ટ્રિયામાં હોચસ્ચવાબ (Hochschwab) ખાતે પૂરી થાય છે. આ પર્વતસંકુલની હારમાળાઓ સ્વિટ્ઝર્લૅન્ડ, ફ્રાંસ, જર્મની, ઑસ્ટ્રિયા, લિશ્ટેનસ્ટેઇન (Liechtenstain) ઇટાલી, સૉલ્વેનિયા, ક્રોએશિયા, બૉસ્નિયા, હર્ઝગોવિના, યુગોસ્લાવિયા અને ઉત્તર આલ્બેનિયામાં પથરાયેલી છે.

ભૂસ્તરીય રચના : આલ્પ્સ પર્વતો ટર્શ્યરી કાળમાં આલ્પાઇન ગિરિનિર્માણક્રિયાને પરિણામે ઊંચકાઈ આવેલા છે. એટલે કે આ હારમાળાની રચના ભૂસંનતિમાંથી થઈ હોવાથી તે ગેડપર્વતો તરીકે પણ ઓળખાય છે. આલ્પ્સના પર્વત-વિસ્તારોની ઊંચાઈ હજુ વધી રહી છે; જ્યારે ઊંચાણવાળા ભાગોના વિસ્તારોને ઘસારાનાં પરિબળોની અસર થઈ છે. આ હારમાળાને છ પ્રકારના ભૂસ્તરીય એકમોમાં વહેંચવામાં આવે છે :

(1) જૂના ઉચ્ચપ્રદેશો : આ પ્રદેશો પશ્ચિમ અને મધ્ય આલ્પ્સના વિસ્તારમાં આવેલા છે.

(2) ઉત્તરનો ચૂનાખડકોયુક્ત આલ્પ્સ : આ પ્રકારની ભૂસ્તરીય રચના આલ્પ્સના સ્વિટ્ઝર્લૅન્ડના વિસ્તારથી છેક જ્યુરા પર્વત સુધી જોવા મળે છે. આ પ્રદેશોમાં શિખરોવાળા ઉચ્ચપ્રદેશો તથા પગથિયા-આકારની ખીણો જેવાં પાર્શ્વશ્યો જોવા મળે છે.

(3) પૂર્વ આલ્પ્સ : આ વિસ્તારમાં આલ્પ્સની હારમાળાની પહોળાઈ સૌથી વધુ (272 કિમી.) છે. અહીં ચૂનાખડકોની બનેલી વિશાળ હારમાળા આવેલી છે.

Mont Blanc from air 2019 2

આલ્પ્સ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર, મૉં બ્લાં

સૌ. "Mont Blanc from air 2019 2" | CC BY-SA 4.0

(4) પશ્ચિમ આલ્પ્સ : આ ભાગમાં ખડકો સૌથી વધુ વિકૃતીકરણ પામ્યા છે. તેમાં ખાસ કરીને નાઇસ અને શિસ્ટ મુખ્ય છે.

(5) દક્ષિણ આલ્પ્સ : અહીં ચૂનાખડકો વધુ પ્રમાણમાં આવેલા છે. ખાસ કરીને ઉત્તર યુગોસ્લાવિયામાં ચૂનાની ભૂશ્યાવલી (karst topography) જોવા મળે છે.

(6) ટર્શ્યરી નિક્ષેપવાળો નીચો વિસ્તાર : આલ્પ્સની દક્ષિણમાં ગોળાશ્મ, દરિયાઈ નિક્ષેપ અને ચૂનાખડકોના સ્તરો ક્ષિતિજસમાંતર પથરાયેલા છે.

ભૂપૃષ્ઠ : આલ્પ્સ પર્વતના ચાર વિભાગ પડે છે : ફ્રેંચ આલ્પ્સ, સ્વિસ આલ્પ્સ અથવા જ્યુરા પર્વતો, પ્રી-આલ્પ્સ અને દક્ષિણના પિનાઇન આલ્પ્સ. આ હારમાળાની લંબાઈ આશરે 1,200 કિમી. અને મહત્તમ પહોળાઈ 272 કિમી. છે. આ હારમાળાનાં શિખરોની સરેરાશ ઊંચાઈ 1,800થી 2,400 મીટર છે. અહીંનાં ઘણાં શિખરો 3,000 મીટર કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવે છે. અહીં આવેલાં ઊંચાં શિખરોનો ઢોળાવ ઉગ્ર બની રહેલો છે. સૌથી ઊંચું શિખર મૉં બ્લાં (4,807 મી.) છે. અન્ય ઊંચાં શિખરોમાં મૉન્ટે રોસા (4,634 મી.), મૅટરહૉર્ન (4,477 મી.), બેરેન્સ આલ્પ્સ (4,274 મી.), આલિચહૉર્ન (4,195 મી.), યુંગફ્રાઉ (4,158 મી.), બાર્ડેઝેક્રાં (4,101 મી.), ગ્રાન પારેડિઝો (4,061 મી.), રીશિયન (4,049), મૉન્ટે વીઝો (3,851 મી.) નૉરિક આલ્પ્સ (3,797 મી.), જૂલિયન (3,797 મી.), આલ્પી લિપૉન્ટાઇન (3,553 મી.), આલ્પી આયુરીન (3,510 મી.) અને સિમા-સુદ-આર્જેન્ટેરા(3,297 મી.)નો સમાવેશ થાય છે.

આલ્પ્સના વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ માટે ત્યાંની હિમનદીઓની ઘસારાની પ્રવૃત્તિ જવાબદાર લેખાય છે, જેને પરિણામે શિખરો અને ખીણો વચ્ચે ઊંચાઈમાં ઘણો તફાવત જોવા મળે છે. આલ્પ્સના વિસ્તારોમાં 1,200 કરતાં વધુ હિમનદીઓ આવેલી છે, જે 3,900 ચોકિમી. વિસ્તાર રોકે છે. કેટલાંક શિખરો બારેમાસ હિમાચ્છાદિત રહે છે. સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે આવેલી આલિચ (Aletsch) હિમનદી સૌથી મોટી છે. તેનો વિસ્તાર 130 ચોકિમી. જેટલો છે. ફ્રાંસ અને ઑસ્ટ્રિયામાં ચૂનાખડકોને લીધે વિશાળ કરાડ અને કોતરો નિર્માણ પામ્યાં છે. આલ્પ્સની હારમાળા ઍટલાંટિક, ભૂમધ્ય અને કાળા સમુદ્રને જુદા પાડે છે. યુરોપની અનેક નદીઓનાં ઉદગમસ્થાન આ હારમાળામાં રહેલાં છે, જેમાં રહોન, રહાઇન, ડૅન્યૂબ અને પો મુખ્ય છે. આ હારમાળામાં મુખ્ય પાંચ જલવિભાજકો (watershed) આવેલા છે. તે છે : ભૂમધ્ય સમુદ્રથી એડ્રિયાટિક, એડ્રિયાટિકથી ઉત્તર સમુદ્ર, ઉત્તર સમુદ્રથી ભૂમધ્ય સમુદ્ર, એડ્રિયાટિકથી કાળો સમુદ્ર અને કાળા સમુદ્રથી ઉત્તર સમુદ્ર.

વરસાદ અને વનસ્પતિ : આલ્પ્સ હારમાળામાં વરસાદ 2,000 મિમી. જેટલો પડે છે; જ્યારે તેના સરહદી વિસ્તારોમાં 500 મિમી. જેટલો પડે છે. પરિસ્થિતિ અનુસાર ‘હિમરેખા’ વિવિધ ઊંચાઈએ જોવા મળે છે. 1,500 મીટરની ઊંચાઈના વિસ્તારમાં પાનખર પ્રકારની વનસ્પતિ છે; જેમાં બીચ અને બર્ચનાં વૃક્ષો વધુ, જ્યારે 2,000 મીટરની ઊંચાઈએ સ્પ્રૂસ, પાઇન અને લાર્ચનાં વૃક્ષો વધુ જોવા મળે છે. 3,000 મીટરની ઊંચાઈએ આવેલા પર્વતીય વિસ્તારોમાં વિવિધ ફૂલોના છોડ, કાંટાવાળી વનસ્પતિ અને ઘાસનું પ્રમાણ અધિક છે. 3,500 મીટરની ઊંચાઈએ બરફ છવાયેલો હોય છે. અહીં અનેક રાષ્ટ્રીય ઉદ્યાનો ઊભા કરાયા છે; જેમાં શિંગડાંવાળા જંગલી બકરા (ibex), પહાડી હરણ (chamois), ખિસકોલી જેવું પ્રાણી માર્મટ (marmot) તેમજ સોનેરી ગરુડ વધુ જોવા મળે છે.

પરિવહનવસ્તીપ્રવાસન : આલ્પ્સની ગિરિમાળામાં નાનીમોટી 28 ખીણો અને અનેક ઘાટો આવેલા છે. તેમાં સેંટ ગૉથાર્ડ, મોટો અને નાનો સેંટ બેરમાર્ડ, માઉન્ટ સેનિસ (Cenis), બ્રેનેર, સિમ્પલોન અને સેમરિંગ મહત્વના ઘાટ ગણાય છે. આ વિવિધ ઘાટ ઓળંગવામાં પગદંડી, ઘોડેસવારી, રેલવે અને મોટર-માર્ગનો ઉપયોગ થાય છે. મોટાભાગના મોટરમાર્ગો બારેમાસ ઉપયોગમાં લેવાય છે. હવે તો હવાઈ માર્ગનો વિશેષ લાભ લેવામાં આવે છે. ઈ. સ. 1980માં સેંટ ગૉથાર્ડ ઘાટ પાસે વિશ્વનું સૌથી લાંબું બોગદું (16.3 કિમી.) બનાવાયું છે, જે સેંટ ગૉથાર્ડ બોગદા તરીકે ઓળખાય છે. આલ્પ્સની હારમાળામાં આવેલાં મહત્વનાં શહેરોમાં ફ્રાંસમાં આવેલ ગ્રેનોબ્લે (Grenoble), ઑસ્ટ્રિયામાં આવેલા ઇન્સબ્રુક (Innsbruck) અને ઇટાલીમાં આવેલ બોલઝાનો બે છે.

આલ્પ્સના લગભગ અડધા ભાગમાં જર્મન પ્રજા, જ્યારે બાકીના અડધા ભાગમાં ફ્રેંચ, ઇટાલિયન, અને સ્લાવ પ્રજા વસે છે. આ પર્વતીય વિસ્તારમાં માનવજીવન ઘણું હાડમારીભર્યું છે. ખેતીલાયક જમીન ખૂબ જ ઓછી છે. આલ્પ્સના ગૌચર-વિસ્તારો કાયમી વસાહતોથી દૂર આવેલા છે. અહીં ઉનાળો ટૂંકો અને શિયાળો લાંબો હોવાથી માનવપ્રવૃત્તિઓ મર્યાદિત છે. ઈ. સ. 1865માં એડવર્ડ વિમ્પર્સે આ વિસ્તારને ‘યુરોપના રમતના મેદાન’ તરીકે ઓળખાવ્યો હતો. પરિવહનના વિકાસને કારણે આલ્પ્સ સહેલાણીઓનું સ્વર્ગ તેમજ સ્કીઇંગની રમતનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ રમતને કારણે આલ્પ્સના પર્યાવરણમાં ઘણી ખલેલ પડી છે. ઊંચાઈએ આવેલાં વૃક્ષો પણ કપાઈ ચૂક્યાં છે. અહીં અનેક હોટલો અને જળવિદ્યુત-કેન્દ્રો ઊભાં કરાયાં છે.

ઐતિહાસિક ઘટનાઓ : વિખ્યાત ઇટાલિયન કવિ પેટ્રાર્કે ચૌદમી સદીમાં અને ઇટાલિયન ચિત્રકાર લિયોનાર્દો દા વિંચીએ સોળમી સદીમાં આ પર્વતનાં કેટલાંક શિખરો સર કર્યાં હતાં. ઈ. સ. 1786માં મૉં બ્લાંક શિખરને સર કરવામાં એક ફ્રેન્ચ ડૉક્ટર માઇકલ પકાડ તથા ઝાક બાલમાટ(Jacques Balmat)ને સફળતા મળી હતી. ઈ. સ. 1800માં સ્વિટ્ઝર્લૅન્ડ અને ઇટાલી વચ્ચે આવેલા 2,000 મીટર કરતાં વધુ ઊંચાઈના વિસ્તારોને ઓળંગીને નેપોલિયને ઇટાલીમાં પ્રવેશ કર્યો હતો. ઈ. સ. 1865માં એડવર્ડ વ્હિમ્પર્સે મૅટરહૉર્ન શિખર સર કર્યું હતું. તે પૂર્વે 1855માં ઇંગ્લૅન્ડ અને સ્વિટ્ઝરલૅન્ડની છ પર્વતારોહીઓની એક ટુકડીએ મૉન્ટ રોઝા શિખર સર કર્યું હતું. હવે દર વર્ષે લગભગ 2,000 પર્વતારોહીઓ મૅટરહૉર્નનું શિખર સર કરતા હોય છે.

હેમન્તકુમાર શાહ