આર્ટ નૂવો (Art Nouveau) : નૂતન કલાશૈલી એવો અર્થ આપતી ફ્રેન્ચ સંજ્ઞા. સ્થાપત્ય, સુશોભન, ચિત્ર અને શિલ્પ એ બધી કલાઓમાં એક નવી સંમિશ્રિત શૈલીનો પ્રસાર 1890 પછી થયો. ચિત્રકારો અને શિલ્પીઓએ કુદરતનું અનુકરણ તજી દીધું, જૂની પદ્ધતિઓ અવગણવામાં આવી. 1861માં વિલિયમ મૉરિસે ઇંગ્લૅન્ડના હસ્તકલા-ઉદ્યોગમાં કાપડની ડિઝાઇનો અને પુસ્તકના સુશોભનમાં નવી શૈલી અપનાવવાની શરૂઆત કરેલી. રાચરચીલામાં, પહેરવેશમાં અને અલંકારોમાં પણ ભીંતચિત્રોનું પ્રતિબિંબ જોઈ શકાતું. આ આંદોલને ફ્રેંચ ક્રાન્તિ પછી ઘટતી જતી રસવૃત્તિને સતેજ કરી. મુખ્યત્વે આ આંદોલન ઇંગ્લૅન્ડથી આરંભાયું અને પછી આંતરરાષ્ટ્રીય બન્યું. ઇંગ્લૅન્ડની આટર્સ ઍન્ડ ક્રાફ્ટ્સ મૂવમેન્ટમાંથી ઉદભવેલી આ શૈલીના મૂળ સ્રોતોમાં કેલ્ટિક હસ્તપ્રતો અને વિલિયમ બ્લેકનાં ચિત્રો ઉપરાંત પર્શિયન માટીકામ અને પુરાણા રોમન કાચરચનાના નમૂનાને ગણાવી શકાય.

બ્રિટનમાં આર્ટ નૂવોની પ્રભાવક અસર પાડનાર કલાકાર ઑબ્રે વિન્સન્ટ બિઅર્ડસ્લે (1872-1898) હતા. પુસ્તકને અંતે તે વિલક્ષણ ચિત્રો દ્વારા ટીકા કે વિવરણનું સૂચન કરતા. સ્કૉટિશ શિલ્પી ચાર્લ્સ રેની મૅકિન્ટૉશ (1868-1928) આ શૈલીના પ્રતિનિધિ ગણાતા. કલાત્મક રચના અને સ્થાપત્યના વિકાસમાં તેમનો પ્રભાવ ઊંડો હતો. આર્ટ નૂવો સંજ્ઞા પ્રથમ ફ્રાંસમાં વપરાતી થઈ. કાવ્ય અને ચિત્રની પ્રતીકાત્મકતા સાથે તે સંકળાયેલી હતી. પૉલ ગોગાં (1848-1903) અને તેમના મિત્રો આ શૈલીનો પ્રારંભ કરનાર હતા. હેન્રી દ તુલુઝે લોત્રેક (1864-1901) ભીંતપત્રો અને શિલા-છાપમાં નિષ્ણાત હતા. ઓગણીસમી સદીના અંતમાં મોલીન રુજે કૅબરે માટે પોસ્ટરોની ડિઝાઇન આ શૈલીમાં તૈયાર કરી. 1892માં બેલ્જિયમનું પાટનગર બ્રસેલ્સ આ આંદોલનનું કેન્દ્ર બન્યું. અહીં વિક્ટર હૉર્તાએ સ્થાપત્યના ક્ષેત્રમાં નવીનતા આણી. 1896માં પૅરિસમાં નૂતન શૈલીએ તૈયાર થયેલી કલાકૃતિઓ વેચવાની દુકાન ખોલવામાં આવી. ત્યારપછી ગ્લાસગોમાં ચાર્લ્સ મૅકિન્ટૉશે આ શૈલીનો સ્થાપત્યમાં વિશેષ ઉપયોગ કર્યો અને આકારોને સૂક્ષ્મ વળાંકો આપીને કમનીયતા ઉપજાવી. વિયેનામાં ઑટો વૅગ્નર, ઍડૉલ્ફ લૂઈ, જોસેફ હૉફમાન અને અન્ય કલાકારો તથા સ્થપતિઓએ આ નૂતન શૈલીને વીસમી સદી સુધી પ્રચલિત કરી. આ આંદોલન જર્મનીમાં જુગેંદસ્તિલ એટલે કે યુવાશૈલી તરીકે લોકપ્રિય બન્યું. સ્પેનમાં ઍન્ટોનિયો ગૌડી નામના સ્થપતિએ આ શૈલીનાં અંગત અને મૌલિક વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો આપ્યાં. અમેરિકામાં લૂઇ સલિવાન (1856-1924) આ શૈલીના ચુસ્ત અનુયાયી હતા અને લૂઈ કમ્ફર્ત તિફાની (1848-1933) કાવ્ય અને અલંકારોની રચનામાં વિખ્યાત હતા.

Art Nouveau Riga 17

આર્ટ નૂવો શૈલીનું સ્થાપત્ય, લાટવિયાની રાજધાની રીગાનું ઐતિહાસિક કેન્દ્ર

સૌ. "Art Nouveau Riga 17" | CC BY-SA 4.0

ઈ. સ. 1900 સુધી તે અત્યંત વ્યાપક થઈ. 19મી સદીના અંતમાં ઔદ્યોગિક યુગને અનુરૂપ શૈલીની શોધમાંથી આ શૈલીનો ઉદભવ થયેલો અને મશીન ટૅકનૉલૉજીનો વિકાસ થતાં વીસમી સદીના પૂર્વાર્ધમાં તે ઓસરતી ગઈ.

રવીન્દ્ર વસાવડા

સ્નેહલ શાહ