આર્કટિક મહાસાગર : પૃથ્વીના ઉત્તર ધ્રુવ વિસ્તાર પર પથરાયેલો વિશ્વનો નાનામાં નાનો મહાસાગર. તે યુરોપ, એશિયા તથા ઉત્તર અમેરિકાની ઉત્તરે આવેલો છે. તેનો કુલ વિસ્તાર 14,090,000 ચોરસ કિમી. છે. ઉત્તર દિશાના છેક છેડા પર આવેલા આ મહાસાગરને સૂર્યની ઉષ્મા ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળતી હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન તે બરફના થરથી ઢંકાયેલો રહે છે. તેની ઊંડાઈમાં 1.5 મીટરથી 9 મીટરની વચ્ચે વધઘટ થયા કરે છે. આ થરની સરેરાશ ઊંડાઈ આશરે 3 મીટર રહે છે. શિયાળામાં આ મહાસાગર જ્યારે થીજે છે ત્યારે જુદા જુદા આકારની હિમશિલાઓ સમગ્ર વિસ્તારમાં તરતી હોય છે. ઉનાળામાં તે વિસ્તારમાં અવારનવાર ધુમ્મસ ઉદભવે છે. તેના વિશિષ્ટ હવામાનને લીધે ખલાસીઓ તથા માછીમારો આ ક્ષેત્રમાં જવાનું સાહસ ખેડતા નથી. બરફના થરના કિનારાની બહારના ભાગમાં તાજા પાણીનું કાયમી પડ હોય છે. ત્યાં તેનો થર ક્યાંક ક્યાંક 2 મીટર જેટલો હોય છે. તાજા પાણીનું પડ અંશત: બરફ ઓગળી જવાથી અને અંશત: સાઇબીરિયાની નદીઓના પાણીના બાહ્ય પ્રવાહને લીધે બનતું હોય છે. આ સમુદ્રના જળની ક્ષારતા ઓછી હોવાથી તે ઝડપથી ઠરી જાય છે.

આ મહાસાગરનું માળખું તપાસીએ તો જાણવા મળે છે કે તેની રચના અતિ ગહન દીર્ઘવર્તુળાકાર મધ્યસ્થ તટપ્રદેશની થયેલી છે અને તે નૉર્વેજિયન, ગ્રીનલૅન્ડ, વાંડેલ, લિંકન, ચુમ્મી, પૂર્વ સાઇબીરિયન, લૅપ્ટેવ, કારા તથા બૅરેંટ્સ સમુદ્રોથી ઘેરાયેલો છે. તેનો મધ્યસ્થ તટપ્રદેશ આશરે 1130 કિમી. પહોળો તથા 2250 કિમી. લાંબો છે. તેના પાણીમાં ડૂબેલા એક મોટા સળંગ ડુંગરધારની ટોચ આ તટપ્રદેશને બે ભાગમાં વહેંચી નાખે છે. આ ડુંગરધારની શોધ 1948-49માં રશિયાએ હાથ ધરેલ ઉત્તર ધ્રુવીય અભિયાન દરમિયાન થઈ હતી અને તેને ‘‘લોમોનોસોવ રિજ’’ નામ આપવામાં આવ્યું છે. આ ડુંગરના યુરોપ તથા એશિયાના વિસ્તારમાં 4000-4602 મીટર જેટલો ઊંડો તટપ્રદેશ છે તથા અલાસ્કા-કૅનેડા તરફના વિસ્તારમાં આશરે 3400 મીટર ઊંડો તટપ્રદેશ છે.

આર્કટિક મહાસાગરના અર્ધ-ઘનીભૂત જળમાં મંદગતિમાન જહાજ

આર્કટિક મહાસાગરના અર્ધ-ઘનીભૂત જળમાં મંદગતિ જહાજ Vol. 2.8

આર્કટિક મહાસાગરની નોંધાયેલી મહત્તમ ઊંડાઈ 5500 મીટર છે. મહત્તમ ઊંડાઈ ધરાવતો તેનો ભાગ ચૂકચી સમુદ્રના રેંગલ ટાપુની ઉત્તરે આશરે 800 કિમી.ના અંતરે આવેલો છે. ઉત્તરખંડીય મેદાની વિસ્તારોમાંથી વિશ્વની ચાર પ્રમુખ નદીઓ : ઉત્તર અમેરિકામાં મૅકેન્ઝી, તથા યુરોપ અને એશિયા વિસ્તારની લેના, ઓબ તથા એનિસેલ વહે છે. યુરોપની ઓનેગા, ડવીના તથા પેયોરા આ ત્રણ નદીઓ આ મહાસાગરને મળે છે.

રશિયાને અલાસ્કાથી જુદો પાડતી બેરિંગ સામુદ્રધુની સાંકડી પટ્ટી દ્વારા આર્કટિક મહાસાગર પૅસિફિક મહાસાગર સાથે અને યુરોપ તથા ગ્રીનલૅન્ડ વચ્ચેના નૉર્વેજિયન સમુદ્ર દ્વારા તે ઍટલાંટિક મહાસાગર સાથે જોડાયેલો છે.

સમગ્ર વર્ષ દરમિયાન બરફથી ઢંકાયેલો તેનો વિસ્તાર બાદ કરીએ તો આ મહાસાગરના બાકીના ખુલ્લા વિસ્તારમાં સીલ, બરફનાં રીંછ, વહેલમચ્છ તથા અન્ય વિવિધ જાતનાં માછલાં જોવા મળે છે. આ ક્ષેત્રમાં સદીઓથી કાયમી વસવાટ કરનારાઓમાં મુખ્યત્વે એસ્કિમો તથા ઍલ્યૂટ (Aleaut) પ્રજાનો સમાવેશ થાય છે.

પશ્ચિમના વૈજ્ઞાનિક અન્વેષકોએ અઢારમી સદીમાં ત્યાં સંશોધન તથા અન્વેષણની શરૂઆત કરી હતી. 1733-43 દરમિયાન રશિયાના સંશોધકોએ મહાસાગરના રશિયા તરફના કિનારાના ક્ષેત્રમાં સંશોધન કર્યું હતું. 19મી સદીના અંતમાં તથા 20મી સદીની શરૂઆતનાં વર્ષો દરમિયાન અમેરિકાના અન્વેષક રૉબર્ટ પેરીએ આ ક્ષેત્રમાં વારંવાર અભિયાનોનું આયોજન કર્યું હતું અને ઉત્તર ધ્રુવ પર પહોંચવામાં સફળતા મેળવી હતી. 1882-83 અને 1932-33માં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય આંતરરાષ્ટ્રીય ધ્રુવીય અભિયાનો તથા 1957-58માં આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની ઉજવણી રૂપે એક ખાસ સંશોધન અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું. ઉત્તર અમેરિકા અને રશિયા વચ્ચે ટૂંકો માર્ગ પૂરો પાડતા આ મહાસાગરનું સંરક્ષણની દૃષ્ટિએ મહત્વ ધ્યાનમાં લઈ બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળામાં તેના ક્ષેત્રમાં લશ્કરી અન્વેષણ તથા સંશોધન-પ્રવૃત્તિને વેગ મળ્યો. વીસમી સદીના સાતમા દાયકામાં અણુશક્તિ-પ્રયોગો માટે રશિયાએ આ વિસ્તારનો ઉપયોગ કર્યો હતો. 1969માં બરફ કાપી શકે તેવા અમેરિકાના તેલવાહક જહાજ ‘એસ. એસ. મેનહટને’ ઉત્તર-પશ્ચિમ માર્ગ તરફથી આ ક્ષેત્રનો પ્રવાસ ખેડ્યો હતો. આ અન્વેષણને લીધે અલાસ્કાના ઉત્તર તરફના ઢોળાવના વિસ્તારથી પૂર્વ અમેરિકા તથા યુરોપનાં બજારોને તેલ પૂરું પાડવાના માર્ગ તરીકે આ મહાસાગરનો ઉપયોગ શક્ય બન્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે