આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય

January, 2002

આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય

આરોગ્યસેવાઓ એટલે મુખ્યત્વે આરોગ્યની જાળવણી અને વૃદ્ધિ કરવાનાં વિવિધ પગલાં લેવાનો કાર્યક્રમ. આરોગ્યની જાળવણી માટે અને રોગ, વિકાર કે વિકૃતિ ઉત્પન્ન થયે તેની સારવારની વ્યવસ્થા માટે સ્થપાયેલી અને કાર્યરત સંસ્થાઓ આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાયના ભાગરૂપ છે. સંભવિત રોગ, વિકાર કે વિકૃતિને થતાં અટકાવવાં તેમજ સમાજના સર્વે ઘટકો પૂર્ણ આરોગ્ય મેળવે અને જાળવે તે તેનો મુખ્ય ઉદ્દેશ છે. આરોગ્યસેવાઓ સામાન્યત: જાહેર સેવાની એક કામગીરી છે. તેનું મુખ્ય અંગ તબીબી વ્યવસાય છે. તબીબોનાં શાસ્ત્રીય જ્ઞાન અને સેવાઓ દ્વારા રોગ, વિકાર કે વિકૃતિની સારવાર તથા તે થતાં અટકે અથવા તે સમાજમાં ફેલાતાં અટકે તે માટેની મહત્વની કામગીરી થઈ શકે છે. તબીબો ઉપરાંત પરિચારિકાઓ, ટૅકનિશિયનો, દંતવિદ, ઔષધ બનાવનારાઓ, વિતરણ કરનારા તેમજ વેચનારાઓ, તબીબી શિક્ષણ સાથે સંકળાયેલ કાર્યકરો, આરોગ્યસેવાઓ માટેનું પ્રશાસન (administration), તેના કાયદા અને આચારસંહિતા રચતી અને તેનો અમલ કરાવતી પ્રતિનિધિ સંસ્થાઓ (agencies), આરોગ્યસેવાઓ માટેની જરૂરિયાતની યોજના (planning) ઘડનારાઓ, તેનાં આર્થિક પાસાંનું શાસ્ત્રીય અધ્યયન કરનારાઓ (medical economists) વગેરે પરાતબીબી (paramedical) કાર્યકરો દ્વારા આ કાર્યક્રમ ચાલે છે.

ચિકિત્સાવિદ્યાનો ઇતિહાસ : ચિકિત્સાવિદ્યા(medicine)ની શરૂઆત આદિમાનવના સમયથી થયેલી છે. જાવાના વાનર માનવ(apeman or Pithecanthropus erectus)ના 4થી 5 લાખ વર્ષ જૂના હાડપિંજરમાં ડાબા ઢીંચણમાં અસ્થિસંધિશોથ- (osteoarthritis)નાં ચિહનો જોવાં મળ્યાં છે. આને કદાચ માનવના રોગોની જૂનામાં જૂની માહિતી ગણી શકાય. ખોપરીના હાડકામાં કાણું પાડવાની ક્રિયા (trephinning) કદાચ સૌથી જૂની શસ્ત્રક્રિયા હશે. તે ભૂતને કાઢી મૂકવા માટે કરવામાં આવતી હશે. પ્રાચીન મેસોપોટેમિયામાં ચિકિત્સાવિદ્યા જાદુઈ અને ધાર્મિક ક્રિયાઓ રૂપે વિકસી હતી. હમુરાબી(Hammurabi)ની આચારસંહિતા દ્વારા ઈસુની લગભગ 2000 વર્ષો પૂર્વે પાદરીઓ રોગની સારવાર કરતા. તેઓ ઔષધોનો પણ ઉપયોગ કરતા હતા.

ઇજિપ્તની પ્રાચીન ઔષધવિદ્યાની ઘણી માહિતી મળે છે. મમીના અભ્યાસ પરથી છેક ઈસુની પહેલાંના ત્રીજી મિલેનિયમ (millennium) સુધીની માહિતી ઉપલબ્ધ છે. તેમના પહેલાં ડૉક્ટર ઇમ્હોટેપ(Imhotep)ને દેવ ગણવામાં આવેલા.

હૃદયમાંથી શરીરમાં પહોંચાડાતાં પ્રવાહીઓની નસોની નિષ્ફળતાને કારણે રોગ થાય છે, એવું એબર્સ પેપિરસ(Ebers Papyrus)માં નોંધવામાં આવેલું છે. એડ્વિન સ્મિથ સર્જિકલ પેપિરસમાં તે સમયના શરીરરચનાવિદ્યા (anatomy), શરીરક્રિયાવિદ્યા અથવા દેહધર્મવિદ્યા (physiology) તથા અસ્થિભંગ, અસ્થિવિચલન (dislocation), ઘા, ચાંદું (વ્રણ, ulcer) વગેરે વિશેના જ્ઞાનને સમાવવામાં આવેલું છે.

તાઓવાદને આધારે ઘડાયેલી ચીની ચિકિત્સાવિદ્યા યીન (yin) અને યાંગ(yang)ના સિદ્ધાંતો પર નિર્ભર હતી. તેઓ નિષ્ક્રિય, શ્યામ સ્ત્રીબળને યીન કહેતા અને કાર્યશીલ ઉજ્જ્વળ પુરુષબળને યાંગ કહેતા. સૂચિછિદ્રણ (acupuncture) ઈસુની પાંચથી બે સદીઓ પહેલાં વિકસ્યું હતું. તેનાં બિન્દુઓ શરીર પર ઉપર-નીચે 11 જોડ રૂપે દોરેલી કાલ્પનિક રેખાઓ પર આવેલાં હોય છે. આ પદ્ધતિમાં રોગના નિદાન પ્રમાણે નિશ્ચિત બિન્દુઓ પર ધાતુની અથવા અન્ય સોય ઘુસાડીને શરીરના જોખમકારક વધારાના દેહતરલ(humor)ને દૂર કરવામાં આવે છે. જુદે જુદે સમયે પથ્થર, લાકડું, વાંસ, તાંબું, સોનું ચાંદી અથવા સ્ટેનલેસ સ્ટીલની સોય બનાવવામાં આવેલી હતી.

આકૃતિ 1 : ઇમ્હોટેપ

ઇજિપ્ત અને મેસોપોટેમિયાની ચિકિત્સાવિદ્યા જેવી જ પદ્ધતિ ગ્રીસમાં પણ હતી. તેઓ જાદુ તથા વનસ્પતિજન્ય, ક્ષારવાળા (mineral) તથા પ્રાણીજન્ય પદાર્થોના પૂર્વાનુભવને આધારે થતા પ્રયોગો (અનુભવજન્ય ઔષધોપચાર, empirical drug-administration) પર આધાર રાખતા. રોગ મટાડવા માટે તેઓ ઍથેન્સ પાસે દેવળો સ્થાપીને એસ્કીપિયસ નામના દેવની આરાધના કરતા.

આકૃતિ 2 : હિપૉક્રેટીસ

ઈસુની 460-370 વર્ષ પૂર્વે હિપૉક્રેટીસ (Hippocrates) થઈ ગયા. તેમને સન્માનપૂર્વક ચિકિત્સાવિદ્યાના પિતા તરીકે ગણવામાં આવે છે. તેઓ પ્લેટો અને ઍરિસ્ટૉટલના સમકાલીન હતા. તેમણે નિદાનલક્ષી નિરીક્ષણની કળા વિકસાવી. તેમણે તબીબી વ્યવસાય માટે આચારસંહિતા ઘડી આપી. તેમણે ઘડેલી પ્રતિજ્ઞા હજુ અત્યારે પણ સ્વીકાર્ય ગણાય છે. રુધિર, શ્લેષ્મ (phlegm), પીળું પિત્ત (yellow bile) અને કૃષ્ણપિત્ત (black bile) નામના ચાર રસોના વિકારોથી રોગ ઉત્પન્ન થાય છે, એમ તેઓ માનતા. તે માટે તેમણે યોગ્ય આહારની જરૂરિયાત પર ભાર મૂકેલો. શરીરરચનાના અભ્યાસ માટે ગેલને (ઈ. સ. 131-200) પ્રાણીઓનું વિચ્છેદન (dissection) કર્યું અને માનવના હાડપિંજરનો પણ અભ્યાસ કર્યો. તેમણે સંવેદી ચેતાઓ (sensory nerves) અને ચાલક ચેતાઓ (motor nerves) વચ્ચેનો તફાવત શોધ્યો હતો. તેમણે ઘણું વિપુલ લખાણ કરેલું છે. ગેલન સર્જ્યન હતા. કરોડરજ્જુના જુદે જુદે સ્થળે થતી ઈજાથી લકવો, શ્વસનની તકલીફ તથા તત્કાલ મૃત્યુ થવાની શક્યતાને તેમણે નોંધી હતી. લોહી જમણા ક્ષેપકમાંથી ડાબા ક્ષેપકમાં એક કાણા દ્વારા જાય છે એવું તેમનું ભૂલભરેલું મંતવ્ય હતું. તેમના આ મંતવ્યે ઘણા સમય સુધી રુધિરાભિસરણ અંગેની સાચી જાણકારીને અવરોધી હતી.

આરબ ખલીફ અલ્ મન્સૂર અને તેના પછી આવતા ખલીફાઓએ ગ્રીક ભાષામાંના તબીબી જ્ઞાનનું ભાષાંતર કરાવ્યું હતું. રાઝેઝે (Rhazes, 865-925) તબીબી જ્ઞાનનો વિશ્વકોશ (અલ્ હાવી) લખ્યો હતો. એવિસેના(Avicenna, 980-1037)ના તબીબી પુસ્તકમાં આ વિષયનું ગ્રીક અને આરબ જ્ઞાન સંગ્રહાયેલું હતું.

ચીની, ગ્રીક અને આરબ તબીબી જ્ઞાન કરતાં પ્રાચીન ભારતીય ચિકિત્સાવિદ્યા વધુ વિકસિત હતી. ઈસુની 3000થી 5000 વર્ષો પૂર્વેના મોહેં-જો-દડો અને લોથલનાં ઉત્ખનનો (excavations) જાહેર આરોગ્ય અંગેની તે સમયે પ્રવર્તતી સમજનું નિદર્શન કરે છે. મોટું સ્નાનગૃહ, ગટરની વ્યવસ્થા, શૌચાલયો વગેરે તેની સાબિતીરૂપ છે.

ઋગ્વેદના સમયથી અશ્વિનીકુમારોની ઉપાસના થતી અને અનેક પ્રકારના ઉપચારો (દા.ત., કૃત્રિમ પગ) તેઓ પ્રયોજી શક્યા હતા. ભારતીય ચિકિત્સાવિદ્યાને આયુર્વેદ કહે છે અને તેમાં ચરકસંહિતા અને સુશ્રુતસંહિતાનો સમાવેશ થયેલો છે. ભેલસંહિતા તથા કશ્યપસંહિતા છેક આરંભમાં રચાઈ હતી. જોકે આયુર્વેદનો આરંભકાળ નિશ્ચિત નથી, તે અનાદિ ગણાય છે. તે વિદ્યાને બ્રહ્માએ મેળવીને અનુક્રમે પ્રજાપતિ, અશ્વિનો, ઇન્દ્ર, ભારદ્વાજ, અત્રેય દ્વારા માનવસમાજને આપી એમ મનાય છે. અત્રેયના છ શિષ્યોમાં ભેલ અને અગ્નિવેશ હતા. અગ્નિવેશનું જ્ઞાન ચરકે સંવર્ધિત કર્યું અને ચરકસંહિતા સર્જી; તે જ્ઞાન પછી કાશીરાજ દિવોદાસે સુશ્રુત અને અન્યને શીખવ્યું. સુશ્રુતની સંહિતા મુખ્યત્વે શસ્ત્રક્રિયાલક્ષી અને ચરકની સંહિતા ઔષધચિકિત્સાલક્ષી છે. વાત, કફ અને પિત્તના દોષો(ત્રિદોષ)થી રોગ ઉત્પન્ન થાય છે એવી માન્યતા પર આ ચિકિત્સાપદ્ધતિ વિકસી છે. માનવશરીરરચનાના અધ્યયન માટે મૃત શરીરનું અભ્યાસલક્ષી વિચ્છેદન (dissection) સુશ્રુતે નોંધ્યું છે.

ગ્રીક, ઇજિપ્શિયન, અરબી અને ભારતીય જ્ઞાનને સ્વીકારતી સેલીર્નો(Salerno)ની એક શાખા નેપલ્સમાં સ્થપાઈ હતી. સાતમી સદીના અંતમાં એક ગ્રીક, એક લૅટિન, એક યહૂદી અને એક સેરેસીને(Saracen) હૉસ્પિટલ સ્થાપી હતી, જ્યાં 1046માં મહાન અનુવાદક કૉન્સ્ટેન્ટાઇન પણ ગયા હતા.

શરીરરચનાવિદ્યાનો અભ્યાસ શરૂ કરવામાં મહાન કળાકાર લિયૉનાર્દો-દ-વિન્ચી(Leonardo-da-Vinci, 1452-1519)નો ફાળો મહત્વનો છે. તેમણે વર્ષો સુધી અભ્યાસલક્ષી વિચ્છેદનો કરીને શરીરરચનાશાસ્ત્ર અને શરીરક્રિયાશાસ્ત્રનું પુસ્તક લખ્યું. તેમણે ગેલનના વિચારોની સામે પ્રશ્નો કર્યા.

શરીરરચનાશાસ્ત્રનું આધારભૂત પુસ્તક ઍન્ડ્રીસ વેસેલિયસે (Andreas Vasalius, 1514-1564) લખ્યું. માઇકલ સર્વેટસે (Michael Servetus, 1511-53) હૃદય અને ફેફસાં વચ્ચેના રુધિરાભિસરણની સંકલ્પના સૂચવી. ઍમ્બ્રૉઇઝ પારેએ (Ambroise Pare, 1510-90) ઘા પર પાટાપિંડી(dressing)ની પદ્ધતિ તેમજ લોહી વહેતું અટકાવવા ટાંકા લેવાની પદ્ધતિ વિકસાવી, ફેબ્રિસિયસ (Fabricius, 1603) અને તેમના વિદ્યાર્થી વિલિયમ હાર્વેએ (1578-1657) શિરાઓમાંના વાલ્વની હાજરી અને તેમાં થતું રુધિરાભિસરણ સમજાવ્યું. ચિકિત્સાવિદ્યાલક્ષી રસાયણશાસ્ત્ર (therapeutic chemistry) માટે પારસેલ્સસ(Parcelsus, 1493-1541)નું પ્રદાન ઉલ્લેખનીય છે. લોહીની ધમનીઓ અને શિરાઓને જોડતી કેશવાહિનીઓને માલફિજી(1628-94)એ શોધી કાઢી. સાદો અને સંયોજિત સૂક્ષ્મદર્શક 17મી સદીમાં શોધાયો. તેનાથી તબીબી જ્ઞાન ઘણું આગળ વધ્યું. ઍન્ટોની લ્યુવેનહૂકે (Antony Leeuwenhook, 1632-1723) સૂક્ષ્મદર્શક વડે પાણીમાં નાનાં જંતુઓ હોય છે તે બતાવ્યું. એડ્વર્ડ જેનરે (1749-1823) રસીઓ શોધી કાઢી. રેને લેનકે (Rene Laennec, 1781-1826) સ્ટેથોસ્કોપ શોધ્યો. રૂડૉલ્ફ વિર્શો(1821-1902)એ 1845માં સૌપ્રથમ રુધિર કૅન્સર(leukaemia)નું વર્ણન કર્યું. જૅક્સન(Jackson)ની મદદથી મોર્ટન (Morton) નામના વૈજ્ઞાનિકે નિશ્ચેતના (anaesthesia) પદ્ધતિ વિકસાવી. જઠરમાંના પાચનની રાસાયણિક ક્રિયાને વિલિયમ બોમૉન્ટે (William Beaumont) સમજાવી. ક્લૉડ બર્નાર્ડે (Claude Bernard, 1813-78) નાના આંતરડામાં સ્વાદુપિંડ રસ વડે થતા પાચનને વર્ણવ્યું. ઇવાન પાવલોવ(1849-1936)ની પાચનતંત્ર અને ચેતાતંત્ર અંગેની શોધો નોંધપાત્ર છે.

લ્યુવેનહૂકે સૂક્ષ્મ જીવોને શોધ્યા હતા. પરંતુ તેમનાથી રોગ થઈ શકે તે લૂઈ પાશ્ચરે (Louis Pasteur) સમજાવ્યું. તેમના નામે આજે દૂધને જીવાણુમુક્ત કરવાની પદ્ધતિ-પાશ્ચરીકરણ (pasteurization) વપરાય છે.

આકૃતિ 3 : રૉબર્ટ કૉક

રૉબર્ટ કૉકે (Robert Koch, 1843-1910) ક્ષયના જીવાણુ શોધી કાઢ્યા. હાફકિને (1860-1930) પ્લેગ સામેની રસી શોધી. તે જ્યાં કામ કરતા હતા, તે મુંબઈની પ્રયોગશાળાને અત્યારે ‘હાફકિન્સ ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે ઓળખવામાં આવે છે. મલેરિયાના પરોપજીવીઓને, સિકંદરાબાદમાં પ્રયોગો કરીને, રોનાલ્ડ રૉસે સૌપ્રથમ દર્શાવ્યા હતા. બેયલીસ અને સ્ટાર્લિંગે 1904માં આંતરડાં અને સ્વાદુપિંડ વચ્ચેનો લોહી મારફતનો સંબંધ દર્શાવ્યો. તે ઉપરથી અંત:સ્રાવના અસ્તિત્વની ખબર પડી. જોકે અંત:સ્રાવનું અંગ્રેજી નામ ‘hormone’ વિલિયમ હાર્ડીએ આપ્યું હતું. બેન્ટિંગે ઇન્સ્યુલિન શોધ્યું અને 1921માં અગ્રપીયૂષિકા(anterior pituitary)નો વૃદ્ધિકારક અંત:સ્રાવ (growth hormone) શોધ્યો. સિગ્મન્ડ ફ્રૉઇડે (1856-1936) લિંગીય આવેગો અને માનસશાસ્ત્રીય વલણો પર મહત્વના વિચારો રજૂ કર્યા.

લિંગીય અંત:સ્રાવો 1850માં અને તે પછી શોધાયા. લેડીગે શુક્રનલિકાઓ વચ્ચેની પરિપેશીની પુરુષ લાક્ષણિકતાઓ ઉત્પન્ન કરતી (masculinising) અસરો દર્શાવી. જોકે 1935માં લેકરે શુક્રગ્રંથિ(વૃષણ)નો સ્ટિરોઇડી અંત:સ્રાવ છૂટો પાડી બતાવ્યો. કેનુરે અંડગ્રંથિનો અંત:સ્રાવ શોધ્યો.

જેમ્સ લિન્ડે સ્કર્વી અટકાવવા લીંબુના રસનું મહત્વ દર્શાવ્યું. જોકે વિટામિન-સી પાછળથી શોધાયું. ફંકે સૂચવ્યું કે કેટલાક જીવનજરૂરી પદાર્થોની ઊણપથી કદાચ બેરીબેરી, સ્કર્વી, રુક્ષત્વચારોગ (pellagra) અને સુકતાન (rickets) થતા હશે. આ વિચાર વિટામિનોની શોધમાં પરિણમ્યો. ઍન્ટિબાયૉટિક ઔષધોનો યુગ ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ(1881-1955)ની પેનિસિલીનની શોધથી શરૂ થયો.

આધુનિક ચિકિત્સાવિદ્યાનો ક્રમિક વિકાસ ઘણા લાંબા ગાળાના માનવીય પ્રયત્નો અને કુદરતની બક્ષિસ હોય તેવી આકસ્મિક ઘટનાઓને પરિણામે થયેલો છે. તેમાં ઘણા વિદ્વાનોનું પ્રદાન છે. અહીં ફક્ત ઉદાહરણ રૂપે કેટલાંક મહત્વનાં સોપાનો જ દર્શાવ્યાં છે.

ભારતમાં આધુનિક ચિકિત્સાવિદ્યાનો ઉદય : ભારતમાં ચિકિત્સાવિદ્યાનો ઉપયોગ કૉલકાતા, ચેન્નાઈ, મુંબઈ અને હૈદરાબાદમાં શરૂ થયો. સુધરેલી સ્થાનિક ચિકિત્સાવિદ્યા માટે બંગાળમાં ભારતની સૌપ્રથમ તબીબી કૉલેજ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1764માં સંસ્કૃત કૉલેજના નામથી શરૂ કરી. યુરોપિયન પદ્ધતિની તબીબી કૉલેજ 1835માં કૉલકાતામાં સ્થપાઈ. 1835માં મદ્રાસ હૉસ્પિટલ થઈ હતી. જ્યારે 1845માં ગ્રાન્ટ મેડિકલ કૉલેજ, મુંબઈ સ્થપાઈ હતી. તે જ વર્ષે જમશેદજી જીજીભાઈના રૂ. 1,68,000/-ના દાનથી મુંબઈમાં તેમના નામની હૉસ્પિટલ સ્થપાઈ. હૈદરાબાદ મેડિકલ સ્કૂલ 1849માં સ્થપાઈ, જે 1920માં કૉલેજ બની.

1903માં લીશમૅને ઇંગ્લૅન્ડમાં અને ડૉનવાને ચેન્નાઈમાં જુદા જુદા પ્રયોગો દ્વારા કાલા-આઝારના પરોપજીવીઓને દર્દીઓની બરોળમાં ઓળખી બતાવ્યા. ઇન્ડિયન મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (1892, આગ્રા) કદાચ સૌપ્રથમ જીવાણુવિજ્ઞાનની પ્રયોગશાળા હશે. ઈ. સ. 1911માં ઇન્ડિયન રિસર્ચ ફંડ-ઍસોસિયેશનની સ્થાપના થઈ અને ભારતીય સંશોધનો પ્રકાશિત કરવા માટે તેને ઉપક્રમે ‘ઇન્ડિયન જર્નલ ઑવ્ મેડિકલ રિસર્ચ’ બહાર પડવા લાગ્યું. ભારતીય સંશોધકોમાં આર. પી. લાલ (એપિડેમિક ડ્રૉપ્સી), બી. સી. ગુહા (પોષણ), વી. એન. ઘોષ (સર્પવિષ), એસ. એન. ડે (કૉલેરા), ખાનોલકર (રક્તપિત્ત), જે. વી. ચૅટર્જી (જન્મજાત વિષમ હીમોગ્લોબિનો), એમ. કે. કે. મેનન (સગર્ભાવસ્થાની વિષાક્તતા, toxaemias of pregnancy) વગેરેને ગણી શકાય.

જાહેર આરોગ્યનો વિકાસ : જાહેર આરોગ્યની સંકલ્પના ઇંગ્લૅન્ડમાં 1840માં ઉદભવી. ઔદ્યોગિક ક્રાંતિની અસરો તથા વારંવાર થતા કૉલેરાના ઉપદ્રવે પશ્ચિમી સમાજમાં જાહેર આરોગ્ય-વિષયક વિચારણા ગતિમાન થઈ. ઔદ્યોગિક સમાજનાં દૂષણો જેવાં કે ઝૂંપડપટ્ટી, કચરો તથા મળમૂત્રનો ભરાવો, વસ્તીની ગીચતા વગેરેએ સ્ત્રીઓ તથા બાળકો માટે આરોગ્યના વિશિષ્ટ પ્રશ્નો સર્જ્યા. કૉલેરાના જીવાણુ શોધાતાં જાહેર આરોગ્યનો પ્રશ્ન પ્રથમ ઊભો થયો એ દૃષ્ટિએ તેને ‘જાહેર આરોગ્યનો પિતા’ ગણે છે. જે. પી. ફ્રૅન્ક (1745-1821) તથા એડ્વિન ચાડવિક(1800-1890)નાં વિચારો અને સંશોધનોએ 1948માં જાહેર આરોગ્યનો કાયદો ઘડવામાં મદદ કરી. 1845માં જૉન શૉ દ્વારા કૉલેરાના અને 1856માં ટાઇફૉઈડના ફેલાવા અંગેની માહિતી વિલિયમ બડ દ્વારા પ્રકાશમાં આવી તેથી ઇંગ્લૅન્ડમાં 1875માં ભૌતિક વાતાવરણ અને જાહેર આરોગ્ય અંગેનો સર્વગ્રાહી કાયદો અમલમાં આવ્યો. ધીરે ધીરે આ વિચારો અન્ય દેશોમાં પણ પ્રચલિત બન્યા. સ્વચ્છ પાણી, સ્વચ્છ રહેઠાણ તથા સ્વચ્છ વાતાવરણ ઉપરાંત આરોગ્યને હાનિકારક વેપારનું નિયંત્રણ વગેરેનું મહત્વ વધતું ગયું. વિકસિત તથા વિકાસશીલ દેશોમાં જાહેર આરોગ્ય અંગેની સભાનતા તથા પ્રયત્નોની માત્રામાં ઘણો ફેર પડતો ગયો. જાહેર આરોગ્યની સંકલ્પના સમય જતાં બદલાતી ગઈ છે. અત્યારે ફક્ત ચેપી રોગો જ નહિ, પરંતુ દીર્ઘકાલીન રોગોને અટકાવવાના પ્રયત્નોને તેમાં આવરી લેવાયા છે. તેથી હવે તેને સામુદાયિક (community) આરોગ્યના નામે ઓળખવાનો પ્રયત્ન કરાય છે. રોગ થતો અટકાવવા ઉપરાંત રોગ થાય તો તે સામે સામાજિક અને આર્થિક રક્ષણ ઉત્પન્ન કરવા માંદગીના વીમાની શરૂઆત થઈ. જર્મનીમાં સૌપ્રથમ 1883માં આવો વીમો ફરજિયાતપણે દાખલ કરાયો. ઇંગ્લૅન્ડમાં તે 1911માં દાખલ થયો અને તેણે ત્યાં 1946માં રાષ્ટ્રીય આરોગ્યસેવાનો કાયદો ઘડવામાં સુગમતા આણી. ભારતમાં હાલ પ્રવર્તતી કામદાર રાજ્ય વીમા યોજના (ESIS, 1948) તથા કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના (1954) આ જ દિશાનાં પગલાં છે. (જુઓ ‘આરોગ્ય-વીમો’.)

બર્લિનના ન્યૂમૅને 1847માં સામાજિક આયુર્વિજ્ઞાન(social medicine)નો વિચાર તરતો મૂક્યો. રૂડૉલ્ફ, વિર્શોફે (1848) તેમાં સૂર પુરાવ્યો; પરંતુ છેક બીજા વિશ્વયુદ્ધ સમયે આ વિચારને વેગ મળ્યો. સામાજિક આયુર્વિજ્ઞાનને પ્રતિરોધલક્ષી અથવા પૂર્વનિવારણ-લક્ષી (preventive) આયુર્વિજ્ઞાન કહે છે. વિશ્વઆરોગ્ય સંસ્થા (WHO) તેને ‘પૂર્વનિવારણલક્ષી અને સામાજિક આયુર્વિજ્ઞાન (preventive and social medicine)’ તરીકે વર્ણવે છે.

સ્વાતંત્ર્ય પૂર્વે આરોગ્યસેવાઓ : સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં ભારતમાં આરોગ્યસેવાઓ નહિવત્ હતી. તત્કાલીન ભારતમાં આરોગ્યસેવાઓની વ્યાખ્યા તબીબી સહાય પૂરતી સીમિત હતી. પરિણામે શરૂઆતમાં જિલ્લાના વડા મથકે 30થી 60 પથારીની સગવડવાળી હૉસ્પિટલો ઊભી કરવામાં આવેલી. મોટા ભાગના દર્દીઓને બહારના દર્દી તરીકે સારવાર અપાતી અને ખાસ કિસ્સાઓમાં ગંભીર હાલતવાળા દર્દીઓને અંદરના દર્દી તરીકે સારવાર અપાતી. જિલ્લા હૉસ્પિટલના વડા સિવિલ સર્જ્યન કહેવાતા અને તે બે કે ત્રણ મદદનીશ ડૉક્ટરોની સહાયથી હૉસ્પિટલનું સંચાલન સંભાળતા. પ્રગતિશીલ જિલ્લાઓનાં જિલ્લા લોકલ બૉર્ડ મારફતે તાલુકા કક્ષાએ બીજા કે ત્રીજા વર્ગનાં દવાખાનાં શરૂ થયાં. આવાં દવાખાનાંમાં એક ડૉક્ટર રહેતા અને તેમની મદદમાં એક કંપાઉન્ડર, એક પરિચારિકા અને એક પટાવાળો હતાં. ગંભીર પ્રકારના દર્દીઓને જરૂર પડ્યે નિષ્ણાત ડૉક્ટરની સારવાર અર્થે જિલ્લા કક્ષાની હૉસ્પિટલમાં મોકલતા. 1946માં ભોર સમિતિએ ગ્રામીણ આરોગ્ય-કેન્દ્રો ઊભાં કરવાનું સૂચવ્યું હતું.

સ્વતંત્ર ભારતમાં આરોગ્ય અને તબીબી સેવાઓ : ભારતના સંવિધાનમાં માનવસંપત્તિના વિકાસ અર્થે પ્રજાનાં પોષણ અને જીવનધોરણની કક્ષા ઊંચી લાવવાના પ્રયત્નોને રાજ્યની પ્રાથમિક ફરજ રૂપે મૂકવામાં આવ્યા છે. તેના અનુસંધાનમાં 1952-53થી વિવિધ કાર્યક્રમો અમલી બન્યા છે. વિકાસ કાર્યક્રમોમાં ગ્રામીણ આરોગ્યસંભાળ સેવાઓ, પોષણ, પરિવારકલ્યાણ અને આરોગ્યને અગત્યનાં પાસાં ગણવામાં આવ્યાં છે. તેના દ્વારા આયુર્વૃદ્ધિ, મૃત્યુદરમાં ઘટાડો, બાળમૃત્યુદરમાં ઘટાડો, ચેપી રોગોની સંપૂર્ણ નાબૂદી કે તેમનું નિયંત્રણ – એમ વિવિધ ધ્યેયોને પાર પાડવાનું હાથ ધરાયું.

ઈ. સ. 2000 સુધીમાં સૌ પૂર્ણ આરોગ્ય મેળવે તેવી ભારત સરકારની નેમ હતી. તેની પૂર્ણ સફળતાને હજુ વાર છે, તેથી તમામ વસ્તીને આવરી લઈ શકાય તે માટે જરૂરી આરોગ્ય-કેન્દ્રોની સેવાઓ ક્રમશ: વિસ્તારવામાં આવી રહી છે. દરેક સ્થળે ગ્રામ-આરોગ્ય-માર્ગદર્શકો અને તાલીમબદ્ધ દાઈઓ, લઘુ આરોગ્ય-કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય-કેન્દ્રો, સામૂહિક આરોગ્ય-કેન્દ્રો કે રેફરલ હૉસ્પિટલો, પોસ્ટમૉર્ટમ-કેન્દ્રો વગેરેની માળખારૂપ સગવડો થઈ છે અને વિસ્તરતી રહી છે. આ કાર્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓનું અને તબીબી ક્ષેત્રે ખાનગી હૉસ્પિટલો અને ડૉક્ટરોનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે.

સામુદાયિક આરોગ્ય : આરોગ્યસેવાઓની સંકલ્પનાના વિકાસને કારણે આધુનિક સામૂહિક આરોગ્ય-સેવાઓમાં તબીબી સંભાળ, શિશુ-આરોગ્ય-કેન્દ્ર અને કુટુંબકલ્યાણ યોજનાઓ, પર્યાવરણીય જાહેર સફાઈ (સર્વત્ર શુચીકરણ, sanitation), નિદાન-પ્રયોગશાળાઓની સેવાઓ, રોગનિયંત્રણ-કાર્યક્રમો, આરોગ્યશિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. આમ, સામૂહિક આરોગ્ય એ ઉપચારાત્મક, પ્રતિરોધલક્ષી (prophylactic) તથા સ્વાસ્થ્યવર્ધક આરોગ્યસેવાઓના સંતુલિત સમન્વયરૂપ છે. આ વિષયના તજજ્ઞો જનવસ્તીવિદ્યા, આંકડાશાસ્ત્ર, તબીબી સમાજવિદ્યા, ક્રિયાત્મક સંશોધન, તબીબી સંભાળની સેવાને લગતો વહીવટ તથા આધુનિક વ્યવસ્થાપન – એમ વિવિધ શાસ્ત્રો અને પદ્ધતિઓનો અભ્યાસ કરે છે. સમગ્ર દુનિયાને આવરી લેતી આરોગ્યલક્ષી સભાનતાએ વિશ્વઆરોગ્ય સંસ્થા(WHO)ની સ્થાપનાની પૂર્વભૂમિકા પૂરી પાડી છે.

આરોગ્યલક્ષી આયોજનની પ્રક્રિયા : અંધશ્રદ્ધાને સ્થાને વૈજ્ઞાનિક ધોરણે આરોગ્યની જાળવણીના કાર્યક્રમોને અમલી બનાવતાં ત્રીજી પંચવર્ષીય યોજનાના ગાળામાં ગુજરાતમાંથી શીતળાનો રોગ નાબૂદ થયો, ત્યારથી માંડીને અદ્યાપિપર્યન્ત ક્ષય, મલેરિયા તથા રક્તપિત્ત અથવા કુષ્ઠરોગ(leprosy)ને નિયંત્રણમાં લાવવાની યોજનાઓ સતત જાળવી રખાઈ છે.

આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન મુખ્ય ત્રણ દિશાઓમાં વિકસ્યું છે : (1) ઉપચારાત્મક અને પૂર્વનિવારક (preventive) પ્રકારની પ્રાથમિક આરોગ્ય-સંભાળ સેવાઓ, (2) મુખ્ય ચેપી (infectious) રોગોનાં નિયંત્રણ અને નાબૂદીના કાર્યક્રમો તથા (3) તબીબી અને પરાતબીબી કર્મચારીવર્ગની તાલીમ.

રાજ્યની વસ્તી, આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલી યોજનાઓમાં ગ્રામવિસ્તાર અને આદિવાસી વિસ્તારોની તબીબી અને આરોગ્યસેવાઓની જરૂરિયાતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે.

આકૃતિ 4 : આરોગ્યસેવાઓનાં પરિમાણો : (અ) (1) તબીબો, (2) પરિચારિકાઓ, (3) ઔષધવિતરકો, (4) હૉસ્પિટલો, (5) આરોગ્ય-કેન્દ્રો; (આ) (1) વિધાયક સેવાઓ, (2) પૂર્વનિવારક સેવાઓ (3) નિદાનવ્યવસ્થા, (4) તબીબી સારવાર, (5) વિશેષજ્ઞ સારવાર; (ઇ) (1) સેવાઓની ગુણવત્તા, (2) ઉપલભ્યતા, (3) ખર્ચ, (4) સમયસરતા, (5) અભિગમ્યતા.

સર્વગ્રાહી આરોગ્યસેવાઓ : જન્મ પૂર્વેથી મૃત્યુ સુધીની ઉપચારાત્મક પ્રતિરોધલક્ષી તથા સ્વાસ્થ્યવર્ધક આરોગ્યસેવાઓને આવરી લેતી સંકલ્પના. સમગ્ર સંકલ્પના ઘણી જટિલ (સંકુલ) છે અને તેનાં મુખ્ય પરિમાણો અને સ્તરો આકૃતિ 4માં દર્શાવ્યાં છે.

આરોગ્યની યોજના : આરોગ્યજાળવણીની યોજના, એક રીતે જોતાં, નવી જ સંકલ્પના છે. જરૂરિયાત અને માંગને અનુરૂપ આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરવામાં તે ઉપયોગી નીવડે છે. આરોગ્યસેવાઓ માટે ઉપલબ્ધ સંસાધનો (resources) તથા તેના હેતુઓ અને ધ્યેયો પણ નિશ્ચિત કરી શકાય છે. સાધનોનું મૂલ્યાંકન, અગ્રતાક્રમનો નિશ્ચય તથા તેમના ઉપયોગનું આયોજન કરી શકાય છે. ખર્ચ-લાભનું પૃથક્કરણ, ખર્ચ-અસરકારકતાનું પૃથક્કરણ, ખર્ચનો હિસાબ તથા આવક અને જાવકનું પૃથક્કરણ જેવાં અર્થશાસ્ત્રીય પાસાંનો ઉપયોગ પણ કરવાનું શક્ય બને છે. ભારતમાં આરોગ્યની યોજના વિવિધ સમિતિઓના અહેવાલો પર આધારિત છે. તે માટે ભોર સમિતિ (1946), મુદલિયાર સમિતિ (1962), ચડાહ (Chadah) સમિતિ (1963), મુખર્જી સમિતિ (1965 અને 1966), જંગલવાલા સમિતિ (1967), કરતારસિંહ સમિતિ (1973) તથા શ્રીવાસ્તવ સમિતિ(1975)ના હેવાલનો પણ ઉલ્લેખ છે. ઈ. સ. 1976થી ભારત સરકારના આરોગ્ય અને કુટુંબનિયોજન ખાતાએ કાર્યયોજના અમલમાં મૂકેલી છે. વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં આરોગ્યક્ષેત્ર(health sector)ના આયોજનમાં કેટલાંક ઉપક્ષેત્રોને મુખ્ય ધ્યેયરૂપ નિશ્ચિત કરાયાં છે તે નીચે મુજબ : (1) પાણીપુરવઠો અને જાહેર સફાઈ, (2) સંક્રામક (ચેપી) રોગોનું નિયંત્રણ, (3) તબીબી શિક્ષણ, તાલીમ અને સંશોધન, (4) તબીબી સહાય, જેમાં હૉસ્પિટલો, દવાખાનાં તથા પ્રાથમિક આરોગ્ય-કેન્દ્રોનો સમાવેશ થાય છે, (5) જાહેર આરોગ્યસેવાઓ, (6) કુટુંબનિયોજન અને (7) સ્થાનિક (ભારતીય) ચિકિત્સાપદ્ધતિઓ.

ભારતમાં આરોગ્યતંત્ર : કેન્દ્રીય (રાષ્ટ્રીય) સ્તરે આરોગ્યસેવાઓનું આયોજન, નિયંત્રણ અને અમલીકરણ મંત્રી, નિયામક તથા કેન્દ્રીય આરોગ્ય કાઉન્સિલ દ્વારા થાય છે. કેન્દ્રીય આરોગ્ય કાઉન્સિલની મુખ્ય કામગીરીમાં આરોગ્યનીતિનું ઘડતર સૂચવવું, તેને અંગે કાયદાકીય જોગવાઈઓ સૂચવવી, અનુદાન માટે નીતિ સૂચવવી તથા આ કાર્યો માટે જરૂરી સંસ્થાઓ સ્થાપવી અને ચલાવવી વગેરે છે. રાજ્યકક્ષાએ પણ મંત્રી અને નિયામક દ્વારા આ તંત્ર ચલાવાઈ રહ્યું છે. (જુઓ આકૃતિ 5.)

સ્થાનિક ચિકિત્સાપદ્ધતિઓ : આયુર્વેદ, યુનાની અને હોમિયોપથી જેવી પદ્ધતિઓ ઘણાં બહોળાં સામાજિક જૂથોને આરોગ્ય અને તબીબી સેવાઓ પૂરી પાડે છે. તેમનો વ્યાપ મુખ્યત્વે ગ્રામવિસ્તારોમાં છે, છતાં શહેરોમાં પણ તે ઠીક ઠીક પ્રમાણમાં વિકસી રહી છે. આયુર્વેદિક પદ્ધતિએ વ્યાવસાયિક સેવાઓ આપતા વૈદ્યોમાંથી બહુ જ થોડા દેશમાંની 100થી વધુ આયુર્વેદની કૉલેજોમાં શાસ્ત્રીય પદ્ધતિએ ભણેલા છે. સરકાર તરફથી આયુર્વેદને પ્રોત્સાહન અને સહાય આપવાની નીતિ ઘડાયેલી હોવાને કારણે ઘણાં સરકારી આયુર્વેદિક દવાખાનાં સ્થાપવામાં આવેલાં છે. જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા તથા કૉલકાતામાં રાષ્ટ્રીય હોમિયોપથી સંસ્થા સ્થાપવામાં આવેલી છે. ભારત સરકારે 1971માં કેન્દ્રીય ભારતીય ચિકિત્સાપદ્ધતિઓની કાઉન્સિલ સ્થાપેલી છે.

ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ : પાંચમી પંચવર્ષીય યોજનાથી ગ્રામવિસ્તારોના નબળા વર્ગોને અન્ય સેવાઓની સાથોસાથ આરોગ્યસંભાળ પૂરી પાડવા ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ હાથ ધરાયો છે, જેમાં અગાઉથી ચાલતી પાયાની આરોગ્યલક્ષી જરૂરિયાતોની યોજનાઓને સંમિલિત કરાયેલી છે. આ કાર્યક્રમના ઉપક્રમે પ્રાથમિક આરોગ્ય-કેન્દ્ર અને પેટાકેન્દ્રો દ્વારા તબીબી અને પરાતબીબી સેવાઓ ઉપલબ્ધ કરવાનો હેતુ છે.

પ્રાથમિક આરોગ્ય સવલતો : પ્રાથમિક આરોગ્ય-કેન્દ્રો (PHC) દ્વારા ઉપચારાત્મક (therapeutic) સેવાઓ આરંભાઈ. તેની પ્રવૃત્તિઓ ક્રમશ: વધારવામાં આવી છે. હવે આ કેન્દ્રો સર્વગ્રાહી સેવાઓ પણ પૂરી પાડે છે. તે આરોગ્યલક્ષી સ્વચ્છતા, પરિવાર-કલ્યાણ, માતા અને બાળકની આરોગ્યસંભાળ, ચેપી રોગોનું નિયંત્રણ તથા રોગચાળાનું નિયંત્રણ વગેરે તરફ પોતાનું લક્ષ રાખે છે. પેટાકેન્દ્રો મુખ્યત્વે રોગો અને વિકારોનું પૂર્વનિવારણ કરતી (preventive) સેવાઓ પૂરી પાડે છે, જ્યારે પ્રાથમિક આરોગ્ય-કેન્દ્રો ઉપચારાત્મક અને નિષ્ણાત (reference) સેવાઓ પૂરી પાડે છે. દરેક સામુદાયિક વિકાસ ઘટકમાં એક પ્રા. આ. કે.ની સ્થાપના ચોથી પંચવર્ષીય યોજનામાં થઈ છે. પાંચમી પંચવર્ષીય યોજનામાં 12 પ્રા. આ. કેન્દ્રોને 25-30 પથારીઓવાળાં ગ્રામ આરોગ્ય ચિકિત્સાલયોમાં ફેરવવામાં આવ્યાં હતાં. તે જ સમયે આદિજાતિ વિસ્તારોમાં 12 ફરતાં દવાખાનાં પણ શરૂ કરવામાં આવ્યાં હતાં.

2016-17ના આંકડા પ્રમાણે સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા દેશમાં 5,568 છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા દેશમાં 29,899 છે. દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં 19,810 સરકારી હૉસ્પિટલો છે. શહેરી વિસ્તારમાં 3,772 હૉસ્પિટલો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 2,79,588 બેડની સુવિધા છે. શહેરોમાં 4,31,173 બેડની સુવિધા ઉપલબ્ધ છે. આયુષ મંત્રાલય અંતર્ગત દેશમાં 3,943 નાની મોટી હૉસ્પિટલ છે જેમાં 55,242 બેડની સુવિધા છે.

ગુજરાતમાં 1,770 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 385 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, 44 પેટા કેન્દ્રો, 37 જિલ્લા કક્ષાની હૉસ્પિટલો નોંધાઈ છે. કુલ 2,236 આરોગ્ય કેન્દ્રોમાં 41,129 બેડની સગવડ છે. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં 364 સરકારી હૉસ્પિટલો છે. શહેરી વિસ્તારોમાં 122 સરકારી દવાખાનાં છે. બંનેમાં મળીને 33 હજાર બેડની સુવિધા છે.

હાલ દરેક પ્રા.આ.કે. આશરે એક લાખથી વધુ વસ્તીને નીચે દર્શાવેલી વિવિધ સેવાઓ આપે છે : (1) તબીબી સારવાર, (2) કુટુંબ-કલ્યાણપ્રવૃત્તિ, (3) માતૃ-બાળસંભાળ સેવાઓ, (4) પૌષ્ટિક આહારલક્ષી સેવાઓ, (5) રોગપ્રતિકારક રસીઓ, (6) ચેપી રોગોનું નિયંત્રણ, (7) મલેરિયાનાબૂદી, (8) મર્યાદિત વિસ્તારોમાં રક્તપિત્તનું નિયંત્રણ, (9) મર્યાદિત વિસ્તારોમાં હાથીપગાનું નિયંત્રણ, (10) દાયણ-તાલીમ યોજના, (11) અંધત્વપ્રતિરોધ યોજના, (12) આરોગ્યશિક્ષણ, (13) શાળા-આરોગ્ય કાર્યક્રમ તથા (14) વાતાવરણની સ્વચ્છતા.

આકૃતિ 5 : ભારતની આરોગ્યલક્ષી સેવાઓની અંત:સંરચના (infra sctructure)

આરોગ્ય જૂથની સંકલ્પના : પ્રાથમિક આરોગ્યસેવાના વિતરણમાં જૂથકાર્યનું મહત્વ છે. ડૉક્ટરો, પરિચારિકાઓ, સહાયક પરિચારિકાઓ (દાયણો), જાહેર સફાઈ (sanitary) અધિકારીઓ, ઔષધ-વિતરકો (pharmacists) તથા નિદાનપરીક્ષણશાળાના ટૅકનિશિયનો એક જૂથના રૂપમાં ઉપયોગી સેવા આપે એવી આ સંકલ્પનાની યોજના છે. આ ટુકડીનો નેતા ડૉક્ટર હોય છે. તેને માથે વ્યક્તિગત આરોગ્યસંભાળ, સામાજિક આરોગ્યસંભાળ તથા શિક્ષણની જવાબદારી પણ હોય છે. આરોગ્યસર્વેક્ષણ અને આયોજન-સમિતિ(મુદલિયાર સમિતિ)એ ભારતની આરોગ્યકાર્યકરોની જે આદર્શ જરૂરિયાત દર્શાવી હતી તે સારણી 1માં દર્શાવી છે :

સારણી 1

    પ્રકાર જરૂરિયાત
1. ડૉક્ટરો દર 3,500ની વસ્તીએ 1
2. પરિચારિકા દર 5,000ની વસ્તીએ 1
3. દાયણ દર 5,000ની વસ્તીએ 1
4. જાહેર સફાઈ અધિકારી દર 10,000ની વસ્તીએ 1
5. ઔષધવિતરક દર 10,000ની વસ્તીએ 1
6. નિદાન-પરીક્ષણશાળાનો ટૅકનિશિયન દર 10,000ની વસ્તીએ 1

ભારતના રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો : ભારત સરકારે સંક્રામક (ચેપી) રોગોનાં નિયંત્રણ અને નાબૂદી માટે, વાતાવરણની જાહેર સફાઈ માટે, પોષણ તથા ગ્રામ-આરોગ્ય માટે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો હાથ ધર્યા છે. આ કાર્યક્રમો માટે WHO, UNICEF, SUSAID, રૉક- ફેલર ફાઉન્ડેશન, ફૉર્ડ ફાઉન્ડેશન વગેરે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી મદદ પણ મળેલી છે.

ચેપી રોગોનું નિયંત્રણ : ક્ષય, મલેરિયા અને રક્તપિત્ત જેવા જુદી જુદી રીતે ચેપ ફેલાવાથી થતા રોગોને અટકાવવાનું કાર્ય ભારત સરકાર તથા રાજ્ય સરકારની સંયુક્ત જવાબદારી રૂપે થઈ રહ્યું છે. જોકે આવો સહકાર ગલગંડ(goitre) તથા અંધાપો અટકાવવાના કાર્યક્રમોમાં પણ સધાયેલો છે.

વળી, સ્થાનિક કક્ષાએ પણ ચેપી રોગોનું નિયંત્રણ કરવામાં આવે છે; જેમ કે, કૉલેરા, ચેપી યકૃતશોથ(infective hepatitis)થી થતો કમળો તથા લિંગીય અને ગુપ્ત રોગો. જે વિસ્તારોમાં કૉલેરાનો ઉપદ્રવ થતો હોય તેવા વિસ્તારમાં તેને થતો અટકાવવા રસી મૂકવી, પીવાના પાણીને ક્લોરિન દ્વારા શુદ્ધ કરવું તથા દર્દીઓનાં ઘરોમાં અને તેની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો વગેરે કાર્યક્રમો હાથ ધરાય છે. વાતાવરણની જાહેર સફાઈ, પીવાનું શુદ્ધ પાણી, મળમૂત્રનો આરોગ્યલક્ષી નિકાલ, રોગીનું અલગીકરણ અને તુરત સારવાર તથા જરૂર પડ્યે રસી મૂકવાની ઝુંબેશ દ્વારા કૉલેરાગ્રસ્ત વિસ્તારોમાંથી તેની ક્રમશ: નાબૂદી કરવાનો કાર્યક્રમ હાથ ધરાયેલો છે.

ચેપી પ્રકારનો કમળો ખાસ કરીને મોટાં શહેરોમાં વધુ થાય છે અને તે મુખ્યત્વે એપ્રિલ-મે અને ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં જોવા મળે છે. જળાશયો, તળાવો, કૂવાઓ તથા પીવાના પાણીની નળીઓ દૂષિત થતાં આ રોગનો ફેલાવો થાય છે. 1997થી 2000 સુધીના ગાળામાં ગુજરાતમાં કુલ 20,792 દર્દીઓ નોંધાયા હતા, જેમાંના કુલ 221 મૃત્યુ પામ્યા હતા. જેમ ચેપી કમળો વધુ પ્રમાણમાં શહેરોમાં જોવામાં આવ્યો હતો તેમ જાતીય અને ગુપ્ત રોગો ગ્રામવિસ્તારોમાં વધુ જોવા મળ્યા છે. ત્યાં ચામડીનાં દર્દો-ખસ અને દરાજ-નું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ રોગો જીવનને જોખમરૂપ ન હોવા છતાં તેના દ્વારા થતી પરેશાની અને વ્યક્તિગત આર્થિક નુકસાનનું પ્રમાણ ઘણું મોટું હોય છે.

રાષ્ટ્રીય ક્ષયનિયંત્રણ કાર્યક્રમ : ક્ષયના રોગને મટાડવા માટે ઘણી અસરકારક દવાઓ વિકસી હોવા છતાં હજુયે ક્ષય આરોગ્યક્ષેત્રે એક મોટી સમસ્યારૂપ રહેલો છે. આ રોગ થતો અટકાવવા બાળકોને પ્રથમ વર્ષમાં જ બી.સી.જી.ની રસી મૂકવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં બી.સી.જી.ની રસી મૂકવાના વાર્ષિક લક્ષ્યાંકો 12 લાખથી વધુના હોય છે જે સરેરાશ 100 % જેટલા સિદ્ધ પણ થયા છે. ગુજરાત રાજ્યમાં ક્ષયનાબૂદી માટે દરેક જિલ્લામાં એક ક્ષયકેન્દ્ર આવેલું છે. અમદાવાદમાં ક્ષયનિર્દેશન અને તાલીમકેન્દ્ર પણ ઊભું કરવામાં આવેલું છે. ક્ષય થતો અટકાવવા અપાતી રસી પાછળ, નવા દર્દીઓને શોધી તેમની સારવાર કરવા પાછળ તથા તે માટે જરૂરી સંશોધન અને તાલીમ પાછળ ખર્ચનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 2019 પ્રમાણે 1.46 લાખ ક્ષયરોગ દર્દીઓ નોંધાયા હતા. રાજ્યમાં સરેરાશ 4000 થી 4500 દર્દીઓ વર્ષે મૃત્યુ પામે છે. 2025 સુધીમાં ક્ષયમુક્તનું આયોજન છે.

ભારતમાં મલેરિયાના નોંધાયેલા દર્દીઓ : 1953માં જ્યારે મલેરિયા-નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરાયો ત્યારે વર્ષે 750 લાખ દર્દીઓ અને 8 લાખ મૃત્યુનું કારણ મલેરિયાનો રોગ હતું. કાર્યક્રમની સફળતાએ પાંચ વર્ષમાં મલેરિયાના તાવનો ભોગ બનતી વ્યક્તિઓની સંખ્યા વાર્ષિક 20 લાખ જેટલી ઘટાડી નાખી. તેથી 1958માં મલેરિયા-નાબૂદી કાર્યક્રમ શરૂ કરાયો. આ કાર્યક્રમ આરોગ્યક્ષેત્રે સૌથી વિસ્તૃત અને બહુમુખી છે. દૂર દૂરનાં ગામડાંઓમાં ઘેર બેઠાં પાયાની આરોગ્યસેવાઓ પહોંચાડવાનો અને આરોગ્ય અંગે સભાનતા કેળવવાનો તેણે પાયો નાખ્યો છે. મલેરિયાની સમસ્યાને જોતાં તેની નાબૂદીનો રાષ્ટ્રીય કાર્યક્રમ સમયબદ્ધ રીતે હાથ ધરવામાં આવેલો છે. નવા અભિગમ પ્રમાણે મલેરિયાથી થતાં મૃત્યુ અટકાવવા તથા તેનાં વ્યાપ અને પ્રમાણ ન વધે તેની જાળવણી કરવા મલેરિયા નિયંત્રણ યોજના અમલી બનાવાઈ છે, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય-સરકારોએ સરખો હિસ્સો આપવાનો હોય છે. આ યોજનાના અમલ માટે ગુજરાતને પાંચ વિભાગમાં વહેંચવામાં આવેલું છે : (1) અમદાવાદ, (2) વડોદરા, (3) સૂરત, (4) રાજકોટ અને (5) ભાવનગર.

મલેરિયાનિયંત્રણ માટે બે સ્તરે કામગીરી કરવામાં આવતી હોય છે : (1) લોહીના નમૂના મેળવીને ચકાસવા, (2) મલેરિયાગ્રસ્ત વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવો. ગુજરાત રાજ્યમાં 2019માં 1,33,56,319 લોહીના નમૂના મેળવી 82,212 દર્દીઓમાં મલેરિયાનું નિદાન કરવામાં આવ્યું છે. તેમાં 13,267 કિસ્સામાં પ્લા. ફાલ્સિપેરમનો ચેપ લાગેલો હતો. મળેલી માહિતીને સરખાવવા માટે સૂચકાંકો રૂપે, વાર્ષિક લોહીતપાસદર (annual blood examination rate), વાર્ષિક પરોપજીવી સૂચકાંક (annual parasite incidence) તથા વિધેયાત્મક તપાસ દર (slide positivty rate) તથા ફાલ્સિપેરમ દર કાઢવામાં આવે છે, જે હાલ અનુક્રમે 18.8, 1.14, 0.6 અને 0.12 જોવા મળ્યા છે. હજુ પણ મલેરિયાની નાબૂદી એક દૂરનું સ્વપ્ન માત્ર જ છે. મલેરિયા-નાબૂદીનું 1958માં શરૂ કરેલું અભિયાન 1975-76માં ઘણી મુશ્કેલીમાં મુકાયું હતું. ભારત અને અન્ય દક્ષિણ એશિયાના દેશમાં મચ્છર તેમની સામે વપરાતાં રસાયણોની મારક અસરની બહાર નીકળી રહ્યા હતા. તેથી અત્યારે મલેરિયાને નિયંત્રિત કરવાનું કાર્ય મુખ્ય રૂપનું રહ્યું છે.

રાષ્ટ્રીય રક્તપિત્ત (કુષ્ઠરોગ) નિયંત્રણ કાર્યક્રમ : રક્તપિત્ત અતિ જૂના રોગોમાંનો એક છે. તે દર્દીની ઘણી નજીકની છતાં ઘણા લાંબા સમયથી સંપર્કમાં આવતી વ્યક્તિને લાગુ પડે તેવો એક ચેપી રોગ છે. તેને કારણે તેમના મર્યાદિત અલગીકરણની વ્યવસ્થા કરવી પડે છે. ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ રક્તપિત્ત નિયંત્રણનો કાર્યક્રમ 1955થી શરૂ કરાયેલો છે. ગુજરાતમાં તેની શરૂઆત 1959થી પોરબંદરથી થયેલી. વલસાડમાં પણ એક શૈક્ષણિક મોજણી અને સારવારનો એકમ શરૂ કરવામાં આવેલો હતો. ભારત સરકારે પણ આ યોજનામાં રસ લઈ સુધારાવધારા સૂચવેલા હતા. 1968-69થી આ કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્રસરકાર ભોગવે છે. હાલ ગુજરાતના દરેક જિલ્લામાં વત્તાઓછા પ્રમાણમાં આ રોગના દર્દીઓ મળે છે, જોકે તેનું પ્રમાણ વલસાડ, સૂરત, ડાંગ, વડોદરા, પંચમહાલ, જૂનાગઢ, જામનગર, રાજકોટ અને સાબરકાંઠા જિલ્લાઓમાં વધુ છે. ભારતમાં રક્તપિત્તનું વધુ વસ્તી-પ્રમાણ (prevalence) ધરાવતા પ્રદેશો અને રાજ્યોમાં લક્ષદ્વીપમાં, ઓરિસા, તમિળનાડુ, પુદુચેરી  અને આંધ્રપ્રદેશ છે. ગુજરાતમાં હાલ રોગનો વસ્તીસ્થાયી દર (prevalence rate) 0.83/1000નો છે.

સામાન્ય વ્યક્તિઓને તે રોગનાં શરૂઆતનાં લક્ષણો અને ચિહનોની જાણ થાય તે માટે પ્રચાર કરવામાં આવે છે તથા શંકાસ્પદ કિસ્સાઓની તપાસ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય રક્તપિત્ત શિક્ષણ અને સંશોધન સંસ્થા (ચેન્નાઈ) અને કાર્યકરોની તાલીમનાં કેન્દ્રો (મેડિકલ કૉલેજ, નાગપુર અને આંધ્રપ્રદેશ) સ્થપાયેલાં છે. ગુજરાતમાં હાલ 8 જિલ્લા/પ્રાદેશિક કુષ્ઠરોગ એકમો ચાલે છે.

રાષ્ટ્રીય હાથીપગા (filariasis) નિયંત્રણ કાર્યક્રમ : આ કાર્યક્રમ 1955થી હાથ ધરાયેલો છે. આ રોગ મુખ્યત્વે દરિયાકાંઠાના દક્ષિણના જિલ્લાઓ તથા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. હાલ આ રોગ દરિયાકાંઠાથી દૂરના વિસ્તારોમાં પણ પ્રસર્યો છે, જોકે સૌથી વધુ પ્રમાણ સૂરત, જામનગર, જૂનાગઢ, નવસારી, ધોરાજી, અમરેલી અને બારડોલીના વિસ્તારોમાં જોવા મળ્યું છે. હાથીપગાના નિયંત્રણ માટેના કાર્યક્રમમાં ચેપવાહક(vector)નો નાશ, દર્દીઓ અને રોગધારકો(carrier)ની શોધ અને તેમની સારવારનો સમાવેશ થાય છે. તેને માટે જામનગર, નવસારી, સૂરત અને જૂનાગઢ ખાતે નિયંત્રણ-એકમો સ્થાપવામાં આવ્યા છે.

દર વર્ષે હાથીપગાના કેસોની મોજણી કરવામાં આવે છે અને તે બાદ જેમના લોહીના નમૂનામાં હાથીપગાનાં જંતુ જણાય તેમને સારવાર અપાય છે.

ગલગંડ (goitre) : ભારતમાં હિમાલયની તળેટીના વિસ્તારો તથા પર્વતીય પ્રદેશો ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ તથા કેરળના કેટલાક નાના વિસ્તારોમાં ગલગંડનો વ્યાપ છે. ભારતમાં કેટલાક સ્થળે પ્રવર્તમાન દર 40 % સુધીનો છે. ગુજરાતમાં ભરૂચ અને વલસાડ જિલ્લામાં ગલગંડનું પ્રમાણ વધુ છે. આયોડિનયુક્ત મીઠું તથા ઇંજેક્શનો ખાસ કરીને આદિજાતિના લોકો, સગર્ભા સ્ત્રીઓ અને પાંચ વર્ષ સુધીનાં બાળકોને અગ્રતાના ધોરણે અપાય છે.

રાષ્ટ્રીય અંધાપાનિયંત્રણ કાર્યક્રમ : સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં નેત્રખીલ(trachoma)નું પ્રમાણ ઊંચું છે. શીતળાના રોગને કારણે થતા અંધાપાના નવા કિસ્સા હવે શીતળાના રોગની નાબૂદી સાથે થતા અટક્યા છે, પરંતુ વિટામિન ‘એ’ની ખામી તથા અન્ય કારણોસર થતો અંધાપો મહત્વનો આરોગ્યલક્ષી પ્રશ્ન છે. જિલ્લા-હૉસ્પિટલો તથા પ્રા. આ. કે.માં નેત્રરોગ સેવાઓ શરૂ કરવાની યોજના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ 1978-79થી અમલમાં આવી છે. મોતિયાની શસ્ત્રક્રિયા વડે સારવાર માટે તથા ચશ્માંની મદદ માટે નેત્રયજ્ઞો યોજવામાં આવે છે. ગત વર્ષે 7,34,433 જેટલી મોતિયાની શસ્ત્રક્રિયા કરાઈ હતી, 1,40,064 ચશ્માંનું મફત વિતરણ થયું હતું, 6,483 આંખોનું દાન મળ્યું હતું તેમાંથી 1,039 આંખોનો ઉપયોગ કરાયો હતો.

રસીઉત્પાદન સંસ્થા : વડોદરા જિલ્લામાં આવેલી રસી-ઉત્પાદન સંસ્થામાં હડકવાવિરોધી રસીનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત કૉલેરા તથા ધનુર્વાવિરોધી રસીઓનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ સંસ્થામાં કૉલેરાની રસી, ત્રિગુણી રસી, ડી. ટી. રસી, ધનુર્વાની રસી, પોલિયોની રસી તથા ટાઇફૉઇડની રસીનો સંગ્રહ કરવામાં આવે છે. ગત વર્ષે ગુજરાતમાં 12,05,704 જેટલી સગર્ભા સ્ત્રીઓને ધનુર્વાની રસી; 11,83,426 જેટલી ત્રિગુણી રસી; 9,86,934 જેટલી ડિફથેરિયા-ધનુર્વાની રસી; 9,21,879 (10 વર્ષે), 7,96,224 (16 વર્ષે) ધનુર્વાની રસી; 11,80,012 જેટલી પોલિયો સામેની રસી અપાઈ હતી. દેશમાં હાલ ‘પલ્સ-પૉલિયો’ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

કુટુંબકલ્યાણકાર્યક્રમ : 1953માં કુટુંબનિયોજન-કાર્યક્રમ નામે શરૂ થયેલ આ કાર્યક્રમને 1977માં કુટુંબકલ્યાણ-કાર્યક્રમ એવું નામ અપાયું છે. રાષ્ટ્રીય વિકાસ યોજનાઓમાં કુટુંબકલ્યાણ-કાર્યક્રમને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. માતૃ-બાળકલ્યાણ અને રોગપ્રતિકારક રસી મૂકવાના કાર્યક્રમને કુટુંબનિયોજન-કાર્યક્રમ સાથે સાંકળીને બનાવેલા કુટુંબકલ્યાણ-કાર્યક્રમને ઘણો વેગ મળેલો છે. લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે પ્રા.આ.કે. અને શહેરી કુટુંબકલ્યાણ-કેન્દ્રો લેપ્રોસ્કોપી કૅમ્પ યોજે છે. બિનકાયમી પદ્ધતિઓ જેવી કે આંકડી મૂકવી, ગર્ભનિરોધક સાધનો વાપરવાં, મોઢા વાટે દવા લેવી વગેરેને પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે. 2008ના વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યમાં 2,80,334 વંધ્યીકરણની શસ્ત્રક્રિયાઓ થઈ હતી અને 4,66,230 સ્ત્રીઓમાં આંકડી મૂકવામાં આવી હતી. તે વર્ષ દરમિયાન 2,44,579 જેટલી વ્યક્તિઓ ગર્ભનિરોધક દવા વાપરતી હતી. હાલ આ કાર્યક્રમ અંતર્ગત ગત વર્ષે 3,28,435 વ્યંધ્યીકરણ શસ્ત્રક્રિયા, 5,79,414 આંકડી મૂકવાની ક્રિયા, 2,53,176 ગર્ભનિરોધક ઔષધવિતરણ ઇત્યાદિ કરાયાં છે. 1971માં તબીબી કારણોથી સગર્ભાવસ્થાના અંત (MTP) માટેનો કાયદો પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ કુટુંબનિયોજન-કાર્યક્રમમાં ગર્ભપાતને પણ સ્થાન મળ્યું છે.

સંકલિત બાળવિકાસ સેવાયોજના : ગુજરાતમાં આ યોજના સૌપ્રથમ વડોદરા જિલ્લાના છોટાઉદેપુર ખાતે 1975-76માં શરૂ કરાઈ હતી. તેની અંતર્ગત ઘણા ઘટકો કાર્યાન્વિત થયા જેમાંના મોટા ભાગના ઘટકો કેન્દ્રસરકાર-પ્રેરિત છે. આ યોજનાના મુખ્ય પાંચ હેતુઓ છે : (1) 6 વર્ષ સુધીનાં બાળકોનું પોષણ અને આરોગ્ય સુધારવું; (2) બાળકોના શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસનો પાયો નાખવો; (3) બાળમૃત્યુ, બાળરોગ, અપપોષણ તથા અધવચ્ચેથી શાળા છોડી જવાની સ્થિતિને ઘટાડવી; (4) બાળવિકાસને વેગ આપતા વિવિધ વિભાગો વચ્ચે નીતિવિષયક અને અમલલક્ષી સંકલન કરવું તથા (5) માતાઓને બાળપોષણ અંગે વ્યવસ્થિત શિક્ષણ આપવું.

આ હેતુઓને બર લાવવા કેટલીક યોજનાઓમાં સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે; જેવી કે, (1) પૂરક પોષણ, (2) રોગપ્રતિકારક રસીઓ, (3) આરોગ્યતપાસ, (4) રેફરલ સેવાઓ, (5) પોષણ અને આરોગ્યશિક્ષણ તથા (6) અનૌપચારિક શિક્ષણ. સગર્ભા અને ધાત્રી માતાઓ તથા 6 વર્ષની નીચેનાં બાળકોને આવરી લેવામાં આવેલાં છે.

પ્રાથમિક આરોગ્યકેન્દ્ર દ્વારા અપાતી સેવાઓ : પ્રાથમિક આરોગ્ય-કેન્દ્રો (1) વિવિધ બીમારીઓની સારવાર, (2) વિવિધ રોગની સારવાર, (3) સ્ત્રીઓના સ્વાસ્થ્યની જાળવણી, (4) બાળસ્વાસ્થ્ય-જાળવણી, (5) પરિણીત યુગલલક્ષી સ્વાસ્થ્યસેવાઓ તથા (6) અન્ય પ્રકીર્ણ સ્વાસ્થ્યસેવાઓના ક્ષેત્રે કાર્યરત છે. (1) સામાન્ય બીમારીઓ જેવી કે ગૂમડાં, તાવ, ખૂજલી, ઈજાઓ, દાઝવું, ઊલટી, ઝાડા, આંખ આવવી, પેટમાં દુખાવો, સાંધાનો દુખાવો, સર્પદંશ, ખાંસી અને શરદી, કૂતરું કરડે તો તેની સામેની રસી, આંખની તપાસ તથા ચશ્માંના નંબર કાઢી આપવા, મોતિયાની શસ્ત્રક્રિયા, લૈંગિક-સમાગમજન્ય રોગો, સનતંત્રના રોગો, સંકટકાલીન સેવાઓ, રોગના વાવડનું નિયંત્રણ, સ્વસ્થ જીવન માટે આરોગ્યશિક્ષણ વગેરેમાં તબીબી ધોરણે સક્રિય છે. (2) ત્યાં બાળકોના રોગો, મલેરિયા, પાંડુતા, કુષ્ઠરોગ (રક્તપિત્ત), ક્ષયરોગ, લોહીનું ઊંચું દબાણ, રતાંધતા, મધુપ્રમેહ જેવા રોગોની સારવાર પણ મળે છે. (3) સ્ત્રીસ્વાસ્થ્યસંબંધિત સેવાઓમાં સગર્ભા સ્ત્રીઓની નોંધણી અને નિયમિત તપાસ, સગર્ભા સ્ત્રીને ધનુર્વાની રસી, વંધ્યતા માટે સારવાર, શિક્ષણ અને માર્ગદર્શન, ઋતુસ્રાવસંબંધિત સમસ્યાઓની તપાસ અને સારવાર, સ્તન્યપાન અંગે આરોગ્યશિક્ષણ, સગર્ભાવસ્થાની સામાન્ય તકલીફોની સારવાર, પાંડુતા ધરાવતી સ્ત્રીઓને સારવાર કે પૂર્વનિવારણ રૂપે લોહ અને ફૉલિક ઍસિડની ગોળીઓનું વિતરણ વગેરેનો સમાવેશ થાય છે. (4) બાળસ્વાસ્થ્યક્ષેત્રે મુખ્ય છ રોગો (ક્ષયરોગ, ધનુર્વા, ઉટાંટિયું, ડિફથેરિયા, ઓરી તથા પોલિયો) સામેની રસી, શાલેય અને શાલાપૂર્વ બાળકોની ચકાસણી, અપોષણથી પીડાતાં બાળકોને પોષણ અંગે સલાહ, રતાંધતા રોકવા વિટામિન-એની ગોળીઓનું વિતરણ તથા ઝાડા, ન્યુમોનિયા, પાંડુતા, તાવ, શરદી, ખાંસી, કૃમિ, ઈજા તેમજ નાક-કાન-ગળાના  રોગોની સારવાર આપવી વગેરે વિવિધ બાબતોને આવરી લેવાય છે. (5) પરિણીત યુગલને સ્વાસ્થ્યસહાય રૂપે મદદરૂપ થવાનાં કાર્યોમાં ગર્ભનિરોધપદ્ધતિઓ, સાધનો, દવાઓ અને શસ્ત્રક્રિયાઓનું આયોજન અને શિક્ષણ, કાયદેસરના ગર્ભપાત માટે શિક્ષણ અને માર્ગદર્શન, લૈંગિક સમાગમથી ફેલાતા ચેપી રોગો, અન્ય ચેપી રોગો તથા HIVના ચેપ અંગે આરોગ્યશિક્ષણનો સમાવેશ થાય છે. (6) અન્ય આરોગ્યસેવાઓમાં શવપરીક્ષણની સવલત, અકસ્માત કે ઝઘડામાંથી ઉદભવતા ન્યાય-તબીબી કિસ્સાઓમાં સેવા, જલવાહી ચેપી રોગોની માહિતી અને સારવાર, પૂર કે અન્ય કુદરતી આફત સમયે રોગના વાવડનું નિયંત્રણ, સુસ્વાસ્થ્ય માટે સામાજિક ચળવળ, બાળકો અને સ્ત્રીઓ માટે ખાસ આરોગ્યયજ્ઞો, વંધ્યીકરણની કાર્યશિબિરો, રક્તદાન યજ્ઞો, વધુ સારા વાતાવરણ માટે આરોગ્ય અને સફાઈને લગતી માહિતીનું વિતરણ વગેરેનો સમાવેશ થાય છે.

આહાર અને પોષણની જાળવણી : આરોગ્યને હાનિકારક એવી ખોરાકની ભેળસેળ રોકવા કેટલાંક કાયદાકીય અને વહીવટી પગલાં લેવાયેલાં છે. FAO અને WHOના સંયુક્ત પ્રમાણિત (standar-dised) આહાર કાર્યક્રમ હેઠળ કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન નિમાયું હતું. તેની સૂચનાઓને આધારે ભારતમાં ખોરાકનાં ધોરણ પ્રમાણિત કરાયેલાં છે. ભારત સરકારે ખોરાકની ભેળસેળ રોકવા માટે 1954માં કાયદો ઘડ્યો હતો, જે 1976માં સુધારવામાં આવ્યો હતો. તેના આધારે મરજિયાતપણે વાપરી શકાય તેવાં ઍગમાર્ક અને આઇ. એસ. આઇ. જેવાં ગુણવત્તાદર્શક ધોરણોની વ્યવસ્થા ઉત્પન્ન કરીને ગ્રાહકો ઉત્તમ ગુણવત્તાવાળો આહાર મેળવે તેવી યોજના ઘડી કાઢવામાં આવી છે.

ભારતમાં જુદા જુદા રાષ્ટ્રીય કાર્યક્રમો દ્વારા પોષણના પ્રશ્નને હલ કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. પોષણના સ્તરને સુધારવા માટે અનુપ્રયુક્ત (applied) પોષણ કાર્યક્રમ, પૂરક આહાર કાર્યક્રમ તેમજ શાળામાં ભણતાં બાળકો માટે મધ્યાહનભોજન કાર્યક્રમ ઘડી કાઢવામાં આવેલા છે. ખોરાકનાં અમુક તત્વોની ઊણપથી થતા વ્યાપક રોગો સામે પણ ત્રણ કાર્યક્રમો ઘડાયેલા છે. ગલગંડનિયંત્રણ કાર્યક્રમ, વિટામિન ‘એ’ પ્રતિરોધલક્ષી કાર્યક્રમોને સંકલિત બાળવિકાસ યોજના તથા ભારતીય વસ્તી પ્રૉજેક્ટમાં પણ આવરી લેવાયા છે.

1972માં રાષ્ટ્રીય પોષણ મોજણી બ્યૂરોની સ્થાપના હૈદરાબાદ ખાતે કરાવેલી છે, તે આહાર અને પોષણની ઊણપોની મોજણી તથા પોષણલક્ષી કાર્યક્રમોની સફળતાની મોજણી કરે છે.

ખાસ યુક્તાહાર યોજના : સમાજના આર્થિક રીતે નબળા વર્ગનાં 6 વર્ષથી નીચેનાં બાળકો તથા સગર્ભા અને ધાત્રી સ્ત્રીઓના પોષણની ઊણપને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે ‘કેર’ સંસ્થાની મદદથી વિના મૂલ્યે કાચો ખાદ્ય પદાર્થ મેળવીને પોષક આહાર કાર્યક્રમ શરૂ કર્યો છે. હાલ ગુજરાતમાં શાળા આરોગ્ય-કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવેલો છે. તેમાં 49,675 શાળાઓને આવરી લેવાઈ છે. ગત વર્ષે 1,36,35,712 વિદ્યાર્થીઓને તપાસવામાં આવ્યા છે, જેમાંથી 18,26,953 વિદ્યાર્થીઓને સ્થળ પર સારવાર અપાઈ છે જ્યારે 1,27,168 વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનાં સારવાર-કેન્દ્રો પર મોકલાયા છે. 100થી વધુ વર્ષોથી વિશ્વના ઘણા દેશોમાં મધ્યાહનભોજન કાર્યક્રમ અસ્તિત્વમાં છે. ભારતમાં 1955માં ચેન્નાઈ શહેરમાં સૌપ્રથમ તે શરૂ કરાયો. આ યોજનાનો મુખ્ય ઇરાદો પૂરક પોષણ આપવાનો છે.

રાષ્ટ્રીય એઇડ્ઝનિયંત્રણ કાર્યક્રમ : આ કાર્યક્રમ હેઠળ દર વર્ષે 1.67 લાખથી 3.29 લાખ નમૂના તપાસીને સન 1997થી 2001માં કુલ સુનિશ્ચિત 922 દર્દીઓનું નિદાન કરાયું હતું. જોકે એલિઝાપદ્ધતિએ હકારાત્મક પરિણામોની સંખ્યા 1,008 હતી.

રાષ્ટ્રીય પાણીપુરવઠો અને જાહેર સફાઈ કાર્યક્રમ : 1954થી આ કાર્યક્રમ શરૂ કર્યો છે. પાંચમી પંચવર્ષીય યોજના દ્વારા 85 % શહેરી વસ્તીને નળ દ્વારા પાણી આપવાનું શક્ય બન્યું હતું અને ફક્ત 38 % શહેરી વસ્તી માટે ગટરની વ્યવસ્થા કરી શકાઈ હતી. ગ્રામીણ વિસ્તારોમાં આ કાર્ય ખૂબ ઓછા પ્રમાણમાં થયું હતું. તેથી 1972માં ‘કેન્દ્રીય પ્રવેગી ગ્રામીણ પાણીપુરવઠા કાર્યક્રમ’ના રૂપે એક પૂરક કાર્યક્રમ હાથ ધરાયો હતો. પાંચમા પંચવર્ષીય કાર્યક્રમમા સમગ્ર કાર્ય માટે રુ. 1,029.6  કરોડ ફાળવવામાં આવેલા હતા.

પાણીની આરોગ્યપ્રદ જાળવણી અને વિતરણ : પીવાના પાણીનાં આરોગ્યપ્રદ ધોરણો WHOએ તથા યુરોપીય દેશોએ આપ્યાં છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં ‘પીવાના પાણી માટેનાં આંતરરાષ્ટ્રીય ધોરણો’માં પાંચ મહત્વના મુદ્દાને આવરી લેવાયા છે : (1) સૂક્ષ્મ જીવોથી થતું પ્રદૂષણ; (2) આર્સેનિક, સીસું સાઇનાઇડ તથા ઝેરી પદાર્થો; (3) આરોગ્યને અસર કરતા વિશિષ્ટ પદાર્થો; દા.ત., ક્લોરાઇડ, નાઇટ્રેટ વગેરે; (4) પીવા માટેના પાણીની લાક્ષણિકતાઓ તથા (5) વિકિરણશીલ પદાર્થો. જાહેર સફાઈ વિભાગ દ્વારા સજગ મોજણી રૂપે જાહેર સફાઈવ્યવસ્થાનું વખતોવખત સર્વેક્ષણ કરવું, પીવાના પાણીનું પરીક્ષણ કરવું તથા તેમાં રહેલા જીવાણુઓનું આમાપન કરતા રહેવું જરૂરી ગણાય છે. પાણીના ફ્લોરાઇડ-પ્રમાણને આધારે જરૂર પડે ત્યાં તેનું ફ્લૉરાઇડીકરણ (fluoridation) કરવાનું સૂચવાય છે. તેવી જ રીતે જાહેર સ્નાનાગારના પાણીને આરોગ્યપ્રદ રાખવાના નીતિનિયમો ઘડવામાં આવેલા છે. આ સમગ્ર કાર્ય માટે આરોગ્યશિક્ષણ, જાહેરસફાઈ વિભાગની કામગીરી તથા રાષ્ટ્રીય જલવિતરણ અને જાહેરસફાઈ (sanitation) કાર્યક્રમ પણ 1954થી અમલમાં છે. આ કાર્યક્રમના પૂરક કાર્ય રૂપે 1972થી કેન્દ્રીય પ્રવેગી ગ્રામીણ જલવિતરણ કાર્યક્રમ પણ હાથ ધરાયો છે. પીવાના તથા સ્નાનગૃહના પાણીના ગાળણ (filtration) અને ક્લોરિનીકરણ(chlorination)ની પદ્ધતિઓને વ્યાપકપણે અમલી બનાવાયેલી છે.

પીવાના પાણી તથા આહાર અને પોષણ ઉપરાંત આરોગ્યને અસર કરતાં અન્ય પરિબળો માટે પણ વિવિધ કાર્યક્રમો, યોજના તથા વહીવટને લગતા નિયમો ઘડાયેલા છે; જેમ કે, ઘોંઘાટના નિયંત્રણ માટેના કાયદા ભારતનાં ઘણાં રાજ્યોમાં અમલમાં છે. વિશ્વઆરોગ્ય સંસ્થાની નિષ્ણાત સમિતિએ આરોગ્યપ્રદ રહેઠાણ માટેના અગત્યના મુદ્દા છેક 1974થી સૂચવેલા છે. ભારતમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ (UNO) સાથે સંલગ્ન એવું રાષ્ટ્રીય રહેઠાણ-કેન્દ્ર સ્થાપેલું છે, જે ભારત અને દૂર પૂર્વના દેશોમાં મકાનબાંધકામનાં જ્ઞાન અને સંશોધનને વેગ આપે છે. ઘન કચરાના નિકાલ અને નિયંત્રણ માટે WHO-એ મહત્વનાં સૂચનો કરેલાં છે. ભારતમાં પણ ‘બૅંગ્લોર પદ્ધતિ’ જેવી ખાતર બનાવવાની પદ્ધતિનો વિકાસ આ ક્ષેત્રે થયેલા કાર્યનો સૂચક છે. માનવમળમૂત્રના નિકાલ માટે માનવશક્તિના સીધા ઉપયોગવાળી તથા તેના વગરની વિવિધ પદ્ધતિઓ અમલમાં આવેલી છે. ‘મેલું ઉપાડવા’ની પદ્ધતિને ક્રમશ: અને ઇરાદાપૂર્વક દૂર કરવામાં આવી રહી છે. 1949માં પર્યાવરણીય આરોગ્યજાળવણી (hygiene) સમિતિએ પણ તેવું સૂચવ્યું હતું. જ્યાં ગટરવ્યવસ્થા નથી ત્યાં વિવિધ પ્રકારની રચનાવાળાં સંડાસ બનાવવાની શાસ્ત્રીય પદ્ધતિઓ વિકસાવવામાં આવેલી છે. મોટાં શહેરોમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ ગટર દ્વારા માનવ-મળમૂત્રનો નિકાલ કરીને તેને સુએજ (sewage) પ્રક્રિયા આપવામાં આવે છે.

આરોગ્ય આંકડાશાસ્ત્ર : જાહેર આરોગ્યને માપવા માટે તથા આરોગ્યસેવાઓની ઉપલબ્ધિ અને પરિણામો માપવા માટે આરોગ્યનિર્ધારણ કરવું પડે છે. તેને માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો બહોળો ઉપયોગ થાય છે.

સત્તરમી સદીમાં ઇંગ્લૅન્ડમાં જૉન ગ્રાઉન્ટે પ્રથમ વાર મૃત્યુદરનો અભ્યાસ કરીને આરોગ્ય આંકડાશાસ્ત્રનો પાયો નાંખ્યો હતો એમ મનાય છે. તે જ દેશના વિલિયમ ફ્રારે (1807-83) જન્મ-મરણના આંકડાશાસ્ત્રની પદ્ધતિને વિકસાવી અને મજબૂત બનાવી. તે માટે તેમણે રોગો, જન્મ, મૃત્યુ વગેરેના આંકડા એકઠા કરીને સમજી શકાય તે રીતે પ્રગટ કર્યા. હાલ દરેક દેશમાં આરોગ્યસેવાઓ તથા જીવન-સુખાકારીનું માપ કાઢવામાં આવે છે.

જન્મ-મરણના આંકડા જાણવાથી દેશ, રાજ્ય કે શહેરની પ્રજાના આરોગ્યનું માપ તથા તેમનામાં પ્રવર્તમાન રોગોનાં પ્રમાણ વિશે જાણી શકાય છે. આ આંકડા વિવિધ વિસ્તારો અને દેશોના આરોગ્યને સરખાવવામાં ઉપયોગી છે. જે તે પ્રદેશની આરોગ્યસેવાનું સંચાલન કરવામાં ત્યાંની બદલાતી આરોગ્ય-પરિસ્થિતિને પહેલેથી સમજવામાં, કોઈ આરોગ્યલક્ષી યોજનાની સફળતા-નિષ્ફળતાનું તારણ કાઢવામાં તથા આરોગ્યલક્ષી સંશોધનોમાં પણ ઉપયોગી રહે છે. આરોગ્ય આંકડાશાસ્ત્રનો વ્યાપ ઘણો મોટો છે. તેના મુખ્ય વિભાગોને સારણી 2માં દર્શાવ્યા છે :

સારણી 2 : આરોગ્ય આંકડાશાસ્ત્રનું ક્ષેત્ર

વિભાગ   માહિતી
(1) આરોગ્યની સ્થિતિ (i)

 

 

 

(ii)

જન્મ-મરણના આંકડા

(અ) જન્મ

(આ) મૃત્યુ

(ઇ) લગ્ન

વિવિધ રોગોનું પ્રમાણ

(2) આરોગ્યને અસર કરતાં

પરિબળો

(i)

(ii)

(iii)

(iv)

પોષણ

રહેઠાણ

આર્થિક સ્થિતિ

વાતાવરણ

(3) આરોગ્યસેવાઓ (ક)

(ખ)

 

(ગ)

(ઘ)

હૉસ્પિટલો

અન્ય તબીબી સેવાઓ

ગુજરાતમાં

પરિચારિકાઓ

રોગ અટકાવવાના ઉપાયો વગેરે

આ પ્રકારના આંકડા મેળવવા વિવિધ પ્રકારના દર લક્ષ(લાખ)માં લેવાય છે; જેમ કે, સાદો (crude) જન્મદર, સાધારણ પ્રજનન (general fertility)દર વગેરે. પ્રત્યેક 1,000 મનુષ્યોની વસ્તીમાં એક વર્ષમાં જન્મતાં બાળકોની સંખ્યાને સાદો જન્મદર કહે છે. આ ગણતરી માટે વર્ષની મધ્યમાં જે અંદાજિત વસ્તી હોય તેને ગણતરીમાં લેવાય છે. ગુજરાતમાં સામાન્ય જન્મદર 1996માં 25.7 હતો જે ક્રમશ: ઘટ્યો છે. ગ્રામ્યજન્મદર શહેરી દર કરતાં વધુ રહે છે. પ્રત્યેક 1,000 પ્રજનનશીલ સ્ત્રીઓ (15થી 45 વર્ષની) દ્વારા એક વર્ષમાં જન્મતાં બાળકોની સંખ્યાને સાધારણ પ્રજનનદર કહે છે. વય-વિશિષ્ટ (age-specific) પ્રજનનદર શોધવાથી જાણી શકાયું છે કે ગુજરાતમાં સૌથી વધુ પ્રજનનદર 20-24 વર્ષની સ્ત્રીઓમાં તથા સૌથી ઓછો પ્રજનનદર 45-49 વર્ષની સ્ત્રીઓમાં જોવા મળે છે. દરેક વયજૂથમાંના પ્રજનનદરનો સરવાળો કરતાં કોઈ પણ એક સ્ત્રી તેના પ્રજનનકાળ દરમિયાન કેટલાં બાળકોને જન્મ આપશે તે જાણી શકાય છે. ગુજરાતમાં હાલમાં ગ્રામીણ વિસ્તારમાં આ દર 2.8/સ્ત્રી, શહેરી વિસ્તારમાં 2.2/સ્ત્રી તથા સમગ્રપણે 4.2/સ્ત્રી નોંધાયો હતો. તેથી જાણી શકાય કે હાલમાં ગુજરાતમાં પ્રત્યેક સ્ત્રી સરેરાશ 2થી વધુ બાળકોને જન્મ આપતી હતી. જન્મનો દર પ્રજનનશીલ સ્ત્રીઓની સંખ્યા પર આધારિત હોવાથી કોઈ પણ સ્ત્રી તેના સમગ્ર પ્રજનનશીલ કાળ દરમિયાન કેટલી પુત્રીઓને જન્મ આપે છે તે જાણવું મહત્વનું ગણાય. તે જાણવા કુલ માદા પ્રજનનદર (gross reproduction rate) શોધવામાં આવે છે. હાલ આ દર 1.2/સ્ત્રી (ગ્રામીણ 1.3 અને શહેરી 1.0) હતો. જ્યારે વાસ્તવિક (net) માત્ર પ્રજનનદર શોધવા માટે સ્ત્રીઓના મૃત્યુદરને પણ ગણતરીમાં લેવામાં આવે છે. તેના દ્વારા જાણી શકાય છે કે ખરેખર સ્ત્રીઓ કેટલી બાળકીઓને જન્મ આપશે, જે સંતાનોનું પ્રજનન કરશે. ગર્ભનિરોધક સાધનો અને પ્રવિધિઓની ઉપયોગિતા શોધી કાઢવા સગર્ભાવસ્થાદર (ટકાવારી) શોધવામાં આવે છે. આમ, જન્મસંબંધિત જુદા જુદા 7 પ્રકારના દર શોધવામાં આવે છે.

મૃત્યુસંબંધિત આંકડા : વિવિધ જન્મદર અને પ્રજનનદરની માફક વિવિધ પ્રકારના મૃત્યુદર પણ ગણવામાં આવે છે. પ્રત્યેક 1,000 વ્યક્તિઓની વસ્તીમાં એક વર્ષમાં થતાં મૃત્યુની સંખ્યાને સાદો મૃત્યુદર કહે છે. હાલ ગુજરાતમાં સાદો મૃત્યુદર 6.9 છે. (ગ્રામીણ દર 8.012, શહેરી દર 5.4). ચોક્કસ કારણસર, ચોક્કસ જૂથમાં અથવા ચોક્કસ સમયગાળા માટે ગણવામાં આવેલા મૃત્યુદરને વિશિષ્ટ (specific) મૃત્યુદર કહે છે. તેથી કૉલેરા, ક્ષય તથા અન્ય કોઈ પણ રોગથી દર 1,000ની વસ્તીસંખ્યામાં એક વર્ષ દરમિયાન થતાં મૃત્યુની ગણતરીથી અનુક્રમે જે તે કારણસર મૃત્યુનો દર શોધી શકાય છે. આ જ પ્રમાણે પુરુષોનો મૃત્યુદર, કોઈ એક મહિનાનો મૃત્યુદર તથા ચોક્કસ વયજૂથનો મૃત્યુદર પણ કાઢી શકાય છે. તે જુદા જુદા સ્થળના મૃત્યુદરની સરખામણી કરવી હોય ત્યારે બંને સ્થળોની વસ્તીની લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવી જોઈએ. તે માટે પ્રમાણિત મૃત્યુદર ગણવામાં આવે છે. આવું પ્રમાણીકરણ(standardisation) પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે કરવામાં આવે છે. પ્રત્યક્ષ પ્રમાણીકરણ માટે વયજૂથો અને જાતિજૂથોના ચોક્કસ વિતરણ(distribution)વાળી સંદર્ભ-વસ્તીમાંના મૃત્યુદર પ્રમાણે આપેલી વસ્તીના મૃત્યુદરની ગણતરી કરવામાં આવે છે. પરોક્ષ પ્રમાણીકરણ માટે દેશમાંના કોઈ ચોક્કસ સ્થળની વસ્તીને સંદર્ભ-વસ્તી તરીકે લેવામાં આવે છે. આવી રીતે ગણી કાઢેલા મૃત્યુદરને પ્રમાણિત મૃત્યુદર કહે છે, જેને અન્ય વસ્તીના મૃત્યુદર સાથે સરખાવી શકાય છે. સમગ્ર મૃત્યુદરમાં ચોક્કસ પ્રકારના કારણથી (દા.ત., કૉલેરા) કે ચોક્કસ વયજૂથમાં થતા મૃત્યુના પ્રમાણની ટકાવારીને સમપ્રમાણિત (proportional) મૃત્યુદર કહે છે. કોઈ એક રોગથી પીડાતા દર્દીઓમાંથી કેટલા દર્દીઓ મૃત્યુ પામે છે, તેની ટકાવારીને દર્દી મૃત્યુદર (case fatality) કહે છે.

એક વર્ષમાં દર હજાર જન્મેલ જીવિત બાળકોએ કેટલી માતાઓ સગર્ભાવસ્થા, પ્રસૂતિ કે પ્રસૂતિ બાદનાં 6 અઠવાડિયાંમાં મૃત્યુ પામે છે તેની ગણતરીને માતૃમૃત્યુદર કહે છે. તેવી જ રીતે દર હજાર જન્મેલ જીવિત બાળકોમાંથી એક વર્ષથી નાનાં બાળકોના મૃત્યુના દરને શિશુ-મૃત્યુદર કહે છે. હાલ ગુજરાતમાં આ દર 59 છે. જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અનુક્રમે 56.3 અને 67.2 હતો. 2000ની સાલમાં તેને ઘટાડીને 30-35 કરવાનું ધ્યેય રખાયું હતું, પરંતુ તે હજુ દૂરનું સ્વપ્ન છે. શિશુમૃત્યુદર વિકાસનું એક લક્ષણ છે. તે અમેરિકામાં ફક્ત 11 જેટલો જ છે. આ જ પ્રમાણેનો દર પ્રથમ ચાર માસનાં શિશુઓનો કાઢવામાં આવે તો તેને નવજાત શિશુ (neonatal) મૃત્યુદર કહે છે, જ્યારે 4 અઠવાડિયાંથી માંડીને એક વર્ષ સુધીમાં શિશુઓના મૃત્યુદરને નવજાત શિશુકાલોત્તર (postneonatal) મૃત્યુદર કહે છે. હાલ ગુજરાતમાં માનવજાત શિશુ-મૃત્યુદર 37 (ગ્રામીણ 43, શહેરી 28) છે તથા નવજાત શિશુકાલોત્તર-મૃત્યુદર 13 (ગ્રામીણ 16, શહેરી 7) હતો.

દર 1,000 ગ્રામથી વધુ વજનવાળાં જન્મેલાં 1,000 બાળકોની સંખ્યાએ સગર્ભાવસ્થાના 28મા અઠવાડિયા પછી મૃત્યુ પામેલા ગર્ભની સંખ્યા તથા જન્મસમયે કે જન્મ પછીના પ્રથમ અઠવાડિયામાં મૃત્યુ પામેલાં શિશુની સંખ્યાને પરિજન્મકાળ (perinatal) મૃત્યુદર કહે છે. દર હજાર જન્મેલાં જીવિત બાળકોની સંખ્યાએ સગર્ભાવસ્થાનાં 28 અઠવાડિયાં પછી મૃત્યુ પામેલા ગર્ભની સંખ્યાને મૃતાવસ્થા જન્મ(still birth)દર કહે છે. ગુજરાતમાં પરિજન્મ-મૃત્યુદર, 34 (ગ્રામીણ 37, શહેરી 30) હતો તથા મૃતાવસ્થા-જન્મદર 5 (ગ્રામીણ 4 અને શહેરી 6) હતો.

માતૃમૃત્યુદર તથા વિવિધ પ્રકારના શિશુમૃત્યુદર સગર્ભાવસ્થાને લગતા તથા એક વર્ષની ઉંમર સુધીનાં બાળકોના આરોગ્યના નિર્દેશક છે.

ગુજરાતમાં આયુમર્યાદા :

આકૃતિ 6

ગુજરાત રાજ્ય 1960માં અલગ અસ્તિત્વમાં આવ્યું ત્યારે દેશમાં બીજી પંચવર્ષીય યોજના અમલમાં હતી. તેથી ગુજરાતમાં આરોગ્યક્ષેત્રની મહત્વની કામગીરી ત્રીજી પંચવર્ષીય યોજનાથી વિશદ રીતે અમલમાં આવી. ત્રીજી પંચવર્ષીય યોજનાને અંતે (1970) જન્મદર 45.0/-1,000 વસ્તીએથી ઘટીને 41.2 થયો ને ઉત્તરોત્તર ઘટતો ગયો જેથી ચોથી યોજનાને અંતે (1975) 37.2, પાંચમી યોજનાને અંતે (1980) 35, છઠ્ઠી યોજનાને અંતે (1985) 33 અને નવમી યોજનામાં 1999માં 25.4 થયો. જન્મદરની માફક મૃત્યુદર પણ ક્રમશ: ઘટતો રહ્યો છે. 1970માં 18.1 હતો જે 1975માં 15.9 થયો અને 1980માં 13 થઈ ગયો. છઠ્ઠી યોજનાને અંતે (1985) તે 11.2ના સ્થાને આવી ગયો. નવમી યોજનામાં 1999માં તે 7.9ના દરે આવ્યો હતો. આમ ઉત્તરોત્તર આયુવૃદ્ધિનું પ્રમાણ પણ વધતું ગયું છે અને તે આઝાદી સમયના 32.1 વર્ષના દરથી વધીને ઘણું વધ્યું છે. સન 1996-2001 ના સમયગાળામાં આયુર્મયાદા પુરુષો માટે 61.5 અને સ્ત્રીઓ માટે 62.8 ગણી કઢાઈ છે જે 2001થી 2006ના સમયગાળામાં તથા 2006થી 2011ના સમયગાળામાં અનુક્રમે વધીને 63.1 અને 64.1 તથા 71.20 અને 75 થવાનો સંભવ છે. અખિલ ભારતીય આરોગ્યલક્ષી સૂચકાંકોને સારણી 2માં દર્શાવ્યા છે.

રોગલક્ષી આંકડા : રોગ કે માંદગીના બનાવોની સંખ્યા, તેમનો સમયગાળો તથા તેમનાથી થતાં મૃત્યુના આંકડાને શાસ્ત્રીય રીતે મૂલવવામાં આવે છે. વિશિષ્ટ રોગથી થતાં મૃત્યુના આંકડા આગળ ચર્ચવામાં આવ્યા છે. માંદગી કે રોગના બનાવોની સંખ્યાનો બે જુદી જુદી રીતે અભ્યાસ કરવામાં આવે છે. નિશ્ચિત વસ્તીમાં ચોક્કસ સમયગાળા દરમિયાન નોંધાતા નવા માંદગી/રોગના કિસ્સાઓ અથવા દર્દીઓની સંખ્યાની ટકાવારીને નવસંભાવ્ય દર (incidence) કહે છે. સામાન્યત: આ ગણતરી માટે એક વર્ષનો સમયગાળો લેવામાં આવે છે. આપેલી વસ્તીમાં નિશ્ચિત સમયગાળા (દા.ત., એક વર્ષ) દરમિયાન નોંધાયેલા નવા તથા જૂના દર્દીએ અથવા રોગ/વિકારના કિસ્સાઓની ટકાવારીને પૂર્ણ પ્રવર્તમાન દર (prevalence) કહે છે.

સામાન્ય રીતે ઉગ્ર અને ટૂંકા ગાળાના રોગો માટે નવસંભાવ્ય દરની ગણતરી કરવામાં આવે છે. દીર્ઘકાલીન (chronic) રોગો માટે પૂર્ણ પ્રવર્તમાન દરની ગણતરી કરવામાં આવે છે.

સામાજિક પરિબળો, પોષણ, વાતાવરણ, ઘટકો, આર્થિક સ્થિતિ, આરોગ્યસેવાની ઉપલબ્ધિ તથા રોગો થતા અટકાવવાની પ્રવૃત્તિ આરોગ્ય પર સીધી અથવા આડકતરી અસર કરે છે.

સમાજ, કુટુંબ અને શિક્ષણને લગતી કેટલીક માહિતી ઉપયોગી રહે છે; જેવી કે, કુલ વસ્તી, જુદાં જુદાં વયજૂથોમાં વહેંચાયેલી વસ્તી, સ્ત્રી અને પુરુષોની વસ્તીનું પ્રમાણ, તેનું ભૌગોલિક વિસ્તરણ, વસ્તીની ઘનતા, સામાન્યપણે જોવા મળતું કુટુંબનું કદ, કુટુંબનાં બે બાળકો વચ્ચેનો ગાળો, જન્મદર, મૃત્યુદર, લગ્ન અંગે પ્રવર્તમાન માન્યતાઓ, સમગ્ર વસ્તીનું તથા પુરુષો અને સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ, શાળામાં ભણતાં બાળકોની સંખ્યા વગેરે. આ જ પ્રમાણે રહેઠાણોને લગતી માહિતી, પીવાના પાણીની ઉપલબ્ધિની માહિતી તથા જીવજંતુઓના ઉપદ્રવની માહિતી પણ એકઠી કરાય છે. ઘરનો પ્રકાર, તેનાં હવાઉજાસ, તેની વિશાળતા, ગીચતા તથા સંડાસનો પ્રકાર વગેરે જાણવામાં આવે છે. જુદા જુદા વ્યવસાયમાં જોડાયેલા માણસોની સંખ્યા, બેકારોની સંખ્યા, કુટુંબની માથાદીઠ તથા કુલ આવક અને ખોરાક, રહેઠાણ, પોશાક, તબીબી સારવાર, શિક્ષણ વગેરે પાછળ કરાતા સરેરાશ ખર્ચના આંકડા પણ મેળવાય છે. વ્યક્તિદીઠ લેવાતા ખોરાકથી મળતું કૅલરી (ઊર્જાંક) તથા પ્રોટીનનું પ્રમાણ, પોષણની ઊણપથી થતા રોગોના પ્રકાર અને પ્રમાણ તથા શારીરિક વૃદ્ધિ-વિકાસનાં પરિમાણો (ઊંચાઈ, વજન વગેરે) પણ જાણવાં ઉપયોગી થઈ પડે છે.

આરોગ્યસેવાઓના આંકડા : આરોગ્યસેવાઓની ઉપલબ્ધિ તથા તેમના વપરાશના આંકડા આરોગ્યસેવાઓનાં વ્યાપ, સ્તર તથા સફળતાના સૂચક છે. હૉસ્પિટલોની સંખ્યા, આરોગ્યકેન્દ્રોની સંખ્યા, દર 1,000ની વસ્તીએ હૉસ્પિટલમાં પથારીની સગવડ, દાખલ થતા દર્દીઓની સંખ્યા, આરોગ્ય અને તબીબી સેવાઓના કર્મચારીગણ-(ડૉક્ટરો, પરિચારિકાઓ, ટૅકનિશિયનો વગેરે)ની કુલ સંખ્યા, દર 1,000ની વસ્તીએ ડૉક્ટરો, દાઈઓ, પરિચારિકાઓની સંખ્યાનો દર વગેરે આંકડાઓ આરોગ્યસેવાઓ વિશે મહત્વની માહિતી આપે છે. આ જ પ્રમાણે રોગોને થતા અટકાવવા માટેના પ્રયત્નોના પણ આંકડા આરોગ્યસેવાઓની વ્યાપકતા અને સફળતાનું સૂચન કરે છે. વસ્તીમાં અપાયેલી રસીઓની સંખ્યા, આરોગ્યસેવાનો લાભ લેતી સગર્ભા માતાઓ, બાળઆરોગ્યસેવા હેઠળ આવરી લેવાયેલાં બાળકોની સંખ્યા, કુટુંબનિયોજન માટેનાં સાધનો અને પ્રવિધિઓની સંખ્યા, આરોગ્ય અને માંદગીના વીમાથી રક્ષિત મનુષ્યોની સંખ્યા તથા જુદા જુદા રોગો અંગેના સર્વેક્ષણના આંકડા રોગપ્રતિરોધ માટેના સામૂહિક પ્રયત્નોના દ્યોતક છે.

બહુજન-આરોગ્ય આકારણીઓ, જન્મ, મૃત્યુ, રોગ તથા તબીબી અને આરોગ્યસેવાઓની ઉપલબ્ધિના આંકડા ઉપરાંત સ્થાનિક સ્વાસ્થ્યના સૂચકાંકો મેળવવા વસ્તીના ઘણા મોટા ભાગને આવરી લેતાં સર્વેક્ષણો પણ કરવામાં આવે છે. તે માટે (1) આરોગ્ય-સર્વેક્ષણો, (2) વસ્તીરોગવિદ્યા સજગ મોજણી (epidemiologic surveillance) તથા (3) રોગની વ્યાપક શોધ (screening for disease) – એમ ત્રણ મુખ્ય પદ્ધતિઓ છે. આ પ્રકારની એકત્રિત માહિતીને આધારે રોગનિયંત્રણ અથવા રોગનાબૂદીના કાર્યક્રમો હાથ ધરાય છે.

ભારતમાં આરોગ્યલક્ષી પરિસ્થિતિ : ભારતના લોકોની માંદગીના મુખ્ય ત્રણ પ્રકારો છે : (1) ચેપજન્ય અને પરોપજીવજન્ય રોગો જેવા કે ઓરી, પોલિયો, ચેપી કમળો (ચેપી યકૃતશોથ, infective hepatitis), ટાઇફૉઈડ જ્વર, ઝાડા (અતિસાર), મરડો, કૉલેરા, ક્ષય, મલેરિયા, કાલા આઝાર, શ્વસનમાર્ગ અને પાચનમાર્ગના ચેપ, લિંગીય સંક્રામક (sexually transmitted) રોગો વગેરે. હૉસ્પિટલોમાં દાખલ થતા 65 % દર્દીઓ આ પ્રકારની માંદગીથી પીડાતા હોય છે. (2) અપપોષણ. પ્રોટીન ઊર્જાંક(calorie), વિટામિનો, લોહ, કૅલ્શિયમ વગેરેની ઊણપ. આ પ્રકારની માંદગીનું પ્રમાણ ઘણું હોવા છતાં તેને માટે તબીબી સહાય માંગતા દર્દીઓની સંખ્યા ઘણી ઓછી હોય છે. (3) બિનસંક્રામક (non-communicable) રોગો જેવા કે, અલ્પરુધિરી (ischaemic) હૃદયરોગ, કૅન્સર, વ્યવસાયજન્ય રોગો, મદ્યપાનની કુટેવ, અકસ્માતો, ઍલર્જીજન્ય રોગો વગેરે. સર્વેક્ષણોને આધારે નોંધવામાં આવ્યું છે કે ગ્રામીણ પ્રજાની 7 %થી 15 % વસ્તી ગમે તે સમયે માંદગી ભોગવતી હોય છે. તથા વર્ષે દરેક વ્યક્તિ સરેરાશ 2.6થી 3.9 નવી માંદગીથી પીડાય છે.

આરોગ્ય સવલતો : પીવાનું શુદ્ધ પાણી, મળ અને કચરાનો આરોગ્યપ્રદ નિકાલ તથા આરોગ્ય, રોગપ્રતિરોધ અને સારવાર માટે પ્રાથમિક આરોગ્યકેન્દ્રની ઉપલબ્ધિ – એ મુખ્ય આરોગ્યસવલતો ગણાય.

સમાજ અને આરોગ્ય : સમાજના જાહેર આરોગ્ય (public health), નિદાન ચિકિત્સા (clinical) આયુર્વિજ્ઞાન તથા રોગવસ્તીવિદ્યા (epidemiology) તેનાં મુખ્ય અંગો છે. અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર (sociology), રાજ્યશાસ્ત્ર (political science) તથા નૃવંશશાસ્ત્ર(anthropology)ના ઘણા સિદ્ધાંતો જાહેર આરોગ્યને સ્પર્શે છે. તબીબી સમાજશાસ્ત્ર(medical sociology)ની અંતર્ગત સામાજિક જનસંખ્યાશાસ્ત્ર, સાંસ્કૃતિક અને સંસ્કારલક્ષી ઘટકો તથા માંદગીના સંદર્ભમાં આવતા સામાજિક સંબંધો તથા તબીબી સારવાર અને સેવાઓના માળખાના સામાજિક સિદ્ધાંતો ચર્ચવામાં આવે છે. સામાજિક બંધારણ (દા.ત., હિંદુઓની વર્ણવ્યવસ્થા, સ્ત્રીઓની સામાજિક સ્થિતિ), તેની સંસ્થાઓ, તેનું સત્તામાળખું તથા તેમાંની ઉચ્ચાવચવ્યવસ્થા (status hierarchy) વ્યક્તિ તથા સમાજના આરોગ્યને સીધી રીતે સ્પર્શે છે. સમાજની મુખ્ય સંસ્થા કુટુંબવ્યવસ્થા છે. બાળઉછેર; બાળકોને સમાજમાં ભેળવવાની ક્રિયા (socialization); તેમનું વ્યક્તિત્વઘડતર; વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ તથા અપંગો જેવાં પરાવલંબી સભ્યોની સંભાળ; મુખ્ય વ્યક્તિના વ્યક્તિત્વનું દૃઢીકરણ; કૌટુંબિક રોગવશતા (susceptibility to disease); કુટુંબભંજન અને અન્ય કૌટુંબિક પ્રશ્નો વગેરે વ્યક્તિગત આરોગ્યને ઘણી રીતે અસર કરે છે. હૉસ્પિટલ પણ સમાજનું એક અંગ હોવાથી તેનું બંધારણ પણ સમાજના પૂર્વગ્રહો અને વિચારોને આધારે થતું હોય છે. અંધશ્રદ્ધા, પૂર્વગ્રહો, કલંક (stigma), વહેમ, શંકા તથા ભૂત-પ્રેત વગેરેની માન્યતાઓ સામાજિક સ્તરે વ્યાપક હોય તો તે રોગકારક બને છે. અથવા તો તેનાં નિદાન અને સારવારમાં અડચણરૂપ પણ બને છે. વાતાવરણીય સ્વચ્છતા, ખોરાકની ટેવો, વ્યક્તિગત આરોગ્ય (મોઢાની સંભાળ અને ચોખ્ખાઈ, સ્નાન, વાળદાઢીની માવજત, ધૂમ્રપાન, મદ્યપાન, ‘પરદા’નો રિવાજ, ઊંઘવાની વ્યવસ્થા, જૂતાં પહેરવાનો રિવાજ, સુન્નત કરાવવાનો રિવાજ વગેરે) જેવાં અનેક સામાજિક પરિબળો પણ આરોગ્યને અસર કરે છે. આ બધાંનો અભ્યાસ કરીને તબીબી સમાજશાસ્ત્ર યોગ્ય રૂપે આરોગ્યસેવાઓ, તબીબી વ્યવસાયની કાર્યદક્ષતા વધારે છે.

વ્યાવસાયિક આરોગ્ય : (વાતાવરણજન્ય આરોગ્યનાં જોખમોની ચર્ચામાં ‘આરોગ્ય અને પ્રતિરોધ’ પરના લેખમાં વ્યવસાયજન્ય આરોગ્યનાં જોખમો ચર્ચ્યાં છે.) કામદારનું આરોગ્ય માનવીય તેમજ અર્થશાસ્ત્રીય કારણોસર મહત્વનું છે. તેના અભ્યાસ માટે કામદાર અર્થશાસ્ત્ર(ergonomics) નામની એક વિદ્યાશાખા વિકસી છે. ઔદ્યોગિક યુગના વિકાસને કારણે કામદારો ઉપરાંત જાહેર પ્રજા માટે પણ આરોગ્યનાં જોખમો સર્જાયાં છે. હવા, પાણીનું પ્રદૂષણ, ચેપી રોગચાળો, ખોરાકનું પ્રદૂષણ, માનસિક અસ્વસ્થતા, અકસ્માતો, સામાજિક પ્રશ્નો વગેરે મહત્વનાં વિવિધ પરિબળો વિકસ્યાં છે. વ્યાવસાયિક આરોગ્યની જાળવણી એક મહત્વની આરોગ્યની સેવાઓની જવાબદારી છે. તેને માટે વિવિધ કાયદાકીય જોગવાઈઓ પણ ઘડવામાં આવેલી છે; જેવી, કે ફૅક્ટરિઝ ઍક્ટ (1976), કામદાર રાજ્ય વીમા કાયદો (1975) વગેરે. (‘અપંગતા અને વળતર’ તથા ‘આરોગ્ય વીમો’ના લેખોમાં કામદાર રાજ્ય-વીમા યોજનાને ચર્ચી છે.)

આરોગ્યશિક્ષણ : આરોગ્યસેવાઓની અસરકારકતા વધારતું મહત્વનું પરિબળ આરોગ્યશિક્ષણ છે. આરોગ્યના વર્ધન માટે નિયમનો અને શિક્ષણ એમ બે મહત્વના ઉપાયો છે. વ્યક્તિગત, કુટુંબલક્ષી તથા જાહેર શિક્ષણ – એમ ત્રણ મહત્વના વિભાગોમાં આરોગ્યશિક્ષણને વહેંચી શકાય. તેના દ્વારા લોકોમાં જાગૃતિ, રસ, આત્મપરીક્ષણશીલતા અને નવા વિચારોને સ્વીકારવાનું વલણ કેળવી શકાય છે. તેને માટે શિક્ષણ, તાલીમ, કેળવણી અને જાહેર પ્રચારનો ઉપયોગ કરાય છે. શિક્ષણનાં લગભગ બધા જ પ્રકારનાં ઉપકરણોનો ઉપયોગ કરાય છે.

સ્વૈચ્છિક સંસ્થાઓ : ભારતની મિશ્ર અર્થવ્યવસ્થાને અનુરૂપ ખાનગી તબીબી સેવાઓનો ફાળો ઘણો મોટો રહેલો છે. આઝાદી સમયે ભારતમાં આશરે 50,000 ઍલૉપથીના ડૉક્ટરો હતા. તેમાં હવે ઘણો વધારો થયો છે. ખાનગી તબીબોનો 70 % ભાગ પ્રાથમિક અને સર્વ પ્રકારની તબીબી સેવા (general practice) આપે છે. તેમાંના ઘણા હજુયે શહેરી વિસ્તારોમાં વસેલા છે. સ્વૈચ્છિક સંસ્થાઓનું કામ સરકારી સંસ્થાઓના કાર્યમાં પૂરકરૂપ હોય છે. આ સંસ્થાઓ આરંભકાળમાં અગ્રેસર હતી. સંશોધન અને કુટુંબનિયોજન રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો તે પહેલાંના આરોગ્ય અને તબીબી શિક્ષણના ક્ષેત્રે કાર્ય કરીને, આરોગ્યલક્ષી નિદર્શનો અને પ્રયોગો કરીને, સરકારી કાર્યક્રમોના અમલીકરણ પર ધ્યાન આપીને તથા આરોગ્યલક્ષી કાયદાઓ ઘડવાનાં સૂચનો કરીને સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપયોગી પ્રદાન કરે છે. 1920માં સ્થપાયેલી ભારતીય રેડ ક્રૉસ સોસાયટી, 1926માં સ્થપાયેલ અખિલ ભારતીય વિમેન્સ કૉન્ફરન્સ, 1939માં સ્થપાયેલ ભારતીય ક્ષય મંડળ, 1944માં સ્થપાયેલ કસ્તૂરબા મેમોરિયલ ફંડ, 1949માં સ્થપાયેલ અખિલ ભારતીય અંધજન સહાય સોસાયટી, 1949માં સ્થપાયેલું ભારતીય કુટુંબનિયોજન મંડળ, 1950માં સ્થપાયેલ હિંદુ કુષ્ઠ(રક્તપિત્ત) નિવારણ સંઘ, 1952માં સ્થપાયેલ ભારતીય બાળકલ્યાણ કાઉન્સિલ, 1952માં સ્થપાયેલ ભારત સેવક સમાજ, 1953માં સ્થપાયેલ કેન્દ્રીય સમાજકલ્યાણ બૉર્ડ વગેરે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત પ્રમુખ સ્વૈચ્છિક સંસ્થાઓ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાનાં વિવિધ તબીબી મંડળો અને તાલીમ પામેલ પરિચારિકાઓનું મંડળ શિક્ષણ અને આરોગ્યસેવાનાં કાર્યો કરે છે. તે ઉપરાંત રાજ્યકક્ષાએ તથા સ્થાનિક કક્ષાએ ઘણાં ટ્રસ્ટો અને સોસાયટીઓ દવાખાનાં, હૉસ્પિટલો, સેવાયજ્ઞો તથા આરોગ્ય-શિક્ષણની ઝુંબેશ વગેરે કાર્યો ઉપાડી લે છે. આમાંની ઘણી સંસ્થાઓ તેમના કાર્ય માટે સરકારી અનુદાન પણ મેળવતી હોય છે.

આંતરરાષ્ટ્રીય આરોગ્ય : પૉલ રસેલે જણાવ્યું છે તેમ, રોગો જેટલું કશુંય આંતરરાષ્ટ્રીય સ્તરે હોતું નથી. તેથી આરોગ્યના પ્રશ્નોમાં આંતરરાષ્ટ્રીય નીતિ અને પ્રયત્નો મહત્વનાં છે. છેક 14મી સદીથી પ્રવાસીઓનું આરોગ્યલક્ષી અલગીકરણ (quarantine) યુરોપમાં અસ્તિત્વમાં આવેલું છે. તેના દ્વારા પ્લેગગ્રસ્ત વિસ્તારોમાંથી આવતાં વહાણો, તેમના મુસાફરો અને તેમાંનો સામાન રોગયુક્ત હોય એવી માન્યતાને આધારે તે બધાંને 40 દિવસ માટે દરિયામાં અલગ રખાતાં હતાં. પાછળથી આ પદ્ધતિ અન્ય ચેપી રોગો માટે પણ વપરાતી થઈ. 1851માં પ્રથમ આંતરરાષ્ટ્રીય જાહેર સફાઈ કૉન્ફરન્સ પૅરિસ ખાતે ભરાઈ. 1902માં સમગ્ર અમેરિકી જાહેર સફાઈ બ્યૂરોની સ્થાપના થઈ તથા 1907માં આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય બ્યૂરોની સ્થાપના થઈ. 1923માં લીગ ઑવ્ નૅશન્સના નેજા હેઠળ આરોગ્ય સંસ્થા રચાઈ અને 1943માં સંયુક્ત રાષ્ટ્રીય રાહત અને પુનર્વાસ વહીવટી તંત્ર (UNRRA) સ્થપાયું. 1945-46માં વિશ્વઆરોગ્ય સંસ્થા(WHO)ની સ્થાપના થઈ. આ સંસ્થાના સભ્ય તરીકે કોઈ પણ દેશ જોડાઈ શકે છે. ચોક્કસ રોગોનો અટકાવ અને નિયંત્રણ, આરોગ્યસેવાઓનું વર્ધન, કૌટુંબિક સ્વાસ્થ્યનું સ્થાપન, વાતાવરણીય આરોગ્યની જાળવણી, આરોગ્યલક્ષી આંકડાની ઉપલબ્ધિ અને પૃથક્કરણ, જૈવતબીબી ક્ષેત્રે સંશોધન, આરોગ્યલક્ષી માહિતી અને સાહિત્યનું સર્જન અને વિતરણ તથા અન્ય સંસ્થાઓ સાથેનો સહકાર તેનાં મુખ્ય કાર્યો રહેલાં છે.

આ ઉપરાંત બાળકો માટે કાર્ય કરતી સંસ્થા યુનિસેફ (UNICEF), વિશ્વ રાષ્ટ્રસંઘનો વિકાસ કાર્યક્રમ (UNDP), આહાર અને કૃષિસંસ્થા (FAO), આંતરરાષ્ટ્રીય શ્રમસંસ્થા (ILO) તથા વિશ્વબૅંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશ્વઆરોગ્ય પ્રશ્ને ઉપયોગી પ્રદાન કરે છે. યુનિસેફ 1946માં સ્થપાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રોના આંતરરાષ્ટ્રીય બાળ તત્કાલ સંકટલક્ષી (emergency) નિધિનું કાર્ય 1953માં પૂર્ણ થયું ત્યારે તેને સંયુક્ત રાષ્ટ્રસંઘનાં બાળકો માટેનો નિધિ એવું નામ અપાયું, છતાં તેના અગ્રાક્ષરો – UNICEF – ચાલુ રખાયા. તેનું મુખ્ય કાર્યાલય ન્યૂયૉર્કમાં તથા દક્ષિણ અને મધ્ય એશિયાનું સ્થાનિક કાર્યાલય નવી દિલ્હી ખાતે છે. તે WHO, UNDP, FAO અને UNESCO સાથે સહકાર સાધી શરૂઆતમાં મલેરિયા, ક્ષય અને લિંગીય સંક્રામક રોગોના પ્રશ્નો હલ કરવામાં કાર્યરત હતું. હવે તે માતૃ-બાળ-આરોગ્ય, પોષણ, વાતાવરણીય જાહેર સફાઈ, ગ્રામપાણીપુરવઠો, આરોગ્યકેન્દ્રો, આરોગ્યશિક્ષણ તથા બાળઆરોગ્યલક્ષી સીધા કે આડકતરી રીતે ઉપયોગી થતા કાર્યક્રમોમાં ધ્યાન આપે છે. તેની સેવાઓનાં મુખ્ય પાસાં તરીકે બાળઆરોગ્ય, બાળપોષણ, કુટુંબ ને બાળકોનું કલ્યાણ અને વૈધ તથા અવૈધ શિક્ષણને ગણાવી શકાય. ભારતમાં તે શિક્ષણ, આરોગ્ય, પોષણ, ગ્રામપાણીપુરવઠો તથા સામાજિક કલ્યાણના ક્ષેત્રે કાર્યશીલ છે.

અમેરિકાની સરકારે દ્વિપક્ષી ધોરણે જુદા જુદા સમયે તેની ત્રણ પ્રતિનિધિ સંસ્થાઓને ભારતમાં કાર્યરત કરેલી છે : (1) યુનાઇટેડ સ્ટેટ્સની આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા (USAID), (2) P. L. 480 (શાંતિ માટે ખોરાક) કાર્યક્રમ તથા (3) યુ.એસ.ની આયાત-નિકાસ બૅન્ક. અમેરિકાનું ભારતના આરોગ્યક્ષેત્રે કેટલાક મહત્વના પ્રશ્નોમાં પ્રદાન રહેલું છે; જેમ કે, મલેરિયા-નાબૂદી, તબીબી શિક્ષણ, પરિચારિકાનું શિક્ષણ, આરોગ્યશિક્ષણ, પાણીપુરવઠો અને જાહેર સફાઈ, ચેપી (સંક્રામક) રોગોનું નિયંત્રણ, પોષણ તથા કુટુંબનિયોજનનો 1950માં સ્થપાયેલ બહુપક્ષીય કોલંબો પ્લાન પણ રાષ્ટ્રકુળના દેશોનો સંયુક્ત પ્રયાસ છે, જે ભારત તથા અન્ય દક્ષિણ અને અગ્નિ એશિયાના સહકારી આર્થિક વિકાસના લક્ષ્ય સાથે કામ કરે છે. ભારતની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ સાયન્સીઝ, નવી દિલ્હી, ન્યૂઝીલૅન્ડ દેશની આર્થિક સહાયથી સ્થપાઈ હતી.

રૉકફેલર ફાઉન્ડેશન, ફૉર્ડ ફાઉન્ડેશન તથા સર્વ સ્થળ માટેની અમેરિકી સહકારી સહાય (CARE) – એ અમેરિકાની ત્રણ મહત્વની બિનસરકારી સંસ્થાઓ છે, જે વિશ્વ આરોગ્ય માટે કાર્યશીલ છે.

હેન્રી ડૂનાન્ટના પ્રાથમિક પ્રયત્નોથી યુદ્ધ સમયે સૈનિકોને મદદ કરવા કાર્યાન્વિત કરેલ વિચારને 1864માં પહેલા જિનીવા કન્વેન્શનમાં એક વિષ્ટિ(treaty)નું સ્વરૂપ મળ્યું અને આમ આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસ અસ્તિત્વમાં આવ્યું. શરૂઆતમાં તે યુદ્ધનાં ભોગ બનેલાંઓને માનવીય સહાય પહોંચાડવાનું કાર્ય કરતું હતું. ધીરે ધીરે કુદરતી પ્રકોપનો ભોગ બનેલાંઓને પણ તેની સહાય મળતી થઈ. સમય જતાં તે રોગ-પ્રતિરોધના કાર્યક્ષેત્રે પણ પ્રવૃત્ત થયું. હાલ તેની સેવાપરિધિમાં લશ્કરો, નિવૃત્ત યોદ્ધાઓ (war veterans), કુદરતી આફતોના ભોગ બનેલા માણસો, પ્રથમોપચાર અને પારિચારિક સેવાઓ, આરોગ્યશિક્ષણ અને માતૃ-બાળકલ્યાણ-સેવાઓનો સમાવેશ થાય છે.

ઈ. સ. 1920માં એક કાયદા દ્વારા ભારતીય રેડ ક્રૉસ સોસાયટી અસ્તિત્વમાં આવેલી છે. યુદ્ધ તેમજ શાંતિના સમયે તે રેડ ક્રૉસનાં ધ્યેયોને પૂર્ણ કરવા કાર્યરત રહે છે. તેનાં મહત્વનાં કાર્યોમાં સ્વૈચ્છિક દાતાઓથી ચાલતી રુધિર બૅન્ક ગણી શકાય.

હૉસ્પિટલો : પ્રાથમિક આરોગ્ય-કેન્દ્રો ઉપરાંત સરકારે ગ્રામ હૉસ્પિટલો, મધ્યમ કક્ષાની અને જિલ્લા કક્ષાની હૉસ્પિટલો, વિશેષજ્ઞ સેવા હૉસ્પિટલો તથા શિક્ષણ આપતી હૉસ્પિટલો સ્થાપેલી છે.

હૉસ્પિટલનો વિકાસ અને સંચાલન : ‘હૉસ્પિટલ’ એ શબ્દ લૅટિન શબ્દ ‘hospice’ કે જેનો અર્થ મહેમાન થાય છે તે ઉપરથી ઊતરી આવેલો છે. હૉસ્પિટલ વૃદ્ધો તથા અશક્ત માણસોના આધાર માટેની સંસ્થા છે. હૉસ્પિટલો માંદાઓ તથા દુ:ખી માણસો તરફ દયાભાવ રૂપે શરૂ થઈ હતી અને તે ધાર્મિક સંસ્થાઓના એક ભાગરૂપ હતી.

ઇજિપ્તમાં વિકાસ પામેલી હૉસ્પિટલો મંદિરોના ભાગ રૂપે અસ્તિત્વમાં હતી. હિપૉક્રેટીસનો જન્મ, ઈ. સ. પૂ. 460માં ગ્રીસમાં આવા એક મંદિરમાં થયેલો. આગળ જતાં તે નિષ્ણાત ડૉક્ટર તરીકે પંકાયો હતો. તેણે ડૉક્ટરો માટેની આચારસંહિતા બનાવેલી છે, જે હજુ પણ પ્રચલિત છે.

ખ્રિસ્તી ધર્મના આગમન પછી હૉસ્પિટલની સ્થાપનાને ઘણો વેગ મળ્યો અને તે દેવળોના એક ખાસ ભાગરૂપ બની. ઈ. સ. 1100-1300ની ક્રુઝેડૂસ(ધર્મયુદ્ધો)ની લડાઈ વખતે ઘણી હૉસ્પિટલો યુરોપમાં સ્થપાઈ હતી. આ હૉસ્પિટલોના કામની વ્યવસ્થામાં ઈ. સ. 1854માં ફ્લૉરેન્સ નાઇટિન્ગેલે ઘણા ક્રાંતિકારી ફેરફારો કરાવ્યા. પછીના સમયની શોધોએ દર્દીઓની સારવાર ઉપર ઊંડી અસર કરેલી છે. વીસમી સદીમાં તો યુ.એસ.માં હૉસ્પિટલના વિકાસમાં ક્રાંતિકારી પ્રગતિ સધાઈ હતી.

ભારતમાં હૉસ્પિટલો પ્રાચીન કાળથી જ અસ્તિત્વમાં આવેલી છે. છઠ્ઠા સૈકામાં બુદ્ધના વખતમાં હૉસ્પિટલો ગરીબો તેમજ અપંગોની સારવાર માટે ઉપયોગમાં લેવાતી. સમ્રાટ અશોકે (ઈ. સ. પૂ. 273-232) તે વખતે ઘણી હૉસ્પિટલો બાંધી હતી. અનેક સમર્થ વૈદ્યો થયા હતા અને તક્ષશિલા તથા નાલંદા વિદ્યાપીઠોમાં શિક્ષણ આપતા. વખત જતાં આ પ્રકારની ભારતીય તબીબી સેવાઓ ક્ષીણ થતી ગઈ.

ભારતમાં પાદરીઓના આગમન સાથે તેઓ તેમની સાથે આધુનિક મેડિસિનની પદ્ધતિ અહીં લાવ્યા. બ્રિટિશ શાસનકાળમાં અનેક હૉસ્પિટલો તથા દવાખાનાં શરૂ કરવામાં આવ્યાં હતાં. 1935માં ભારતમાં 1,250 હૉસ્પિટલો અને દવાખાનાં હતાં. 1947માં ભારતમાં 7,400 હૉસ્પિટલો અને દવાખાનાં હતાં અને તેમાં 1,13,000 પથારીઓ હતી. તેથી પથારી/વસ્તીનું પ્રમાણ 0.24/1000 જેટલું જ હતું. 1960માં ભારતમાં 1,85,000 પથારીઓની ક્ષમતાવાળી 12,000 હૉસ્પિટલો હતી. એમાં પથારીઓ અને વસ્તીનું પ્રમાણ 0.4/1000 હતું. તે સમયે મુદલિયાર સમિતિએ 1000ની વસ્તીએ 1 પથારી રાખવાની ભારત સરકારને ભલામણ કરી હતી. તે માટે સમિતિએ ગામડાંઓ, તાલુકાઓ અને જિલ્લાઓની કક્ષાએ પથારીઓ વધારવાનું પણ સૂચન કરેલું. પણ દેશમાં વધતી જતી વસ્તીને લીધે લઘુતમ ધોરણને પણ પહોંચી વળાયું નથી. ગુજરાત રાજ્યમાં કુલ 41,129 હૉસ્પિટલ-પથારીઓ છે.

વિશ્વઆરોગ્ય સંસ્થા હૉસ્પિટલને આયુર્વિજ્ઞાનની સેવાસંસ્થાના અંતર્ગત ભાગરૂપ ગણે છે. તેનો હેતુ લોકોમાં પૂર્ણ સ્વાસ્થ્ય આપવાનો છે. તે રોગમુક્તિ (cure) અને રોગ-પ્રતિરોધ (prophylaxis) બંનેને આવરી લે છે. આવી સેવાનું ક્ષેત્ર દર્દીની સારવાર ઉપરાંત તેનાં કુટુંબીઓ તથા તેના ઘરના વાતાવરણ સુધી વિસ્તરે એવો ઉદ્દેશ રાખવામાં આવેલો હોય છે. આ પ્રકારની હૉસ્પિટલ સ્વાસ્થ્ય કાર્યકરોની તાલીમનું તથા સંશોધન માટેનું કેન્દ્ર બની રહે છે. ટૂંકમાં, હૉસ્પિટલની પ્રવૃત્તિઓમાં આરોગ્યની જાળવણી, રોગ-પ્રતિરોધ, શિક્ષણ અને સંશોધનનો સમાવેશ થાય છે.

ઉપરનાં કારણો ઉપરાંત વિશેષજ્ઞતા(specialisation)ની વૃદ્ધિ, લોકોની વધતી જતી અપેક્ષાઓ સાથે વસ્તીવધારાને કારણે પથારીઓની ખેંચ, સમાજ અને સરકારની વધતી જતી જવાબદારી તથા તબીબી વિજ્ઞાનમાં થતી નવી નવી શોધો – એમ અનેક કારણોને લીધે હૉસ્પિટલો સંકુલ સંસ્થાઓ બની છે. હૉસ્પિટલ-સંચાલન એક કળા છે અને વ્યવસ્થા એ બુદ્ધિમત્તાથી કામ કરવાની રીત છે. આ એક માનવતાલક્ષી પ્રવૃત્તિનો અગત્યનો ભાગ છે. વ્યવસ્થાપક એક આંતરિક વાતાવરણ ઊભું કરે છે, જેમાં કામ કરતાં માણસો ભેગાં મળીને અસરકારક રીતે તથા હોશિયારીથી ઇષ્ટ હેતુ પાર પાડી શકે. આમાં ખાસ મહત્વનો ભાગ સંચાલન છે. હૉસ્પિટલ સંચાલનનો મુખ્ય હેતુ ઉપલબ્ધ સાધનો દ્વારા દર્દીઓને સારી અને સફળ પણ ઓછા ખર્ચે સારવાર મળી શકે, તે છે.

ઘણા દેશો બિનકાર્યદક્ષતાને લીધે ઘણી ખોટ ભોગવે છે. આ જાતની બિનકાર્યદક્ષતા ઘટાડવા માટે વ્યવસ્થિત સંચાલનની જરૂર છે. સારામાં સારું સંચાલન વૈજ્ઞાનિક પદ્ધતિએ ખાસ નીતિનિયમોના આધાર ઉપર ચાલે છે.

હેન્રી ફૉયલને આધુનિક સંચાલનવિદ્યાના પિતા ગણવામાં આવે છે. તેમણે સંચાલનના 14 સિદ્ધાંતો વર્ણવ્યા છે : (1) કાર્યવિભાજન, (2) સત્તા અને જવાબદારી, (3) શિસ્ત, (4) એકમાત્ર અંકુશ, (5) એકમાત્ર દિશા, (6) એકસૂત્રતા, (7) વેતન, (8) કેન્દ્રીકરણ, (9) સત્તાસૂચક હોદ્દાનું માળખું, (10) યોગ્ય વસ્તુ, યોગ્ય સ્થાનની નીતિ, (11)  સમાનતા, (12) કાર્યકાળની નિશ્ચિતતા, (13) હૈયાસૂઝ, (14) ઐક્યબળ.

હૉસ્પિટલ-સંચાલન સામાન્ય વહીવટનો ખાસ ભાગ છે. તેની કેટલીક વિશિષ્ટતાઓ પણ છે. દર્દીને ઉત્તમ સારવાર આપવા માટે ઉચ્ચ કોટિની સર્જરીની પદ્ધતિઓ અને ઔષધચિકિત્સા-પદ્ધતિઓ અપનાવવી પડે છે. દર્દીઓના રહેઠાણ માટે ઉત્તમ વ્યવસ્થા કરવી પડે છે. ઉપરાંત શિક્ષણ, તાલીમ અને સંશોધનનો વિકાસ કરવાનો રહે છે. આવી બધી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ માટે સુશિક્ષિત નિષ્ણાતથી માંડીને છેક બિનઅનુભવી કારીગરો સુધીના કર્મચારીગણના સંચાલનની જવાબદારી ઊભી થાય છે. તેમાં ખાસ પ્રકારના વિજ્ઞાન, ટૅકનિકલ જ્ઞાન તથા માણસ-માણસની સાથે વર્તનના અનુભવનો સમાવેશ થાય છે. ચોવીસે કલાક સેવાઓ ઉપલબ્ધ થાય તેવું તંત્ર ગોઠવવું પડે છે. જીવન અને મૃત્યુને લગતી અવિરત સેવાઓ આપવી પડે છે અને તેથી ઝડપથી અને તત્કાળ કાર્ય કરવાની સજગતા સતત રાખવી પડે છે. નવાં તેમજ ભારે કિંમતનાં સાધનોની સંભાળ, કાળજી અને તેમને કાર્યક્ષમ રાખવાની જરૂરિયાત ખાસ રહે છે. નાની ટાંકણીથી માંડીને લાખો રૂપિયાના ખર્ચવાળી સાધનસામગ્રીની જરૂર પડે છે. હૉસ્પિટલ એક આત્મનિર્ભર ગ્રામ જેવી હોય છે. તેને વીજળી, પાણીનો પુરવઠો, ધોબીઘાટ, રસોડું, ગંદા પાણી તથા કચરાના નિકાલની વ્યવસ્થા, હાનિકારક પદાર્થોના નિકાલની ગોઠવણ, કાર્યશાળા (workshop), વાહનવ્યવહાર અને ભંડાર વગેરેની પોતાની અલાયદી વ્યવસ્થા રાખવાની હોય છે. હૉસ્પિટલ એક પાયાની માનવીય સંસ્થા છે અને તેમાં કર્મચારીઓ તથા દર્દીઓ દરેક તબક્કે સંકળાયેલા હોય છે. દર્દીઓ પ્રત્યે નમ્રતા, પ્રેમ, દયાભાવ અને સહાનુભૂતિભર્યું વર્તન રાખવાની દરેકની જવાબદારી બની રહે છે. ટૂંકમાં, હૉસ્પિટલનું સંચાલન તે બીજા ઉદ્યોગો અને સંસ્થાના સંચાલન જેવી જ પ્રવૃત્તિ છે, પણ તેની કેટલીક પોતાની ખાસ આવશ્યકતાઓ હોય છે તે પૂરી પાડવી જોઈએ. તે ધંધાકીય રીતે ચલાવાય છે. પણ તેનો હેતુ વ્યવસાય આગળ અટકતો નથી. સંચાલકનાં કાર્યોમાં આયોજન, સંયોજન (organisation), માર્ગદર્શન, નિયમન, અંકુશ, એકસૂત્રીકરણ વગેરે એકસાથે પ્રવર્તે છે. માહિતીસેવા તથા ખર્ચનું આયોજન તેનાં બીજાં અગત્યનાં અંગો છે. નિર્ણાયક શક્તિનું તેમાં ઘણું મહત્વ હોય છે.

બાળમૃત્યુનું પ્રમાણ ઘટવાથી અને મોટા ભાગના ચેપી રોગો પર નિયંત્રણ આવવાથી સરેરાશ આયુષ્ય વધ્યું છે. લોકો લાંબું જીવે છે. તેથી પશ્ચિમના દેશોની વસ્તીમાં વૃદ્ધોનું પ્રમાણ ઝડપથી વધતું જાય છે. મોટો પ્રશ્ન તે 65 વર્ષની ઉંમરના લોકોની સંખ્યામાં થયેલો વધારો અને ખાસ કરીને 75 અને 85 વર્ષના લોકોનો છે. એની મોટી અસર સામાજિક ખર્ચ અને સ્વાસ્થ્યસેવાઓ પર પડી છે. આને કારણે નિવૃત્તિવેતનના ખર્ચની મોટી માંગ ઊભી થઈ છે. યુરોપની બધી જ હૉસ્પિટલો માટે આ ખૂબ જ મોટો પ્રશ્ન છે. તેમની મોટા ભાગની પથારીઓ વૃદ્ધ દર્દીઓમાં રોકાયેલી રહે છે. તેમને હૉસ્પિટલમાંથી જલદી રજા આપી શકાતી નથી. ઘર અને સામાજિક સહારાને અભાવે તેમની દેખભાળ કે બીજી કોઈ વ્યવસ્થા નથી હોતી. એવી ગણતરી છે કે હાલની હૉસ્પિટલની પથારીઓ 2031 સુધીની સાલમાં બધા 65 વર્ષથી ઉપરના લોકો દ્વારા ભરાઈ ગઈ હશે. યુ.એસ.એ.ના એક અહેવાલમાં જણાવેલું છે કે મોટા ભાગના માણસોનો દવાનો વધુમાં વધુ ખર્ચ તેમની જિંદગીના છેલ્લા 6 માસ દરમિયાન આવે છે. સદભાગ્યે, વૈકલ્પિક પદ્ધતિઓનો વિકાસ થઈ રહ્યો છે. વૃદ્ધોને આશરો મળી શકે એવાં સારાં ઘર અને વધુ સારી સેવાઓને સામાજિક સહારો મળી શકે એવી યોજના દ્વારા આ ચિંતાજનક પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો છે. મોટા પ્રમાણમાં સ્વૈચ્છિક કાર્યકરો તથા કુટુંબ અને પડોશી દ્વારા મળે તેવી મદદ અને તે પોતે જાતે કરી શકે તેવી સગવડ આ સંસ્થાઓમાં ઉપલબ્ધ થાય છે. આ યોજનાનો હેતુ વૃદ્ધોને તેમના ઘરમાં જ બને તેટલી મદદ કરવાનો છે, અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તો જેમ બને તેમ જલદી હૉસ્પિટલમાંથી મુક્ત થાય એવું કરવાનો છે. સેવાશ્રમ (hospice) અને તેના જેવી અન્ય યોજનાઓ લાંબા સમય માટે બીમાર રહેતા લોકો માટે ઉત્તમ ઉપાય છે. આ પદ્ધતિનો મૂળ હેતુ કોઈ પણ હિસાબે માનવીની જિંદગી જાળવવાનો છે.

હૉસ્પિટલનું માળખું વાપરનારાઓની જરૂરિયાત મુજબ ઉપયોગિતાવાળું હોવું જરૂરી છે. ગુજરાતની વાત કરીએ તો વસ્તીના પ્રમાણમાં પથારીઓનું પ્રમાણ જાળવવાનું હોય અને 2,000 વ્યક્તિ દીઠ 1 પથારીની આવશ્યકતા સ્વીકારાય એવું સૂચવાયેલું છે.

માનવીની લાંબી જિંદગી અને સ્વાસ્થ્યના મૂળભૂત નિયમો હૉસ્પિટલના મોટા મોટા ખર્ચ પર આધારિત નથી, પણ પ્રાથમિક આરોગ્ય સારવારના સુધારા પર છે. જિલ્લા કક્ષાએ હૉસ્પિટલો ઉચ્ચ પ્રકારની આરોગ્યસેવાઓ પૂરી પાડવા માટેનું એક મહત્વનું સાધન છે. તેના ઉપર પ્રાથમિક આરોગ્યસેવાઓ પૂરી પાડવાની, વધારવાની અને તેને પ્રોત્સાહિત કરવાની મોટી જવાબદારી છે. વળી તેમાં ક્યારેક અમુક ચોક્કસ પ્રકારના દર્દીઓને પ્રાથમિક પસંદગી આપવામાં આવે છે. કેટલાકને રીનલ ડાયાલીસિસ, હૃદયની સર્જરી કે શરીરનાં અંગ બદલવાની પ્રક્રિયા વગેરે માટે પ્રથમ પસંદગી અપાય છે. સાધનો જ્યારે સીમિત હોય ત્યારે વિવિધ સારવારપદ્ધતિઓનો અગ્રતાક્રમ નક્કી કરવાનો રહે છે.

બીજો એક નિર્ણાયક સિદ્ધાંત એ છે કે કામકાજને અનુરૂપ વાપરનારાઓ માટે જે નમૂનો નક્કી કર્યો હોય તે નમૂના મુજબની હૉસ્પિટલ હોવી જોઈએ. માંદા અને ઘવાયેલાઓની સારસંભાળ લેતા ‘સઘન સારવાર એકમો’ વહીવટી ક્ષેત્રે ઘણી જ ઊંચી કક્ષાની નિપુણતા માગી લે છે.

અંદાજપત્ર, આંકડાકીય માહિતી, ખાસ પ્રકારના અહેવાલ અને તેનું પૃથક્કરણ, ચાલુ કામની હિસાબ-તપાસણી તથા જાતતપાસ વગેરે વહીવટના નિયમન માટેના તરીકા છે. માહિતી મેળવવાની પદ્ધતિ, બૌદ્ધિક સેવાઓ, કાર્યપદ્ધતિની યોજના અને નિયમન, સર્જરીસંશોધન, સાધનસામગ્રીની નોંધ ઉપર નજર, કાર્યક્રમનું મૂલ્યાંકન અને પ્રક્રિયાઓનું અવલોકન વગેરે વહીવટની વિશિષ્ટ પ્રક્રિયાઓ ગણાય. હૉસ્પિટલનો ઉપયોગ કરનાર પ્રજા, સેવાની ગુણવત્તા, તેમ જ કામની ત્વરિત ગતિની સાથોસાથ વિવેકની અપેક્ષા રાખે છે. હાલ હૉસ્પિટલના શાસનતંત્રમાં મોટા ભાગની જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તેમાં દર્દીઓની વધતી જતી અપેક્ષાઓ કારણભૂત છે.

આનાથી હૉસ્પિટલના યોગ્ય વહીવટમાં વધુ ઉમેરો થાય છે. હૉસ્પિટલમાં આપણે માત્ર દર્દીઓ સાથેના જ વ્યવહાર કરતી વખતે દર્દીના સંબંધીઓ, મુલાકાતીઓ તથા દર્દીની સારવારમાં રહેતી વ્યક્તિઓ સાથે પણ વ્યવહાર કરવાનો થાય છે. દર્દી માટે પુનર્વાસ જેવી વિશિષ્ટ પ્રકારની કાળજી લેવાનું પણ ક્વચિત્ આધુનિક હૉસ્પિટલના કાર્યક્ષેત્રમાં આવે છે. હૉસ્પિટલને જુદી જુદી રાષ્ટ્રીય આરોગ્ય અને વસ્તી અંગેના કાર્યક્રમમાં સક્રિય ભાગ લેવાની પણ જરૂર પડે છે.

ઉમદામાં ઉમદા અને વધુમાં વધુ સમર્પિત ભાવવાળા વ્યવસાયોમાંનો એક ડૉક્ટરનો છે. પશ્ચિમી મંડળોમાં કાળજી લેવાની એકંદર ગુણવત્તાનું ધોરણ ઘણું ઊંચું રહ્યું છે. તે જનજાગૃતિથી ઉદભવેલું હોય છે. મોટા ભાગનાં પશ્ચિમી મંડળો સ્વૈચ્છિક સેવાની ઊભી કરવામાં આવતી હૉસ્પિટલની પદ્ધતિને પુરસ્કારે છે. દર્દીની કાળજી માટેની ઊંચી ગુણવત્તાના ધોરણને ખૂબ ઉત્તમ રીતે અનુરૂપ થાય તેવા વહીવટ અને કર્મચારી મંડળનું માળખું આ મંડળો ગોઠવે છે. અમેરિકા અને કૅનેડા જેવા ઔદ્યોગિક દેશોમાં લગભગ દર 5,000 નાગરિકોની વસ્તીએ એક ચિકિત્સક (ડૉક્ટર) હોય છે. મોટા ભાગના બધા જ પરવાનેદાર ચિકિત્સકો તેમના શિક્ષણ અને તેમની આવડત ઉપર આધારિત સાધનો દ્વારા હૉસ્પિટલમાં ફરજ સ્વીકારે છે.

આશરે 60 % પરવાનેદાર ચિકિત્સકો કોઈ એક વિષયમાં વિશેષજ્ઞ હોય છે. તે મોટે ભાગે શહેરોમાં જ જોવા મળે છે. મોટા ભાગના શહેરી જનો કોઈ એક આવા વિશેષજ્ઞની પ્રાથમિક સારવાર મેળવતા હોય છે. સર્વસામાન્ય ચિકિત્સક (general practitioner) અથવા કૌટુંબિક ચિકિત્સક (family physician) પાસે સારવાર મેળવનારની સંખ્યા ઓછી થતી જાય છે. ભારતમાં વિશેષજ્ઞ માટેની અનેક જરૂરિયાતો હજી પણ પૂરી કરવાની બાકી છે.

હૉસ્પિટલને સાંપ્રદાયિક કે ધાર્મિક વિચારો પર આધારિત ખ્યાલોથી દૂર રાખવી પડે. સુસજ્જ હૉસ્પિટલ સહકારભર્યા માર્ગે ચાલે તેમજ રાષ્ટ્રની આરોગ્યસેવાઓને પુષ્ટ કરે તે રીતે લોકોના આરોગ્યની દરકાર રાખવાની સજ્જતા બતાવે તે જરૂરનું છે. તો જ વિશ્વઆરોગ્ય સંસ્થાનું સૌને માટેના આરોગ્યનું ધ્યેય સિદ્ધ થઈ શકે. હૉસ્પિટલ સેવાઓની અપર્યાપ્તતા જોતાં હાલ પૂરતું વૃદ્ધો, દીર્ઘકાલીન દર્દીઓ, માનસિક રોગીઓ અને અપંગોને હૉસ્પિટલોમાં અંદરના દર્દી તરીકે સારવાર ન આપતાં તેમના ઘરની નજીક અથવા ઘરે જ સારવાર આપવી જોઈએ એમ સૂચવાયું છે.

કૅન્સર હૉસ્પિટલ સેવાની સગવડોમાં મકાનની ખાસ પ્રકારની યોજના પર ધ્યાન આપવામાં આવે છે. તે ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ઊંચી કક્ષાનું ધંધાકીય પ્રાવીણ્ય હોવું જોઈએ. દર્દીઓની સારવારમાં વ્યક્તિગત સંભાળ અને કાળજી બતાવવાની હોય છે. પુનર્વાસ સેવાઓનો હેતુ દર્દી તંદુરસ્ત અને સ્વનિર્ભર બને તેવી પ્રોત્સાહનપૂર્ણ સારવાર આપવાનો હોય છે.

દાખલ થયા હોય, છૂટા કરવામાં આવ્યા હોય, અગર એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસેડવામાં આવ્યા હોય તેવા દર્દીઓની માહિતી સામાન્ય રીતે કમ્પ્યૂટર ઉપર એકત્ર થાય છે. આ પદ્ધતિનો ઉપયોગ મળેલી માહિતીને આધારે તબીબી સલાહકારને વિનંતી કરવા કે અમુક ડૉક્ટરો યા આખા સ્ટાફના જૂથને મૂકવા અંગેના આવશ્યક સંદેશાઓ આપવામાં થાય છે.

હૉસ્પિટલ વિકાસ પામતું જીવંત સંગઠન છે. સૈકાઓથી આ સંસ્થાએ ઘણો બહોળો અનુભવ એકત્ર કર્યો છે. આપણે તેની અવગણના કરી ન શકીએ. સ્વરૂપ કાર્યપદ્ધતિ ઇત્યાદિમાં તેનું રસપ્રદ પરિવર્તન થતું રહ્યું છે. દર્દીના ઘર સુધી સારવારની સેવાઓ પહોંચાડે તેવી ફરતી હૉસ્પિટલનો ખ્યાલ વિક્સતો જાય છે. બહારના દર્દીઓ માટે, તત્કાળ સેવા માટેની દિવસની હૉસ્પિટલો, રાત્રિ હૉસ્પિટલો, અઠવાડિક હૉસ્પિટલ, અઠવાડિયાના છેલ્લા દિવસે ચાલતી હૉસ્પિટલ અને કાયમ રહેણાકવાળી હૉસ્પિટલ – એમ વિવિધ જરૂરિયાત પ્રમાણેની હૉસ્પિટલોની સંકલ્પના થયેલી છે. તેમાં છાત્રાલય, બજાર, રહેણાક માટેના ઓરડા, નિશાળ, રોગોની સારવાર તથા રોગચાળાના નિવારણ અર્થે સંશોધન-કૅમ્પ, એક જ પ્રદેશમાં રહેનાર લોકોને લગતી માહિતી મેળવવા માટેનું કેન્દ્ર વગેરેની જોગવાઈ હશે. અમુક રીતે જોતાં આરોગ્ય-નિયામકની કચેરી તેમજ તેના ક્ષેત્રમાંના કોઈ નાના કાર્યાલય માટે તે એક મદદરૂપ સાધન બની રહે. આ પ્રકારની સુવિધા ઊભી થતાં હૉસ્પિટલના કાર્ય ઉપરનો બોજો ઘટે. જુદી જુદી સામાજિક અને આરોગ્યલક્ષી નીતિના કારણે છેલ્લાં 30 વર્ષ દરમિયાન સ્વિટ્ઝર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં તેમના હૉસ્પિટલની અંદરના દર્દીઓ માટેના વૉર્ડોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

હૉસ્પિટલ પ્રત્યક્ષ લેખાતા જીવન અને આરોગ્યના રક્ષણનાં તત્વોનું પ્રતીક છે. વિશ્વઆરોગ્ય સંસ્થા અને બધી જ માનવતાવાદી સંસ્થાઓને તેનાથી પ્રેરણા મળે છે. હવે વિશ્વવ્યાપક બનેલા આ સિદ્ધાંતનો સ્વીકાર કરતાં ચિકિત્સાના ઇતિહાસમાં કદાચ વધારેમાં વધારે ક્રાંતિ થયેલી જણાય છે.

તબીબી વ્યવસાય : વ્યવસાય કરવાના તબીબના અધિકારનું નિયમન કરનાર સંસ્થા હોવાને કારણે તબીબી વ્યવસાય પોતાની કેટલીક વિશિષ્ટતાઓ ધરાવે છે. ભારતમાં વ્યવસાય કરવાનો પરવાનો ઇન્ડિયન મેડિકલ ઍક્ટ (1933) પ્રમાણે અપાય છે. તેના દ્વારા તબીબી શિક્ષણનાં ધોરણો પણ નિશ્ચિત કરાય છે. 1956માં કાયદામાં સુધારો કરી તબીબોની અખિલ ભારતીય તબીબી નોંધપોથી (register) રાખવાનું નિશ્ચિત કરાયેલું છે. રાજ્યોની મેડિકલ કાઉન્સિલ વ્યવસાય કરવાના હક્કને, વ્યવસાયનાં ધોરણોને તથા તેના સભ્યો(ડૉક્ટરો)ના વ્યક્તિગત વર્તનને નિયંત્રિત કરે છે. તે વ્યાવસાયિક ગોપનીયતા (confidentiality) પર ભાર મૂકે છે. વ્યાવસાયિક દુર્વ્યવહાર કરનાર તબીબનું નામ નોંધપોથીમાંથી કમી કરવાની સત્તા તે ધરાવે છે. આમ રાજ્ય, તબીબી વ્યાવસાયિકો અને તેમના ગ્રાહકો(દર્દીઓ)ના સંબંધનું નિયમન કરે છે. તેના કારણે ક્યારેક સંઘર્ષ પણ પેદા થાય છે. સરકારી ડૉક્ટરો પરનો ખાનગી વ્યવસાય ન કરવાનો પ્રતિબંધ આવા જ એક સંઘર્ષનું કારણ છે.

તબીબી વ્યવસાય કરનાર : તબીબી શિક્ષણ દ્વારા મળેલ જ્ઞાન અને તાલીમ દ્વારા તબીબ આરોગ્યકેન્દ્રની અથવા ખાનગી કૌટુંબિક ચિકિત્સક તરીકેની જવાબદારી વહન કરી શકે છે. તે રોગપ્રતિરોધક, આરોગ્યવર્ધક તથા ચિકિત્સાલક્ષી સેવાઓ આપે છે. તેણે વ્યક્તિગત આરોગ્યનું નિર્ધારણ કરી, શારીરિક તપાસ અને પ્રયોગશાળાકીય ચકાસણી દ્વારા રોગનું નિદાન કરી વ્યક્તિના પોષણ અને નિકાસનું માપન કરી તેના સામાજિક, લાગણીજન્ય અને માનસિક પ્રતિભાવો સમજી યોગ્ય સારવાર આપવાની હોય છે. સામાન્ય તબીબ મોટે ભાગે થતાં રોગોનાં નિદાન અને ચિકિત્સા કરવામાં, પ્રથમોપચાર આપવામાં તથા તત્કાલ સંકટ (emergency) સમયની સારવારમાં પાવરધો હોવો જોઈએ. વળી સહાયકો પાસેથી યોગ્ય કામ લઈ શકે તેવો હોવો જરૂરી છે. જાહેર આરોગ્યનાં નિર્ણાયક પરિબળોમાં જાહેર સફાઈ, શુદ્ધ પાણીપુરવઠો, પૂરતું પોષણ, યોગ્ય રહેઠાણ તથા આરોગ્યલક્ષી અને તબીબી સંભાળ મુખ્ય ગણાય. સામાજિક નિદાન માટે, આંકડાશાસ્ત્રીય માહિતી પરથી ડૉક્ટરે જરૂરી નિર્ણયો અને માર્ગદર્શન પૂરાં પાડવાં પડે છે. ડૉક્ટર સમાજનો તથા તબીબી જગતનો શિક્ષક પણ છે. તે તેના સહાયકોની ટુકડીનો નાયક પણ છે. હિપૉક્રેટસની પ્રતિજ્ઞાને અનુરૂપ 1948માં વિશ્વ તબીબી મંડળે જિનીવાઘોષણા રૂપે જાહેર કરેલી રૂપરેખા પ્રમાણે તેની જવાબદારી રહેલી છે. ઈ. સ. 1969માં ભારત સરકારની તબીબી શિક્ષણ સમિતિએ અલ્પતમ લાયકાતવાળા તબીબ(basic doctor)ની જે વ્યાખ્યા આપી છે તેને અનુસરીને કાર્ય કરવાનું દરેક તબીબ માટે આવશ્યક ગણાય છે.

તબીબી સેવા : એક રૂઢિગત તબીબ સ્વકેન્દ્રી નાના વેપારી જેવો હોય છે. તેના પ્રશ્નો, ઉદ્દેશો અને અભિગમો પણ તેવા જ રહે છે. તે તેની સેવા માટે ફી નક્કી કરે છે. નિદાન-ચિકિત્સાના ક્ષેત્રમાં થયેલ વિકાસે ભારે મૂડીરોકાણ અને કર્મચારીગણની જરૂરિયાત વધારી છે. કાયદાકીય રક્ષણ અને તે માર્ગે ક્ષતિયુક્ત તબીબી સેવા સામે વળતર મેળવવાની જોગવાઈએ તબીબી સેવા મોંઘી કરી છે. તબીબી શિક્ષણની જવાબદારી વધુ ને વધુ પ્રમાણમાં સમાજ અને રાજ્ય ઉઠાવી લે અને તબીબી વ્યવસાયની મદદથી વધુ ને વધુ પ્રમાણમાં સોંઘી અથવા મફત સેવા મળતી રહે તેવા પ્રયત્નો લગભગ બધા જ દેશોમાં થાય છે. વીમાયોજનાઓ પણ આ જ કારણસર વિકસી છે. તબીબી સેવાને અર્થશાસ્ત્રીય તથા સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ કેટલાક મોટો ઉદ્યોગ ગણે છે. જ્ઞાનના બહોળા વધારાએ વિશેષજ્ઞતા-(specialization)નું વલણ બળવત્તર કર્યું છે. સામાન્ય અથવા કૌટુંબિક ચિકિત્સકની સેવાનું ફલક નાનું બનતું જાય છે. હૉસ્પિટલો વિશેષજ્ઞોનું મુખ્ય કાર્યક્ષેત્ર બની રહી છે. વિશેષજ્ઞતાએ ડૉક્ટર-દર્દીના સંબંધોમાં વિશિષ્ટ પરિમાણો ઉમેર્યાં છે.

તબીબી કાયદાશાસ્ત્ર (medical jurisprudence) : શાસ્ત્રીય અભ્યાસ કરનારા તબીબોની સાથે સાથે તેવો અભ્યાસ ન કરેલો હોય તેવા કીમિયાગરો પણ તબીબી વ્યવસાયમાં પહેલેથી જોવા મળે છે. તેથી તબીબી કાયદાશાસ્ત્રીની જરૂરિયાત ઊભી થઈ છે. પહેલાંના સમયમાં તબીબોને જે સન્માન અને મોભો મળતાં તે જ્ઞાનના પ્રસાર સાથે ઘટતાં ગયાં અને તેમનાં સારવાર અને નિદાનના પ્રયત્નો તથા ક્ષમતા કાયદાકીય રીતે મૂલવાતાં ગયાં. એ રીતે તબીબી કાયદાશાસ્ત્રની એક નવી દિશા ઊઘડી છે. વળી ગુના-સંશોધનમાં પણ તબીબોનું કાર્ય ઉપયોગી સાબિત થયેલું છે. આમ, તબીબી વ્યવસાય કાયદાશાસ્ત્ર સાથે એકથી વધુ રીતે સંકળાયેલો રહ્યો છે.

તબીબી વ્યવસાય માટે મેળવવી પડતી ઉપાધિ તથા કાયદા હેઠળ મેડિકલ કાઉન્સિલની નોંધપોથીમાં કરાવવી પડતી નોંધણી – એમ બે મહત્વની કાયદાકીય જોગવાઈઓ છે. તેનો ઇરાદો ઊંટવૈદ્યો(quacks)ને અલગ તારવી કાઢવાનો છે. આયુર્વિજ્ઞાન(allopathy)ના તબીબો ઉપરાંત દંતજ્ઞો, ભૌતિક ચિકિત્સા-શાસ્ત્રીઓ, વ્યવસાયી ચિકિત્સકો, પરિચારિકાઓ વગેરેને પણ વ્યવસાય કરવાનો અધિકાર તે તે વ્યવસાયની રાષ્ટ્રીય કાઉન્સિલો દ્વારા નોંધણી કર્યા પછી પ્રાપ્ત થાય છે. આવી જ રીતે આયુર્વેદિક, યુનાની અને હોમિયોપથી પદ્ધતિ અનુસાર વ્યવસાય કરનારાઓ માટે વિશિષ્ટ કાઉન્સિલો રચવામાં આવેલી છે.

વ્યક્તિના શરીરમાં શરીરક્રિયાશાસ્ત્રીય અસર ઉત્પન્ન કરતું, રોગ સામે ઉપચાર રૂપે વપરાયેલું કોઈ પણ દ્રવ્ય ઔષધ કહેવાય છે. ઔષધ(દવા)ની માત્રા ચોક્કસ હોવી જોઈએ, તે નિશ્ચિત પદ્ધતિએ અપાયેલી હોવી જોઈએ તથા તેના ઉપયોગનાં સૂચક ચિહનોનું તથા ઝેરી કે આડ અસરોનું દવા સૂચવનારને જ્ઞાન હોવું જોઈએ. દવાઓનો સુપ્રયોગ કે કુપ્રયોગ શક્ય છે. માટે તેને ઉપચાર-સૂચન (prescription) રૂપે આપવા માટેનું નિશ્ચિત માળખું ઉપલબ્ધ હોય છે. દવાઓનાં ઉપચારસૂચન, વિતરણ તથા ઉત્પાદન માટે ડ્રગ ઍક્ટ, ડ્રગ ઍન્ડ કૉસ્મેટિક ઍક્ટ, એન.ડી.પી.એસ. ઍક્ટ વગેરે વિવિધ કાયદાઓ અમલમાં છે. કેટલીક વિશિષ્ટ ખરાબ અસરોવાળી દવાઓ વિવિધ કક્ષા અનુસાર વર્ગીકૃત હોય છે. વિતરણ કરવાની દવા પર તેની માત્રા અને ઝેરીપણું સ્પષ્ટ રીતે લખેલાં હોવાં જોઈએ. ફક્ત રજિસ્ટર્ડ મેડિકલ પ્રૅક્ટિશનર જ ઉપચારસૂચન લખી શકે છે. વ્યસનાસક્તિ ઉપજાવતી દવાઓનાં વિતરણ-વેચાણ પર વિશિષ્ટ નિયંત્રણો હોય છે.

તબીબોનાં વ્યાવસાયિક વર્તન, કાયદાકીય બંધનો તથા નૈતિક બંધનો નિશ્ચિત કરવા માટે તેમણે અનુસરવાની નૈતિક આચારસંહિતા (code of ethics) રચવામાં આવેલી છે. વ્યાવસાયિક દુર્વ્યવહાર અને બેદરકારી વચ્ચે એક નાજુક દેખાવમાત્ર છે. વ્યાવસાયિક કર્તવ્યની દૃષ્ટિએ દરેક તબીબે માનવસમાજની સેવા કરવી જરૂરી છે. તેની વ્યાવસાયિક જવાબદારીઓ જરૂર પડ્યે ડૉક્ટરને સજા કરી શકે છે. યોગ્ય આવડત કે સંભાળનો અભાવ બેદરકારી ગણાય છે અને તે માટે દીવાની તથા ફોજદારી રાહે ન્યાય મેળવી શકાય છે.

ડૉક્ટરે તેના વ્યાવસાયિક કાર્ય રૂપે કેટલાંક કાયદાકીય કાર્યોમાં જોડાવું પડે છે. પ્રમાણપત્ર આપવું (માંદગી, મૃત્યુ, અપંગતા વગેરે અંગે) તે એક સર્વસામાન્ય કાયદાકીય મહત્વ ધરાવતું પગલું છે. ડૉક્ટરે સત્ય માહિતીને પ્રમાણિત કરતી વખતે જે તે વ્યક્તિની ઓળખને પણ સ્પષ્ટ કરવી જરૂરી ગણાય છે. મૃત્યુના પ્રમાણપત્રમાં વિશિષ્ટ પરિમાણો ઉમેરાયાં છે. પહેલાં હૃદય, શ્વસન અને મગજના સામૂહિક કાર્યસ્તંભન(arrest of function)ને મૃત્યુ ગણવામાં આવતું હતું. પ્રતિરોપણ થઈ શકે તેવા અવયવો મેળવવા માટે મગજના મૃત્યુને મૃત્યુ ગણવાનું કેટલાક દેશોએ ઠરાવ્યું છે. આ વિચાર નૈતિક, સામાજિક, જીવશાસ્ત્રીય અને કાયદાકીય રીતે ચર્ચાનો વિષય બનેલ છે. આ સમગ્ર ક્રિયા ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઍક્ટ હેઠળ આવરી લેવાયેલી છે.

કેટલાંક પ્રમાણપત્રો કાયદાના અમલમાં સીધી રીતે ઉપયોગી હોય છે; જેમ કે, ઉંમર, ઈજા, માનસિક હાલત વગેરે દર્શાવતાં પ્રમાણપત્ર. તેવી જ રીતે મૃત્યુ બાદ શબવિચ્છેદન (postmortum) પરીક્ષણની નોંધ તથા નિષ્ણાત તરીકેનો અભિપ્રાય (expert opinion) પણ મહત્વનાં કાયદાલક્ષી કાર્યો છે.

તબીબી શિક્ષણ : ભારતમાં તબીબી શિક્ષણનાં મૂળ વૈદિક કાળમાં પણ દૃષ્ટિગોચર થાય છે. સુશ્રુત અને ચરકની સંહિતાઓ આયુર્વેદના શિક્ષણનાં મૂળ કેટલાં ઊંડાં અને કેટલાં વિશદ હતાં તે દર્શાવે છે. ભારતની સંસ્કારિતાનાં ફેલાયેલાં પર્ણો શ્રીલંકા, થાઇલૅન્ડ અને બાલીને આવરી લેતાં હતાં. તાડપત્ર પર સચવાયેલ આયુર્વેદીય લખાણો બાલીમાં હજુ પણ સચવાયેલાં છે. ઈ. સ. 1983માં ભારતમાં લોકસભાની બહાલી મળતાં ‘રાષ્ટ્રીય આરોગ્ય નીતિ’ અમલમાં આવી છે. તેની અસર હેઠળ હાલ તબીબી શિક્ષણ અપાઈ રહ્યું છે. અલગ ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ની પણ ભલામણ ઘણા કરે છે. ભારતમાં તબીબી શિક્ષણ મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયાનાં સૂચનો પર આધારિત છે. આઝાદી પછી ભારતમાં તબીબી કૉલેજોની સંખ્યા લગભગ છ ગણી તથા તેમાંથી બહાર પડતા સ્નાતકોની સંખ્યા આઠ-નવ ગણી થવા જાય છે.

હાલ ભારતમાં દર 3,000ની વસ્તીએ એક ડૉક્ટરના હિસાબે જેટલા ડૉક્ટરો જોઈએ, લગભગ તેટલા ડૉક્ટરો 1985માં નોંધાયેલા તબીબો હતા. તેથી આયોજન પંચના નિષ્ણાત જૂથે સલાહ આપેલી છે કે હવે વધુ નવી મેડિકલ કૉલેજો શરૂ ન કરવી. જોકે આ સલાહ પૂર્ણપણે પળાતી ન હોવાથી તબીબોમાં બેકારીનું પ્રમાણ વધતું જોવા મળવાની શક્યતા છે.

ભારતમાં વિવિધ રાજ્ય મેડિકલ કાઉન્સિલો કાર્ય કરે છે.

ઈ. સ. 1947 પહેલાં ભારતમાં 19 મેડિકલ કૉલેજો હતી. કૉલકાતાની મેડિકલ કૉલેજ (1935), મદ્રાસ મેડિકલ કૉલેજ (1836), તથા ગ્રાન્ટ મેડિકલ કૉલેજ, મુંબઈ (1845) ગયા સૈકામાં સ્થપાઈ હતી. વીસમા સૈકાની પ્રથમ મેડિકલ કૉલેજ દિલ્હીમાં લેડી હાર્ડિન્જ મેડિકલ કૉલેજ(1916)ના નામે સ્થપાઈ. ગુજરાતમાં 1946માં બી. જે. મેડિકલ કૉલેજ સ્થપાઈ. 1949માં વડોદરામાં, 1955માં જામનગરમાં, 1963માં અમદાવાદમાં મ્યુ. મેડિકલ કૉલેજ અને 1964માં સૂરતમાં મેડિકલ કૉલેજ સ્થપાઈ. 1989માં કરમસદ ખાતે મેડિકલ કૉલેજ સ્થપાયેલી. હાલ ભારતમાં 542 મેડિકલ કૉલેજો કાર્યરત છે.

ગુજરાતની મેડિકલ કૉલેજોમાં M.B.B.S. અભ્યાસક્રમ માટે પ્રવેશ માટેની પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક શાળાંત સર્ટિફિકેટ પરીક્ષા (વિજ્ઞાનપ્રવાહ) છે; જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી ફરજિયાત વિષયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અન્યત્ર સ્થાનાંતરિત કર્મચારીઓનાં સંતાનોએ જે તે રાજ્યની સમકક્ષ પરીક્ષા પસાર કરેલી હોય તો સ્વીકાર્ય ગણાય છે. પ્રવેશ પામતો વિદ્યાર્થી ભારતીય નાગરિક હોવો જરૂરી છે. ભારત સરકાર તરફથી નિયુક્ત (nominated) વિદ્યાર્થીઓ માટે 10 બેઠકો અનામત રખાયેલી છે. જ્યારે અન્ય 5 બેઠકો ભારતીય લશ્કરના ચાલુ તથા ભૂતપૂર્વ કર્મચારીઓનાં સંતાનો માટે અનામત રખાઈ છે. આ બેઠકો સિવાયની સરકારી કૉલેજોની કુલ બેઠકોમાંથી 7 % અનુસૂચિત જાતિઓ માટે, 2 % અનુસૂચિત જનજાતિ માટે તથા 27 % સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો માટે રખાયેલી છે. ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં 55 % ગુણ (પ્રયોગ-પરીક્ષામાં 50 %) પ્રાપ્ત કરનારને જ એમાં પ્રવેશ અપાય છે; પરંતુ અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિઓના વિદ્યાર્થીઓ માટે આ ધોરણ નીચું રખાયું છે.

M.B.B.S.નો સ્નાતક-કક્ષાએ અભ્યાસક્રમ પતે તે પછી એક વર્ષની ગ્રામીણ અને શહેરી હૉસ્પિટલો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અનુભવ પ્રાપ્ત કરવા માટે ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત છે. તેના પછી જ ઉપાધિ મળે છે અને મેડિકલ કાઉન્સિલ દ્વારા નોંધપોથીમાં તબીબ તરીકે નામ નોંધાય છે.

ગુજરાતમાં બધી જ માન્ય મેડિકલ કૉલેજોમાં વિવિધ વિષયોમાં અનુસ્નાતક અભ્યાસક્રમ શિખવાડાય છે. બી. જે. મેડિકલ કૉલેજમાં હાલ યુરોલૉજી, કૅન્સર, નેફ્રોલૉજી અને કાર્ડિયૉલૉજીમાં અનુસ્નાતક-કક્ષા પછીના વિશેષજ્ઞતા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.

ભારતમાં વિવિધ સંશોધન-સંસ્થાઓ છે, જે ક્ષેત્રના સર્ટિફિકેટ અથવા અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવી રહી હતી તેમનાં નામ નીચે પ્રમાણે છે :

(1) નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યૂટ્રિશન (હૈદરાબાદ), (2) સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાઇકિયાટ્રી (રાંચી), (3) નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ ઍન્ડ ન્યૂરોસાયન્સીઝ (બૅંગાલુરુ), (4) ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પીચ ઍન્ડ હિયરિંગ (માનસગંગોત્રી, કર્ણાટક), (5) ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ મેડિસિન ઍન્ડ રીહેબિલિટેશન (મુંબઈ), (6) હાફકિન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રેનિંગ રિસર્ચ ઍન્ડ ટેસ્ટિંગ (મુંબઈ), (7) નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ વાયરૉલૉજી (પુણે), (8) પાશ્ર્ચર ઇન્સ્ટિટ્યૂટ (શિલૉંગ), (9) સેન્ટ્રલ લેગસીઝ રિસર્ચ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ (ચિંગ્લેપટ-તમિળનાડુ), (10) બર્નાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રેડિયૉલૉજી ઍન્ડ કૅન્સર (ચેન્નાઈ), (11) કિંગ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્રિવેન્ટિવ મેડિસિન (ગુન્ડી), (12) ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઑફથેલ્મૉલૉજી (અલીગઢ), (13) સ્કૂલ ઑવ્ ટ્રૉપિકલ મેડિસિન (કૉલકાતા), (14)  પી.  જી. આઈ. ઑવ્ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (કૉલકાતા), (15) ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હાયજિન ઍન્ડ પબ્લિક હેલ્થ (કૉલકાતા), (16) ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કૉલેરા ઍન્ડ એન્ટરિક ડિસીઝીઝ (કૉલકાતા), (17) ચિત્તરંજન નૅશનલ કૅન્સર રિસર્ચ સેન્ટર (કૉલકાતા), (18) પી. જી. આઇ. ઑવ્ મેડિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (ચંડીગઢ), (19) નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅમિલી વેલફેર (નવી દિલ્હી).

ગુજરાતમાં દંતવિદ્યાનું શિક્ષણ : ગુજરાતમાં ઈ. સ. 2012ની સાલમાં 14 કૉલેજો છે – તેમાં 2 સરકારી અને અન્ય ખાનગી કૉલેજોનો સમાવેશ થાય છે.

વ્યાયામાદિ ચિકિત્સા(physiotherapy)ના શિક્ષણ માટે ગુજરાતમાં 23 કોલેજો છે, જેમાંથી 5 સરકારી કૉલેજો છે. તેમાં કુલ 1325 બેઠકો છે.

ઔષધનિર્માણઉદ્યોગ : આરોગ્યસેવાઓ અને તબીબી વ્યવસાય સાથે સંબંધિત ક્ષેત્ર ઔષધનિર્માણનું છે. તેનો વિકાસ આરોગ્યલક્ષી અને તબીબી સેવાઓને અસર કરે છે. ઝડપભેર આગળ વધતા વૈજ્ઞાનિક યુગ સાથે કદમ મિલાવીને ભારતના તબીબી વ્યવસાય અને ઔષધ-ઉદ્યોગે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. મોટા ભાગનાં આધુનિક ઔષધો રાષ્ટ્રને પૂરાં પાડવા માટે આ ઉદ્યોગ આજે લગભગ સ્વાવલંબી થઈ ગયો છે. ભારતમાં ઔષધ-ઉદ્યોગની સ્થાપના 19મી સદીની શરૂઆતમાં થઈ હતી; પરંતુ આ ઉદ્યોગે 1947માં આઝાદી પછી જ હરણફાળ ભરી. ઔષધોની જરૂરિયાતો માટે સ્વાવલંબી થવાના ભારત સરકારના નિર્ણય અને ત્યારપછીની પંચવર્ષીય યોજનાના સફળ અમલીકરણને લીધે ભારતનો ઔષધ-ઉદ્યોગ સતત પ્રગતિ કરતો રહ્યો છે.

આઝાદી પહેલાં અને આઝાદી પછીના સમયગાળામાં મોટા ભાગની દવાઓ પરદેશથી લાવવામાં આવતી હતી. તેના માટે મુખ્યત્વે પશ્ચિમના દેશો ઉપર આધાર રાખવામાં આવતો હતો. શરૂઆતના તબક્કાઓમાં ગોળીઓ અને કૅપ્સ્યૂલ જેવી તૈયાર કરેલી દવાઓ બનાવવામાં આવતી હતી અને તેના માટે જરૂરી કાચો માલ (bulk drug) પરદેશથી આયાત કરવામાં આવતો હતો; પરંતુ સમયસર કરવામાં આવેલા આધુનિકીકરણને પ્રતાપે કાચો માલ ભારતમાં નિર્માણ થવા લાગ્યો.

ઔષધો બનાવવા માટે જરૂરી કાચો માલ મુખ્યત્વે ત્રણ પ્રકારનો હોય છે : (1) વનસ્પતિજન્ય, (2) પ્રાણીજન્ય અને (3) રાસાયણિક. પ્રથમ બે પ્રકારનાં ઔષધો દેશમાં કુદરતી રીતે મળી શકે છે જ્યારે રાસાયણિક ઔષધો દેશનાં આધુનિક કારખાનાંઓમાં તૈયાર કરવામાં આવે છે. ભારત દેશની ખાસ જરૂરિયાતો મુજબ વિવિધ પ્રકારનાં અનેક ઔષધોનું નિર્માણ સફળતાપૂર્વક દેશમાં જ કરવામાં આવી રહ્યું છે. તેમાં મુખ્યત્વે ઍન્ટિબાયૉટિક, વિટામિન તથા હૃદય અને મગજના રોગો, દમ, ડાયાબિટીસ અને શરીરના અન્ય રોગોની દવાઓ ગણાવી શકાય.

ઔષધ-ઉદ્યોગને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય : (1) વપરાશમાં લઈ શકાય તેવા રૂપમાં દવા બનાવતો ઉદ્યોગ. (2) કાચો માલ જથ્થાબંધ દવા બનાવતો ઉદ્યોગ.

ઔષધ-ઉદ્યોગ ઉપર આશરે આઠ લાખ પચાસ હજાર જેટલા માણસો નભે છે, જેમાંના એક લાખ પચાસ હજાર માનવીઓ ઔષધ-ઉદ્યોગ સાથે સીધી રીતે સંકળાયેલા છે.

ભારત દેશમાંથી ઉચ્ચ કક્ષાની દવાઓ સારા પ્રમાણમાં નિકાસ થાય છે. આમ શરૂઆતના તબક્કાઓમાં પોતાની જરૂરિયાતો માટે બીજાં રાષ્ટ્રો ઉપર આધાર રાખનાર ભારત દેશ આજે દુનિયાનાં વિકસિત રાષ્ટ્રોમાં દવાઓ નિકાસ કરી શકવાની સ્થિતિમાં પહોંચી ગયો છે, જે ઔષધ-ઉદ્યોગની સિદ્ધિઓમાં એક સીમાચિહન ગણાય છે. ઔષધો અને રસાયણોની નિકાસ વધારવા માટે રચવામાં આવેલ વિભાગે (ઍક્સપૉર્ટ પ્રમોશન કાઉન્સિલે) આમાં મહત્વનો ફાળો આપેલ છે. મોટી વિદેશી કંપનીઓની હરીફાઈ હોવા છતાં ભારતનો ઔષધ-ઉદ્યોગ વિદેશોમાં બજાર પ્રાપ્ત કરવામાં સફળ થયો છે. ભારતમાંથી દવાઓના નિર્માણ માટે જરૂરી એવાં મૂળભૂત રસાયણો, વચગાળાનાં રસાયણો અને પૂર્ણત: તૈયાર દવાઓની નિકાસ કરવામાં આવે છે.

સતત પ્રગતિ કરી રહેલ ઔષધ-ઉદ્યોગ સંશોધન-ક્ષેત્રમાં પણ ઘણો આગળ છે. આને પરિણામે ઔષધ-ઉદ્યોગ સાથે સંકળાયેલા રાષ્ટ્રના વૈજ્ઞાનિકો અતિ આધુનિક ઔષધોનું નિર્માણ કરવામાં સફળ થયા છે.

ભારતમાં ઔષધોનું નિર્માણ અને વેચાણ ડ્રગ્ઝ કન્ટ્રોલર, ઇન્ડિયા(ઔષધનિયામક)ના અધિનિયમન હેઠળ હોય છે. કોઈ પણ પ્રકારની નવી દવા પરદેશથી આયાત કરવા માટે અથવા તેનું નિર્માણ કરવા સારુ ઔષધનિયામકની મંજૂરીની જરૂર હોય છે. ભારતમાં ઔષધોનું નિયમન ‘ડ્રગ્ઝ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ’-1940 અને ‘ડ્રગ્ઝ ઍન્ડ કૉસ્મેટિક્સ રૂલ્સ’-1945 તથા તેમાં સમયાનુસાર કરવામાં આવેલા સુધારાઓ દ્વારા કરવામાં આવે છે. દવાઓની આયાત માટે નિયમ 30 (એ) હેઠળ અને દવાઓના નિર્માણ માટે નિયમ 69 (બી) તથા 175 (બી) હેઠળ મંજૂરી લેવી આવશ્યક ગણાય છે.

પરદેશમાં અથવા ભારતમાં ન મળતી હોય તેવી ઍલૉપથી દવા બજારમાં મૂકવા માટે તરત મંજૂરી મળી શકતી નથી; તેના માટે ઔષધ નિયામક દ્વારા ઘડવામાં આવેલ નિયમો અનુસાર સંપૂર્ણ રાસાયણિક અને ઔષધ-ઉત્પાદનના શાસ્ત્રને લગતી માહિતી આપવી જરૂરી છે. તેમજ પ્રાણીઓમાં અને ત્યારબાદ મનુષ્યોમાં નવા ઔષધના પ્રાયોગિક અભ્યાસ આવશ્યક હોય છે. આ રીતે ઘણાં જ બારીક પરીક્ષણોમાંથી સફળ રીતે પસાર થયા પછી જ નવી દવાને બજારમાં મૂકવા ઔષધ નિયામક દ્વારા મંજૂરી મળે છે.

શિલીન નં. શુક્લ

રવીન્દ્ર ભીંસે

બી. રામારાવ

પરિમલ જીવરાજાની

નરેન્દ્રસિંહ ત. ચાવડા

અનુ. હરિત દેરાસરી