આરોગ્યશિક્ષણ : આરોગ્યપ્રદ ટેવો કેળવવા માટે અપાતું શિક્ષણ. આરોગ્યશિક્ષણના ત્રણ મુખ્ય હેતુઓ : (1) સામાન્ય પ્રજાને આરોગ્ય સંદેશો પહોંચાડવો તે. રોગ અને મૃત્યુને સામાન્યત: કુદરતી પ્રક્રિયાના ભાગ રૂપે ગણીને નિ:સહાય બેસી રહેવાને બદલે મોટા ભાગના રોગો અટકાવી શકાય છે અથવા તેની અસર ઓછી કરી શકાય છે, એવી વૈજ્ઞાનિક સમજ સામાન્ય પ્રજાને મળે તેવી જોગવાઈ કરવી તે. (2) પ્રજાને આરોગ્યપ્રદ પ્રણાલી કેળવવા તૈયાર કરવી. આરોગ્યનું જ્ઞાન મેળવ્યા પછી તેનો અમલ કરવા માટે માનસિક અને શારીરિક તૈયારી પણ ઘણી અગત્યની છે. (3) આરોગ્યશિક્ષણનો અમલ કરવો-પ્રજા આરોગ્યપ્રદ પ્રણાલી કેળવે, ત્યારબાદ તેનો અમલ કરે તે આરોગ્યશિક્ષણનો અંતિમ હેતુ છે.

આરોગ્યશિક્ષણની ઘણી પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે, જે ટૂંકમાં નીચે મુજબની કહી શકાય :

(1) એક વ્યક્તિ અથવા કુટુંબને શિક્ષણ આપવું.

(2) વર્ગ અથવા સમૂહમાં શિક્ષણ આપવું :

        (ક) ભાષણ

        (ખ) સામૂહિક ચર્ચા

        (ગ) તજજ્ઞો દ્વારા સમૂહચર્ચા

        (ઘ) પ્રાયોગિક કાર્ય દ્વારા નિદર્શન

(3) સમગ્ર પ્રજાને શિક્ષણ આપવું :

        (ક) ટેલિવિઝન, રેડિયો દ્વારા

        (ખ) પુસ્તિકાઓ, છાપાં, સામયિકો ઇત્યાદિ દ્વારા

        (ગ) નાટક, ફિલ્મ દ્વારા

        (ઘ) આરોગ્યપ્રદર્શન દ્વારા

        (ચ) આરોગ્ય વિશેનાં ખાસ સામયિકો દ્વારા

        (છ) આરોગ્યસંગ્રહાલય દ્વારા

        (જ) ઇન્ટરનેટના માધ્યમ વડે

        (ઝ) કમ્પ્યૂટર પર જોઈ શકાય તેવી આંતરક્રિયાલબ્ધ

             કૉમ્પૅક્ટ ડિસ્ક દ્વારા.

હાલમાં આ વિષયો પર ખાસ ભાર મૂકવામાં આવે છે : માનવ-પ્રતિરક્ષા-ઊણપ વિષાણુ(human immuno-deficiency virus, HIV)નો ચેપ, કૅન્સર, કુટુંબકલ્યાણ, માતૃકલ્યાણ, બાળકોને રસી મુકાવવી, ખોરાક અને પોષણ, વ્યક્તિગત અને સામાજિક આરોગ્ય, ચેપી રોગોના પ્રસારનો અટકાવ, અકસ્માતનિવારણ વગેરે.

ભારતમાં આરોગ્યશિક્ષણનું કાર્ય મુખ્યત્વે સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આરોગ્યસેવાઓ, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના નિયામકશ્રીની કચેરીમાં આ માટે એક અલગ વિભાગ રખાયેલ છે, જ્યાંથી આરોગ્યશિક્ષણની વિવિધ સામગ્રી સામાન્ય પ્રજાને મફત પૂરી પાડવામાં આવે છે. કૅન્સર અંગેનું સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત કૅન્સર સોસાયટી અને ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સક્રિય છે. ગુજરાતીમાં તબીબી માહિતી લખવાનું ડૉ. શિવપ્રસાદ ત્રિવેદીના પ્રયત્નોથી લગભગ શરૂ થયું. હાલ તેમાં ગુજરાત વિશ્વકોશમાંનું તબીબી અને આરોગ્ય બાબતોનું લખાણ તથા નવી પરિભાષાનો વિકાસ પણ ધ્યાનાકર્ષક બન્યાં છે.

શિલીન નં. શુક્લ

અમૂલ્યરત્ન સેતલવડ