આરુણિ ઉદ્દાલક : ઉપનિષદોમાં ઉલ્લેખ પામેલ ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલા અરુણિ ઋષિનો પુત્ર અને ધૌમ્ય ઋષિનો શિષ્ય. અરુણિનો પુત્ર હોવાથી ‘આરુણિ’ તરીકે સંબોધાતો. આરુણિને સામાજિક વિધિ-નિષેધોના પ્રવર્તક માનવામાં આવે છે. બ્રહ્મવિદ્યા પર એનો વિશેષ અધિકાર હતો. ગુરુને ત્યાં એ વિદ્યાર્થી અવસ્થામાં રહેતો હતો ત્યારે એક સમયે ગુરુએ આજ્ઞા કરી કે ખેતરમાંથી પાણી બહાર ચાલ્યું ન જાય એ માટે શેઢે માટીનો પાળો કરી લે. શિષ્ય ખેતરે જઈ પાળો તો બાંધે, પણ પાણીનું જોર હોવાથી પાળ ટકે નહિ; આથી એ ખુદ ત્યાં લેટી ગયો ને પાણીને અટકાવ્યું. આમ કેટલાક દિવસ એ પડી રહ્યો. ગુરુ પાસે એ જણાયો નહિ એટલે તપાસ કરી તો એ તો ખેતરને શેઢે પાળાના બાકોરા આડે પડેલો જણાયો. ગુરુએ એને ઉઠાડી પાળો વ્યવસ્થિત કર્યો અને સાથે લઈ આશ્રમમાં આવ્યા. એણે વેદવેદાંગનું પરિપૂર્ણ જ્ઞાન લીધું. પાળા આડો સૂતો માટે ગુરુએ ‘ઉદ્દાલક’ નામ પાડ્યું હતું. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરનારા ઋષિઓમાં એક તરીકે એનો પ્રસંગ આપવામાં આવ્યો છે. આ આરુણિ ઉદ્દાલકને શ્વેતકેતુ નામનો પુત્ર હતો, જેનો આ ઉપનિષદમાં જૈવલિ પ્રવાહણ સાથે સંવાદ નિરૂપાયો છે. કઠોપનિષદમાં આવતો નચિકેતા તે આ શ્વેતકેતુનો પુત્ર.

કે. કા. શાસ્ત્રી