આરસી, પ્રસાદસિંગ (જ. 19 ઑગસ્ટ 1911, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી ભાષાના કવિ. તેમના ‘સૂર્યમુખી’ કાવ્યસંગ્રહને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. નાની વયે જ તેઓ આઝાદીની લડતમાં જોડાયા. થોડો વખત કોશી ડિગ્રી કૉલેજમાં હિંદીના અધ્યાપક તરીકે કામ કર્યા પછી તેમણે આકાશવાણીનાં અલ્લાહાબાદ અને લખનૌ કેન્દ્રોમાં કામ કર્યું.

તેમણે નાની વયે લેખનનો પ્રારંભ કર્યો. હિંદીમાં તેમણે પ્રગટ કરેલાં 30 પુસ્તકોમાં કાવ્યસંગ્રહો તથા નવલકથાઓનો સમાવેશ થાય છે. 1936માં તેમણે મૈથિલીમાં પણ લખવાનો પ્રારંભ કર્યો અને તેમાં તેમણે 4 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે.

કવિતામાં તેઓ નવ્ય પ્રવાહના પ્રવર્તક લેખાયા. તેમને અનેક ઍવૉર્ડ અને સન્માનો મળ્યાં છે. 1984માં તેમના ગામ એરૌતમાં તેમને સ્મૃતિગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો.

તાદૃશ કલ્પનો, કાવ્યવિધાનનું પ્રભુત્વ, પરિપક્વ અભિવ્યક્તિ જેવી વિશેષતાઓને કારણે આ પુરસ્કૃત કાવ્યસંગ્રહ મહત્વનો છે.

મહેશ ચોકસી