આયુર્વેદ : ભારતીય ચિકિત્સાવિજ્ઞાન
ભારતનું વૈદક અંગેનું અતિપ્રાચીન શાસ્ત્ર. વેદની જેમ આયુર્વેદની ઉત્પત્તિને પણ દિવ્ય માનવામાં આવી છે. ચરક, સુશ્રુતાદિ આચાર્યો આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માને છે. જ્ઞાનપરંપરામાં એમ મનાય છે કે સૌપ્રથમ બ્રહ્મદેવે આયુર્વેદનું સ્મરણ કર્યું. તેમણે તે દક્ષ પ્રજાપતિને આપ્યું અને તેમની પાસેથી પ્રાપ્ત કરીને અશ્વિનીકુમારો દેવોના ચિકિત્સક તરીકે પ્રસિદ્ધ થયા. તે જ્ઞાન અશ્વિનીકુમારો પાસેથી ઇન્દ્રને અને ઇન્દ્ર પાસેથી બીજા અનેક ઋષિઓએ મેળવ્યું. તે રીતે તે પૃથ્વી પર અવતરિત થયું એમ મનાય છે. ચરકસંહિતા પ્રમાણે સર્વપ્રથમ ભરદ્વાજ ઋષિએ ઇન્દ્ર પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત કરીને અંગિરા પુનર્વસુ ઋષિને આપ્યું. પુનર્વસુએ પોતાના છ શિષ્યો અગ્નિવેશ, ભેડ, જતુકર્ણ, પરાશર, ક્ષારપાણિ અને હારિતને આપ્યું. આ છએ ઋષિઓએ પોતપોતાના નામે સંહિતાઓ રચી છે. આ રીતે કાયચિકિત્સા એટલે ઔષધિનો આભ્યંતર પ્રયોગ દર્શાવતા ચિકિત્સાતંત્રનું નિર્માણ થયું.
ઇન્દ્ર પાસેથી ભગવાન ધન્વંતરિ અને કાશ્યપ ઋષિએ એ જ રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ધન્વંતરિએ તે જ્ઞાન તેમના શિષ્યો સુશ્રુત, ઔપધેનુ, કરવીર્ય, વૈવરણ, ઔરભ્ર, પૌષ્કલાવત, ગૌપુરરક્ષિત અને ભોજ નામના શિષ્યોને આપ્યું. તેમણે જે તંત્રની રચના કરી છે તે શલ્યતંત્ર (surgery) નામથી પ્રસિદ્ધ છે. કાશ્યપ ઋષિએ મેળવેલું જ્ઞાન વસિષ્ઠ, ભૃગુ અને એમના પુત્રોને આપ્યું. તેમાંથી કાશ્યપસંહિતા રચાઈ, કૌમારભૃત્ય એટલે કે બાળકોના રોગો અને સારવારનું શાસ્ત્ર તેમાંથી પ્રચલિત થયું. આયુર્વેદના જ્ઞાનની આ રીતે પરંપરા હાલ ઉપલબ્ધ વૈદકીય ગ્રંથોમાં દર્શાવાઈ છે.
વેદકાલીન આયુર્વેદ : વેદોના રચનાસમય અંગે વિદ્વાનોમાં મતભેદ છે. જે ઈ. સ. પૂ. 6000 વર્ષ સુધીનો સમય દર્શાવાયો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ ચારેયમાં આયુર્વેદનું વર્ણન ઉપલબ્ધ છે. અથર્વવેદમાં આયુર્વેદના સંદર્ભો એટલા મોટા પ્રમાણમાં છે કે તેને કારણે આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ કે ઉપાંગ માનવામાં આવે છે. ઋગ્વેદ સહુથી પ્રાચીન છે. તેમાં આવતી કેટલીક ઘટનાઓ સૂચવે છે કે ઋગ્વેદ-કાલમાં અથવા તે પહેલાં પણ આયુર્વેદ-પદ્ધતિથી સારવાર થતી હતી. ચ્યવન તથા વંદન નામક વૃદ્ધ ઋષિઓને અશ્વિનીકુમારોએ રસાયણચિકિત્સા દ્વારા તારુણ્ય આપ્યું હતું. યુદ્ધક્ષેત્રમાં ખેલ નામના રાજાની પત્ની નિષ્પલાનો પગ શત્રુઓએ કાપી નાખ્યો ત્યારે અશ્વિનીકુમારોએ શસ્ત્રકર્મવિદ્યા દ્વારા લોખંડની જંઘા જોડીને પગ ઠીક કર્યો હતો. દધીચિ ઋષિનું શિર કાપીને તેમના પર ઘોડાનું શિર આરોપ્યું હતું. ઋષિએ જ્યારે મધુવિદ્યા (પ્રાણવિદ્યા) પ્રાપ્ત કરી ત્યારે ઘોડાનું શિર કાપી મૂળ સુરક્ષિત રાખેલું શિર આરોપિત કર્યું હતું. આંધળા કણ્વને ચક્ષુદાન આપ્યું હતું અને ઘોષા નામની પુત્રીનો કુષ્ઠરોગ મટાડ્યો હતો. આ હકીકતો પરથી તે કાલમાં કુષ્ઠ, રાજયક્ષ્મા નપુંસકત્વ ઇત્યાદિ વિકારોની સારવાર થતી હશે એમ જણાય છે. તૂટેલા અવયવોને સ્થાને કૃત્રિમ અવયવો બેસાડવામાં, આંખ, નાક, કાન વગેરેના રોગો દૂર કરવામાં આયુર્વેદી સર્જરીના સફળ ઉપચારો થતા હતા. તેમજ હૃદરોગ માટે સૂર્યચિકિત્સા-પદ્ધતિ પણ પ્રચલિત હતી.
ચિકિત્સા અને સ્વાસ્થ્ય સંબંધી દેવતાઓમાં અશ્વિની, રુદ્ર, વિરુણ, અગ્નિ, ઇન્દ્ર, આપ તથા મરુતનાં નામો આવે છે. ઔષધિ અને વનસ્પતિઓનું વર્ણન ઋગ્વેદમાં મળે છે. ભિષગ (વૈદ્ય) બધી જ ઔષધિઓનો જાણકાર, યુક્તિ અને ચિકિત્સા યોજનામાં કુશળ અને રાક્ષસો(કૃમિ)નો નાશ કરવામાં સમર્થ હોય તેવો ઉલ્લેખ છે. ઔષધિ એટલે રોગને દૂર કરનાર. તેને માતા કહેવાય છે. ઋગ્વેદમાં એક મંત્ર-દ્રષ્ટાએ કહ્યું છે કે ‘વનસ્પતિઓ દેવોથી ત્રણ યુગ પૂર્વે ઉત્પન્ન થઈ હતી. તેનાં પ્રાપ્તિસ્થાન એકસો સાત હું જાણું છું.’ ઋગ્વેદમાં વૈદ્યને બ્રહ્મનો જ્ઞાતા કહ્યો છે. તે દ્રવ્ય અર્થે ચિકિત્સા નહોતો કરતો એ વાત ચરકસંહિતામાં પણ છે. ‘વાજીકરણ ઉપરાંત આંખ, નાક, કાન, ચિબુક, મસ્તિષ્ક, ગ્રીવા, જિહવા, ઉષ્ણિકા (ધમની) નાડી, અસ્થિ, સંધિ, બાહુ, લોમ, પર્વ (નાના સંધિ), ત્વચા વગેરેના રોગો પણ હું દૂર કરું છે,’ એ મતલબના મંત્રો સંહિતામાં છે. જલચિકિત્સા, સૌરચિકિત્સા ઉપરાંત ગર્ભાશયના રોગ, માનસરોગની પણ સારવાર પ્રાચીન સમયમાં થતી હતી. વાયુના રોગનાશક ગુણનું પણ જ્ઞાન તેમને હતું.
યજુર્વેદ : તેમાં ઔષધિસૂક્તો છે. શુક્લ યજુર્વેદ સંહિતામાં શ્લેષ્મરોગ, અર્શ, શ્વયથુ (સોજો), ગંડુષ, શ્લીપદ, યક્ષ્મા, મુખપાક, ક્ષત, અરુચિ, હૃદરોગ, અર્મ (આંખનો રોગ), ચર્મરોગ, કુષ્ઠ વગેરે રોગોના સંદર્ભો આવે છે. ઔષધિઓને યજુર્વેદમાં માતા તરીકે સંબોધીને તેની પ્રાર્થના કરી છે. સામવેદમાં ઋગ્વેદના અનેક મંત્રો લેવામાં આવ્યા છે. તેમાં આયુર્વેદ સંબંધી મંત્રોનો પણ સમાવેશ થયેલો છે. અથર્વવેદમાં આયુર્વેદના ભરપૂર સંદર્ભો મળે છે. તેના મૌલિક સિદ્ધાન્તો જેવા કે ત્રિદોષવાદ, દ્રવ્યગુણ વગેરેની અથર્વવેદમાં સારી માહિતી મળે છે. કફદોષ માટે ‘અભ્ર’ શબ્દ; પિત્તદોષ માટે ‘શુષ્મ’ શબ્દ તેમજ વાતદોષ અને તેના પાંચ પ્રકારોનાં નામ પણ મળે છે. પાચનક્રિયા, ધાતુવ્યાપાર. અગ્નિક્રિયા, રેતસ્, શુક્ર, ઓજસ્, શરીરનાં અંગોમાં કાન, નાક, હોઠ, દાઢી, ધમની, મસ્તિષ્ક, હૃદય, ક્લોમ, પાર્શ્વ, પ્લીહા, આંતરડાં, ગુદા, ઘૂંટણ, જાંઘ, પેશી, કૃકાટિકા, સ્રોતસ્ તથા મૂત્રનિર્માણપ્રક્રિયાનું વર્ણન મળે છે. કક્ષા, કિલાક્ષ, કુષ્ઠ, પર્વભેદ, ગંડમાલા, અપચિ, વિદ્રધિ, મૂત્રાઘાત, અર્શ, વાતીકાર (વાતરોગ), ઉન્માદ, રાજયક્ષ્મા, અશ્મરી, અનિદ્રા, મદ, મૂર્ચ્છા, ક્લૈબ્ય વગેરે રોગો; તેમના પ્રકારો અને કારણોનું પણ વર્ણન મળે છે. કૃમિનો પણ તેમાં ઉલ્લેખ છે. ઉપરાંત કૃમિનું વર્ગીકરણ, આકૃતિ, પ્રકારો અને અત્યંત સૂક્ષ્મ બીજરૂપ કૃમિનો પણ ઉલ્લેખ છે. રાક્ષસ અને પિશાચ જેવા શબ્દો અદૃશ્ય કૃમિ માટે પ્રયોજ્યા છે. કૃમિઘ્ન ઉપાયો છે. ચિકિત્સા અને તેના પ્રકારો, પ્રસૂતિ, સ્ત્રીશરીર, શલ્ય અને શાલાક્ય-(surgery)નું વર્ણન છે. અથર્વવેદમાં વનસ્પતિઓ, તેમનું વર્ગીકરણ અને ઉપયોગોની માહિતી છે. તેમનાં વર્ણ, પત્ર, પુષ્પ, ફલ, કાંડ વગેરે રચનાનું વર્ણન છે. ઉદુંબર (ઊમરો), અશ્વત્થ (પીપળો), ગુગ્ગુલુ, રસવંતી, પિપ્પલી, અમૃતા (ગળો), હરિદ્રા, બ્રાહ્મી, અપરાજિતા, અભયા (હરડે) વગેરે 3,૦૦૦ જેટલી ઔષધિઓનો તેમાં ઉલ્લેખ મળે છે.
બ્રાહ્મણ ગ્રંથો : સમય જતાં વેદની વ્યાખ્યા રૂપે બ્રાહ્મણ ગ્રંથોનો ઉદય થયો. તેમાં ઋતુસંધિમાં થનાર રોગો, તેમની ચિકિત્સા તેમજ યજ્ઞ દ્વારા રોગનિવારણ (ઔષધિયજ્ઞ) વગેરેનું વર્ણન મળે છે. પછી સંહિતાકાળમાં આયુર્વેદનો અત્યંત પ્રાચીન ગ્રંથ ચરકસંહિતા (ઈ. સ. પૂ. આશરે 3000 વર્ષ) લખાયેલો મળે છે. તેના પ્રવક્તા ભગવાન આત્રેય છે. શિષ્ય અગ્નિવેશ સાથે પ્રશ્નોતર સ્વરૂપે સમગ્ર ગ્રંથની રચના થયેલી છે. કાયચિકિત્સામાં અગ્નિવેશતંત્ર પ્રસિદ્ધ હતું. પ્રસિદ્ધ ચરકસંહિતા તે તેનું ચરકે કરેલું સંસ્કરણ છે. ધન્વંતરિ પરંપરામાંથી આવનાર શિષ્યોમાંના સુશ્રુતે સુશ્રુતસંહિતા રચી. તેમાં શલ્યતંત્ર અને શાલાક્યતંત્રની પ્રધાનતા છે. કશ્યપ ઋષિએ અથવા તેમના શિષ્યોએ રચેલી સંહિતા તે કશ્યપસંહિતા કહેવાય છે. આ બધી સંહિતાઓ ઈ. સ. પૂ. એક હજારની રચનાઓ મનાય છે. આ કાળમાં આયુર્વેદનાં આઠ અંગો – કાયચિકિત્સા, બાલચિકિત્સા, ઊર્ધ્વાંગચિકિત્સા, શલ્ય-ચિકિત્સા, વિષચિકિત્સા, રસાયણચિકિત્સા અને વાજીકરણચિકિત્સા–નો વિકાસ થયો હતો. શરીરવિજ્ઞાન (anatomy) અને દેહધર્મવિજ્ઞાન (physiology), હેતુવિજ્ઞાન (aetiology અને pathology), ઔષધવિજ્ઞાન, વૈદ્ય તથા વૈદ્યશાસ્ત્રના નિયમો ઇત્યાદિ વિષયવિભાગ સંહિતાઓમાં મળે છે. રોગોનું વર્ગીકરણ, ચિકિત્સાનું વર્ગીકરણ તથા સિદ્ધાંતોનો વિકાસ થયો હતો. એ જ સમયની આસપાસ હારિતસંહિતા, ભેલસંહિતા, જતુકર્ણસંહિતા, પરાશરસંહિતા, ક્ષારપાણિસંહિતા તેમજ શલ્યતંત્રમાં ઔષધેનવ તંત્ર, ઔરભ્ર તંત્ર, વૈતરણ તંત્ર, શાલાક્યમાં વિદેહ તંત્ર, નિમિ તંત્ર, શૌનક તંત્ર વગેરે સંહિતાઓની રચના થઈ હતી. તેમાંથી બહુ ઓછા ગ્રંથો આજે ઉપલબ્ધ છે.
પુરાણકાળ ઈ. સ. પૂ. 5000 BCથી 500 વર્ષ સુધીનો મનાય છે. ત્યારે આયુર્વેદનો પ્રચાર આ દેશમાં ખૂબ જ હતો. રામાયણકાળમાં સંજીવનીનો પ્રયોગ લોકો જાણતા હતા. ઋષિના શાપથી ઇન્દ્રના વૃષણ નકામા થયા ત્યારે તેમને મેષવૃષણ લગાડ્યા હતા એવો ઉલ્લેખ મળે છે. પંચકર્મમાં હાલ વપરાતી તૈલ-દ્રોણીમાં રાજા દશરથનું શબ આઠ દિવસ સુધી સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. મહાભારતમાં આયુર્વેદનાં આઠ અંગોનો ઉલ્લેખ છે. માનસરોગ અને શરીરરોગનું સ્પષ્ટ વિભાજન છે. યુદ્ધમાં રાજાઓ સાથે વૈદ્યો પણ રહેતા. શરશય્યા પર ઘાયલ ભીષ્મ પાસે શલ્યચિકિત્સકોને લઈ દુર્યોધન પહોંચી ગયાનો ઉલ્લેખ છે.
બુદ્ધકાળ : સામાન્ય રીતે બુદ્ધકાળ ઈ. સ. પૂ. 600 થી 300 સુધીનો માનવામાં આવે છે. તે સમયે જીવક નામનો પ્રસિદ્ધ ચિકિત્સક થયાના અને કેટલીક આશ્ચર્યકારક કથાઓના સંદર્ભો મળે છે. બુદ્ધકાળમાં થયેલી ધાર્મિક ક્રાંતિમાં પરલોક, મૃત્યુ પછી જીવનું અસ્તિત્વ, કર્મવિપાક વગેરેની ચર્ચાનો પ્રારંભ થયો હતો. તેનો આયુર્વેદિક ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. મધ્ય એશિયામાંથી મળેલ ‘નાવનીતકમ્’ ગ્રંથમાં (વૈદ્ય વાચસ્પતિ તેને ઈ. સ. પૂ. 5૦૦નો માને છે) લશુનકલ્પનો ઉલ્લેખ છે. બીજા ગ્રંથ ‘સદધર્મપુંડરીક’માં વનસ્પતિ, તૃણ, ગુલ્મ ઇત્યાદિનો ઉલ્લેખ છે, જે ચરકના ઔષધિ-વર્ગીકરણ સાથે જોવા મળે છે. આ ગ્રંથમાં વાત, પિત્ત, કફ અને સત્વ, રજસ, તમસનું વર્ણન મળે છે. ત્રીજો ગ્રંથ ‘વિનયપિટક’ છે. તેમાં વાતરોગની સ્નેહચિકિત્સાનો બુદ્ધે ઉલ્લેખ કર્યાનું જણાવ્યું છે. સંકર સ્વેદ, મહાસ્વેદ, ઉદકકોષ્ઠ સ્વેદ, અશ્મઘન સ્વેદ, કર્ષુ સ્વેદ અને જેંટાક સ્વેદ સાથે મળતું આવે છે. વાતરક્ત માટે રક્તમોક્ષણ કરવામાં આવતું હતું. શસ્ત્રકર્મોના પણ તેમાં ઉલ્લેખ છે.
મધ્યકાળ : ઈ. સ.નો આશરે 65૦થી 1600 નો કાળ. આ સમયમાં વાગ્ભટ નામના વિદ્વાન આચાર્યે ‘અષ્ટાંગસંગ્રહ’ અને ‘અષ્ટાંગહૃદય’ની રચના કરી હતી. કેટલાક વિદ્વાનો બૃહદ્ વાગ્ભટ તથા દ્વિતીય વાગ્ભટ, બે અલગ વ્યક્તિ માને છે. આ બે આચાર્યો ચોથી અથવા છઠ્ઠી સદીમાં થયા હતા. અષ્ટાંગહૃદય સંહિતાને આયુર્વેદની ‘બૃહતત્રયી’(ચરકસંહિતા, સુશ્રુતસંહિતા ને અષ્ટાંગહૃદયસંહિતા – એ ત્રણ)માં સ્થાન મળ્યું. ‘ચરકસંહિતા’નો કાયચિકિત્સા વિષય તથા ‘સુશ્રુતસંહિતા’નો શલ્ય-શાલાક્યનો વિષય — એ બંનેનો સમુચિત સમાવેશ કરી સંપૂર્ણ ગ્રંથ શ્લોકોમાં નિર્માણ કર્યો છે. મધ્યકાળમાં શારંગધરસંહિતા, માધવનિદાન અને ભાવપ્રકાશ-સંહિતા એ ત્રણ મહત્વના ગ્રંથો છે. એને ‘લઘુત્રયી’ કહેવામાં આવે છે. શારંગધર બારમી સદીમાં થયા. તેમણે ઔષધિકલ્પોને પ્રથમ વાર પ્રાધાન્ય આપી ગ્રંથરચનામાં આમૂલાગ્ર ફેરફાર કર્યો અને ગ્રંથ ખંડપ્રથાથી લખ્યો. ‘માધવનિદાન’ રોગનિદાન ઉપર લખેલો ગ્રંથ છે. આ ગ્રંથ ઈ. સ.ની સાતમી કે આઠમી સદીનો અથવા તેની પૂર્વેનો પણ માનવામાં આવે છે. માધવકારે સર્વપ્રથમ સર્વ રોગો ઉપર નિદાન, પૂર્વરૂપ, રૂપ, ઉપશમ, સંપ્રાપ્તિભેદ વગેરે મૂળ સિદ્ધાંતો સમો ગ્રંથ લખ્યો. આજે પણ આ અમૂલ્ય ગ્રંથ પાઠ્યગ્રંથોમાં પ્રચલિત છે. પં. ભાવમિશ્ર 16મી સદીના અંતે થયેલા. તેમણે ‘ભાવપ્રકાશસંહિતા’ લખી. તેમના નિઘંટુ પ્રકરણમાં અનેક દ્રવ્યોનું વિસ્તૃત વર્ણન છે.
મધ્યકાળમાં મૂળસંહિતા ઉપર ટીકાગ્રંથો, એટલે વ્યાખ્યાકારક ગ્રંથો ઘણા લખાયા. ચરકસંહિતા ઉપર ભટ્ટાર, હરિશ્ચન્દ્ર, સ્વામીદાસ (8-9મી સદી), સુધીર (9મી સદી), ચંદ્રહ, ઈશ્વરસેન (10મી સદી) વગેરેએ ટીકા લખી. સુશ્રુત ઉપર ગયદાસ, ચક્રપાણિ (11મી સદી), ડલ્હણ (12મી સદી); અષ્ટાંગસંગ્રહ ઉપર ઇંદુ અને અષ્ટાંગહૃદય ઉપર અરુણ દત્ત તથા હેમાદ્રિ (13મી સદી); શારંગધર ઉપર આઢમલ્લ (14મી સદી) વગેરેએ ટીકાઓ આપી છે.
આ સમયમાં દ્રવ્યગુણ (વનસ્પતિઓ) ઉપર ઘણા ગ્રંથો ‘નિઘંટુ’ નામે નિર્માણ થયા હતા. ધન્વંતરિ નિઘંટુ (10મી સદી), મદલનપાલ નિઘંટુ (1374), કૈયદેવ નિઘંટુ (1450), રાજ નિઘંટુ (17મી સદી) વગેરેની રચના થઈ હતી. તેમાં કૈયદેવ ગુજરાતના હતા.
આયુર્વેદમાં રસશાસ્ત્રનો પ્રવેશ મધ્યકાળમાં થયો તેને મોટી ક્રાંતિ ગણવામાં આવે છે. પારદ, ગંધક, લોહ આદિ સાત ધાતુ, રસ, મહારસ, ઉપરસ, રત્ન, ઉપરત્ન ખનિજો વગેરેનું શોધન, મારણ અને ભસ્મવિધિની કલ્પનાઓ કરી તેનો ચિકિત્સામાં ઉપયોગ શરૂ થયો. નાગાર્જુન નામનો પ્રસિદ્ધ રસાયનાચાર્ય 8મી-1૦મી સદીમાં થયો હતો. તેણે રસશાસ્ત્રના આશ્ચર્યકારક પ્રયોગો કર્યા છે. આ કાળમાં રસહૃદયતંત્ર (10મી સદી), રસાર્ણવ (12મી સદી), રસરત્ન સમુચ્ચય (13મી સદી), રસરાજલક્ષ્મી (14મી સદી), રસપદ્ધતિ (15મી સદી), રસેન્દ્રચિંતામણિ (16મી સદી) વગેરે ગ્રંથોની રચના થઈ. 9મીથી 11મી સદીમાં જૂનાગઢનિવાસી યશોધર ભટ્ટે ‘રસપ્રકાશસુધાકર’ નામક ગ્રંથ લખ્યો છે.
આ અરસામાં ભારત ઉપર મુઘલોએ આક્રમણ કર્યું (ઈ. સ. 1200 થી 1750). મુઘલોની વિલાસિતાના કારણે રસ-રસાયણોનો ઘણો વિકાસ થયો. વળી ગોશાપદ્ધતિ(બુરખા)ને કારણે નાડીવિજ્ઞાનનું પણ મહત્વ વધી ગયું. હકીમો સાથે વૈદ્યોનો સંસર્ગ થતાં મિશ્ર ચિકિત્સાપદ્ધતિ ઊભી થઈ. ઈ. સ. 1750પછી બ્રિટિશ સમયમાં અંગ્રેજી ફાર્મસી પ્રકારની આયુર્વેદ ફાર્મસીઓનું પણ નિર્માણ થયું. કૉલકાતાની ડાબર (1833), વૈદ્યનાથ (1918); મુંબઈની પનવેલ, ઝંડુ; ગુજરાતની ઊંઝા વગેરે ફાર્મસીઓ અસ્તિત્વમાં આવી.
સ્વસ્થવૃત્ત : સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યના રક્ષણ માટે આવશ્યક આચરણનો ઉલ્લેખ જે શાસ્ત્રમાં થયેલો છે તેને સ્વસ્થવૃત્ત કહેવામાં આવે છે. નીચેના શ્લોકોમાં સ્વસ્થ વ્યક્તિનું વર્ણન આપ્યું છે :
समदोषः समाग्निश्च समधातुमलक्रियः ।
प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्याभीधियते ।।
જેના વાત, પિત્ત અને કફ એ ત્રણ દોષો સમાન હોય, અગ્નિ પણ સમાન હોય અને રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એ સપ્તધાતુઓ તથા મળોની ક્રિયા સરખી હોય તથા જેનાં આત્મા, ઇન્દ્રિય અને મન પ્રસન્ન હોય તેવી વ્યક્તિ ‘સ્વસ્થ’ કહેવાય છે. દીર્ઘાયુષ્યની પ્રાપ્તિ અને સામાજિક હિતો સારુ ઉત્તમ કાર્ય કરવાની ક્ષમતાને સ્વસ્થાવસ્થા કહે છે.
વાત, પિત્ત અને કફ એ ત્રણ શારીરિક દોષોનાં કર્મોને આધારે દરેકના પાંચ પાંચ ભેદ પણ પાડવામાં આવ્યા છે, જે સ્થાન અને ગુણ પરત્વે વિભાજિત છે. પ્રત્યેક પ્રકારના દોષભેદો સમત્વની સ્થિતિમાં રહે તે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દોષાદિકોની સમતા જાળવવા માટે સમ્યગ ઉત્પત્તિ, સ્થિતિ અને સંવહનની વ્યવસ્થા પ્રાકૃત રૂપે હોવી જરૂરી છે. તેમાં પાચન, નિર્માણ અને નિયંત્રણ – એ ત્રણેયની આવશ્યકતા રહે છે. દેહમાં કફ શરીરને બનાવનાર ભાવ, પિત્ત પાચક ભાવ અને વાયુ નિયંત્રક-સંચાલક ભાવ છે. તેમાં નિયંત્રણ અધિક મહત્વનું હોવાથી વાયુને ત્રિદોષોમાં સર્વોપરી માન્યો છે.
ધાતુઓ અને મળોની સમતા પણ આરોગ્ય માટે આવશ્યક ભાવ છે.
ઇન્દ્રિયો અને મનની પ્રસન્નતા સામાન્ય રીતે શારીરિક અને વિશેષ રીતે માનસિક અનુભૂતિઓ સાથે સંકળાયેલ છે. તેથી આત્મા, ઇન્દ્રિયો અને મનની પ્રસન્નતા માનસિક સ્વસ્થતાને વ્યક્ત કરે છે.
દિન-રાત્રિ અને ઋતુચર્યાનો નિર્દેશ સર્વસામાન્ય વ્યક્તિ માટે કરેલ હોવા છતાં પ્રત્યેકે પોતપોતાની પ્રકૃતિ અનુસાર તેનું પાલન કરવાનું જણાવ્યું છે. ઋતુકાળ અનુસાર મનુષ્યની રોગપ્રતિકારક શક્તિમાં વૃદ્ધિ અને હ્રાસ થયા કરે છે. આદાન-વિસર્ગ કાળના ક્રમ મુજબ આદિ અને અંતમાં પ્રાબલ્ય, મધ્યકાળમાં મધ્યમ બળ તથા આદાનાન્ત અને વિસર્ગના આદિ કાળમાં બળ ઉત્કૃષ્ટ હોય છે.
દૈનિક કાર્યોમાં બ્રાહ્મમુહૂર્તમાં ઇન્દ્રિયોની બલપ્રાપ્તિ માટેના કેટલાક સુંદર પ્રયોગોનું નિરૂપણ અને માહાત્મ્ય સમજાવેલ છે. નેત્રરક્ષા માટે અંજનાદિ, પ્રાણ માટે નસ્યાદિ, જિહવા માટે સ્નેહગંડૂષાદિ, કર્ણ માટે કર્ણતર્પણાદિ અને સમસ્ત શરીરની ત્વચા માટે સ્નેહન-અભ્યંગ-ઉદવર્તનાદિ વિધિઓનો સમાવેશ આ સ્વસ્થવૃત્તમાં કરેલ છે.
રોગી વ્યક્તિને રોગમાંથી મુક્તિનો સિદ્ધાન્ત પણ સ્વસ્થવૃત્તમાં દર્શાવેલ છે. સ્વાસ્થ્યના નિયમોનો ભંગ થવાનાં કારણોને પ્રજ્ઞાપરાધ ગણવામાં આવેલ છે. હીન, અતિ અને મિથ્યા – એમ ત્રણ પ્રકારના યોગથી થતા પ્રજ્ઞાપરાધને લીધે શરીર ઉપર પ્રતિકૂળ અસર પડે છે. સ્વસ્થવૃત્તમાં રોગી અને નીરોગી વ્યક્તિનાં લક્ષણોનું અને તેનાં સુખદુ:ખાદિ પરિણામોનું વર્ણન પણ જોવા મળે છે; પરંતુ વ્યક્તિ રોગપીડિત જ ન બને એ અધિક મહત્વનું છે. તેથી તો રોગ મટાડવાની અપેક્ષાએ રોગને ઉત્પન્ન થવા જ ન દેવો તે એનું વિશેષ પ્રયોજન બતાવ્યું છે. તેમાં સદાચરણના વિસ્તૃત નિયમો તથા ઉપાયો દર્શાવ્યા છે.
દેશ, કાળ અને ઋતુઓનો શરીર પર પ્રભાવ અને તેનાથી રક્ષાના ઉપાય; પ્રજ્ઞાપરાધ દ્વારા રોગોની ઉત્પત્તિ; પ્રજ્ઞાપરાધ ન કરવાનો ઉપદેશ; ઇન્દ્રિયાર્થોનો પ્રાકૃત તેમજ ઉચિત માત્રામાં સંયોગ; સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે વિવિધ પ્રકારના આહારવિહાર તથા અસ્વાસ્થ્યકર ભાવોની સૂચના આપીને તેમાંથી બચવાના ઉપાય; દેવ, ગુરુ અને વડીલનું સન્માન તથા પૂજન; દાન, દયા, શીલ, ધર્મ, સત્ય, બ્રહ્મચર્ય, કૃતજ્ઞતા અને મૈત્રી વગેરે ઉપરાંત ગ્રહોની કુદૃષ્ટિથી ઉત્પન્ન થનારા રોગોથી શરીરની રક્ષા કરવી ઇત્યાદિની સમજૂતી સ્વસ્થવૃત્તમાં આપેલી છે.
ઉપસ્તંભ : આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય – એ શરીરના ત્રણ ઉપસ્તંભો છે.
શુક્ર અને શોણિત આહારનું પરિણામ હોવાથી આહારને પ્રાણીમાત્રનું મૂળ કહ્યો છે. બળ એટલે કર્મસાધક શક્તિનો આધાર આહાર છે. તેના અભાવમાં શરીરની કાંતિ ઘટે છે અને પ્રાકૃત વર્ણ પણ બદલાઈ જાય છે. શારીરિક અને માનસિક ગુણો અન્ન-આહાર પર અવલંબે છે.
દેહને ટકાવવા નિદ્રાની પણ આવશ્યકતા છે. આહાર અને નિદ્રા બંને આરોગ્ય આપે છે. આરોગ્ય ઉપરાંત પુષ્ટિ, કૃશતા, બળ, દૌર્બલ્ય, શુક્ર, જ્ઞાન, અજ્ઞાન તથા જીવન અને મૃત્યુ નિદ્રાને અધીન છે. દિવસની નિદ્રા ઉચિત ગણી છે, પરંતુ એકાદ મુહૂર્તથી વિશેષ નિદ્રા દિવસ દરમિયાન પાપરૂપ ગણી છે.
દેહધારીઓમાં બુભુક્ષા, પિપાસા અને નિદ્રાને સ્વાભાવિક ગણી છે તેમ મૈથુન પણ કુદરતી છે. શ્રીમદભાગવતમાં પણ જીવનમાં વ્યવાયની સ્વાભાવિકતાનો એકરાર કર્યો છે; પરંતુ બ્રહ્મચર્યની મહત્તા અવગણવાની નથી. શુક્રને યુક્તિપૂર્વક બચાવનાર બ્રહ્મચારી જ ગણાય. આહાર અને નિદ્રાની માફક બ્રહ્મચર્ય દેહને બળ, વર્ણ અને ઉપચયથી યુક્ત બનાવે છે.
ઋતુચર્ચા એટલે શિયાળો, ઉનાળો, અને વર્ષાઋતુ – એ ત્રણેયમાં યોગ્ય આહારવિહારનું આયોજન કરી નીરોગી રહેવું તે.
શરીરને રોગમુક્ત રાખવા માટેના નિયમો અને સિદ્ધાંતો સાર્વત્રિક અને સાર્વજનિક હોવાથી આમાં જનસ્વાસ્થ્યનો વિચાર પણ રજૂ થયેલો છે. અતિશય સંકુલ જીવનમાં રોગોની સંક્રામકતામાં વૃદ્ધિ થતી ગઈ છે. જનસ્વાસ્થ્યનો ઉદ્દેશ ફકત રોગોને રોકવા પૂરતો જ નથી, પરંતુ રોગમુક્તિ પછી રોગીનું પુન:સ્થાપન, જીવિકા-ઉપાર્જનનો પ્રબંધ અને પારિવારિક વ્યવસ્થા માટેનાં યોગ્ય સાધનોની ઉપલબ્ધિ ઇત્યાદિ કાર્યોનો પણ તેમાં સમાવેશ થાય છે. આ હેતુસર વર્તમાનમાં જનસ્વાસ્થ્ય વિભાગ, ચિકિત્સા વિભાગ અને જનસેવા વિભાગ સંયુક્ત રીતે કાર્ય કરતા હોય છે.
આયુર્વેદ શિક્ષણ : ‘ચરકસંહિતા’ના સમયથી અધ્યયન-અધ્યાપન અંગે વિસ્તૃત ઉલ્લેખો મળે છે. શાસ્ત્રપરીક્ષા, ગુરુપરીક્ષા, શિષ્યપરીક્ષા, શિષ્યોપનયન (વિદ્યાર્થીનો ગુરુકુલમાં પ્રવેશ) વગેરે બાબતોનું વર્ણન આયુર્વેદ વાઙ્મયમાં મળે છે. શાસ્ત્રચર્ચાપરિષદ, તદવિદ્સંભાષા, વિગૃહ્ય સંભાષા, પારિભાષિક શબ્દો વગેરેનો વિચાર થયેલો છે. આત્રેયથી માંડી આજ દિન સુધી પિતા-પુત્ર અને ગુરુ-શિષ્યની પરંપરા દ્વારા આયુર્વેદ ટકી રહેલ છે. પછી ગુરુકુલ-પદ્ધતિ શરૂ થતાં એક ગુરુ અને અનેક શિષ્યોવાળા વિદ્યાલયની પ્રથા અસ્તિત્વમાં આવી. છેલ્લે વિશ્વવિદ્યાલય-પદ્ધતિમાં એક શિક્ષણ-સંસ્થામાં અનેક ગુરુઓવાળી વ્યવસ્થા જન્મી.
પ્રાગૈતિહાસિક કાળમાં પહેલી બે પદ્ધતિઓ હતી. આત્રેયના શિષ્યોની પરંપરા, ધન્વંતરિના શિષ્યોની પરંપરા, કશ્યપના શિષ્યોની પરંપરા પ્રસિદ્ધ છે. આધુનિક કાળમાં પણ કવિરાજ ગંગાધર સેનના શિષ્યો કારણચંદ્ર ચક્રવર્તી, યોગીન્દ્રનાથ સેન વગેરે પ્રસિદ્ધ વૈદ્યો થયા છે.
પિતા દ્વારા પુત્રને શિક્ષણ મળે તેને ગુપ્તકાળમાં ‘આપ્ત’ અથવા ‘મૌલી’ ભિષક્ કહેવામાં આવતું હતું.
પ્રાચીન કાળમાં ગુરુકુલ અને વિશ્વવિદ્યાલય-પદ્ધતિ પણ અસ્તિત્વમાં હતી. ભારતના વાયવ્ય પ્રાંતમાં તક્ષશિલા નામક મહાન વિશ્વવિદ્યાલય હતું (ઈ. સ. પૂ. 7મી સદી). પ્રસિદ્ધ વૈદ્ય જીવકે ત્યાં 7 વર્ષ અધ્યયન કરેલું. તેના ગુરુ ભિક્ષુ આત્રેય હતા. બીજું વિશ્વવિદ્યાલય મગધમાં નાલંદા (4134-55) હતું. તે આશરે 1200 વર્ષ સુધી અસ્તિત્વમાં હતું. આ વિશ્વવિદ્યાલયો મુઘલ આક્રમણથી નષ્ટ થયાં. તેમાં રસશાસ્ત્ર અને ધાતુવિદ્યાનું પણ શિક્ષણ અપાતું. ત્રીજું વિશ્વવિદ્યાલય પાલ રાજાના સંરક્ષણમાં વિક્રમશીલા(ભાગલપુર-બિહાર)માં હતું. કાશીમાં શલ્યપ્રધાન આયુર્વેદ વિદ્યાપીઠ હતી. તેમાં કાશીપતિ દિવોદાસ કુલપતિ તરીકે હતા. તે ધન્વંતરિ નામથી પ્રસિદ્ધ છે.
મહાવિદ્યાલય-પદ્ધતિ : બ્રિટિશ શાસન દરમિયાન 1907માં શંકર દાજી શાસ્ત્રીના અધ્યક્ષપદે અખિલ ભારતીય આયુર્વેદ મહાસંમેલનની સ્થાપના થઈ. 1908માં આયુર્વેદ વિદ્યાપીઠની સ્થાપના થઈ અને તેણે વિધિસર પરીક્ષાઓ 1912માં લીધી. 1916 મહારાષ્ટ્ર)માં આયુર્વેદ કૉલેજ સ્થપાઈ. 1908માં મૈસૂરના મહારાજાએ આયુર્વેદ કૉલેજની સ્થાપના કરી. કેરળમાં તિરુઅનન્તપુરના રાજાએ પણ સરકારી આયુર્વેદ કૉલેજ સ્થાપી. 1916માં ગુરુકુલ આયુર્વેદ કૉલેજ કાંગડીમાં, 1920માં તિલક આયુર્વેદ મહાવિદ્યાલય પુણેમાં, 1921માં તિબ્બિયા મેડિકલ ઍન્ડ આયુર્વેદ કૉલેજ દિલ્હીમાં (જેનું ઉદઘાટન મહાત્મા ગાંધીએ કર્યું હતું) અને 1925માં રાજકીય સ્કૂલ ઑવ્ ઇન્ડિયન મેડિસિન, ચેન્નાઈમાં એમ અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી 1965 જયપુરમાં મહારાજા રામસિંહે સ્થાપેલી સંસ્કૃત કૉલેજમાં આયુર્વેદનું અધ્યયન ચાલતું હતું. મદનમોહન માલવીયજી દ્વારા પ્રસ્થાપિત કાશી હિંદુ વિશ્વવિદ્યાલયમાં 1927માં આયુર્વેદ કૉલેજની વિધિસર સ્થાપના થઈ.
1926માં લખનૌમાં ‘ભારતીય ચિકિત્સા પરિષદ’ ભરાઈ. 1939માં વિધિપૂર્વક ઇન્ડિયન મેડિસિન ઍક્ટ પસાર થયો. 1954માં રાજકીય આયુર્વેદ કૉલેજ લખનૌમાં સ્થપાઈ.
1947 પછી દેશમાં અનેક આયુર્વેદ કૉલેજોની સ્થાપના થઈ. 2020 સુધીમાં સ્નાતકનો અભ્યાસ ચલાવતી કૉલેજોની સંખ્યા 250 જેટલી છે. 2014 પછી આયુષ મંત્રાલયની શરૂઆત થઈ છે, જેના મારફત આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, સિદ્ધા અને હોમિયોપથીનો વિકાસ કરવાનું ધ્યેય છે. એ માટે 1500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું.
સરકારના આંકડા પ્રમાણે 2015માં દેશભરમાં આયુર્વેદ અને હોમિયોપથીની પ્રૅક્ટિસ કરતા નિષ્ણાતોની સંખ્યા આઠથી 10 લાખની છે. ‘આયુષ’ દવાઓનું માર્કેટ 3 અબજ ડૉલરે પહોંચ્યું છે. આયુષની 40 કરોડ ડૉલરની દવા-ચીજવસ્તુઓની નિકાસ થાય છે.
ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કૉલેજ 1923માં પાટણમાં સ્થપાઈ. સૂરતમાં 1924માં, નડિયાદમાં 1938માં અને જામનગરમાં 1946માં આયુર્વેદ કૉલેજ થઈ. આયુર્વેદમાં સ્નાતકોત્તર શિક્ષણ સર્વપ્રથમ 1936માં જામનગરમાં શરૂ થયું. તે પછી 1963માં સ્નાતકોત્તર શિક્ષણનો બીજે પ્રારંભ થયો. ભારતભરમાં સર્વપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી જામનગરમાં 1967માં સ્થપાઈ. ગુજરાતમાં આયુર્વેદ-શિક્ષણની બધી પ્રવૃત્તિઓ આ યુનિવર્સિટી ચલાવે છે.
197૦માં ભારત સરકારે સંસદમાં ‘ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ ઍક્ટ’ પસાર કર્યો. અને ‘ભારતીય ચિકિત્સા પરિષદ’ની સ્થાપના કરવામાં આવી. આ પરિષદ આયુર્વેદના શિક્ષણ અને વ્યવસાયનું નિયમન કરે છે. કેન્દ્રીય પરિષદના પ્રથમ અધ્યક્ષ સ્વ. પં. શિવશર્મા અને આયુર્વેદ સમિતિના પ્રથમ અધ્યક્ષ કવિરાજ આશુતોષ મજુમદાર રહ્યા હતા.
આયુર્વેદ શિક્ષણપદ્ધતિ : એમાં સતત ફેરફાર થતા રહ્યા. પ્રાચીન કાલમાં સંહિતાપદ્ધતિ અસ્તિત્વમાં હતી અને વિદ્યાર્થીઓ ચરક, સુશ્રુત, કશ્યપ, વાગ્ભટ્ટ વગેરેની સંહિતાઓમાંથી પાઠ લેતા. ક્રમશ: એક પછી એક અધ્યાય દ્વારા અધ્યયન કરવામાં આવતું હતું. કાયચિકિત્સાપ્રધાન ગુરુઓ ચરકસંહિતા, શલ્યશાસ્ત્રપ્રધાન ગુરુઓ સુશ્રુતસંહિતા અને બાલરોગપ્રધાન ગુરુઓ કાશ્યપસંહિતાનું અધ્યયન કરાવતા.
સમય જતાં સંહિતાપ્રધાન પ્રણાલિકાને બદલે વિષયપ્રધાન પદ્ધતિ અસ્તિત્વમાં આવી. આયુર્વેદ કૉલેજોની સ્થાપના થતાં સંહિતા-પ્રધાન શિક્ષણ લુપ્ત થયું. હાલ મેડિકલ કૉલેજોની માફક શરીરરચના, શરીરક્રિયાવિજ્ઞાન, રોગવિજ્ઞાન, ચિકિત્સાવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન, રસશાસ્ત્ર, દ્રવ્યગુણશાસ્ત્ર, સ્ત્રીરોગવિજ્ઞાન, પ્રસૂતિવિજ્ઞાન, કૌમારભૃત્ય, વિષતંત્ર, પંચકર્મવિજ્ઞાન વગેરે વિષયોના આધાર પર શિક્ષણ આપવામાં આવે છે. જોકે આ પાઠ્યક્રમમાં ચરક, સુશ્રુત, અષ્ટાંગહૃદય વગેરે સંહિતાઓ પણ નિયત થાય છે. દરેક કૉલેજમાં પોતાની હૉસ્પિટલ હોય છે જ્યાં ચિકિત્સાવિષયસંબંધી પ્રત્યક્ષ જ્ઞાન વિદ્યાર્થીઓને અધ્યાપકો દ્વારા મળે છે. તેમાં ફાર્મસી વિભાગ દ્વારા રસશાસ્ત્ર અને ઔષધનિર્માણનું પ્રથમ જ્ઞાન અપાય છે. દરેક કૉલેજમાં દ્રવ્યગુણ માટે મ્યુઝિયમ તેમજ પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા હોય છે. લૅબોરેટરી, એક્સ-રે વિભાગ તથા શલ્યવિભાગમાં તે તે વિષયોનું જ્ઞાન આપવામાં આવે છે.
શુદ્ધ–મિશ્ર પદ્ધતિઓ : કૉલેજોમાં વિષયપ્રધાન પ્રણાલીનો આરંભ થતાં તેમાં આધુનિક વૈદકશાસ્ત્રના વિષયો પણ ભણાવવાનું શરૂ કરવામાં આવેલું. આચાર્ય ગણનાથ સેન, આચાર્ય યાદવજી ત્રિકમજી અને કૅપ્ટન શ્રીનિવાસ મૂર્તિ મિશ્રપદ્ધતિના પુરસ્કર્તા હતા. એમની માન્યતા મુજબ આયુર્વેદના વિષયોની સાથે ઍલૉપથીના વિષયો પણ સમાંતર ભણાવવા જોઈએ. આ કૉલેજમાં ઇન્ટર સાયન્સ પછી પ્રવેશ અપાતો. સમય જતાં આધુનિક વિજ્ઞાનનું પ્રમાણ વધી ગયું. આયુર્વેદના વિદ્યાર્થીઓ ઍલૉપથીના ડૉક્ટરોનો સમાન અધિકાર માગવા લાગ્યા. સમાધાન ન થતાં 196૦માં સર્વપ્રથમ કાશીની કૉલેજ બંધ થઈ. 1952માં મુંબઈમાં સરકારે શુદ્ધ આયુર્વેદ પાઠ્યક્રમનો પ્રારંભ કર્યો. 1958માં ભારત સરકારે નિયુક્ત કરેલ ઉડૂપા સમિતિએ પણ આ અભ્યાસક્રમની ભલામણ કરી. 196૦માં ભારત સરકારના યોજનામંત્રી ગુલઝારીલાલ નંદાના અધ્યક્ષપદે આ સમિતિએ શુદ્ધ આયુર્વેદનો ચાર વર્ષનો અભ્યાસક્રમ ડિપ્લોમા માટે સૂચવ્યો. 1962માં મહાબળેશ્વરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિષદની સભા થઈ અને તેમાં શુદ્ધ આયુર્વેદના પાઠ્યક્રમનો નિર્ણય લેવાયો. 1963ના જાન્યુઆરીની પહેલી તારીખે ગુજરાતના તે વખતના આરોગ્યમંત્રી સ્વ. મોહનલાલ વ્યાસની અધ્યક્ષતામાં આયુર્વેદ સમિતિની સ્થાપના થઈ. પં. શિવશર્માના માર્ગદર્શન નીચે સમિતિએ આયુર્વેદનો પાઠ્યક્રમ બનાવ્યો અને ભારત સરકારને પ્રસ્તુત કર્યો. સરકારે બધાં રાજ્યોને તે મોકલી આપેલો. તે શિક્ષણક્રમના પુરસ્કર્તામાં પં. શિવશર્મા ઉપરાંત પં. હરિદત્ત શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, મોરારજી દેસાઈ વગેરે હતા. આ ડિપ્લોમા પાઠ્યક્રમને સફળતા ન મળી. ત્યારબાદ કેન્દ્રીય ચિકિત્સા પરિષદે બી. એ. એમ. એસ.નો પાંચ વર્ષનો ડિગ્રી પાઠ્યક્રમ તજજ્ઞ સમિતિ મારફત તૈયાર કરાવ્યો. તેમાં આયુર્વેદના વિષયો વિસ્તારથી ભણાવવામાં આવે છે. સાથે આધુનિક વિજ્ઞાનનું શિક્ષણ પણ અપાય છે. હાલ સમગ્ર ભારતમાં આ અભ્યાસક્રમ ચાલુ છે.
આ રીતે આયુર્વેદના શિક્ષણક્ષેત્રે નીચે પ્રમાણે પરિવર્તનો થયાં :
સંહિતાયુગ (અતિ પ્રાચીન સમય)
અષ્ટાંગયુગ (1900 થી 1925 )
સંધિયુગ (1925 થી 1935)
મિશ્રયુગ (1935 થી 1945)
સમન્વયયુગ (1945 થી 1955)
શુદ્ધ યુગ (1955 થી 1965)
રચનાત્મક યુગ (1965 થી 1975)
ગુજરાતમાં સ્નાતકોત્તર પ્રશિક્ષણનું કેન્દ્ર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના અંતર્ગત કાર્ય કરે છે. બીજું અનુસ્નાતક કેન્દ્ર કાશીમાં છે. ઉપરાંત અનેક કૉલેજોમાં એક એક વિભાગમાં સ્નાતકોત્તર શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં અખંડાનંદ સરકારી આયુર્વેદ મહાવિદ્યાલયમાં ‘કાયચિકિત્સા’ માટે અનુસ્નાતક કેન્દ્ર છે. અનુસ્નાતક અભ્યાસ ત્રણ વર્ષનો હોય છે. બી.એ.એમ.એસ. પાસ થયેલા આ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
આયુર્વેદ વિભાગમાં આયુર્વેદ નર્સિંગ કૉર્સ પણ ગુજરાતમાં ચાલે છે. વિજ્ઞાન અને સંસ્કૃત સાથે 12મું ધોરણ પાસ કરનારને તેમાં પ્રવેશ મળે છે. તેમાં દર વર્ષે 1૦ વિદ્યાર્થિનીઓ લેવામાં આવે છે. તેમને શિષ્યવૃત્તિ અપાય છે. હાલમાં અખંડાનંદ સરકારી આયુર્વેદ કૉલેજમાં આ અભ્યાસક્રમ શિખવાડાય છે. ગુજરાતમાં આયુર્વેદ કમ્પાઉન્ડરનો ટ્રેનિંગ કૉર્સ પણ ચાલે છે. સરકારી આયુર્વેદ કૉલેજ, વડોદરામાં 2૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. બારમું ધોરણ પાસ થનારને ગુણવત્તાના ધોરણે પ્રવેશ અપાય છે. અભ્યાસક્રમ એક વર્ષનો હોય છે.
ભારતના અન્ય પ્રાંતો કરતાં ગુજરાતે આયુર્વેદના ક્ષેત્રમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે એમ મનાય છે.
શૈક્ષણિક સંસ્થાઓ : ગુજરાતના જામનગરમાં ભારતની સર્વપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી 1967માં સ્થપાયા બાદ હાલમાં ગુજરાતમાં 24 આયુર્વેદિક મહાવિદ્યાલયો તેની સાથે સંલગ્ન છે.
સરકારી કૉલેજો
ક્રમ |
નામ |
પ્રવેશ |
1. |
અખંડાનંદ આયુર્વેદ કૉલેજ, અમદાવાદ |
60 |
2. |
આયુર્વેદ કૉલેજ, વડોદરા |
60 |
3. |
જે. પી. શેઠ કૉલેજ, ભાવનગર |
60 |
4. |
આયુર્વેદ કૉલેજ, જૂનાગઢ |
60 |
5. |
આયુર્વેદ સાયન્સ કૉલેજ, ગાંધીનગર |
60 |
6. |
બાલ હનુમાન આયુર્વેદ કૉલેજ, મહેસાણા |
35 |
|
વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા |
335 |
બિન સરકારી કૉલેજો
ક્રમ |
નામ |
પ્રવેશ |
1. |
ગુલાબકુંવરબા આયુર્વેદ કૉલેજ, જામનગર |
90 |
2. |
ઓ. એચ. નઝર આયુર્વેદ કૉલેજ, સૂરત |
50 |
3. |
સ્વામિનારાયણ આયુર્વેદ કૉલેજ, કલોલ |
60 |
4. |
જે. એસ. આયુર્વેદ કૉલેજ, નડિયાદ |
100 |
5. |
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ, રાજકોટ |
60 |
6. |
જી. જે. પટેલ આયુર્વેદ કૉલેજ, આણંદ |
60 |
7. |
આયુર્વેદ કૉલેજ સુપેડી, રાજકોટ |
60 |
8. |
મુરલીધર આયુર્વેદ કૉલેજ, રાજકોટ |
60 |
9. |
નેત્રચિકિત્સા આયુર્વેદ કૉલેજ, અમરેલી |
60 |
10. |
નોબલ આયુર્વેદ કૉલેજ, જૂનાગઢ |
60 |
11. |
વી. એમ. મહેતા આયુર્વેદ કૉલેજ, રાજકોટ |
50 |
12. |
કે. જે. આયુર્વેદ કૉલેજ, વડોદરા |
60 |
13. |
મંજુશ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ગાંધીનગર |
100 |
14. |
આર એમ ડી આયુર્વેદ કૉલેજ, વાઘલધરા |
60 |
15. |
ધન્વંતરી આયુર્વેદ કૉલેજ, કોયડમ |
60 |
16. |
બીજી ગરૈયા આયુર્વેદ કૉલેજ, રાજકોટ |
50 |
17. |
ભાર્ગવ આયુર્વેદ કૉલેજ |
60 |
18. |
ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ આયુર્વેદ કૉલેજ |
60 |
|
વિદ્યાર્થીઓની કુલ સંખ્યા |
1160 |
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સિવાયની સંસ્થાઓ
ક્રમ |
નામ |
યુનિ. નામ |
પ્રવેશ |
1. |
પારુલ આયુ & રિસર્ચ |
પારુલ યુનિ. |
100 |
2. |
પારુલ આયુ ઇન્સ્ટિટ્યૂટ |
પારુલ યુનિ. |
100 |
3. |
આર કે યુનિવર્સિટી કૉલેજ |
આર કે યુનિ. |
60 |
|
વિદ્યાર્થીઓની કુલ સંખ્યા |
|
260 |
ઉપરની બધી કૉલેજોમાંથી પાસ થનાર છાત્રને સાડા પાંચ વર્ષના અભ્યાસાંતે B.A.M.S.(Bachelor of Ayurvedic Medicine & Surgery)ની સ્નાતક પદવી અપાય છે. આ ઉપરાંત જામનગર તથા અમદાવાદ ખાતે અનુસ્નાતક પદવી M.D.(‘આયુ’)નો 3 વર્ષનો અભ્યાસક્રમ થાય છે. જામનગરમાં ૨૫ તથા અમદાવાદમાં ૫વિદ્યાર્થીઓ અનુસ્નાતક અભ્યાસ માટે લેવાય છે.
આયુર્વેદ યુનિવર્સિટી (વિશ્વવિદ્યાલય), જામનગર : આ યુનિવર્સિટીનો પ્રારંભ તા. 5-1-1967 ના રોજ થયો, ત્યારે તેના પ્રથમ ઉપકુલપતિ આચાર્ય વિનાયક ઠાકર બન્યા હતા. 1991થી 1997 દરમિયાન ઉપકુલપતિ તરીકે બી. ટી. ત્રિવેદી હતા. 1998થી 2004 સુધી પી. એન. વી. કુરૂપ હતા. 2005થી 2008 સુધી એસ. એસ. સાવરિકટ, 2010થી 2013 સુધી મેધાવીલાલ શર્મા, 2013થી 2016 દરમિયાન રાજેશ કોટેચા અને 2016થી 2019 સંજીવ ઓઝા ઉપકુલપતિ રહ્યા હતા. ઈ. સ. 1983 થી આ યુનિવર્સિટીના ઉપકુલપતિ વી. આર. મહેતા હતા. આ યુનિવર્સિટી ભારત અને વિદેશોમાં આયુર્વેદના વૈજ્ઞાનિક શિક્ષણપ્રચાર, પ્રસાર તથા સંશોધનનું મહત્વનું કાર્ય કરે છે. દર વર્ષે અનેક વિદેશી વિદ્વાનો અને મંડળો આયુર્વેદ-વિજ્ઞાન વિશે પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત કરવા આ યુનિવર્સિટીની મુલાકાત લે છે. આ યુનિવર્સિટી પોતાની સાથે સંલગ્ન 24 મહાવિદ્યાલયો દ્વારા દર વર્ષે 1495 વિદ્યાર્થીઓને B.A.M.S.ના સ્નાતક અભ્યાસ માટે પ્રવેશ આપે છે. યુનિવર્સિટી પોતે પોતાની 100 શય્યાની હૉસ્પિટલ, બહિરંગ ચિકિત્સાલય, સંશોધનકેન્દ્ર, ગ્રંથાલય તથા વાચનાલય, મુદ્રણાલય, માસિક પત્ર ‘આયુ’, છાત્રાલયો તથા ઔષધ-નિર્માણ ફાર્મસીનું સંચાલન કરે છે. અહીં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમનાં કેન્દ્રો છે.
અન્ય : ગુજરાતમાં કુલ 4 આયુર્વેદિક અનુસ્નાતક તથા 2 સંશોધન-કેન્દ્રો ચાલે છે. ગુજરાતમાં આયુર્વેદનાં કુલ 4 માસિકો – ‘નિરામય’, ‘આયુ’, ‘આયુષ પ્રકાશ’ તથા ‘ચરક’ પ્રગટ થાય છે.
આયુર્વેદીય તબીબી સેવા આપતી સાર્વજનિક સંસ્થાઓ ગુજરાત રાજ્યમાં :
(1) | રુગ્ણાલયો (hospitals) | હૉસ્પિટલ-સંખ્યા | દર્દીશય્યા-સંખ્યા | |
1. | જિ. પંચાયત સંચાલિત સરકારી આયુ. હૉસ્પિટલો | 6 | 140 | |
(ભુજ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ઊંઝા | ||||
તથા ગોધરામાં) | ||||
2. | આયુ. કૉલેજ સંલગ્ન રુગ્ણાલયો | 9 | 925 | |
3. | સરકારી હૉસ્પિટલો (મણિબહેન તથા અન્ય) | 12 | 213 | |
4. | ગ્રાન્ટ ઇન એઇડ હૉસ્પિટલો | 3 | 70 | |
5. | અમદાવાદ-સિવિલ હૉસ્પિટલ, | 1 | 25 | |
આયુ. સંશોધનકેન્દ્ર | ||||
6. | વડોદરા જિલ્લા વૈદ્યમંડળ સંચાલિત સંશોધનકેન્દ્ર | 1 | 10 | |
કુલ સંખ્યા | 32 | 1383 |
(2) | આયુ. ચિકિત્સાલયો (dispensaries) | કુલ સંખ્યા | ||
1. | સરકારી આયુ. ડિસ્પેન્સરી | 57 | ||
2. | જિલ્લા પંચાયત સંચાલિત | 153 | ||
3. | ગ્રાન્ટ-ઈન-એઈડ સંચાલિત | |||
4. | હેલ્થ-સેન્ટરમાં ચાલતાં | 65 | ||
5. | અર્ધસરકારી | 43 | ||
6. | ટ્રસ્ટ, મંડળ કે સંસ્થા સંચાલિત | |||
(1) ગુ. આયુર્વેદ વિકાસમંડળ, અમદાવાદ સંચાલિત | 20 | |||
(2) વડોદરા જિલ્લા વૈદ્યમંડળ સંચાલિત | 8 | |||
(3) આયુર્વેદ સહાયક નિધિ, અમદાવાદ સંચાલિત | 1 | |||
(4) ગોવિંદપ્રસાદ વૈદ્ય ટ્રસ્ટ, અમદાવાદ સંચાલિત | 1 | |||
(5) અન્ય | 4 | 34 | ||
બંનેની કુલ સંખ્યા | 360 | |||
(3) | ફરતાં ચિકિત્સાલયો (mobile dispensaries) | સંખ્યા | સેવાક્ષેત્ર | |
1. | મણિબહેન આયુ. હૉસ્પિટલ સંચાલિત | 1 | અમદાવાદ | |
2. | ગુ. આયુર્વેદ વિકાસમંડળ, અમદાવાદ સંચાલિત | 2 | અમદાવાદ, રાજકોટ | |
3. | વડોદરા જિલ્લા આયુ. પ્રચારમંડળ સંચાલિત | 1 | વડોદરા |
નોંધ : અત્રે ખાનગી હૉસ્પિટલો તથા ડિસ્પેન્સરીઓની નોંધ લીધી નથી.
ગુજરાતની અગ્રગણ્ય આયુર્વેદિક સંસ્થાઓ
(1) ગુજરાત આયુર્વેદ વિકાસમંડળ : ગુજરાત આયુર્વેદ ભવન, આયુર્વેદભવન માર્ગ, ઇન્કમટૅક્સ સામે, અમદાવાદ-38૦ ૦13.
સંસ્થાની પ્રવૃત્તિઓ : અદ્યતન યંત્રોથી સુસજ્જ આયુ. ફાર્મસી, જેણે ઈ. સ. 1987-88માં 7 રાજ્યોમાં 1 કરોડ 10 લાખ રૂપિયાની દેશી દવાઓ વેચીને ગુણવત્તા માટે પ્રશંસા પ્રાપ્ત કરી છે. ફાર્મસીની ઔષધિઓનાં 19 વેચાણકેન્દ્રો, 20 આયુ. ચિકિત્સાલયો, 200 વનસ્પતિઓનાં ઉદ્યાન, દુષ્કાળ કે આપત્તિકાળના સમયે મફત વૈદકીય સારવાર, બે ફરતાં દવાખાનાં, નવા ચિકિત્સકોને પ્રારંભિક સહાય દ્વારા પ્રેરણાદાયી પ્રવૃત્તિ. સંસ્થા પૂર્વે સ્નાતક પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પાસ થનાર વિદ્યાર્થીને સુવર્ણચંદ્રક તથા પુરસ્કાર આપતી હતી.
(2) આયુર્વેદ સહાયક નિધિ : ગુજરાત આયુર્વેદ ભવન, આયુર્વેદ ભવન માર્ગ, ઇન્કમટૅક્સ સામે, અમદાવાદ-380013 .
પ્રવૃત્તિ : આયુર્વેદવિકાસના ઉત્તેજનાર્થે 1 આયુ. કન્સલ્ટિંગ સેંટર (નિ:શુલ્ક સેવા), સચિત્ર આયુર્વેદ દર્શન ચાર્ટસ ગૅલરી, આયુ. બુક બક, આયુ. ગ્રંથાલય તથા વાચનાલય છેલ્લાં 19 વર્ષથી આયુર્વેદ માર્ગદર્શક માસિક ‘નિરામય’નું પ્રકાશન તથા લબ્ધપ્રતિષ્ઠ વૈદ્યોનાં પુસ્તકોનું પ્રકાશન.
(3) વડોદરા જિલ્લા વૈદ્યમંડળ પ્રેરિત ‘આયુર્વેદ સેવા સમાજ’ : રાહત દવાખાના, સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા-390001 .
પ્રવૃત્તિઓ : સંસ્થાપ્રમુખ સ્વ. વૈદ્ય શ્રી નવીનભાઈ ઓઝાની રાહબરી નીચે શરૂઆત થયેલ. શહેરની મધ્યમાં દશ પથારીની એક હૉસ્પિટલ, વડોદરામાં 8 રાહત-દવાખાનાં, 1૦૦ ગામોને આવરી વૈદકીય સેવા આપતું ફરતું દવાખાનું, પંચકર્મચિકિત્સા, અવારનવાર રોગ-નિદાન-યજ્ઞો તથા અનુભવી વૈદ્યોનાં જાહેર પ્રવચનોનાં આયોજન, વનસ્પતિ-પ્રદર્શનો તથા પર્યટનો, મૂલ્યવાન વૈદકીય પ્રકાશનો, વૈદ્ય-સંમેલનો, સેમિનારો તથા ધન્વન્તરિ મહોત્સવનું પ્રેરણાદાયી આયોજન થાય છે.
(4) શ્રીમતી મણિબહેન અમૃતલાલ સરકારી આયુ. હૉસ્પિટલ : અસારવા, સિવિલ હૉસ્પિટલ પાછળ, અમદાવાદ-38૦ ૦16.
પ્રવૃત્તિઓ : 120 પથારી ધરાવતું રુગ્ણાલય, સાથે પંચકર્મ, કાયચિકિત્સા, સ્ત્રીરોગ અને પ્રસૂતિ, બાળ-વાત વ્યાધિ, અર્શ-ભગંદર, ફિઝિયૉથૅરપી, દીર્ઘાયુ કેન્દ્ર, બોન-સેટિંગ જેવા 8 વિભાગો સાથે
સુંદર બહિરંગ વિભાગ (ઓ.પી.ડી.), 500 વનસ્પતિઓનો ઉદ્યાન અને એક ફરતું દવાખાનું ધરાવનાર આ સંસ્થાએ બાળલકવા તથા વાત-વ્યાધિનાં દર્દોની સફળ સારવાર માટે યશ તથા ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે.
(5) અખંડાનંદ સરકારી આયુ. હૉસ્પિટલ : ભદ્ર, વિક્ટોરિયા ગાર્ડન પાસે, અમદાવાદ-38૦ ૦૦1 (સ્થાપના : 16-1-1965 ).
પ્રવૃત્તિઓ : શહેરની મધ્યમાં 140 પથારીની સગવડવાળું રુગ્ણાલય, સાથે કાય-ચિકિત્સા, આંખ, અસ્થિ, શલ્ય-શાલાક્ય (અગ્નિકર્મ); પ્રસૂતિ તથા પંચકર્મ જેવા વિભાગ સાથેનો બહિરંગ વિભાગ (ઓ.પી.ડી.), જ્યાં દરરોજ 25૦થી 35૦ જેટલા બહારના દર્દીઓને મફત નિદાન-ચિકિત્સાનો લાભ મળે છે. આયુર્વેદની સુંદર તબીબી સારવાર માટે લોકપ્રિય સંસ્થા રહી છે.
(6) આદર સંસ્થા (AADAR) : અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં ‘એકૅડેમી ઑવ્ આયુર્વેદ ડેવલપમેન્ટ ઍન્ડ રિસર્ચ’ નામની ‘આદર’ના ટૂંકા નામે ઓળખાતી એક આયુર્વેદિક સંસ્થા સરકાર માન્ય રજિસ્ટર્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ તથા રજિ. ચૅરિટેબલ સોસાયટી તરીકે નોંધાઈને છેલ્લાં 2૦ વર્ષથી કાર્યરત છે.
આ સંસ્થા ગુજરાત ખાતે આયુર્વેદ અને તેને સંલગ્ન ઔષધીય શાસ્ત્રોના વિકાસ માટેનાં વિવિધ કાર્યો કરે છે. ઈ. સ. 2012 ના વર્ષમાં આ સંસ્થામાં 2૦૦થી વધુ સભ્યો છે. તેમાં આયુર્વેદ ઉપરાંત ઍલૉપથીના તબીબો તથા વિવિધ વિદ્યાશાખાઓના તજ્જ્ઞો સંકળાયેલા છે. આ સંસ્થા મૂળભૂત રીતે તમામ શાસ્ત્રોના સમન્વય દ્વારા આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોને વૈજ્ઞાનિક ર્દષ્ટિકોણથી સમજવા, તેની મહત્તા અને મહત્વ સાબિત કરવા અને તે અંગે જનજાગૃતિ ફેલાવવા માટે સવિશેષભાવે સક્રિય છે.
આ સંસ્થાની રચનાત્મક પ્રવૃત્તિઓમાં સેમિનારો, રિસર્ચ પ્રૉજેક્ટો તથા મેડિકલ રિલીફ કૅમ્પસનું આયોજન તથા ઍવૉર્ડ દ્વારા વિશેષજ્ઞોનું સન્માન; આયુર્વેદના વિદ્યાર્થીઓ અને વૈદ્યો માટે પ્રોત્સાહક પ્રવૃત્તિઓનું સંચાલન, આયુર્વેદના ક્ષેત્રે કાર્ય કરનારાઓને પ્રોત્સાહક થાય તેવી યોજનાઓ અને સામાન્ય જનસમુદાયમાં આયુર્વેદ લોકભોગ્ય બને – સર્વસ્વીકૃત બને તેવી અનેક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
ભારતમાં રાજ્યવાર આયુર્વેદિક હૉસ્પિટલો તથા ડિસ્પેન્સરીઓની
સંખ્યાની તાલિકા (સપ્ટેમ્બર 2012ના વર્ષ મુજબ)
ક્રમ | રાજ્યનું નામ | હૉસ્પિટલોની સંખ્યા | ડિસ્પેન્સરીઓની સંખ્યા |
1 | આંધ્રપ્રદેશ | 8 | 1003 |
2 | અરુણાચલ પ્રદેશ | 11 | 2 |
3 | આસામ | 1 | 380 |
4 | બિહાર | 11 | 311 |
5 | છત્તીસગઢ | 9 | 1272 |
6 | દિલ્હી | 3 | 156 |
7 | ગોવા | 1 | 9 |
8 | ગુજરાત | 41 | 523 |
9 | હરિયાણા | 8 | 493 |
10 | હિમાચલપ્રદેશ | 27 | 1105 |
11 | જમ્મુ અને કાશ્મીર | 1 | 240 |
12 | ઝારખંડ | 1 | 220 |
13 | કર્ણાટક | 133 | 561 |
14 | કેરળ | 126 | 898 |
15 | મધ્યપ્રદેશ | 21 | 1427 |
16 | મહારાષ્ટ્ર | 63 | 469 |
17 | મણિપુર | 0 | 32 |
18 | મેઘાલય | 1 | 4 |
19 | મિઝોરમ | 0 | 1 |
20 | નાગાલૅન્ડ | 0 | 109 |
21 | ઓરિસા | 8 | 624 |
22 | પંજાબ | 15 | 0 |
23 | રાજસ્થાન | 118 | 3577 |
24 | સિક્કિમ | 0 | 0 |
25 | તમિળનાડુ | 2 | 97 |
26 | ત્રિપુરા | 1 | 54 |
27 | ઉત્તરપ્રદેશ | 1771 | 389 |
28 | ઉત્તરાખંડ | 7 | 467 |
29 | પશ્ચિમ બંગાળ | 4 | 295 |
30 | આંદામાન વગેરે ટાપુઓ | 1 | 8 |
31 | ચંડીગઢ | 1 | 8 |
32 | દાદરા-નગરહવેલી | 0 | 0 |
33 | દમણ અને દીવ | 0 | 6 |
34 | લક્ષદ્વીપ | 0 | 8 |
35 | પુદુચેરી | 1 | 21 |
કુલ | 2197 | 14,769 |
નોંધ : ઍલૉપથી અને આયુર્વેદ ઉપરાંત ભારતમાં યુનાની, સિદ્ધ, યોગપ્રણાલી, કુદરતી ઉપચાર (નેચરોપથી), હોમિયોપથી તથા અન્ય વિભાગની પણ આરોગ્ય-સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ કાર્યરત છે.
સૌથી વધુ આયુર્વેદીય આરોગ્ય સેવા આપતાં રાજ્યો (ક્રમવાર)
ક્રમ | રાજ્યનું નામ | હૉસ્પિટલોની સંખ્યા | ડિસ્પેન્સરીઓની સંખ્યા |
1 | ઉત્તરપ્રદેશ | 1771 | 389 |
2 | કર્ણાટક | 133 | 561 |
3 | કેરળ | 126 | 898 |
4 | રાજસ્થાન | 118 | 3577 |
5 | મહારાષ્ટ્ર | 63 | 469 |
6 | ગુજરાત | 41 | 523 |
માહિતીસંદર્ભ : ‘આયુષ’ સંસ્થા – દિલ્હી.
હરિદાસ શ્રીધર કસ્તૂરે
બળદેવપ્રસાદ પનારા
મૂળરાજ વૈદ્ય