આયપ્પન, આઈનીપલ્લી

January, 2002

આયપ્પન, આઈનીપલ્લી (જ. 5  ફેબ્રુઆરી 1905 , કેરાળા; અ. 28  જૂન 1988)  : ભારતના વિખ્યાત માનવશાસ્ત્રવિશારદ. તેઓ મૂળ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા. મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો ડિપ્લોમા 1926માં અને અનુસ્નાતકની પદવી 1927 માં પ્રાપ્ત કરેલ. 1937 માં લંડન સ્કૂલ ઓફ ઇકૉનૉમિક્સમાં સમાજમાનવશાસ્ત્રની પીએચ.ડી.ની પદવી માટે સમાજમાનવશાસ્ત્રના વિખ્યાત વિદ્વાનો બી. મેલિનૉવસ્કી અને આર. ડબ્લ્યુ, ફર્થની દોરવણી નીચે તેમણે અભ્યાસ કરેલો. 1929-1940 મદ્રાસ મ્યુઝિયમના ક્યૂરેટર અને પછી 1954 સુધી તેના નિયામક રહ્યા. 1954 ના અરસામાં અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાં માનાર્હ પ્રાધ્યાપકનું કામ કર્યું. 1958 માં ઉત્કલ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રના પ્રાધ્યાપક નિમાયા અને નિવૃત્ત થયા ત્યાં સુધી આ કામ કર્યું. આ દરમિયાન એમણે ઓરિસા રાજ્યના આદિવાસી સંશોધન બ્યૂરોના માનાર્હ નિયામક અને સલાહકાર તરીકે સેવા આપી. 1946 માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં માનવશાસ્ત્ર અને પુરાતત્વ વિભાગના પ્રમુખ થયા. આ ઉપરાંત તેઓ પ્લાનિંગ કમિશનની રિસર્ચ પ્રોગ્રામ્સ કમિટી અને કૉમનવેલ્થ સોશિયલ ઍન્થ્રોપૉલૉજી મંડળના સભ્ય પણ રહેલા. દક્ષિણ ભારતના ઘણા આદિવાસીઓ વિશે અભ્યાસપૂર્ણ પુસ્તકો અને લેખો તેમણે લખ્યાં છે.

હર્ષદ રા. ત્રિવેદી