આયન (Ion) : એક કે વધુ ધન કે ઋણ વિદ્યુતભાર ધરાવનાર પરમાણુ કે પરમાણુઓનો સમૂહ. ધનભારવાહી આયનને ધનાયન(cation) અને ઋણભારવાહી આયનને ઋણાયન(anion) કહે છે. તટસ્થ પરમાણુઓ કે અણુઓ ઇલેક્ટ્રૉન ગુમાવીને કે મેળવીને આયનમાં રૂપાંતરિત થાય છે. આયનનું બીજા કણો સાથે જોડાણ થવાથી અથવા સહસંયોજક બંધનું અસમાન વિખંડન થવાથી પણ આયનો ઉત્પન્ન થાય છે :

દા.ત., Na → Na+ + e, ½ H2 → H+ + e, ½Cl2 + e → Cl

NH3 + H+ → NH2 +

H:O:H → H+ + O H અથવા (OH)

સામાન્યપણે હાઇડ્રોજન અને ધાતુઓ ધનાયન આપે છે [એમોનિયમ આયન (N ) ધનાયન છે]. જ્યારે અધાતુઓ અને પરમાણુઓના સમૂહ ઋણાયન આપે છે. આયન ઉપરના વિદ્યુતભારના એકમોની માત્રા વિદ્યુતસંયોજકતા (electrovalency) જેટલી હોય છે. તેને આ પ્રમાણે લખાય છે : Ba++ અથવા Ba2+, SO4અથવા SO42ની વિદ્યુતસંયોજકતા 2 છે. Na+, Cl વગેરે સાદા જ્યારે Cu(NH3)4++, Ag(CN)2 વગેરે સંકીર્ણ આયનો છે, જે અનુક્રમે ધન અને ઋણભારવાહી છે. આયનયુક્ત દ્રાવણો વિદ્યુતવાહક હોય છે. વિદ્યુતક્ષેત્રની અસર તળે આયનોનું સ્થળાંતર થાય છે. ઘણા સ્ફટિકમય પદાર્થોમાં આયનો ચુસ્ત રીતે જકડાયેલ હોય છે; દા.ત., સોડિયમ ક્લોરાઇડ સ્ફટિકમાં પણ સોડિયમ (Na+) અને ક્લોરાઇડ (Cl) આયનોનું અસ્તિત્વ હોય છે, પણ તેઓ મુક્ત હોતા નથી. સોડિયમ ક્લોરાઇડને પાણીમાં ઓગાળતાં કે ગરમીથી પિગાળતાં આયનો મુક્ત બને છે અને વિદ્યુત પોટૅન્શિયલની અસર તળે ગતિ કરે છે.

સ્વીડિશ વૈજ્ઞાનિક આર્હેનિયસે આયનો અંગેની સંકલ્પના સૌપ્રથમ રજૂ કરી ત્યારે વિજ્ઞાનજગતમાં આયન અને પરમાણુ વચ્ચેનો ભેદ નહિ સમજવાને કારણે સારો એવો વિરોધ થયો હતો.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ