આમ્નાય : તાંત્રિક ચર્યાવિધિના મૂળ ગ્રંથો. તંત્રગ્રંથોમાં આમ્નાય છ બતાવ્યા છે. કહે છે ભગવાન સદાશિવે પોતાના એક એક મુખમાંથી એક એક આમ્નાયનો ઉપદેશ આપેલો હતો. શિવને પંચમુખ માનવામાં આવે છે. છઠ્ઠું આમ્નાય એમના ગુપ્ત અંગમાંથી પ્રગટેલું કહેવાય છે. પોતાના સદ્યોજાત નામના પૂર્વ મુખમાંથી તેમણે ‘પૂર્વામ્નાય’નો ઉપદેશ આપેલો હતો, જેમાં ભુવનેશ્વરી, ત્રિપુરા, લલિતા, પદ્મા, શૂલિની વગેરે દેવીઓની અર્ચાવિધિ અને તે અંગેના મંત્રો સમજાવ્યાં છે. બીજા અઘોર નામના મુખથી ‘દક્ષિણ-આમ્નાય’નો ઉપદેશ કર્યો છે, જેમાં સદાશિવ, દક્ષિણામૂર્તિ, બટુક, મંજૂઘોષ, ભૈરવ, મૃત-સંજીવનીવિદ્યા તેમજ મૃત્યુંજયનું વિવરણ અને તેમનાં ચર્યાવિધિ અને મંત્રોનું વિવેચન છે. તત્પુરુષ નામના નવજાત મેઘની કાંતિવાળા પશ્ચિમ-મુખથી ગોપલ, કૃષ્ણ, નારાયણ, વાસુદેવ, નૃસિંહ, વામન, વરાહ વગેરે વિષ્ણુના અવતારો, ચંદ્ર, સૂર્ય વગેરે ગ્રહો, ગરુડ, હનુમાન, દિક્પાલ વગેરે સુરો તેમજ તેમના મંત્રો અને અર્ચાવિધિઓનું વર્ણન કરનારું ત્રીજું ‘પશ્ચિમામ્નાય’ છે. વામદેવ નામના ઉત્તર મુખથી ‘ઉત્તરામ્નાય’નો ઉપદેશ થયો છે જેમાં દક્ષિણ કાલિકા, મહાકાલી, સ્મશાનકાલી, ભદ્રકાલી, ઉગ્રતારા, છિન્નમસ્તા, દુર્ગા વગેરે દેવીઓ, તેમની અર્ચાવિધિ તેમજ મંત્રોનું વિવરણ છે. પાંચમું ‘ઊર્ધ્વમ્નાય’ છે, જે શુક્લવર્ણના ઊર્ધ્વમુખથી પ્રગટ્યું છે. એમાં ત્રિપુરસુંદરી, સ્મશાનભૈરવી, ભુવનેશીભૈરવી, અન્નપૂર્ણા ભૈરવી, પંચમી, ષોડશી, માલિની વગેરેનું તેમના મંત્રો અને અર્ચાપ્રકારો સહિતનું વિગતે વિવેચન થયું છે. છઠ્ઠું આદ્યામ્નાય કે ઈશાનમ્નાય ગુપ્ત છે. પ્રથમ ચાર આમ્નાય ધર્મ, અર્થ, કામ, મોક્ષ  બધાને માટે સુલભ છે જ્યારે  ઊર્ધ્વ અને આદ્યામ્નાય માત્ર મોક્ષ માટે છે. સામાન્ય રીતે છઠ્ઠા આમ્નાયની પૂજા કરવામાં આવતી નથી. ‘નુરુત્તર-તંત્ર’માં જણાવ્યા અનુસાર પહેલા બે આમ્નાય ‘પશુ’ સાધકો માટે, ત્રીજું પશ્ચિમામ્નાય પશુ અને વીર બંને સાધકો માટે, ચોથું ઉત્તરામ્નાય વીર અને દિવ્ય બંને માટે અને પાંચમું ઊર્ધ્વઆમ્નાય માત્ર દિવ્ય સાધકો માટે વિહિત છે. કૌલ સાધનામાં દિવ્યભાવ, વીરભાવ અને પશુભાવ – આ ત્રણે ભાવો અનુસાર ત્રણ પ્રકારના સાધક કે અધિકારી ગણાય છે. એમાં દિવ્ય ઉત્કૃષ્ટ, વીર મધ્યમ અને પશુ વિશ્વાનિંદિત અધમકોટિના સાધક ગણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ