આમળાં : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Emblicaofficinalis Gaertn. syn. Phyllanthus emblica Linn. (સં. આદિફલ, ધાત્રી, આમલકા; હિં. આમલા, આમરા; બં. આમલકા; મ. આંવળે; ક. નલ્લામારા; તે. ઉસરકાય; ત. નલ્લામાર; મલ. આમલકં નેલ્લી; અં. એમ્બલિક મિરોબેલન) છે. આમળાં કુળનાં સહસભ્યોમાં વિવિધ પ્રકારના થોર, એકલકંટો, ભોમ, શીવણો, કંબોઈ, ભોંયઆમલી, પુત્રંજીવ, રતનજ્યોત, નેપાળો, એરંડી, રબર વગેરે ગણાય છે.

Fruits of Phyllanthus emblica L.

આમળા(Emblica officilanis)ની પુષ્પીય શાખા

સૌ. "Fruits of Phyllanthus emblica L." | CC BY 2.0

આમળાંનો ઉલ્લેખ વૈદિક કાળથી જોવા મળે છે. તેનું મૂળ વતન દક્ષિણ ભારત મનાય છે. કોંકણ, માથેરાન, શામળાજી, આબુ-અંબાજી, બરડો, ગિરનાર, સાપુતારા અને પશ્ચિમ ઘાટનાં જંગલોમાં 1,350 મી.ની ઊંચાઈ સુધી તે સાધારણતયા થાય છે. ઉત્તરપ્રદેશ આમળાંની ખેતીમાં મોખરે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં છૂટુંછવાયું વાવેતર જોવા મળે છે. તેની માગ વધુ હોવાથી ખેડૂતો આમળાંના પાક તરફ આકર્ષાયા છે. અમેરિકા અને એશિયાના ઉષ્ણકટિબંધમાં આવતા ભાગોમાં ઉદ્યાનોમાં તે વાવવામાં આવે છે.

તે સાધારણ નાનાં, મધ્યમ કદનાં, પર્ણપાતી (deciduous), 8 મી. થી 15 મી. ઊંચાં, સુંદર લીસી પીળીથી ભૂરા રંગની અને અપશલ્કિત (exfoliating) છાલવાળાં વૃક્ષો છે. તેનાં પર્ણો સાદાં હોવા છતાં સંયુક્ત હોય તેવાં દેખાય છે અને દ્વિપંક્તિક (distichous) અને નાનાં હોય છે.

તે મોટે ભાગે દ્વિગૃહી (dioecious) છે, એટલે કે નર અને માદા વૃક્ષો જુદાં જુદાં હોય છે. એકગૃહી (monoecious) ભાગ્યે જ હોય છે. એકગૃહી પ્રકારની આમળાની જાતમાં એક જ વૃક્ષ ઉપર નર અને માદા પૃષ્પો આવે છે. પુષ્પનિર્માણની ક્રિયા માર્ચ-એપ્રિલમાં થાય છે અને ફળ જૂનથી સપ્ટેમ્બર સુધી મળે છે. પુષ્પો નાનાં, ઝૂમખાં-(fascicles)માં અને પર્ણ ધરાવતી શાખાઓ ઉપર કે શાખાના પર્ણવિહીન જૂના ભાગો ઉપર ઉત્પન્ન થાય છે. નરપુષ્પો ઘણાં, મોટા ઝૂમખામાં ઉત્પન્ન થાય છે અને નાજુક દંડ ધરાવે છે. નરપુષ્પમાં પરિદલપત્રો 6 અને પુંકેસર ૩હોય છે અને નાના સ્તંભ ઉપર ગોઠવાયેલાં હોય છે. અને તેમાં બિંબ (disc) ગેરહાજર હોય છે. માદા પુષ્પો થોડાં હોય છે અને તે પ્યાલાકાર બિંબ ધરાવે છે. બીજાશયમાં ત્રિકોટરીય અક્ષવર્તી (axile) જરાયુવિન્યાસ (placentation) જોવા મળે છે. પ્રત્યેક કોટરમાં બે અંડકો હોય છે. પરાગવાહિની 3 અને દ્વિશાખિત હોય છે. ફળ ગોળાકાર, સોપારી જેવડું (1.2 સેમી.થી 2.5 સેમી. વ્યાસવાળું), 6 સાદી ખાંચ ધરાવતું અને આછા પીળા રંગનું હોય છે.

આમળાંના પાકને ગોરાડુ અને મધ્યમ કાળી જમીન તથા ગરમ સૂકો વિસ્તાર વધુ અનુકૂળ છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા અને વાનસ્પતિક રીતથી થાય છે. બીજી પદ્ધતિથી સારી ગુણવત્તાવાળા અને એકસરખા છોડ ઉછેરી શકાય છે. આંખ-કલમ અને નૂતન કલમપદ્ધતિ પણ તેને અનુકૂળ ગણાય છે. રોપણીનું અંતર 8 x 8 મી. અથવા 10 x 10 મી. રાખવામાં આવે છે. શેઢે-પાળે રોપણીમાં 6 મી. અંતર રખાય છે. 10 મી.ના પુખ્ત છોડને વર્ષે બે હપ્તે દેશી ખાતર 50 કિગ્રા., નાઇટ્રોજન 1.5 કિગ્રા., ફૉસ્ફરસ 0.40 કિગ્રા. અને પોટાશ 1.0 કિગ્રા. આપવામાં આવે છે. આમળાંનાં વૃક્ષો મજબૂત અને ઊંડાં સોટીમૂળ ધરાવતાં હોઈ ખાસ પિયતની જરૂરિયાત પડતી નથી, પરંતુ ઊછરતા છોડને ઉનાળા દરમિયાન પિયત જરૂરી ગણાય છે. આમળાંની સુધારેલી જાતો બનારસી, ચકૈયા, કંચન, ક્રિશ્ના, આણંદ-1, આણંદ-2, હાથીઝૂલ વગેરે છે. વૃક્ષદીઠ 125 કિગ્રાથી 225 કિગ્રા. આમળાંનું ઉત્પાદન મળે છે. આમળાંનો પાક શિયાળામાં ઊતરે છે.

આમળાંના પાકના રોગો ગંભીર અને વ્યાપક પ્રકારના હોતા નથી. આમળાંમાં ગેરુ, ફળનો કોહવારો, છાલ ખાનારી ઇયળ, ગાંઠ બનાવનારી ઇયળ અને પાન વાળનારી ઇયળના રોગો જોવા મળે છે. આમળાંના ગેરુ અને ફળના કોહવારા ઉપર 0.2 % ડાયથેન – એમ 45નો છંટકાવ લાભદાયક છે. આમળાં શુષ્કતા અને હિમસંવેદી હોય છે.

ફળના ગરનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 81.2 %; પ્રોટીન 0.5 %; લિપિડ 0.1 %; ખનિજ-દ્રવ્ય 0.7 %; રેસા 3.4 %; કાર્બોદિતો 14.1%; કૅલ્શિયમ 0.05 %; ફૉસ્ફરસ 0.02 %; લોહ 1.2 મિગ્રા./100 ગ્રા.; નિકોટિનિક ઍસિડ 0.2 મિગ્રા. અને પ્રજીવક સી 600  મિગ્રા./ 100  ગ્રા. તાજા ગરમાં અને દબાવીને કાઢેલા રસમાં પ્રજીવક ‘સી’ અનુક્રમે 720 મિગ્રા. અને 921 મિગ્રા./100  ગ્રા. હોઈ શકે છે. ફળમાં પૅક્ટિન પુષ્કળ પ્રમાણમાં હોય છે.

આયુર્વેદ પ્રમાણે તે પરમ પિત્તશામક, ત્રિદોષશામક, મધુરવિપાકયુક્ત, સપ્તધાતુવર્ધક, શુક્રવર્ધક, વૃષ્યરસાયન, શ્રેષ્ઠ વયસ્થાપક, સદાપથ્ય, ચક્ષુષ્ય, કેશ્ય, હૃદ્ય, ગર્ભસ્થાપક અને સારક છે. આમળાં કિંચિત્ તીખાં, મીઠાં, કડવાં, ખાટાં, તૂરાં અને શીત હોય છે અને રક્તપિત્ત, પ્રમેહ, પ્રદર, દાહ, તૃષા, ક્ષય, દૌર્બલ્ય, શુક્રદોષ, વંધ્યત્વ વગેરે ઉપર ઉપયોગી ગણાય છે. સૂકાં આમળાં કડવાં, તીખાં, ખાટાં, મધુર, તૂરાં, કેશ્ય, ભગ્નસંધાનકર, ધાતુવર્ધક અને નેત્રને હિતકર હોય છે તથા શરીરે લગાડવાથી કાંતિકારક છે અને પિત્ત, કફ, પરસેવો, મેહ, વિષ અને ત્રિદોષનો નાશ કરે છે. તે ધોળી ધૂપણી ઉપર, સર્વ જ્વર ઉપર, આમલક્યાદિ ચૂર્ણ અને આમલક્યાદિ ક્વાથ પિત્ત ઉપર, આમળાનો મુરબ્બો અને આમળાંની ગોળીઓ (કોચકાઈ) બનાવવા માટે; ખસ, સ્વરભેદ ઉપર, અશુદ્ધ અભ્રક-ભક્ષણ કરવાથી થતા વિકાર અને ઊલટી તેમજ શ્વાસ તથા રક્તપિત્ત અને પ્રમેહ ઉપર; જરા (વૃદ્ધત્વ) ન આવવા માટે; આંખોની બળતરા શાંત કરવા માટે; તાવમાં શોષ પડે કે અરુચિ થાય તે ઉપર, મૂત્રકૃચ્છ્ર (પેશાબમાં બળતરા થઈ તે થોડો થોડો ઊતરવો) તથા અમ્લપિત્ત ઉપર, નાકમાંથી લોહી પડે છે તે ઉપર; બહુમૂત્ર ઉપર, રેચક તરીકે, શરીર ઉપર ઊઠતા પિત્ત (ગરમી) ઉપર; મસ્તકશૂળ, પિત્તશૂળ અને મૂર્છા ઉપર; પેશાબ લાલ થાય તો; રક્તાતિસાર, બાળકોના અતિસાર, પિત્તવિકાર તથા કમળાના રોગ ઉપર અને ધાતુપૃષ્ટિ માટે ઉપયોગી છે.

તે મુરબ્બો, ચ્યવનપ્રાશ, ધાત્રીરસાયણ, ધાત્રીલોહ, ધાત્રીચૂર્ણ, ત્રિફળા, રસાયણચૂર્ણ વગેરેમાં અગત્યના ઘટક તરીકે હોય છે.

ફળનો ઉપયોગ લખવાની શાહી અને વાળ રંગવા માટેનો કલપ બનાવવામાં થાય છે. શુષ્ક ફળ સ્વચ્છક હોવાથી માથાના વાળ ધોવા માટે શૅમ્પૂ તરીકે તે કામમાં આવે છે. ફળોમાં રહેલું સ્થાયી તેલ વાળની વૃદ્ધિને ઉત્તેજે છે.

ફળ, છાલ અને પર્ણો પુષ્કળ પ્રમાણમાં ટૅનિન ધરાવે છે. આ વનસ્પતિમાં ટૅનિનનું વિતરણ આ પ્રમાણે છે : ફળ 28 %; શાખાની છાલ 21 %; થડની છાલ 8 %થી 9 % અને પર્ણો 22 %. શાખાની છાલનો ઉપયોગ ચર્મશોધન કરવામાં થાય છે.

પર્ણો અને ફળો ઢોરો માટે ચારા તરીકે ઉપયોગી છે. પર્ણોમાંથી મળતો બદામી પીળો રંગ રેશમ અને ઊન રંગવામાં વપરાય છે. મૈસૂરમાં સોપારી અને ઇલાયચીના બગીચાઓમાં તેનાં પર્ણોનો ખાતર તરીકે, આલ્કલી-ભૂમિની સુધારણા માટે ઉપયોગ કરવામાં આવે છે.

તેનું કાષ્ઠ (વજન 720 કિગ્રા.થી 928 કિગ્રા./ ઘમી.) લાલ, સખત અને દૃઢગઠિત (close-grained) હોય છે અને કૃષિનાં સાધનો, થાંભલા અને નીચલી કક્ષાનાં બાંધકામમાં અને ફર્નિચર બનાવવામાં ઉપયોગી છે. તેનો બળતણ તરીકે અને કોલસો બનાવવામાં ઉપયોગ થાય છે.

E. Fischeri Gamble મોટાં પર્ણો ધરાવતું નાનું વૃક્ષ છે અને કર્ણાટક, ડૅક્કન અને પશ્ચિમ ઘાટમાં 900 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનાં ફળો અથાણું બનાવવામાં ઉપયોગી છે.

ભૂપાલસિંગ ચૂડાવત

કરસનભાઈ પુરુષોત્તમભાઈ કીકાણી
ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

મ. દી. વસાવડા

શોભન વસાણી
બળદેવભાઈ પટેલ