આમલક, આમલશિલા : ભારતીય મંદિરના શિખર કે સ્તંભની ઉપર મૂકવામાં આવતો ગોળાકાર પથ્થર. આમલક (આમળા) ફળના આકાર સાથેના સામ્યને કારણે તેને આમલક કહે છે. શિખરની ઉપર શીર્ષ કે કળશ તરીકે તેની સ્થાપના થાય છે. તે સામાન્ય રીતે ધ્વજસ્તંભના આધારરૂપ હોય છે. આમલકની અગત્ય દર્શન અને બાંધકામની દૃષ્ટિએ ઘણી હતી. જુદી જુદી શૈલીનાં શિખરો પ્રમાણે આ ભાગની પણ બાહ્ય આકારની રચના થતી. ખાસ કરીને બેઠા ઘાટના ગોળાકાર પથ્થર આમલક તરીકે મૂકવામાં આવતા ને તેના ઉપર સુંદર કોતરણી થતી.

આકૃતિ 1 : આમલકનાં વિવિધ રૂપ

 

અહીં દર્શાવેલ આકૃતિઓમાં નં. 4 બેસનગર અને નં. 3 તથા 5 બેડસાની છે. પાછળની સદીઓમાં આ જાતની રેખાકૃત ખાંચવાળી શૈલીના સ્તંભો, ચૈત્યો, વિહારો અને મંદિરોમાં કુંભાકાર સ્તંભશીર્ષ જોવા મળે છે.

રવીન્દ્ર વસાવડા