આમરાજ અથવા આમશર્મા

January, 2002

આમરાજ અથવા આમશર્મા (12મી સદી ઉત્તરાર્ધ – 13મી સદી પૂર્વાર્ધ) : ગુજરાતના વિદ્વાન જ્યોતિષી. ઉત્તર ગુજરાતમાં આવેલ આનંદપુર(આધુનિક વડનગર)માં નાગર બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતાનું નામ મહાદેવ અને દાદાનું નામ બન્ધુક. તેમના ગુરુ ત્રિવિક્રમે ઈ. સ. 1180માં ‘ખંડખાદ્યોત્તર’ નામના ગ્રંથની રચના કરી હતી. આમરાજ જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. તેમણે બ્રહ્મગુપ્તલિખિત ‘ખંડખાદ્યક’ ગ્રંથ પર ‘વાસનાભાષ્ય’ નામનું ભાષ્ય લખ્યું હતું. આ ગ્રંથ કૉલકાતા વિશ્વવિદ્યાલયે 1925માં પ્રસિદ્ધ કર્યો હતો. આ ભાષ્યમાં આચાર્ય આર્યભટ્ટ, વરાહમિહિર, લલ્લ, ભટ્ટોત્પલ, ચતુર્વેદ પૃથૂદક, સોમેશ્વર, દુર્ગ રીહલીય વગેરે જ્યોતિષના પુરોગામી વિદ્વાનોનો ઉલ્લેખ કરેલો છે. તેમાં આર્યભટ્ટતંત્ર, બ્રહ્મગુપ્તકૃત બ્રહ્મસિદ્ધાંત, લલ્લકૃત શિષ્યધીવૃદ્ધિ તથા ખંડખાદ્યપદ્ધતિ, પૌલિશ સિદ્ધાંત, ભાસ્કરાચાર્યકૃત સિદ્ધાંત-શિરોમણિ, ત્રિવિક્રમકૃત ખંડખાદ્યકોત્તર વગેરેમાંથી ઉતારેલાં ઉદ્ધરણ મળે છે. આ ભાષ્યની રચનામાં તેમણે લલ્લ, ભટ્ટોત્પલ અને સોમેશ્ર્વરનાં પ્રાચીન ભાષ્યોની સહાય લીધી હતી.

ભારતીય જ્યોતિષના ઇતિહાસમાં આમરાજનું વિશેષ મહત્વ તેમણે આચાર્ય વરાહમિહિરના મૃત્યુના સમયનો નિશ્ચિત રૂપે ઉલ્લેખ કર્યો છે તે ગણાય. તેમણે લખ્યું છે : ‘આચાર્ય વરાહમિહિર શકસંવત 509 (એટલે ઈ. સ. 587)માં અવસાન પામ્યા હતા અને તે સમયે અયનાંશનો ઘણુંખરું અભાવ હતો.’

આમરાજના કુટુંબને ચૌલુક્યવંશી રાજકુટુંબ સાથે નિકટનો સંબંધ હતો. તેમના દાદા બન્ધુક રાજા કર્ણ (1066-1093) તથા તેના ભાઈ અજયપાલ, ભીમ બીજા (1178-1241) સાથે સંબંધ ધરાવતા હતા.

શ્રીપતિકૃત ‘જ્યોતિષરત્નમાલા’ના સુપ્રસિદ્ધ ટીકાકાર મહાદેવ (આશરે 1263) આમરાજના ભત્રીજા હતા.

કે. એસ. શુક્લ